ઈન્ટરવલ

નિકસનના ગુપ્તકાંડના સાથીઓ પકડાયા ઘરફોડીના મામલામાં

પ્રફુલ શાહ

17 જૂન, 1972. અમેરિકાના ઇતિહાસ માટે કલંકરૂપ દિવસ. વૉશિંગ્ટન ડીસી સ્થિત વૉટરગેટ હોટલ અને ઑફિસ કોમ્પ્લેકસનો 24 વર્ષીય નાઇટ વોચમેન ફ્રેન્ક વિલ્સ પોતાની ફરજના ભાગરૂપે લટાર મારી રહ્યો હતો. કોમ્પ્લેકસના પાર્કિંગ ગેરેજ તરફ જતાં બેઝમેન્ટના દરવાજાના આગળિયા પર તેણે ટેપનો એક ટુકડો દેખાયો. આ ટેપનો ટુકડો દરવાજાને આપોઆપ બંધ થતા રોકતો હતો. ફેન્કમાં આમાં કંઇ ખાસ મહત્ત્વપૂર્ણ ન લાગ્યું. તેણે ટેપ હટાવી નાખી. પછી એ રાઉન્ડ પર નીકળી ગયો. ફ્રેન્ક વિલ્સ વીસેક મિનિટ ફરી એ જ જગ્યા પર આવ્યો ત્યારે આશ્ર્ચર્યચક્તિ થઇ ગયો. બેઝમેન્ટના એ જ દરવાજાના આગળિયા પર ફરી ટેપનો ટુકડો લાગેલો દેખાયો.

હવે ફ્રેન્કને શંકા જ નહીં, વિશ્વાસ થયો કે ચોક્કસ કંઇક ગરબડ છે. ફિલ્મના હિરોની જેમ અંદર ધસી જવાને બદલે તેણે તરત પોલીસને જાણ કરી. માત્ર બે-ત્રણ મિનિટમાં જ ઇમર્જન્સી પોલીસ ટીમના ત્રણ સભ્યો સાદા કપડાંમાં ફ્રેન્ક વોલેસ પાસે પહોંચી ગયા. પૂરી માહિતી જાણકારી મળ્યાં બાદ ત્રણેય આગળ વધ્યા. ત્રણેયના હાથમાં રિવૉલ્વર અને આંગળા ટ્રિગર પર.

એ ત્રણેય ડેમોક્રટિક પાર્ટીના મુખ્યાલયમાં આગળ વધ્યા. અચાનક પડદા પાછળથી કોઇકની ચીસ સંભળાઇ: ‘ગોળી ચલાવતા નહીં, અમે સરેન્ડર કરવા તૈયાર છીએ.’ પોલીસને થયું કે કોઇ ઘરફોડ ગૅંગ કે ચોરો અંદર ઘૂસી ગયા હશે. ધરપકડ વખતે પાંચ ઘૂસણખોરો પાસેથી ઘરફોડીની સાધનસામગ્રી, અશ્રુવાયુના ત્રણ ટેટા, એક રેડિયો ટ્રાન્સમીટર રિસીવર, બે સૂક્ષ્મ માઇક્રોફોન, વાળની એક વિગ, સો-સો ડૉલરની શ્રેણીબદ્ધ નંબર ધરાવતી 53 ચલણી નોટ, 35 એમ.એમ.ના બે કેમેરા અને વપરાયા વગરની વીસ કેમેરા ફિલ્મની રીલ.

પોલીસવાળાને નવાઇ લાગી કે આ તે કેવી ઘરફોડી કરતી ગૅંગ? આવી બધી સામગ્રી કયારથી રાખતી થઇ ગઇ? આનો ઉપયોગ શું? પણ તેઓ જાણતા નહોતા કે પોતે કેટલું મોટું સ્કૅમ પર્દાફાશ કરી ચૂકયા હતા. ત્રણેય પોલીસવાળાને અપરાધીઓને જોઇને થોડી નવાઇ લાગી ખરી. તેઓ સાધારણ ચોર કે ઘૂસણખોરો કરતાં ઉંમરમાં ઘણાં મોટા હતા. વ્યવસ્થિત કપડાં પહેર્યાં હતા, ને સુટબુટમાં હતા. પાછી પાસે કડકડતી ડૉલરની નોટની થપ્પી. અચાનક એવું શોર્ટ-વેવ રિસીવર પણ મળ્યું કે પોલીસની ચેનલોની વાતચીત સુધ્ધાં ટેપ કરી શકે. ત્રણેયે માથું ખંજવાળ્યું પણ ઝાઝું વિચારવાને બદલે પોતાના કામે લાગી જવાનું મુનાસિબ માની લીધું.

આ ધરપકડ બાદ શું થયું તે જાણવા અગાઉ આ કેવી રીતે બન્યું એના પર નજર કરીએ.

અગાઉથી જ વૉટરગેટ હોટલમાં ધામા નાખી ચૂકેલા જેમ્સ મેકકાર્ડ, બર્નાડૅ બાર્કર, ફ્રેન્ક સ્ટર્જિસ યુજેનિયો, માર્ટિનેઝ અને વર્જીલિયો ગોન્ઝાલવિસે. એ દિવસે દબાવીને ખાધું-પીધું. કોના બાપની દિવાળી ડિનર સમયે જ તેમણે હાથમાં ગ્લોવ્ઝ પહેરી લીધા હતા કે જેથી કયાંય ફિંગર પ્રિન્ટસ ન મળે. દરવાજા, ડિસ, બાઉલ અને ચમચા-કાંટા પર આંગળાના છાપની ફિકર કરનારા પાછા સાચા નામે હોટલમાં ઉતર્યા હતા હો.

મસ્ત પેટ પૂજા પછી આ પાંચેય ડેમોેક્રેટિક પાર્ટીની ઑફિસ સુધી જતા દાદરાના દરવાજાના લોખંડની એક પટ્ટી ખોલી નાખીને બિલ્લી પગે અંદર ઘૂસીને છઠ્ઠે માળે પહોંચી ગયા. તેમણે સીડી પરના દરવાજા પર ટેપ લગાડી કે જેથી દરવાજો આપોઆપ બંધ ન થઇ જાય. આનાથી આસાનીથી અવરજવરથઇ શકે અને કામ પત્યે સરળતાથી બહાર સરકી જવાય એવી એમની ગણતરી હતી, પરંતુ ટેપ જ ભાંડો નાખવાની હતી એ તેઓ જાણતા નહોતા.

સૌ પ્રથમ તેમણે મહત્ત્વની ફાઇલના ફોટા પાડયા. લોરેન્સ ઔબ્રાયનની રૂમની છતમાં અગાઉ લગાડેલા માઇક્રોફોનને ચકાસણી માટે છતની પેનલ નીચે સરકાવી દીધો. એ સમયે વૉટરગેટ ભવનના અન્ય એક ખૂણામાં હાર્વર્ડ હન્ટ અને ગાર્ડન લિડ્ડી છુપાઇને બેઠા હતા અને કામ સફળતાપૂર્વક પતી ગયાના સંદેશાની પ્રતીક્ષા કરી રહ્યા હતાં. એ મેસેજ તો ક્યારેય ન મળ્યો, પરંતુ પોતે પર્દાફાશ થઇ ગયાના વાવડ આવવાના હતા.

વૉટરગેટમાં ઘૂસણખોરી અને ધરપકડ નાનીસૂની ઘટના નહોતી. એમાં સીધી રિચાર્ડ નિકસન શાસનની સંડોવણીથી ફરી પ્રમુખ બનવાના નિકસનના મનસૂબા પર શેમ્પેઇન ફરી વળે એમ હતું, પરંતુ આવા કોઇ ડર રાખ્યા કે કંઇ જ ગણકાર્યા વિચાર્યા વગર નિકસન આણિ મંડળી તો આ ઘટના પર ઢાંકપિછોડો કરવામાં મશગૂલ થઇ ગઇ. લોકોની આંખમાં ધૂળ ફેંકવાથી કંઇ સચ્ચાઇ થોડી અદ્રશ્ય થઇ જવાની હતી.

પરંતુ રિચાર્ડ નિકસન કોઇ રીતે ઢીલું જોખવા માંગતા નહોતા. એ નફ્ફટપણે અડગ રહ્યાં. એમને લાગતું હતું કે પોતાનું ધાર્યું થઇ રહ્યું છે. થયું પણ ખરું, પરંતુ પાપ વાઇટ હાઉસની ટોચે પહોંચીને પોકારવા માટે નીકળી ચૂકયું હતું. નિકસન અને વૉટરગેટ સ્કૅમ એકમેકના પૂરક અને કાયમી સાથી બની ગયા. કેવી રીતે એ જોઇએ આવતા અઠવાડિયે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button