ઈન્ટરવલ

ટૂંકી વાર્તા: લાખું

એકલી બાઈ છે.. તો ઘરવાળો ક્યાં હશે? અને જો ઘરવાળો નથી. તો પછી…

-કાળુભાઈ ભાડ

સીમાનું શરીર એવું કચકડે મઢેલું હતું કે… ગમે તેવી આંખો એમનાં પર ઓળઘોળ થઈ જાય.લિપસ્ટિક, લાલી કે પાઉડરના થથેડાની એમને જરૂર જ ના પડે. છતાંય..એ એવી જગ્યાએ હતી કે..એને આ બધું કરવું જ પડે. ચારેકોર ઘૂમતી શકરા જેવી આંખો, આખરે… સીમા પર આવીને અટકી જતી.નઅને કેમ ના અટકે..!!

સફેદ પૂણી જેવો વાન એને વારસામાં મળેલો. અણીયાળી આંખો અને નકશીદાર નાક એમને માતાએ આપેલી સંપત્તિ હતી. ઘડીભર હીરોઈન પણ શરમાઈને પાણી પાણી થઈ જાય… એવું એમનું રૂપ પિતરાઈ સંપત્તિમાં મળેલું. એ જ્યારે આ લાઈનમાં આવી ત્યારે આખી બજારમાં તહેલકો મચી ગયો હતો….ખેર…! એ વરસો જૂની વાત.

અને હવે આજની વાત. જમીન આસમાનનો ફરક. આજે સવારથી એ ડબલ તૈયાર થઈને બેઠી છે. પરંતુ, એક કરતાં એક ગ્રાહક આવ્યો નથી કે, કોઈએ સામે પણ..! જોયું નથી. આ સીમાનું સિમાંકન થઈ ગયું કે.. શું!? એની મારકણી આંખો આજેય બરકરાર છે. એ જેમ બહારનું જોઈ શકે છે. એમ અંદરનું પણ..જોઈ શકે છે…! એ લગભગ ૨૦૦૪ની સાલ, પાકિસ્તાનમાં અંધાધૂંધી જેવો માહોલ સર્જાયો હતો. એક જ વર્ષમાં ત્રણ ત્રણ સત્તાઓ બદલી.

સીધાસાદા માણસને જીવવું દુષ્કર બની ગયું હતું. સીમાની ઉંમર એ વખતે અઢારેક વર્ષની. એમનું લાવણ્ય ભર્યું રૂપ લઈને એ શેરીમાં નીકળી ના શકે. હજારો કામાંધ આંખો એમને ટીકી ટીકીને જોયા કરે. આમને આમ સીમા હીરજાયા કરે. સમય મળતાં સીમા..,સિમાપાર ભારત એની માસીના ઘરે આવી. શરૂ શરૂમાં એમને સારું લાગ્યું. બાકી તો..કાગડાં એને અહીંયા’ય કાળાં જ કળાયા.
એમની સગી માસીનો દીકરો, એમને ટીકી ટીકીને જોયાં કરે. સમય જતાં એ અટકચાળા કરવા પણ લાગ્યો. હવે શું કરવું..? માસીને કહેવાય નહીં અને પરત તો જવું જ નહોતું. એક બાજું ખાઈ તો એક બાજુ કૂવો. ખેર..! પાકિસ્તાન તો જવાનું જ નહોતું. અહીંયા જ કોઈ સારું પાત્ર ગોતીને ઠરી ઠામ થઈ જવાનું હતું. સીમાએ જ્યાં જ્યાં નજર દોડાવી ત્યાં ત્યાં એમને આઘાતનાં અંધારા આવી ગયાં. અને જ્યાં એમની નજર ઠરીઠામ થઈ.. ત્યાં એમનું નામ શિવાન નીકળ્યું! ઊંઘ ના જૂએ ઉકરડો ..એમ પ્રેમ ના જૂએ પાત્ર. સીમા અને શિવાનની મુલાકાતો વધતી ગઈ…સીમા કહેતી : ‘શિવાન તું જાણે છે ને કે આપણાં બંન્નેના દેશ અલગ છે. જાતિ અલગ છે.

અને ધર્મ તો સાવ જ અલગ છે..!’ શિવાન કહેતો: ‘તારાં અને મારાં લોહીનાં રંગમાં ફરક છે? તારે બે હાથ..મારે પણ.. બે હાથ. તારે બે પગ. મારે પણ..!’ શિવાનને અટકાવીને સીમા વચ્ચે જ બોલતી: ‘આ બધી ચોપડી માંહ્યલી વાતો છે. એ વાંચવાની મજા આવે.. સાંભળવાની વધારે મજા આવે..પણ..! જીવન જીવવાની વાત આવે.., જીવનસાથે વણાવાની વાત આવે..એટલે દસ ગણી દુષ્કર લાગે છે.ચોપડી માંહ્યલી વાતો માણસનાં મગજમાં ઉતરતાં વાર લાગે છે. અને ક્યારેક સાવ ઊતરતી જ નથી.’ ‘તું કોની વાત કરે છે, સીમા..? મક્કમ મને શિવાન બોલતો.‘તારી વાત થોડાંઘણાં અંશે ખરી હશે, પણ ..આપણે પણ..સમાજ જ છીએ ને.. સમાજ છોડીને આપણે કયાં જઈશું?’ ‘જો સીમા..! પ્રેમનો પંથ છે પથ્થરનો. ચાલતાં આવડે તો ફૂલ બને, નહીંતર કાંટાળી કેડી..!’ સીમા કહેતી : ‘સાંભળ..શિવાન..! હું તો આવાં કંટકથી ટેવાઈને આવી છું. તને આવાં અણીદાર કાંટાનો અનુભવ છે? હું તો સહનશીલતાની સીમા પાર કરીને આવી છું. તું છે..પીંજરાનું પંખી. આડાં-અવળું, ઉપર -નીચે ઊડવાનું તને ફાવશે?’ ‘મને ન આવડે તો તું શીખવાડી દેજે. લાગે છે કે..તને આવું ઉડવાનો લાં..બો અનુભવ છે.’અને હાથ લાંબો કરીને સીમાએ કહ્યું: ‘તો..ઓ..પકડ મારો હાથ..! અને કયારે’ય નહીં છોડવાનું વચન આપ.’…અને આમ એક મેકનાં હાથની ગાંઠ, પગની ગાંઠ વધારે મજબૂત થઈ ગઈ..થતી ગઈ..!…અને પરિણામ જે આવે તે આવીને ઊભું રહ્યું. સીમાનું પેટ મોટું દેખાવા લાગ્યું. સરવાળે બન્ને મંદિરમાં જઈ પરણી ગયાં.

બે ચાર ગ્રાહકો આવતાં દેખાયાં અને સીમાનું ધ્યાન ભંગ થયું. એને લાગ્યું.. એકાદ તો આ બાજુ આવશે ને..! પરંતુ… એમની આશા આ વખતે’ય ઠગારી નીવડી.એમની ઓરડી આવતાં આવતાં બધાનાં બાવડાં પકડાઈ ગયાં. શું આજે પણ.. ઉપવાસ કરવો પડશે..? હમણાં.. હમણાં ઉપવાસનાં દિવસો વધી રહ્યાં છે. એ ફરી પાછી જૂના વિચારોમાં ખોવાઈ ગઈ…મંદિરમાં લગ્નની જાણ શિવાનના ઘરે પહેલાં થઈ. એમની ક્રિયાની પ્રતિક્રિયા ઠંડી ઠંડી આવી, પણ સામેની બાજુ આગ જ લાગી ગઈ..આખાંય મહોલ્લામાં હોહા મચી ગઇ..‘આપણી છોકરી એમને પરણી જ કેમ?’ ‘એને ગમે ત્યાંથી ગોતી કાઢો. પહેલાં મનાવો અને ના માને તો એમને ઊભીને ઊભી…’તો.. કોઈકે કહ્યું. ‘એ તો આપણે કરીશું જ, પણ..!

આપણી છોકરી ઉપર નજર બગાડનારને જીવવું દોખઝ બનાવી દો. એને દિવસે તારા દેખાઈ જવા જોઈએ.’ ‘અરે.. ભાઈ..! તારા બારા દેખાડવાની વાત છોડો, એને તો..તારા ભેગો જ કરી દેવાય. ના રહે બાંસ, ના બજે બાંસુરી.’ સીમા અને શિવાન બંન્નેને આ અ-મંગળનાં એંધાણ આવી ગયાં હતાં. અને એટલે જ એ બન્ને ઘર છોડીને ભાગી ગયાં હતાં, પરંતુ દુનિયા ખૂબ નાની પડી. દિવસે દિવસે મોતનાં સંદેશ આવી રહ્યાં હતાં. એક એક ડગલું મોત નજીક આવી રહ્યું હતું. સગાં, સંબંધી અને મિત્રોએ હાથ ખંખેરી નાખ્યાં.બાકી હતું એ હોટલવાળાએ ખીસા ખંખેરી નાખ્યાં. બંન્નેએ મરવાનું મન મનાવી લીધું હતું, પરંતુ ત્રીજા જીવ માટે જીવવું જરૂરી પણ હતું. મતલબની આ દુનિયા સામે પ્રેમ પરાણે હારીને થાકી ગયો. મોતના હાથે શિવાન ઝડપાઈ ગયો. સીમા એકલી નોંધારી થઈ ગઈ…પરંતુ… એણે માંથે મોતનું કફન બાંધી લીધું.

મનોમન નક્કી કર્યું કે હવે કોઈપણ સંજોગોમાં આ નાનકડાં જીવને બચાવવો છે. એનાં માટે જે કરવું ઘટે. કરવાનું તો કરીશ જ. પણ..કદાચ..! ન કરવાનું કરવું પડશે.તો પણ..કરીશ. જયાં જવું પડે ત્યાં જઈશ. કપરી પરિસ્થિતિનાં પહાડ ચડવાં પડે તોય મંજૂર છે. ‘મોત..! તને મારો આ ખૂલ્લો પડકાર છે. તું મારી આજુબાજુ તો ફરકી જો.’ ‘હવે કાળમૂખો સમાજ છે. મોત તું છે. અને..આ નાનકડો જીવ છે.’ સીમા ગામ -ગામ ભટકવાં લાગી. શહેર -શહેર ફરીવળી. પણ..મોતનો મોટો પંજો પગલે -પગલું દબાવી રહ્યો હતો. ક્યારેક સીમા આગળ તો મોત પાછળ. અને ક્યારેક મોત આગળ તો સીમા પાછળ. પરંતુ… એક ઘડી એવી આવી કે લગભગ મોતનો કાળમૂખો પંજો સીમાને પકડે એટલી જ વાર. અને..એક જાજરમાન જેવી લાગતી સ્ત્રીએ સીમાનું બાવડું પકડ્યું અને મોત સો છલાંગ છેટું ભાગી ગયું. સીમાને હાશકારો થયો.કદાચ..! નરક મળશે ને તોય નજરમાં ભરી લઈશ. પણ..મોતને તો હાથતાળી આપી ને.

છતાંય ઘડીભર તો સીમાને આ જગ્યા નોર્મલ જેવી ના લાગી.હશે..! આપણે ક્યાં જિંદગી કાઢવી છે? બે ચાર દિવસમાં બધું બરાબર લાગશે એટલે નીકળી જવાનું. આ દરમ્યાન એમણે સીમાની રજેરજની જાણકારી મેળવી લીધી. બે દિવસની મહેમાનગતિ મહેમાન જેવી રહી. ત્રીજા દિવસે કંઈક ભેદી હિલચાલ દેખાઈ.

પેલીએ આવીને કહ્યું: ‘સીમા, મોત તારી આગળ પાછળ ઘૂમી રહ્યું છે. જો તારે જીવવું હશે તો.. હું કહું તેમ તારે કરવું પડશે.’ ‘મેડમ..! કામ ગમે એટલું હું કરવા તૈયાર છું. અને ગમે ત્યારે કરવાં તૈયાર છું.’ ‘સીમા..સીમા..! તારાં જેવી રૂપસુંદરી અને ભરપૂર જોબનની માલકીનને કામ થોડું કરવાનું હોય..!?’ ‘હું કાઈ સમજી નહીં મેડમ. કામ તો કામ હોય છે. અને જીવન જીવવા માટે કામ તો કરવું જ પડે.’ ‘હું કામ કરવાનું જ કહું છું. પણ..!

જરા હટકે કામ કરવાનું છે.’ ‘બોલો ને..મારે શું કરવાનું છે?’ ‘બસ..!! આ મારાં મહેમાન ને જરાં ખુશ કરવાનાં છે. બસ,એટલું જ કામ છે.’ ‘મેડમ..! તમે ધારો છો એવી…’ ‘જો..છોકરી..! અહીં ધારવાં -બારવાનું ન હોય. અહીં તો રૂપમતી કહે એટલે કરવાનું જ હોય. તું જીવતી રહી એ તારા ભાગ્ય છે. અને તું અહીં છે એ અમારાં ભાગ્ય પણ..હોય ને..! અને..તારે ક્યાં બજારમાં બેસવાનું છે? તારે તો આ રજવાડામાં રાજ કરવાનું છે.’સીમા માથે જાણે આભ તૂટી પડ્યું, પરંતુ હવે જાય તો જાય ક્યાં? એણે મન મનાવ્યું.. આવાં આભની નીચે જીવન હશે તો.. થોડું જીવી લઈશ. આપણે ક્યાં પૂંરું જીવન કાઢવું છે. અને બહાર જઈને મોતનાં મુખમાં હોમાઈ જવું એનાં કરતાં…બસ..!

આમ દિવસ પછી રાત..અને રાત પછી દિવસ વિતતાં ગયાં. મન મારીને’ય મનનાં માણીગરનાં અંશને જીવતો રાખ્યો….અને એક દિવસે એ જીવે શિવાનના રૂપમાં આ દુનિયામાં પા..પા..પગલી પાડી. સીમા માટે એ શિવાન જ હતો. શિવાનને ખંભે એક લાખું હતું. તો.., આને બબ્બે. એક ખંભે અને એક સાંથળે. એટલે તો એનું નામ શિશિર રાખ્યું. શિશિર આવે એટલે દુ:ખ રૂપી બધાં જ પાંદડાઓ ખરી પડે. અને વસંતનું નિર્માણ થાય.સીમા ખુશ હતી, રૂપમતી એનાં કરતાં’ય વધારે ખુશ હતી : ‘સીમાએ બાળકને જન્મ આપ્યો છે. હવે એ ક્યાં જશે.’તો..સીમાનાં મગજમાં અલગ જ ખિચડી રંધાઈ રહી હતી. શરૂઆતનાં દિવસો સુખરૂપ વીત્યાં. એટલે સીમાને પણ.. લાગ્યું કે રૂપમતી બદલી ગઈ છે.પરંતુ સમય જતાં એમને સમજાયું કે..કાગડા બધે કાળા જ હોય છે. કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી જ રહે છે….અને એક દિવસ રૂપમતીએ કહ્યું..‘સીમા.! હવે તું ફીટ લાગે છે. અને આમે’ય હવે તમારો ખર્ચ પણ વધી ગયો છે. તો..તારે ધંધે ચડવું પડશે ને..!

’ આ સાંભળીને સીમાને ઘડીભર આંખે અંધારા આવી ગયાં. ધરતી રેતની માફક સરકતી દેખાઈ. એમણે શિશિર સામે જોયું.. આંખના આંસુ એમનાં શરીર પર પડ્યાં.એ ઝબકી ગયો. ‘બેટા..! આમાં તારો કોઈ વાંક નથી.આ તારી માની કરમની કઠણાઈ છે.’ ‘પરંતુ..હવે તું મુંજાઈશ નહીં. શિશિરની હાજરી આવી ગઈ છે. એટલે વસંત નજીકમાં જ છે, એમ માનજે.’ થોડાં’ક દિવસો બહાનાંબાજીમાં કાઢી નાખ્યા….અને એક દિવસ એમણે નિર્ણય લઈ જ લીધો. ઘોર અંઘારાની રાતનું અંધાં માથે ઓઢી, અંધારામાં એ ઓળો બનીને ઓગળી ગઈ.સવાર..

સવારનું સોનેરી સૂર્યનું સોનેરી કિરણ સીમા માટે, નવાં જીવનનું નવું કિરણ લઈને આવ્યું. થોડાં દિવસ બધું સમું સૂતરું ચાલ્યું. અને હવે સીમાનાં કાને વાતો સંભળાવા લાગી. ‘એકલી બાઈ છે..તો ઘરવાળો ક્યાં હશે?’ ‘અને જો ઘરવાળો નથી. તો પછી આ છોકરો કોનો છે? કોઈનું પાપ લઈને તો આવી નથીને..!?’ સીમા સમજાવે તો કોને કોને સમજાવે? અને શું.. શું..સમજાવે? એ વિસ્તાર બદલતી રહી. શહેર બદલતી રહી. પણ.. અણીંયાળા પ્રશ્ર્નોનો પીછો ના બદલી શકી.એ જ્યાં પણ જાય.., જ્યાં પણ કામ કરે..કામાંધ આંખો એમને ટીકી ટીકીને જોયા કરે.એક રૂપવતીનો પીછો છોડાવ્યો ત્યાં હજારો..હજારો રૂપવતીઓ અડોસ પડોસમાં ઊભી થઈ ગઈ. રૂપવતીને ત્યાં તો એક સીક્કો લાગેલો હતો. જ્યારે અહીં તો.. બાપ.. રે.. બાપ..! સીમાને લાગ્યું આ દુનિયા..,આ સમાજ..,

આમ સીધી લીટીમાં નહીં જીવવા દે.રૂપવતી મારાં જ રૂપે, અને પૈસે એશો આરામ કરતી હતી ને..! તો પછી.. હું જ…! અને ફરી એકવાર સીમાએ અંધારી રાતનું ઓઢણું ઓઢી લીધું. શિશિરનાં ખીસ્સામાં માત્ર ‘શિશિર’ લખેલી ચિઠ્ઠી મૂકી. શિશિરને અનાથ આશ્રમનાં દરવાજે મૂકી આવી. અને રડતી આંખે એ ફરીવાર અંધારામાં ઓગળી ગઈ. એક વહેલી સવારે એમણે ના છૂટકે આ બદનામ બજારમાં પગ મૂક્યો.નજોત જોતામાં આખી બજારમાં સીમારાણી.. સીમારાણી.. થવાં લાગ્યું. અપ્સરાનો અરિસો’ય ઝાંખો પડે એવું સીમાનું રૂપ આખી બજારમાં છલકાવા લાગ્યું. વચ્ચે.. વચ્ચે..બે ચાર વાર વેશ પલટો કરીને એ અનાથ આશ્રમમાં દાન કરી આવી.

રખે ને શિશિર એની નજરે ચડે. પરંતુ કોરી આંખે એ પાછી ફરતી. પછી તો.. સમય જાણે સમડીની પાંખે બેસી ગયો. સીમા સાથે વાત કરવાનાં’ય પૈસા થવા લાગ્યાં. બજારમાં જાજી જીભાજોડી કાને અથડાતાં એ વિચારોનાં વહાણમાંથી નીચે ઉતરી. બજારમાં મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. ‘અરે.. પૈસા ખીસામાં નથી તો શા માટે મોઢું કાળું કરવાં પહોંચી જાવ છો..! અને મફતમાં જ મજા લેવી હોય તો..તો..તમારે ઘર છે જ. શા માટે આ પૈસાની બજારમાં આવીને મફતમાં…’ તો વળી એકબાજુથી અવાજ આવ્યો. ‘હવે જે થઈ ગયું તે થઈ ગયું..! જવા દેને. એતો એવાં છે જ.. આપણે પણ..’આ બધી હડીયાપટ્ટીમાં એક ફૂટડો યુવાન સીમાની તરફ આવ્યો. બંન્નેની ચાર આંખો મળી. અને સીમાની આંખોના કમાડ બંધ થયાં. ચાર દીવાલનું કમાડ બંધ થયું અને યુવાનનું ઉપલું શરીર ખુલ્લું થયું.
પરંતુ આ શું..!? સીમાનો આવેગ ઓગળી કેમ રહ્યો છે? સીમા એટલું જ બોલી…‘તને ખંભે લાખું છે..?’ ‘તારું નામ શિશિર છે..?’ ‘એનાંથી તને શું મતલબ..!? તને તો.., પૈસાથી મતલબ છે. અને તને મારું નામ ક્યાંથી ખબર..!?’ ‘મને એ’ય ખબર છે કે.. આવું જ એક વધારે લાખું તારાં સાથળ ઉપર પણ છે….બેટા! ’નાનકડી ખોલીની નાનકડી ચાર દીવાલો ચોધાર આંસુડે રડવાં લાગી….. બંન્નેની આંખમાંથી શ્રાવણ- ભાદરવો વરસી પડ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker