ભારતમાં સંપૂર્ણ મુખારવિંદવાળું ક્લાત્મક કાલિકા માતાજીનું મંદિર – પાટણ

તસવીરની આરપાર -ભાટી એન.
ભારતમાં માતાજીનું માહાત્મ્ય અપાર છે, આપણો દેશ ધર્મ પરાયણ છે, તેમાં તીર્થંધામો પણ ઘણા છે, જિંદગીમાં જાત્રા કરવાનું કે ફરવા જવાનું બધા પસંદ કરે છે, એકવીસમી સદીમાં આપણે પૈસે ટકે સુખી છીએ પણ અંતર મનમાં દુ:ખીનાં ડાળિયા છીએ…!?. કામ કામ ને કામ સુખ શાંતિ નથી અંદરથી દુ:ખી નો ભાવ જોવા મળે છે, તેના માટે આપણા ધાર્મિક તીર્થો આપણને શાતા આપે છે, ત્યાં મનમોહક મૂર્તિ જોતા પુલકિત થઈએ છીએ. આવું જ એક પ્રવાસન સ્થળ ઉત્તર ગુજરાતનું વિશ્વ વિખ્યાત પાટણ તે રાણકી વાવ, પાટણનાં પટોળાથી વિશ્વ હેરિટેજમાં નામ છે, અરે 100 રૂપિયાની નોટમાય રાણકી વાવની તસવીર છે.!.
આનાથી મોટું ગૌરવ પાટણને શું હોય અને તેના પટોળા પણ આગવી ઓળખ ઉભી કરી છે. આજે રોજનાં હજારો પ્રવાસીઓ રાણકી વાવ જોવા જાય છે ત્યાં રસ્તામાં જ આવતું એક તદ્દન ભિન્ન કૃતિવાળુ મંદિર છે…!?. હા ત્યાં ગઢ નો ગોળ ભાગ છે તેમાં પાટણનાં નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પણ ખુબ અદ્ભુત છે ત્યાં મંદિર નથી પણ ગઢનો ગોળાકાર ભાગ પણ મોટો છે તેમાં કાલિકા માતાજીનું સંપૂર્ણ મુખારવિંદ સાથેની મૂર્તિની શોભા અપાર છે, હું રાણકી વાવ જોઈ આવતો હતો ત્યાં મને જાણવા મળ્યું કે આ ગઢમાં અતિ ભવ્યાતીભવ્ય નયનરમ્ય મંદિર છે.
હું ભોળા ભાવે મંદિરમાં ગયો ને ત્યાં ફૂલોનાં સપ્તરંગી શણગાર જોઈ હું પુલકિત થઈ ગયો… વાહ… વાહ… કાલિકા માતા તારું અદકેરું રૂપ નીરખી હું પણ ધન્ય ધન્ય થઈ ગયો. ખરેખર તેની મૂર્તિમાં જે શણગાર છે તેવો ગોળાકાર શણગાર ભાગ્યેજ જોવા મળે અને આ મંદિર પાટણનાં રાજા સિદ્ધરાજ જયસિંહે બનાવેલ. પાટણ એક સમયનું જાજરમાન રજવાડું હતું તેની સખાવત ને તેમણે બંધાવેલ ઐતિહાસિક ઇમારતો, વાવ, તળાવ તેનું ગાન કરે છે તો ચાલો પાટણનાં કાલિકા માતાજીનો ધાર્મિક ઇતિહાસ જાણીએ.
પાટણ: ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતા પાટણ નગરમાં રાજા સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ 1094 થી 1143 એટલે કે 49 વર્ષ સુધી રહ્યો હતો. આ શાસનકાળ દરમિયાન રાજા સિધ્ધરાજ જયસિંહે આખા પશ્ર્ચિમ ભારત પર શાસન કર્યું હતું અને અનેક મંદિરો તેમજ શિલ્પ સ્થાપત્ય બનાવ્યા હતાં. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે સિદ્ધરાજ જયસિંહે ઉજ્જૈન ઉપર ચઢાઇ કરી હતી. ત્યારે ગઢમાં બિરાજમાન કાલિકા માતાજીએ મદદ કરી હતી. હેવાય છે કે સિદ્ધરાજે ઉગ્ર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતાં અને પાટણ પધારવા નિમંત્રણ આપ્યું હતું. ત્યારે કાલિકા માતાએ કહેલું કે હું ગઢ કાલિકા છું મારા માટે ગઢ જોઈએ. તેથી રાજા સિદ્ધરાજે પાટણમાં ઇ.સ.1123માં ગઢ બનાવ્યા. જે ગઢના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ સંપૂર્ણ મુખારવિંદ સાથે પાટણમાં પ્રગટ થયાં. ત્યારથી શ્રી કાલિકા માતા પાટણનાં નગરદેવી તરીકે પૂજાય છે.
સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન-દેશના વિવિધ સ્થળો પર કાલિકા માતાજી બિરાજમાન છે. પરંતુ પાટણમાં
કાલિકા માતા સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં કાલિકા માતાજીના માત્ર નેત્રના જ દર્શન થાય છે. કલકત્તાના ક્લીગાઢમાં માતાજીના નાસિકાના દર્શન થાય છે. ઉજ્જૈનમાં માતાજી અપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. જ્યારે પાટણમાં માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. અહીં એમના સાનિધ્યમાં 18 ભુજાઓ સહિત પદ્માસનમાં ભદ્રકાળી માતાજી બિરાજમાન છે. જેથી ધાર્મિક રીતે આ મંદિરનું (ઙફફિંક્ષ ૠફમવ ઊંફહશસફ ઝયળાહય )મહત્ત્વ અનેક ગણું વધારે છે.
કાલિકા માતાના દર્શનથી મનને શાંતિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે : શ્રદ્ધાળુ -નગરદેવી શ્રી કાલિકા માતાજીના મંદિરે વર્ષે દહાડે હજારો માઇભકતો દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા-માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.આ મંદિરે આવવાથી દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે સાથે મનને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે આ મંદિરે ખાસ કરી નવરાત્રીનું મહત્ત્વ અદકેરું છે. નવ દિવસ ભિન્ન ભિન્ન શણગાર સજાવવામાં આવે છે, નગરદેવી શ્રી કાલિકા માતાને વિવિધ અલંકારોથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા છે જેના દર્શન થકી જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી કાલિકા માતા ડાયમંડના અલંકારોથી સુશોભિત છે,-પાટણના કાલિકા માતાના મંદિર ખાતે વર્ષ દરમિયાન આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ મહોત્સવ પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવાય છે.
પર્વની ભક્તિમય માહોલમાં શરૂઆત કરવામાં આવી છે. નવરાત્રિના પ્રારંભે શ્રી કાલિકા માતાજીને વિશિષ્ઠ શૃંગાર કરવામાં આવે છે, પૂજારી દ્વારા માતાજીની દેૈદીપ્યમાન મૂર્તિને દેશવિદેશમાંથી ખરીદેલા ડાયમંડના આભૂષણોથી સુશોભિત કરવામાં છે. સાથે જ મુંબઈ અને કલકત્તાના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરવામાં આવી છે, જ્યાં શ્રદ્ધાળુએ માતાજીની મૂર્તિનાં દર્શન કરી આશીર્વાદ મેળવી હર્ષોલ્લાસની ભાવના તંતોતંત કરે છે, તો આપ પાટણ જયારે પણ મુલાકાત લો ત્યારે કાલિકા માતાજીનાં દુર્લભ દર્શન કરવાનું ચુકતા નહીં હો…!?.