નવા વર્ષે રિઝોલ્યુશન લીધાં કે નહીં ? ઔર યે મૌસમ હંસીં…
-દેવલ શાસ્ત્રી
ભારતીય ઉપખંડના ઓ મહાન આત્મા, એક સીધો સાદો સવાલ છે કે વર્ષ બદલાઈ ગયું છે ત્યારે નવા રિઝોલ્યુશન લીધા કે નહિ? નવા સંકલ્પ કર્યા કે નહીં? લો, હજી સુધી વિચાર્યું જ નથી? બોલો, આવું તે ચાલે યાર?, આજકાલ તો નવાં રિઝોલ્યુશન લેવાની ફેશન ચાલે છે. આપણે ય બે ચાર કિલો રિઝોલ્યુશનો લઇ લેવામાં શરમ રાખવી નહિ. વચન આપવામાં દરિદ્રતા શું કામ રાખવાની? તો ઝંપલાવો… સ્કૂલમાં ભણતા ત્યારે નવા વર્ગમાં આવીએ એટલે રોજ નિયમિત લેશન કરવાથી માંડી જાતજાતના રિઝોલ્યુશન લેવાતા, પણ થતું શું? પરીક્ષાના દિવસ સુધી નોટ ઠેકાણે ન હોય. આપણો પ્રોબ્લેમ યાદ છે? રિઝોલ્યુશન પૂરા ન કરી શકવા માટેનાં પૂરતાં બહાનાં હાજર જ હોય, પણ બહાનાં દૂર કરે એવા માર્ગની આજે ય ખબર નથી. આમ તો રિઝોલ્યુશન પ્રથાનો ય ઇતિહાસ છે. કંઈક અંશે વિચિત્ર લાગે એવી રિઝોલ્યુશનની પ્રથા બેબિલોનથી શરૂ થઈ. ત્યાં લોકો ભગવાનને વચન આપતા કે વર્ષ દરમિયાન થયેલું દેવું ચૂકવી દેશે. ધીમે ધીમે આ પ્રથામાં ફેશન આવી કે આ વર્ષે શું રિઝોલ્યુશન રાખ્યું છે? આપણે જે મનમાં આવે એ કહી દેવાનું… કહેતા ભી દીવાના ને પૂછતા ભી દીવાના… રિઝોલ્યુશન પર દુનિયાભરમાં અભ્યાસ થયા છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે આઠ ટકા લોકો જ રિઝોલ્યુશનના ટારગેટને સફળતાપૂર્વક પાર પાડી શકે છે, બાકી 92% વર્ગ આપણી આસપાસ મળી જશે. હા, 52% રિઝોલ્યુશનિયાઓ એવું માનતા કે તે સફળ જશે, પણ નિષ્ફળ ગયા. 33% એ શક્ય ન હોય એવા રિઝોલ્યુશન લીધાં હતાં. સૌથી મહાન એવા મારા- તમારા જેવા 23% રિઝોલ્યુશનિયાઓ તો થોડા વખતમાં એ પણ ભૂલી ગયા કે એમણે શું રિઝોલ્યુશન લીધું હતું. બધાને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ સંકલ્પ શેના લેવાય છે? વ્યસનમુક્તિના… એમાં ય ખાસ દારૂ, એકત્રીસમીના દિવસે પ્રતિજ્ઞા લેવાની ને રાત્રે ભૂલી જવાનું. આજે નવું વર્ષ છે તો ફરી દારૂ પીને પ્રતિજ્ઞા લેવાની કે હવેથી દારૂ અને અન્ય વ્યસનો બંધ કરવાનાં છે. લગ્નગાળો અને બહાનાં શોધવામાં શૂરવીર પ્રજાને વ્યસન બંધ કરતાં રોકવા કોઈ રિઝોલ્યુશન કામ લાગતાં નથી.
બીજા નંબરે સ્ટુડન્ટ રિઝોલ્યુશન લેતા હોય છે. નિયમિત અભ્યાસ અને સોશિયલ મીડિયાથી દૂર રહીશું. ત્રીજા ક્રમે વજન ઘટાડવાવાળા હોય છે, જેમના વજન ક્યારેય ઘટતા નથી. જો કે આજકાલ ઘણી અવેરનેસ આવી છે. સમોસા વગર ચાલે નહીં ને ડાયેટિંગનું રિઝોલ્યુશન લેવાવાળા ઓછા નથી. એજ રીતે, આજકાલ ઇન્ટરનેટ ઉપયોગ ઘટાડવાના સંકલ્પમાં તેજી ચાલે છે, પણ કોઇનું વોટ્સએપ ફેસબુક કે સોશિયલ મીડિયા બે મિનિટમાં બંધ થયું છે? એક અભ્યાસ મુજબ ભારતમાં પ્રતિ વ્યકિત અંદાજે અઢી કલાક રિલ્સ જોવામાં ખર્ચે છે. આરોગ્ય અને ફરવા જવાનાં સ્થળો વિશેની રિલ્સ જોયા પછી એના વિષે ચર્ચાઓ કરનારાઓનો મોટો વર્ગ છે. બિઝનેસવાળા અને જોબવાળાઓ રોજ સાંજે બધો બેકલોગ ક્લિયર કરવાની પ્રતિજ્ઞા લે છે, પણ જીએસટી કે રિટર્ન ભરવાના દિવસે ય કાગળિયાં શોધતા ફરે છે. હા, લેખક વર્ગ પ્રતિજ્ઞા લેતો હોય છે કે કોપી પેસ્ટ બંધ તો પછી લખાય કેમનું? છાપાઓના તંત્રીઓને ખબર હશે કે અમારા જેવા કોલમકારો ક્યારેય સમયસર લખીને પહોંચાડતા નથી. ઘણાને ઊભરા આવે કે નવા વર્ષથી અક્ષયકુમારની જેમ શિસ્તબદ્ધ જિંદગી જીવવી છે, નિયમિત યોગ કરવા છે. દરેક વસ્તુ માટે નિશ્ર્ચિત સમય કરવો છે, રાત્રે વહેલા સૂઈ જવું છે અને પરિવારને પૂરતો સમય આપવો છે.
અલ્યા, આ બધું શક્ય છે? અને હા, પૈસાની બચત કરવાના રિઝોલ્યુશનવાળા ખર્ચનું આગોતરું પ્લાનિંગ કરી શકતા નથી ત્યાં બચત કેવી રીતે કરે? જિંદગીની રમત આસાન હોત તો રિઝોલ્યુશનને કોણ પૂછતું હોત? જિંદગીની કરામત જ એવી છે કે રિઝોલ્યુશન ક્યારેય કમ્પલિટ થતા નથી. જો થાય પણ કેવી રીતે? સાવ અશક્ય રિઝોલ્યુશન લઈએ છીએ. આપણે દેખાડો કરવા રિઝોલ્યુશનના ટાર્ગેટ એકદમ હાઇ રાખીએ છીએ બંધુ, ઓકાત મેં રહના શીખો… આપણાથી સ્વભાવગત આળસ છૂટતી નથી અને એકસાથે આઠ- દશ હોલસેલમાં જ ઠરાવ કરીએ છીએ એના કરતાં છૂટક રિઝોલ્યુશન લઈએ તો ના ફાવે? યાદ રાખો કે રિઝોલ્યુશન આપણે કોને આપવાનું છે? આપણને, સ્વયંને અથવા નજીકના સ્વજનને આપણી પાસે જાતને અને હિત ઇચ્છતા સ્વજનને છેતરવાની કળા જન્મજાત છે. આખરે કોઈ સારા હેતુ માટે નક્કી કરેલા રિઝોલ્યુશનનું પરિણામ શું આવે છે? રિઝોલ્યુશનના પહેલા અઠવાડિયામાં 23% લોકો હાર કબૂલ કરી દે છે- એક મહિનામાં 40 %- ત્રણ મહિનામાં 50% અને બાર મહિનામાં બધું મળીને 81% લોકો નક્કી કરેલા ધ્યેયને ભૂલી જાય છે.
Also read: મગજ મંથન : જીવનમાં સફળ થવા માટે બે શક્તિની જરૂર પડે એક સહનશક્તિ ને બીજી સમજશક્તિ
અંતે એક વાત, જિંદગીની સફળતાનો ટ્રેક એકવાર બેસીને ચેક કરવો જોઈએ અને એમાંથી રિઝોલ્યુશનને સફળ કેવી રીતે કરી શકાય એનો માર્ગ શોધવો જોઈએ. જે રિઝોલ્યુશન લઈએ એમાં બહાનાબાજી નહિ કરીએ એ પહેલેથી નક્કી કરવું જોઈએ. સિગારેટ છોડવી છે એવું નક્કી કરવાને બદલે દિવસમાં અડધી કરવાથી સ્ટાર્ટ કરવું જોઈએ. નિયમિત જિમ જવું શક્ય ના થાય તો ચાલવાનું નક્કી કરો. સૌથી સહેલો રસ્તો એક છે, રિઝોલ્યુશન ભૂલી જવાતાં હોય તો દશ જણને ફોન કરીને જણાવી દો. ફરી ફરી યાદ કરાવું છું કે રિઝોલ્યુશનની નિષ્ફળતા પર ધ્યાન આપવાને બદલે તેને અવરોધતાં પરિબળો શોધવાથી કદાચ ફાયદો થાય. બાકી કશું ન થાય તો હતાશ થવાની જરૂર નથી, જેવા છો એવા રહેજો. ખાલી એમાં માઇનસ ન થતાં નેવું કિલો વજન હોય તો સેન્ચુરી મારશો નહીં !
ધ એન્ડ: તમને એક શ્રેષ્ઠ રિઝોલ્યુશન સૂચવું ? નવા વર્ષે કોઈ પણ સંકલ્પ ન કરવો !