ઈન્ટરવલ

માતૃભાષા એટલે સંસ્કૃતિનું મહિમા ગાન


મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ સમજણ ગ્રહણ કરવા લાગે છે. મહાભારતમાં અભિમન્યુ માતાના ગર્ભમાં યુદ્ધ વિશેના છ કોઠા શીખી લે છે. આ જગતમાં બાળકને પોતાની મા સાથે સૌથી નિકટનો નાતો હોય છે. માતાના હરખ, શોક કે ઊર્મિઓ બાળક પોતે પણ આત્મસાત કરતું જ હોય છે. આમ બાળક પોતાની જિંદગીનું લગભગ અડધોઅડધ શિક્ષણ તો માતાનાં ગર્ભમાંથી જ લઈને આવે છે. આપણે તો બસ એને વિકાસની તકો પૂરી પાડવાની હોય છે.

અકબરના દરબારમાં એક એવા પંડિતને રજૂ કરવામાં આવ્યો કે એ જગતની ચૌદ ભાષા સહજતાથી લખી, વાંચી અને બોલી શકતો હતો, પણ એ કોઈને ખબર પડવા દેતો નહોતો કે એની માતૃભાષા કઈ હતી? આ પંડિત દરેક રાજાના દરબારમાં એ માટે પડકાર ફેંકતો અને ખરેખર એ એટલી બધી સહજતાથી દરેક ભાષામાં મૂળ ઉચ્ચારણ, લઢણ અને લહેકા સાથે વાતચીત કરી શકતો કે પડકાર ઝીલનારા માટે એ જાણવું અશક્ય થઈ પડતું કે એની માતૃભાષા કઈ છે?

અકબરના દરબારમાં લગભગ બધા જ પ્રકાંડ પંડિતો એનો પડકાર ઝીલવામાં નિષ્ફળ ગયા. છેવટે બિરબલે બીડું ઝડપ્યું અને માત્ર એક જ ક્ષણમાં એના ફેંસલો પણ લાવી દીધો. બિરબલે એ પંડિતની નજીક આવીને અચાનક એક એવી તો ડાબા હાથની જોરદાર થપ્પડ એના ગાલે ઝીંકી દીધી કે પંડિતથી બોલી જવાયું, ‘ઓય મા…!’ બિરબલે તરત જ નિષ્કર્ષ જાહેર કર્યો: ‘આ પંડિત ભલે ગમે તેટલી ભાષામાં નિપૂણ હોય પણ એની માતૃભાષા ગુજરાતી છે!.’ આ કથા આમ બહુ સૂચક અને માર્મિક છે. માણસ ગમે તેટલી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય પણ માત્ર એક અને એક જ એવી ભાષા હોય છે કે જે એની ચેતનાનો અભિવ્યક્ત અંશ બની જતી હોય છે.

ભાષા પ્રત્યે સન્માન અને ભાષા અભિમાન એ બે વચ્ચે પાતળી ભેદરેખા છે. ભાષા પ્રત્યે સન્માન હોવું જોઈએ. અન્ય ભાષાઓનો ઉપયોગ કરવાનું બને ત્યારે પણ આપણી ભાષાને આપણે અભરાઈ ઉપર ન ચડાવી દઈએ. ભૂતકાળમાં જ્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ ભારત આવ્યા ત્યારે ભારતનાં વડાં પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી હતાં. બંને વચ્ચેના વાર્તાલાપમાં મિખાઈલ ગોર્બાચોવ રશિયન ભાષામાં વાત કરતા હતા. દુભાષીયો અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરતો હતો. ઈન્દિરા ગાંધી પ્રત્યુત્તરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતાં હતાં. વિશ્વના અનેક દેશને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ છે. એ આ ઘટના પરથી નક્કી થઈ શકે છે.

એક આમ આદમી તરીકે કહું તો શક્ય તેટલે અંશે માતૃભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ. પત્ર લેખનમાં, વ્યવહારમાં, બોલચાલમાં, ભાષણમાં પણ માતૃભાષાને જ મહત્ત્વ આપવું જોઈએ. ઓછામાં ઓછું આપણા પરિવારનાં બાળકો ગુજરાતી માધ્યમની શાળા કોલેજોમાં અભ્યાસ કરે સાથે અંગ્રેજી અને ઈતર ભાષાઓને પણ દિલથી ભણે તેવા પ્રયાસો થવા ઘટે. ટીવીમાં લખવામાં આવતાં સબ ટાઈટલ (પેટા શીર્ષકો), મકાન પર લખવામાં આવતાં નામમાં પાર વિનાના જોડણી દોષના ગોટાળા જોવા મળે છે. ‘આશીર્વાદ’ના બદલે ‘આર્શિવાદ’ લખેલું જોવા મળે છે. અશ્વમેધ અને અશ્વમેઘ, મેઘા અને મેઘા, ભવન અને ભુવન, દ્વારકા અને દ્રારકા વગેરે શબ્દોમાં સાચું શું છે તે વિશે વ્યાપક સમજ પ્રસરે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ભાષા શુદ્ધિ માટે એક મૂંગી ઝુંબેશ આદરવાની જરૂર છે. મહત્ત્વના શબ્દોનો ખિસ્સાકોષ તૈયાર કરી ખૂબ ઓછી કિંમતે શાળાઓમાં વહેંચવો જોઈએ. સાંકળચંદ પટેલ દ્વારા ‘જોડણીનો જાદુ’ જેવી પુસ્તિકાનું પ્રકાશન આવકાર્ય છે.

પ્રાચીન સમયથી ચાલી આવતા પરંપરાગત શબ્દો જેવા કે, ભળકડું, મોં સૂઝણું, રૂંઝ્યું, સોપો પડવો, રોંઢો, શિરામણ, બપોરા વગેરે શબ્દો અંગ્રેજી પાસે હશે? કાકા – કાકી, માસા – માસી,મામા – મામી, ફઈ – ફુવા, નણંદ – નણદોઈ વગેરેના પર્યાય અંગ્રેજી ભાષા પાસે છે ?

જાણીતા લેખક વિચારક ગુણવંત શાહ કહે છે :

‘તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોનાં સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે? એ કયું ગુજરાતી વાંચે છે? એ અડધાં પડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે? આપ આ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારિતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ એટલે સંસ્કાર -સંસ્કૃતિનું મૃત્યુ. સંસ્કૃતિનું મોત એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી!’

પ્રભુત્વ ભલે અનેક ભાષાઓ પર ધરાવતા હોઈએ પણ આપણી ચેતનાનો અભિવ્યક્તિ અંશ જો કોઈ હોય તો તે માત્ર એક જ છે – માતૃભાષા. તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા, અહીંયા ટિસ્યૂથી આંસુ લૂછાય છે.

– આદમ ટંકારવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button