મારા પ્રિય -પ્રેમાળ પતિ
પ્રજ્ઞા વશી
માય ડિયર હબી,
‘આય લવ યુ બેબી’
તારો ફોન આવ્યો એ મને ગમ્યું અને એમાંય તેં જે છેલ્લી વાત કરી હતી તે મને ખૂબ જ ગમી છે. આજે પૈસા તો ઘણાં બધાં પાસે છે, પણ એને યોગ્ય રીતે ખર્ચનાર બહુ જ ઓછા વીરલાઓ જોવા મળે છે. તેં મને કહ્યું હતું કે ડાર્લિંગ, વેલેન્ટાઈન- ડે આવી રહ્યો છે એટલે તારે જે જોઈતું હોય તે મને પત્ર લખીને જણાવજે , જેથી કોઈ ભેટ-સોગાત લાવવાની રહી ના જાય!
(આવું સાંભળવા તો કાન વર્ષોથી તરસતા હતા.)
સાચું કહું હબી, તારું આ છેલ્લું વાક્ય મને સહુથી વધુ ગમ્યું, ‘તારા એ વાક્ય પછી મારું ઠંડું પડી ગયેલ ‘દિલ ધક ધક કરને લગા… ઔર મન સોચને લગા કી ક્યા ક્યા ભેટ મંગવાઉં?’ હિન્દી ફિલ્મોના હીરો અનેક ફિલ્મોમાં ડાયલોગ બોલતા આવ્યા છે કે ‘મૈં તેરે લિયે ચાંદ ઔર તારે તોડકે લાઉંગા…;’ પણ ‘કોઈ દિ કંઈ ચાંદ અને તારા તોડાય છે ખરાં ?’
(ગપ્પા મારતા તો કોઈ હિન્દી ફિલ્મોના હીરો પાસે શીખે. જે અશક્ય છે એવી જ ભેટો આપવાના વાયદા કરી કરી હિરોઈનો પટાવ્યે રાખે છે.)
પણ મને ખાત્રી છે કે તું મારાં ધબકતાં હૃદયનો અતિ પ્રેમાળ શ્ર્વાસ છે. તું મારી આંખોનું શ્રેષ્ઠ સપનું છે, જે જલ્દી સાકાર થવાનું જ છે. તું મારી ઈચ્છાઓના વહાણનો સફળ ખલાસી છે કે જે મારી ઈચ્છાઓના કાફલાને હું કહીશ તે પ્રમાણે પાર ઉતારશે જ…. તું મારી હર મનોકામનાઓની એવી ચાવી છે કે જે મારાં હાથમાં હંમેશાં રહેશે અને હું જે પણ તિજોરી ખોલવા ચાહીશ એ ફટાક દઈને ખૂલી જશે. જો કે મને ખાતરી છે કે કોલેજના જેટલા છોકરાઓ છે એમાં ફક્ત તું જ રાજા રામની જેમ ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એવી ઉક્તિમાં માનનારો એક માત્ર મારો વચનપાલક રામ છે.
(તારી ઓફર પ્રમાણે મારે આટલો લાભ લેવો જ રહ્યો અને લાભ લઉં છું તો મારે તારા આટલા વખાણ તો કરવા જ રહ્યા, નહીંતર હું નગુણી કહેવાઉં. જીવનભર આપણે લેવડદેવડ સરખી જ રાખીશું.)
હબી, તારા તો હું શું વખાણ કરું? મને તારા ઉદાર દિલના વખાણ કરવા તો શબ્દ જડતા નથી. મને ખાતરી છે કે મહાવીર કર્ણ તો વહેલી સવારે જે પહેલો દાન માગવા આવે એને દાન આપતો હતો, પણ તું મારા મનનો માણિગર, દિલદાર હબી તો હું આજીવન રાત-દિવસ જે માગીશ તે હાજર કરવાનો જ છે, છતાં તેં ફોન ઉપર કહ્યું છે એટલે નાછૂટકે સાવ થોડી એવી ભેટો મંગાવું છું… જો કે લાવવી ફરજિયાત નથી, પણ હા તું ભેટ વગર આવે તો તારા બોલેલા શબ્દોનું શું ? તને નીચાજોણું થાય તેવું તો હું કદાપી નહિ ચાહું.
(‘વીલ યુ બી માય વેલેન્ટાઈન?’ બોલવાની કિંમત તો ચૂકવવી જ પડે.. ખરુંને,ડિયર?)
મને ખબર છે હબી, કે તારે કૃષ્ણની જેમ અનેક ગોપીઓ છે, પણ એ બધું તારી ભેટ-સોગાત સામે કંઈ નથી. એકવાર હાથમાં આવશે પછી તારી આ રુક્મિણીનું જ રાજ હશે. હવે ડિયર હબી, હું મૂળ વાત પર આવું છું. તારા કહ્યા મુજબ હું અમિતાભ બચ્ચન જેની એડ કરે છે એ ‘કલા મંદિર’ સ્ટોર્સમાં કેટલાક ડાયમંડનાં ઘરેણાં બુક કરાવી આવી છું. તારા પપ્પાનું નામ મેં ત્યાં કહ્યું અને તારા પપ્પાનું ઓળખકાર્ડ બતાવ્યું પછી તેમ જ કહ્યું કે હું રાયચંદ શાહ બિલ્ડરની બનનારી પુત્રવધૂ છું કે તરત એમણે ફટાફટ વેડિંગ દાગીના બતાવ્યા.
આ ઘરેણાં (ફક્ત દસ લાખના) લઈને સ્ટોરવાળા તારા ઘરે આપી જશે… મેં તારો ફોન નંબર એમને આપ્યો છે અને ફોન કરીને જવાની સૂચના મેં આપી દીધી છે.
તા.ક. તું બોલેલું વચન પાળજે. કૃષ્ણએ હૂંડી સ્વીકારેલી એમ તારી આ પ્રેમાળ મીરાંની લાજ તારાં હાથમાં છે. બિલ પ્રેમથી સ્વીકારજે… પછી તું જો જે તારી આ જોગણ વેલેન્ટાઈન-ડે ઉપર તને કેવો પ્રેમનો ઈજહાર કરે છે.
બસ… તું વિશાળ હૃદયનો છે. એ તારે પુરવાર કરવાનું છે. મને વિશાળ હૃદયવાળા પાર્ટનર જ ગમે છે હબી… મારાં સપનાંના શણગાર સમો… મારો ભામશા… મારો કર્ણ… બસ, હવે તો ક્યારે આવે વેલેન્ટાઈન- ડે અને ક્યારે તું તારે હાથે ડાયમંડ કવીન સેટ તારી આ કવીનને પહેરાવે…
પ્રેમ તો બસ પ્રેમ છે, બસ , આટલું તું જાણજે, તોલવા એને નથી કાટલું, તું જાણજે, છે નફો સઘળો જ મારી ઝોળીમાં તો શું થયું? છું હું ધડકન તુજ હૃદયની- માપવું તું જાણજે.
લિ.
તારા હૃદયની રાણી… મીરાં (આધુનિક)
(લવ યુ હબી)