ઈન્ટરવલ

ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સના ગંજીફામાં આવતી કાલથી નવા પત્તા

ઇન્ટ્રાડે ટ્રેડિંગના માર્જિન ફંડિંગની કોલેટરલ યાદીમાંથી ૧૦૧૦ શેરની બાકાતી પછી આગળ શું?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી એટલે શું? માર્જિન ફંડિંગ શું છે? શેરોને ગીરવે કેમ રાખવામાં આવે છે? કોલેટરલ શું છે અને ઈમ્પેકટ કોસ્ટ શું છે?

પહેલી ઓગસ્ટ એટલે કે ગુરુવારથી ડેરિવેટિવ્ઝ ટ્રેડરોએ એફએન્ડઓના ખેલા માટે નવા પત્તા મેદાનમાં ઉતારવા પડશે, કારણ કે આવતી કાલથી નવા ગંજીફાનો અમલ થવાનો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ હાલમાં અચાનક જ એક પરિપત્ર બહાર પાડીને ઇન્ટ્રાડે અથવા ડેરિવેટિવ ટ્રેડિંગમાં માર્જિન ફંડિંગ માટે કોલેટરલ તરીકે ઉપયોગમાં લેવાતી સિક્યોરિટીઝની પાત્રતાના નિયમ કડક બનાવ્યા હોવાની જાણ કરી હતી. એક્સચેન્જે એકસામટા ૧૦૧૦ શેરને કોલેટરલ સ્ટોક્સની યાદીમાંથી બાકાત કરી નાખવાનું જાહેર કર્યું હોવાથી બજારમાં એક ધીમો ખળભળાટ મચી ગયો હતો.

આનું કારણ એ કે ઉપરોક્ત યાદીમાંથી બાકાત થનારી સ્ક્રીપ્સની સંખ્યા તો વિશાળ છે જ, પરંતુ એ જ સાથે, તેમાં ‘એક સે બઢ કર એક’ બ્લુચીપ શેરના નામ સામેલ છે. આ વાત કદાચ જૂની લાગે તો જણાવી દઉ કે એક્સચેન્જના ઉક્ત આદેશનો અમલ પહેલી ઓગસ્ટ એટલે કે આવતી કાલથી થવાની હોવાથી અહીં વાત માંડી છે.

કોલેટરલ લિસ્ટમાં ફેરફાર થવાથી બજાર પર કે અન્ય પ્રકારે શું અસર જોવા મળશે એ અંગે હવે આપણે નિષ્ણાતોનો મત જાણીએ. એનએસઇ મારફત એક સર્ક્યુલર મારફત ઇન્ટ્રાડે કે ડેરિવેટિવ ટ્રેડિંગમાં માર્જિન ફંડિંગ માટે કોલેટરલ તરીકે વપરાતી સિક્યોરિટીઝની એલિજિબિલીટીને સ્ટ્રિક્ટ બનાવી દેવામાં આવી છે.

જોકે, એ નોંધવું રહ્યું કે ઉપરોક્ત લિસ્ટમાં હજી ૧૭૩૦ પાત્ર જામીનગીરી (એલિજેબલ સિક્યોરિટીઝ) મોજૂદ છે, જેમાંથી ૧૦૧૦ સિક્યોરિટીઝને બાકાત કરી દેવામાં આવી છે. બજારમાં આ જાહેરાત સાથે ખળભળાટ એટલે થઇ ગયો હતો કે કથિત યાદીમાંથી બહાર થનારા સ્ટોક્સમાં અદાણી પાવર, યસ બેન્ક, સુઝલોન, ભારત ડાયનેમિક્સ અને પેટીએમ જેવા દિગ્ગજ શેર્સનો સમાવેશ થાય છે.
એક્સચેન્જે કરેલી જાહેરાત અનુસાર પહેલી ઓગસ્ટથી એવા જ શેરોને કોલેટરલ તરીકે વાપરી શકાશે, જેમાં પાછલા છ મહિનામાં ઓછામાં ઓછા ૯૯ ટકા દિવસ માટે ટ્રેડિંગ થયું હોય અને જેની ઈમ્પેકટ કોસ્ટ એક લાખ રૂપિયાની ઓર્ડર વેલ્યૂ પર ૦.૧ ટકા સુધીની હોય.

હવે સવાલ થાય કે એનએસઇએ આવું પગલું કેમ ભર્યું? તેની અસર શું થશે? માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી એટલે શું? માર્જિન ફંડિંગ શું છે? શેરોને ગીરવે કેમ રાખવામાં આવે છે? કોલેટરલ શું છે અને ઈમ્પેકટ કોસ્ટ શું છે? અહીં આ બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી
સૌ પ્રથમ જાણીએ કે એમટીએફ શું છે? આ માર્કેટિંગની એક એવી સ્ટ્રેટેજી છે કે જે, ‘હાલ ખરીદો અને પેમેન્ટ પછીં’ની સવલત આપે છે. અર્થાત માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ)માં રોકાણકારોને ટ્રેડિંગ માટે જરૂરી નાણાંના અમુક હિસ્સાની જ ચુકવણી કરવાની રહે છે અને બાકીના નાણાં બ્રોકર લોન તરીકે આપે છે.

તમારે ધારો કે, ૧૦૦ રૂપિયાના ભાવના એક હજાર શેરનું ટ્રેડિંગ કરવું હોય, તો એક લાખ રૂપિયાની
જરૂર પડે. હવે તેને માટે તમારે સંપૂર્ણ એક લાખ
રૂપિયાની રકમ ઈન્વેસ્ટ કરવાને બદલે તમારે ૩૦ ટકા એટલે કે ૨૦ હજાર રૂપિયા તમારે રોકવાના રહેશે અને બાકીના ૭૦ ટકા એટલે કે ૭૦ હજાર રૂપિયા બ્રોકર પાસેથી લોન તરીકે મળી જશે. જેની ઉપર બ્રોકર વ્યાજ વસૂલે છે.

કોલેટરલનો ઉપયોગ
હવે કોલેટરલનો અર્થ સમજીએ. માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી દ્વારા ટ્રેડર્સ કે રોકાણકારો પોતાની પાસે પડેલા પૈસાથી વધુ વેલ્યૂવાળા સ્ટોક્સ ખરીદી શકે છે. આ માટે બ્રોકર લોન આપે છે. જોકે, જેમ બેંકો પાસેથી લોન લેવા માટે કોઈ ગેરંટી આપવાની રહે છે. એ જ રીતે અહીં લોનની બદલે બ્રોકર પાસે શેર કે સિક્યોરિટીઝ ગીરવી રાખવી પડે છે.

જો ગીરવી રાખેલા શેરના ભાવ ગગડી જાય, તો ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સને વધુ કોલેટરલ તરીકે માન્ય યાદીમાં હોય એવા વધુ શેર બ્રોકરને આપવા પડશે અથવા તો માર્જિનના હિસાબે પોતાની પોઝિશન ઘટાડવી પડશે.

ઈમ્પેક્ટ કોસ્ટ
હવે જોઇએ શું છે, ઈમ્પેક્ટ કોસ્ટ? એનએસઇના સર્ક્યુલર અનુસાર, અદાણી પાવર, યસ બેન્ક, સુઝલોન, હુડકો, ભારત ડાયનેમિક્સ, ભારતી હેક્ઝાકોમ, આઇઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનબીસીસી, ગો ડિજિટ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ, પેટીએમ, આઇનોક્સ વિન્ડ, જ્યુપિટર વેગન્સ, કેઆઇએસીએલ, જ્યોતિ સીએનસી ઓટોમેશન, જેબીએમ ઓટો, હેટસન એગ્રો પ્રોડક્ટ્સ, તેજસ નેટવર્ક્સ જેવા ૧૦૧૦ શેર્સને પહેલી ઓગસ્ટથી કોલેટરલ માટેના એલિજીબલ સ્ટોક્સની યાદીમાંથી હટાવી દેવામાં આવશે.

હવે આ લિસ્ટમાં માત્ર એવા જ શેરો હશે, જે પાછલા છ મહિનામાં ઓછામાં ઓછા ૯૯ ટકા કામકાજના દિવસોમાં ટ્રેડ થયા હોય. આ ઉપરાંત એક લાખ રૂપિયાના ઓર્ડર વેલ્યૂની ઈમ્પેક્ટ કોસ્ટ ૦.૧ ટકા હોય. ઈમ્પેક્ટ કોસ્ટ કોઈ શેર માટે પહેલાંથી જ નક્કી ઓર્ડર સાઈઝ પર ટ્રાન્ઝેકશનનો ખર્ચ છે.

આ નિર્ણયની શું થશે અસર? કેમ લેવાયો આ નિર્ણય?

એનએસઇના આ નિર્ણયની શું થશે અસર? કેમ લેવાયો આ નિર્ણય? સ્ટોક બ્રોકર્સની એમટીએફ બુક ૭૩,૫૦૦ કરોડ રૂપિયાથી વધુની છે. તેમનું માનવું છે કે, કોલેટરલ લિસ્ટમાં ફેરફાર થવાથી કોઈ ખાસ ફરક નહીં પડે, કારણ કે એમટીએફ સ્ટોક્સ પર એક્સપોઝર એટલે કે એમટીએફ બુકમાં કોઈ ફેરફાર નહીં થાય.

જે ફેરફાર થશે, તે ગીરવે મુકાયેલા શેરો પર થશે. સરળ શબ્દોમાં કહીએ તો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે જે શેર ગીરવે રાખેલા છે, તે શેર એનએસઇની કોલેટરલ એલિજેબલ લિસ્ટમાં ન હોય, તો તેને બદલવા પડશે.

ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ આ શેરોને બ્રોકર પાસે ગીરવે રાખે છે અને પછી બ્રોકર તેને ક્લિયરિંગ કોર્પોરેશન પાસે એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન કરવા માટે ગીરવે રાખે છે. એનએસઇએ આ નિર્ણય એ સુનિશ્ર્ચિત કરવા માટે લીધો છે, જેથી માત્ર ઊંચી પ્રવાહિતા ધરાવતા અને સ્થિરતા ધરાવતા મજબૂત સ્ટોક્સ જ કોલેટરલ તરીકે ઉપયોગમાં આવે. તેનાથી ક્લિયરિંગ હાઉસ અને ફાઇનાન્શિયલ સિસ્ટમનું રિસ્ક ઘટશે. આમ એકંદરે આ પગલાંથી રોકાણકારોની સલામતી વધવા ઉપરાંત શેરબજારના સેન્ટિમેન્ટ પર કોેઇ સારી કે નરસી અસર થવાની સંભાવના નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button