ઈન્ટરવલ

ચોટ ખાધા વિના દડો ઊછળી શકતો નથી, એડી માર્યા વિના ઘોડાની ચાલ ઝડપી બનતી નથી

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય.’ આ ઉક્તિ અનુસાર સફળતાનો માર્ગ સરળ નથી. મહેનત કર્યા વગર – તકલીફ ભોગવ્યા વગર સફળતા મળતી નથી. મધમાખીઓના ઝેરી ડંખની આડમાં જ મધ હોય છે, જે આ ડંખનો સામનો કરી શકે છે એ જ મધ મેળવી શકે છે. સુંદર વ્યાઘ્ર ચર્મ મેળવવાની ઇચ્છા રાખનારે સાક્ષાત કાળ સમા વિકરાળ વાઘ સાથે યુદ્ધ કરવું પડે છે. મોતી શોધી લાવનારે મગરથી ભરેલા સમુદ્રના તળિયા સુધી જવું પડે છે. ભગવાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા સાધકે પહેલાં કઠોર સાધનાનું દુ:ખ સહેવું પડે છે.

બીજા શબ્દોમાં કહીએ તો પ્રગતિની પ્રત્યેક દિશામાં દુ:ખ, મુશ્કેલીઓvઅને અડચણો રહેવાની. એવી એકvપણ સફળતા નથી કે જે મુશ્કેલીઓનો સામનો કર્યા વિના મળી હોય.. જો પરમાત્માએ સફળતાને મુશ્કેલીઓvસાથે વણી ન લીધી હોત અને બધાને માટે સરળ બનાવી દીધી હોત, તો તેvમાનવીનું સૌથી મોટું દુર્ભાગ્ય જ ગણાત. સરળતાથી મળેલી સફળતા સાવ નીરસ અને અવગણી શકાયvતેવી બની જાત. જે વસ્તુ જેટલી મહેનતે, જેટલાં દુ:ખો વેઠી, જેટલો ખર્ચ કર્યા બાદ મળે છે, તે તેટલી જ આનંદદાયક હોય છે. કોઈ શાક કે ફળફળાદિ તેની ઋતુમાં સસ્તાં અને ભરપૂર માત્રામાં મળે છે ત્યારે તેની કોઈ કિંમત હોતી નથી, પણ જ્યારે તે દુર્લભ બની જાય છે ત્યારે અમીરો તેને શોધીને મોંઘાદાટ ખરીદે છે. મીઠાઈનો આનંદ કંદોઈ ન જાણે, જેને માત્ર કોઈક જ વાર મીઠાઈ મળે છે તે જ આનંદ મેળવી શકે…. જે માંદગીમાં સપડાયો છે તે જ શરીર સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજી શકે છે. એ જ રીતે, સોનું ઘણી ઓછી માત્રામાં મળે છે એટલે જ એની કિંમત છે. બાકી કોલસાની ખાણોની જેમ સોનાની ખાણો મળવા લાગે તો લોકો તેને પણ લોખંડ કે બીજી સસ્તી ધાતુની જેમ બેદરકારીથી જ જોતા હોત. જ્યારે બે પથ્થર ઘસીને અગ્નિ પેટાવવામાં આવતો હતો, ત્યારે અગ્નિનું ઘણું મહત્ત્વ હતું, દેવની જેમ તેની પૂજા થતી હતી, પરંતુ આજે જ્યારે દીવાસળીની પેટીઓ દુકાનોમાં સાવ સરળતાથી મળે છે ત્યારે અગ્નિને કોણ આટલું મહત્ત્વ આપે?

વસ્તુની અછત અને મેળવવાની મહેનત સાથે આનંદને સીધો સંબંધ છે. જે કાર્યોની સફળતા સામાન્ય માનવ માટે દુર્લભ છે તેવાં જ કાર્યો જો બધા માનવી હંમેશાં કરતા રહે તો તે લોકોએ કોઈ ચોપડી વાંચવાની જરૂર પડે નહીં કે ન કોઈ લેખકે આવા લેખ લખવાની… કોઈ રસ, કોઈ વિશેષતા ન રહેતાં આ સંસાર સાવ નીરસ કદરૂપો બની જાત, લોકોને જીવન જીવવું ભારરૂપ લાગ્યું
હોત. મુશ્કેલી-અડચણ ન હોવાથી એક બીજું નુકસાન એ થાય છે કે માનવીની ક્રિયાશીલતા, કૌશલ્ય અને ચેતના નાશ પામે છે. ઠોકરો ખાઈ ખાઈને અનુભવનું ભાથું બાંધી શકાય છે. ઘસવાથી અને દળવાથી યોગ્યતા વધે છે. દુ:ખનો આઘાત સહન કરીને માનવી દૃઢ, બળવાન અને સાહસિક બને છે અને માનવી સો ટચના સોના જેવો ચમકી ઊઠે છે. આઘાત- પ્રત્યાઘાતની ઠોકરો ખાઈ રબ્બરના દડાની જેમ આપણી આંતરચેતના ઊછળે છે અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા ગતિવિધિઓ આરંભી દે છે.

ચોટ ખાધા વિના દડો ઊછળી શકતો નથી, થપકી માર્યા વિના ઢોલક વાગતું નથી એમ, એડી માર્યા વિના ઘોડાની ચાલ ઝડપી બનતી નથી. માનવી પણ લગભગ આવાં તત્ત્વોનો બનેલો છે અને જ્યાં સુધી કોઈ ઠોકર ન ખાય, મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ન આવે ત્યાં સુધી એની સુષુપ્ત શક્તિઓ જાગૃત થતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button