ઈન્ટરવલશેર બજાર

કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ

નિલેશ વાઘેલા

પ્રાથમિક મૂડીબજારમાં આજકાલ અનેક સારી કંપનીઓ પણ ડિસ્કાઉન્ટમાં પીટાઇ રહી છે અને વેલ્યુએશનનો મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે ત્યારે રોકાણકારોને એક સવાલ એ પણ સતાવી રહ્યો છે કે, ક્યાંક મ્યુચ્યુઅલ ફંડ આડેધડ રોકાણ કરીને તેમનાં નાણાં જોખમી સટ્ટા માટે તો નથી વાપરી રહ્યાં? માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે એટલે ચિંતા વધુ તીવ્ર બની છે.

તાજેતરની જ વાત કરીએ તો લેન્સકાર્ટનો આઇપીઓ ખૂબ ગાજ્યો હતો. રિટેલ પોર્શન તો તરત ભરાઇ જ ગયું હતું અને સાથે ક્વિપ પોર્શન સહિત ભરણું 28ગણું છલકાયું હતું. આમ છતાં આ શેર સોમવારે ત્રણ ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. ખાસ કરીને આ આઇપીઓ માટે ખૂબ જ આક્રમક નેગેટિવ પ્રચાર થયો હતો, પરંતુ તાજેતરમાં અનેક કંપનીના શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયા છે. આની પાછળનું એક મુખ્ય કારણ ખૂબ જ વધુ પડતા ઊંચા વેલ્યુએશન હોવાનું બજારના પંડિતો માને છે. આપણે આ સંદર્ભે ફંડ મેનેજરો અને ફંડ હાઉસનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કરીએ.

ફંડ હાઉસિસ સામાન્ય રીતે લાંબા ગાળાની સંભાવના, વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો અને બજારની સ્થિતિના મૂલ્યાંકનને આધારે કડક નિયમનકારી માળખા અને આંતરિક સંશોધન મોડેલો દ્વારા સંચાલિત ફોર્મ્યુલા હેઠળ રોકાણ કરે છે અને એક્ઝપોઝર પણ મર્યાદિત હોય છે. શેરબજારનાં સાધનો જણાવે છે કે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આઇપીઓ એન્કર બુક્સમાં થઇ રહેલું રોકાણ સંભવિત ઓવર વેલ્યુએશન અંગે ચિંતાઓ ઉભી કરી રહ્યું છે.

આ પણ વાંચો: કવર સ્ટોરીઃ ડ્રેગનને ડરાવાની ડોનલ્ડની દમદાટીથી ભારતને શું લાભ?

લેન્સકાર્ટ જેવા તાજેતરના આઇપીઓની એન્કર બુકમાં ટોચના મ્યુચ્યુઅલ ફંડ્સ દેખાયા પછી એવી ચિંતા વધી છે કે ફંડ હાઉસ ઊંચા વેલ્યુએશન્સ ધરાવતા આઇપીઓમાં આડેધડ રોકાણ કરે છે કે શું? બજારના નિરીક્ષકો એવા સવાલ કરી રહ્યાં છે કે શું ફંડ હાઉસ સ્પષ્ટ રીતે અત્યંત હાઇ વેલ્યુએશન્સ ધરાવતી પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરીને વેલ્યુએશન ડિસિપ્લીન સાથે સમાધાન કરી રહ્યા છે?

આ સંદર્ભે એક અસામાન્ય પગલામાં, એક જાણીતા મ્યુચ્યુઅલ ફંડે તેના રોકાણના તર્કને સ્પષ્ટ કરવા માટે એક જાહેર નિવેદન બહાર પાડ્યું કે, જ્યારે, સ્કેલેબલ બિઝનેસ, ભરોસાપાત્ર પ્રમોટર્સ, મજબૂત અમલીકરણ અને મૂલ્યાંકન, એમ ચાર ખાતરીપૂર્વકના પરિમાણ સકારાત્મક જણાય ત્યારે જ અમે કોઇપણ આઇપીઓમાં રોકાણ કરીએ છીએ.

ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે તો જાણવા મળેે છે કે આવા આઇપીઓમાં ફંડ એક્સપોઝર ન્યૂનતમ અને વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ હોય છે. જો આપણે લેન્સકાર્ટને ઉદાહરણ તરીકે લઈએ, તો ટોચના બે મ્યુચ્યુઅલ ફંડે એન્કર એલોટમેન્ટ દ્વારા લેન્સકાર્ટ આઇપીઓમાં અનુક્રમે 5ચાસ કરોડ અને પચીસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રકમ ઉપરોક્ત ફંડ હાઉસના સંચાલન હેઠળની તેમની કુલ સંપત્તિના 0.1 ટકા કરતા ઓછી છે.

આ પણ વાંચો: કવર સ્ટોરીઃ ઇન્વેસ્ટર્સ ઇક્વિટીને સ્થાને રેઇટ પાછળ કેમ દોડી રહ્યા છે?

મ્યુચ્યુઅલ ફંડ્સ કડક નિયમનકારી અને વિશ્ર્વાસપાત્ર માળખા હેઠળ ઇન્વેસ્ટર્સનાં નાણાંનું રોકાણ કરે છે. ફંડ મેનેજરો નિર્દેશ કરે છે કે એન્કર બુક ભાગીદારી, હાઇપ દ્વારા નહીં પરંતુ આંતરિક સંશોધન મોડેલો દ્વારા સંચાલિત છે જે લાંબા ગાળાની વ્યવસાયિક સંભાવનાનું મૂલ્યાંકન કરે છે.

કોઈપણ આઇપીઓ માટે કંપની લીડરશિપ, બજારનું કદ, ફાઇનાન્શિઅલ ડેટા અને વળતર મેટ્રિક્સ જેવાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન્સ ઘણાં પરિમાણોમાંનું એક છે, પરંતુ એકમાત્ર નિર્ણાયક પરિબળ નથી. નિર્ણય એ પણ આધાર રાખે છે કે નવો સ્ટોક હાલના પોર્ટફોલિયો હોલ્ડિંગ્સને કેવી રીતે પૂરક બનાવે છે!

લેન્સકાર્ટનો 7,278 કરોડ રૂપિયાનો આઇપીઓ તેના ઊંચા મૂલ્યાંકન છતાં 28 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો, જે અપર પ્રાઇસ બેન્ડ પર નાણાકીય વર્ષ 2025ની કમાણી કરતાં લગભગ 235 ગણો હતો. આ એન્કર રાઉન્ડમાં જિયો ફંડ, ઇન્ડસઇન્ડ ફંડ, ઇન્ડસઇન્ડ પ્રુડેન્શિયલ ફંડ, કોટક ફંડ, એક્સિસ ફંડ અને આદિત્ય બિરલા સન લાઇફ ફંડ સહિત લગભગ 20 મ્યુચ્યુઅલ ફંડ્સે ભાગ લીધો હતો. જેમાં મુખ્ય વીમા કંપનીઓ અને વૈશ્વિક રોકાણકારો જોડાયા હતા.

આ પણ વાંચો: કવર સ્ટોરીઃ જાદુ જેનેરિક ડ્રગ્સનો…

લગભગ રૂ. 10 લાખ કરોડની સંપત્તિનું સંચાલન કરનાર એક અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીના અન્ય એક સિનિયર ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, હંમેશાં એવી શક્યતા રહે છે કે જો તાજા ડેટા તેમના અગાઉની થિસીસ સાથે મેળ ખાતો ન હોય તો આ ફંડ્સ એક્સપોઝર ઘટાડી શકે છે અથવા રોકાણમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી શકે છે. કંપનીઓ દ્વારા અથવા એએમસી તરફથી માસિક કે ત્રિમાસિક અપડેટ્સ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી રિટેલ રોકાણકારોને આ વાતની જાણ થતી નથી.

મ્યુચ્યુઅલ ફંડો પણ સટોડિયાઓ જેવું વલણ અપનાવે છે કે શું? એવા સવાલના જવાબમાં એક ટોચના ફંડ મેનેજરે જણાવ્યું કે, અલબત્ત જ્યારે લિસ્ટિંગ ડે ગેઇન અમારા મૂલ્યાંકન લક્ષ્યાંક કરતાં વધી જાય ત્યારે અમે એક્સપોઝર ઘટાડવાનું વિચારી શકીએ છીએ. તેમ છતાં, અમારી રોકાણ ફિલસૂફી ટૂંકા ગાળાની બજાર ગતિ કરતાં મૂળભૂત વિશ્લેષણને પ્રાથમિકતા આપે છે.

વિશ્લેષકો કહે છે કે ફંડ હાઉસ એન્કર ફાળવણી માટે હાથ લંબાવતી વખતે વિવિધ પરિમાણો ધ્યાનમાં લે છે. આમાં કંપનીનું બિઝનેસ મોડેલ, ક્ષેત્રમાં તેની નેતૃત્વ સ્થિતિ, મેનેજમેન્ટ ગુણવત્તા, કડક નાણાકીય વિશ્લેષણ સહિતનાં પરિમાણોનો સમાવેશ થાય છે, જેમાં વૃદ્ધિ, માર્જિન, રોકડ પ્રવાહ અને વળતર મેટ્રિક્સના ત્રિપક્ષીય પરિબળો સમાવિષ્ટ હોય છે.

આ પણ વાંચો: કવર સ્ટોરીઃ આઇપીઓના ઘોડાપૂરમાં તણાતા પહેલાં સાવધાન!

આ ફંડ એકંદર પોર્ટફોલિયોમાં સ્ટોકના ફિટનું મૂલ્યાંકન પણ કરે છે અને તે પોર્ટફોલિયોના વળતર સામે જોખમ પ્રોફાઇલમાં કેવી રીતે મૂલ્ય ઉમેરશે તેનું મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકન, બજારનું સેન્ટિમેન્ટ, સલામતીના માર્જિન અને પૂરક દ્રષ્ટિકોણથી પોર્ટફોલિયોમાં સ્ટોક રાખવાની જરૂરિયાત જેવાં પરિબળો પર આધારિત છે.

સરવાળે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનાં સાધનો એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે ઉદ્યોગ રોકાણ શિસ્તનું ચૂસ્તપણે પાલન કરે છે. જોકે, બીજી તરફ નવા આઇપીઓમાં મૂલ્યાંકન સંદર્ભે એક રીતે લૂંટફાટ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે અને બજાર નિયામક આ સંદર્ભે હાથ ઊંચા કરી લે છે, તે જોતા રોકાણકારોને જાતે ઊંચા મૂલ્યાંકન ધરાવતા આઇપીઓથી દૂર રહેવાનું વલણ જ સુરક્ષા આપી શકે છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button