વૉટરગેટના પર્દાફાશ વચ્ચેય નિકસન ફરી પ્રમુખ બની ગયા…

પ્રફુલ શાહ
પ્રમુખ નિક્સનના રાજમાં વ્હાઈટ હાઉસની અંદર કલ્પના ન કરી શકાય એવા કાવાદાવા રચાતા હતાં પ્રમુખ રિચાર્ડ નિકસનની ગુપ્ત ‘પ્લમ્બર’ ટીમના સભ્યો ટોચના અમલદારો હતા. એ લોકો જે સ્થળે, જે હાલતમાં અને જે સાધન-સામગ્રી સાથે રંગેહાથ પકડાયા એ પછી, બધું પૂનમના ચંદ્રની જેમ સાફ હતું: પણ ગેંડા ચામડીવાળા રાજકારણી એનેય અવગણી ગયા, પચાવી ગયા.
બે દિવસના મૌન એટલે કે પૂરતી તૈયારી-વિચારણા બાદ વ્હાઇટ હાઉસ તરફથી ચોંકાવનારા પ્રતિભાવ આવ્યા. વ્હાઇટ હાઉસના તત્કાલીન સેક્રેટરી રોનાલ્ડ જિગ્લરે વૉટરગેટ બ્રેક-ઇન અર્થાત્ વૉટરગેટમાં ઘૂસણખોરીને થર્ડ ગ્રેડ ચોરી ગણાવીને એની નિંદા કરી, પરંતુ આમાં વ્હાઈટ હાઉસની લેશમાત્ર સંડોવણી હોવાને આડકતરો રદિયો આપી દીધો. આ પ્રતિભાવ રાજકારણ પ્રેરિત હોવા અંગે કોઇને (લેશમાત્ર) શંકા નહોતી. એક રાજકીય અપરાધને છુપાવવા માટે સત્તાધીશો મચી પડયા હતા.
વૉટરગેટ હોટેલમાં ઘૂસણખોરી કરતા પકડાયેલા પાંચ અને મિશન પૂરી થયાના વાવડની પ્રતીક્ષા કરતા સંતાઇ રહેલા બે સહિત, કુલ પાંચ જણાંની ધરપકડ થઇ હતી. એક તરફ સત્તાવાર નિવેદન આપી દીધું. બીજી બાજુ પકડાયેલાઓને શાંત રાખવાની કવાયત શરૂ થઇ ગઇ.
સૌ પ્રથમ તો રંગે હાથે પકડાઇ ચૂકેલાઓને બચાવવાની તડામાર તૈયારી થવા માંડી. એમના પરિવારનેય સાચવવાના સંભાળવાના હતા. ત્રીજું મહત્ત્વનું કામ હતું પકડાયેલાઓના મોઢા બંધ રખાવવાનું. આ કામ ધાકધમકીથી થઇ શકે કે મોંમાં ડૉલર ઠુસીને. બીજો વિકલ્પ જ અપનાવવો પડે એમ હતો. પાછળથી બહાર આવેલી વિગતો મુજબ એકલા હન્ટે જ હોઠ સીવી લેવાની કિંમતરૂપે 2 લાખ ડૉલર માંગ્યા, જેમાંથી 75 હજાર ડૉલર તાત્કાલિક આપી દેવાયા. આ બધાની ચુપકીદી નિકસનને દસ લાખ ડૉલરની પડી હતી. આ રકમની વ્યવસ્થા કરવાનું જરાય મુશ્કેલ નહોતું. કારણકે તેઓશ્રી તો દેશના પ્રમુખ હતા.
સરકારી ઢાંકપિછોડાના ધમપછાડા વચ્ચે અખબારોએ વૉટરગેટ કૌભાંડને ખૂબ ગંભીરતાથી લીધું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ તરફથી આ કૌભાંડના રિપોર્ટિંગની કામગીરી બે પ્રમાણમાં નવાસવા પત્રકારોને સોંપાઇ. આ બન્ને નવશિખિયા જાણતા નહોતા કે તેઓ ઇતિહાસ રચવાના હતા. અમેરિકામાં રાજકિય ભૂકંપ લાવવાના હતા. કાર્લ બર્નસ્ટેન અને બૉબ વુડવર્ડમાં હિમ્મત, ધીરજ અને મક્કમતા હતા. આ બન્નેને ‘ડીપ થ્રોટ’ જેવું ઉપનામ ધરાવતા એક સૂત્રધારે ખૂબ થોકબંધ માહિતી, ગુપ્ત દસ્તાવેજ અને ચોંકાવનારી લીડ્સ (અણસાર) આપ્યા.
આ ઘટનાના ત્રણેક દાયકા બાદ ઘટસ્ફોટ થયો કે એ સમયની બદનામ પોર્ન ફિલ્મ ‘ડીપ થ્રોટ’ જેનું ઉપનામ ધારણ કરનાર બીજું કોઇ નહીં પણ એફબીઆઇના એસોસિએટ ડિરેક્ટર માર્ક ફેલ્ટ હતા ! અમલદારોમાંય ઇમાનદારી હોય જ પણ કમનસીબે એ લોકો મોટે ભાગે લઘુમતિમાં કા સાવ એકલદોકલ હોવાના. સમય ત્રણ મોરચે પસાર થઇ રહ્યો હતો. પકડાયેલાઓના ખરીદાયેલા મૌન, સરકારી રદિયા અને એક પછી એક અખબારી સ્કુપ વચ્ચે રિચાર્ડ નિકસન ફરીવાર ચૂંટણી લડયા અને જીતી પણ ગયા! વિચારો કે પ્રજા કેટલી ભોળી કે એક એક સરકારી ગાણાને સત્ય માની લે. પોતે ચૂંટેલો માણસ ખોટો ન હોય એવો વિશ્વાસ હશે કે પોતાની પસંદગી ખોટી હોવાના સત્યનો અસ્વીકાર, પણ નિકસન બીજીવાર પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા.
પરંતુ રિચાર્ડ નિકસનના વિજયથી અખબારો ન એમના પગમાં આળોટવા માંડયા, ન પોતાના અહેવાલોને ખોટા ઠેરવવા માંડયા કે ન પોતાની ઝુંબેશ બંધ કરી દીધી. ઊલટાનું આ સંજોગોમાં પોતાની જવાબદારી વધી હોવાનું માનીને બમણા જોશથી કામે લાગી ગયા. જો આ ન થયું હોત તો અમેરિકા કે દુનિયા સમક્ષ કયારેય વૉટરગેટ સ્કેમની પૂરેપૂરી સચ્ચાઇ આવી ન હોત.
જોકે રિચાર્ડ નિકસન બીજી વાર ચૂંટાવાનો હરખ અનુભવી શકતા નહોતા. એમનો અજંપો વધતો જતો હતો. ઊંઘ વેરણ બનતી જતી હતી. કારણ એટલું જ વૉટરગેટ કૌભાંડ રોજબરોજ વરવું રૂપ ધારણ કરી રહ્યું હતું. ખુદ વ્હાઇટ હાઉસના જ ઉચ્ચધિકારી ડ્વાઇટ એલ. ચેપિન, રિચાર્ડ કલાઇનડીન્સ્ટ, જૉન ડીન, પેટ્રિક લારુ અને સ્ટુઅર્ટ મેગુડરે વૉટરગેટ કૌભાંડમાં પોતાના ગુના કબૂલ કરી લીધા હતા.
માહોલ એવો બની રહ્યો હતો કે ખુદ પ્રમુખના વર્તન-વ્યવહારના વિવિધ પાસાની ગંભીરતાપૂર્વક તપાસ યોજવી અનિવાર્ય બની ગઇ હતી. આમાંથી છટકવાનું નિકસન માટે શકય નહોતું. પોતાના સ્વાર્થ ખાતર જે અધિકારીઓનો ઉપયોગ કર્યો જેમને ચૂપ કરાવ્યા કે દબાવી રાખ્યા એ બધા હવે પોતાની ચામડી બચાવવા માગતા હતા. વ્હાઇટ હાઉસના અમુક ઉચ્ચ અધિકારીઓએ ગુનો કબૂલી લીધા બાદ રાજીનામા આપી દીધા હતા, પરંતુ આ પૂરતું નહોતુ હતું. હજી એક મોટો આંચકો આપવાના હતાં જૉન ડીન. એકદમ વિશ્વાસુ જૉન ડીન કોણ હતા? શું કરતા હતા? તેમણે કેવો ધડાકો કર્યો? આના જવાબ આવતે અઠવાડિયે.
આ પણ વાંચો : નિકસનની સત્તાલાલસા છવાઈ ગઈ કાયદા-નૈતિકતા પર
મુખવટાની પાછળ
ભ્રષ્ટાચારના રાક્ષસ સામે અડગ ઊભા રહેવું એ એક પ્રકારનો પ્રતિકાર છે.
- વેનેસા ઓઆગે (લેખિકા).