મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
બોર્ડની કે યુનિવર્સિટીની સ્થાનિક પરીક્ષાઓમાં એક વિષયના પ્રશ્ર્નપત્રને બદલે બીજા વિષયનું પ્રશ્ર્નપત્ર આપી દેવું, નવા કોર્ષને બદલે જૂના કોર્ષનું પ્રશ્ર્નપત્ર આપી દેવું,જેવા છબરડા તો હવે કોઠે પડી ગયા છે, પણ એક પગલું આગળ વધીને હવે આ છબરડાનો આપણે ઈતિહાસ સર્જવા જઈ રહ્યા હોઈએ એમ, જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ શંકાના દાયરામાં આવતી જાય છે. ભૂતકાળમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી કમ મંત્રી,કોન્સ્ટેબલ કે ગ્રામ સેવકની પરીક્ષામાં આવી ઘટનાઓ બની જવા પામી છે.
એક તરફ, ભયંકર બેકારી ફાટી નીકળી છે. આજે લાયકાતવાળા બેકાર ઉમેદવારો નોકરી માટે વલખાં મારે છે. ખાલી જગ્યાઓ હોય અને ભરતી કરવાની થતી હોવા છતાં પણ ભરતી ન કરીને આવા બેકાર ઉમેદવારોને આંદોલન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હોય એવા સમયે ભરોસાની ભેંસને પણ પાડા આવતા થાય તો આ બિચારા બેકાર ઉમેદવારોની દશા કેવી થતી હશે, એ વિચારવા જેવો પ્રશ્ર્ન છે. પરીક્ષા અચાનક રદ કરી દેવામાં આવે ત્યારે આ નોકરીવાંચ્છું ઉમેદવારોની દશા કેવી કફોડી થાય છે એ તો અનુભવે એને જ સમજાય. હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે. રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનમાં આખી રાત ગુજારી આ બેકાર ઉમેદવારો પરીક્ષા આપવા જાય ત્યારે જ એ પરીક્ષા રદ થવાની જાહેરાત થાય એનાથી બીજી મોટી મશ્કરી કઈ હોઈ શકે?
માંડીને આ વાત એટલા માટે કરવી પડી કે તાજેતરમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા NEET (નીટ) શંકાના દાયરામાં આવી છે. લાખો રૂપિયામાં પ્રશ્ર્નપત્ર વેંચવામાં આવ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો અધ્યાપકની ભરતી માટે લેવામાં આવતી પરીક્ષા NET (નેટ) તો રદ જ કરવા સુધીની નોબત આવી પડી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA )દ્વારા આ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. નીટની પરીક્ષામાં ૨૩.૩૩ લાખ જેટલા ઉમેદવારો બેઠા હતા તો નેટની પરીક્ષામાં નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા. પરીક્ષાની વિશ્ર્વસનીયતા જ્યારે તૂટે ત્યારે લાખો વિદ્યાર્થીઓ સુન્ન થઈ જતાં હોય છે. બ્રાઈટ સ્ટુડન્ટ ભારે હતાશ થઈ જતા હોય છે..
જ્યારે જ્યારે આવી ઘટના ધ્યાનમાં આવે છે ત્યારે ત્યારે તંત્ર અને સરકાર દ્વારા પાંગળો બચાવ કરવામાં આવતો હોય છે. આ ઘટના વખતે પણ સરકારશ્રી દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવ્યો છે કે, ‘સરકાર ઝીરો એરર એક્ઝામ માટે પ્રતિબદ્ધ છે. છાત્રોનું હિત સરકારની પ્રાથમિકતા રહેશે,તેમાં કોઈ પણ પ્રકારની સમજૂતી થશે નહીં. સરકાર કોઈ પણ ગુનેગારને છોડશે નહીં. સરકાર હાઈ લેવલ સમિતિનું ગઠન કરવા જઈ રહી છે, જે એનટીએના માળખા,પારદર્શકતા અને તેમાં વધુ અસરકારકતા લાવવા ઉપર કામ કરશે. દોષિતો ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવશે.’
આવા સ્ટિરિયો ટાઈપ-ચીલાચાલુ શબ્દોની આમ જનતા ઉપર હવે કોઈ અસર થતી નથી. ઉમેદવારોને લાગેલો આઘાત દૂર કરવા આવું આશ્વાસન નકામું સાબિત થાય છે, કારણ કે છાસવારે બનતી આવી ઘટનાઓ છેલ્લી નથી હોતી.
જ્યારે જ્યારે આવી ઘટના બને છે,ત્યારે ત્યારે બીજી વખત પરીક્ષાના આયોજનની વાત કરવામાં આવે તો પરીક્ષા બીજી વખત ગોઠવવા માટે તંત્ર લાચારી વ્યક્ત કરે છે. આવડી મોટી સંખ્યામાં પરીક્ષા આપતા ઉમેદવારોની બીજી વખત પરીક્ષા લેવી ખૂબ જ કઠીન થઈ પડે છે. સેન્ટરો મેળવવા મુશ્કેલ પડે છે. એવો તેવો બચાવ કરવામાં આવે છે.
આવા સમયે ભારતના દુશ્મન ગણાતા દેશ ચીનને યાદ કરવો પડે. એક સમયે વિશ્ર્વની વસતિના ત્રીજા ભાગની વસતિ ધરાવનાર દેશ અને આર્થિક રીતે પણ પછાત એવો દેશ આજે વિશ્ર્વના વિકસિત દેશોમાં ઊંચું માથું કરીને વિશ્ર્વને સંદેશો આપે છે. વિશ્ર્વની સૌથી મોટી અને અઘરી ગણવામાં આવતી પ્રવેશ પરીક્ષા ચીનના નામે છે. આ પરીક્ષાને Goakao (ગોઓકાઓ)ના નામે ઓળખવામાં આવે છે.ચીનની ભાષામાં ‘નેશનલ હાયર એક્ઝામ’ એવો અર્થ થાય છે. તાજેતરમાં લેવાયેલી આ પરીક્ષામાં ૩૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. ૭૫૦ માર્ક્સની આ પરીક્ષામાં ૬૫૦ માર્ક્સ તો મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે લાવવા પડતા હોય છે. તમામ સેન્ટર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે. પરીક્ષામાં ગડબડ કરનાર સાથે કોઈ કાનૂની કાર્યવાહી કર્યા વગર સાત વર્ષ માટે જેલ ભેગા કરવામાં આવે છે. ચીનમાં હાયર સેક્ધડરી પછી મેડિકલ, ફાર્મસી, એન્જિનિયરિંગ, કોમર્સ, મેનેજમેન્ટ, કાયદો, આર્ટસ વગેરે માટે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા આખા દેશમાં એક જ કાર્યક્રમ હેઠળ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. દોઢેક કરોડ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે. પરીક્ષા પછી આખા દેશનું મેરિટ લીસ્ટ પણ એક જ બને છે. ચીનની ૩૦૦૦ યુનિવર્સિટીઓમાં ૫૦ કે ૬૦ ટકા પરિણામ આવે તો પણ ૫૦ લાખ વિદ્યાર્થી પ્રવેશ મેળવવા પાત્ર બને છે. વિદ્યાર્થી ગમે ત્યારે અને ઈચ્છે એટલી વખત પરીક્ષા આપી શકે છે. ૫૦ વર્ષની વયના પણ પરીક્ષાર્થી હોઈ શકે.
બિહાર અને આસામની જેમ પ્રચંડ પુર કે ભારે વરસાદનો પડકાર આવે ત્યારે પણ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવતી નથી.હજારો બોટ અને ફેરીઓ તૈયાર રાખવામાં આવે છે.વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માનસિક રીતે સજજ હોય છે. જરૂર પડે વિદ્યાર્થીઓને મફત પરીક્ષા સ્થળે પહોંચાડવામાં મદદ કરવાનો બસ તેમજ વાહનોને હુકમ કરવામાં આવે છે. રાત્રિ રોકાણની જરૂર પડે તો તેની પણ આગોતરી વ્યવસ્થા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને એક નંબર આપવામાં આવે છે. જે નંબર પરથી વિદ્યાર્થીઓ મદદ માગી શકે છે અથવા તો ફરિયાદ કરી શકે છે. તમામ વ્યવસ્થાની વિગત અગાઉથી ઓનલાઈન મૂકી દેવામાં આવે છે. આ પરીક્ષા વખતે ચીનના રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગ વિદ્યાર્થી જોગ સંદેશો પણ આપે છે, ’પરીક્ષાઓ માત્ર પરીક્ષા નથી, દેશને વિશ્ર્વમાં મોખરે લઈ જવા માટેનો અવસર છે’.
આ પરીક્ષાનો માહોલ ઉત્સવ જેવો હોય છે. ચીનના શુકનવંતા લાલ કલરનાં કપડાં પહેરી, હાથમાં શુભ મનાતું સૂર્યમુખીનું ફૂલ લઈને વાલીઓ પરીક્ષા ખંડની બહાર ઊભા રહી જાય છે. અમેરિકા અને બ્રિટનમાં ગ્રેજ્યુએશન માટે માન્ય પરીક્ષાઓ કરતા પણ આ ‘ગોઓકાઓ’નું સ્તર ઊંચું છે. આથી વિદેશની રેન્કર યુનિવર્સિટીઓ પણ આ પરીક્ષાના આધારે ચીનના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે.
ભારતની પરીક્ષામાં બિચારા વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક,માનસિક અને સામાજિક રીતે ખતમ થઈ જાય છે. એક પરીક્ષા એક સ્થળ અને સમયે તો બીજી અને ત્રીજી પરીક્ષાનું ટાઈમ ટેબલ વળી જુદું. એકનું પરિણામ આવે ફી ભરવાની ડેડ લાઈનમાં ફી ભરે. પછી બીજી અને ત્રીજીનું પરિણામ આવે. તેમાં જો વિદ્યાર્થી સિલેક્ટ થાય તો તેને આગળ મેળવેલો પ્રવેશ અને ફી બન્ને જતાં કરવા પડે.
ભારતની આવી ખોખલી પરીક્ષા પદ્ધતિઓને લઈને ભારતના વિદ્યાર્થીઓથી કોર્પોરેટ કંપનીઓને અસંતોષ છે. ઈન્ફોસીસ કંપનીના માલિક નારાયણમૂર્તિનું એવું કહેવાનું થાય છે કે, ‘અમારે ભરતી તો કરવી હોય છે, પણ ઈન્ટરવ્યૂમાં અમે નિરાશા અનુભવીએ છીએ. અરજદાર પ્રેક્ટીકલ જ્ઞાન નથી ધરાવતો હોતો.આગામી ટેકનોલોજી કે જોબ સામે કેવા પડકાર આવી શકે તેમ છે, તે માટે આજનો યુવાન સજજ નથી હોતો.’
આથી જ ભારતના વિદ્યાર્થીઓને વિદેશમાં જાય ત્યારે માસ્ટર હોય તો પણ બે વર્ષ ત્યાં ભણવું પડે છે અને જે તે દેશની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું અનિવાર્ય હોય છે.