ઈન્ટરવલ

સીતારમણનાં બજેટમાં વાસ્તવિકતા કરતાં વચનો વધુ!

કવર સ્ટોરી- જયેશ ચિતલિયા

‘બજેટ કેવું રહ્યું?’ એવું કોઈ પૂછે તો ચોક્ક્સ જવાબ આપવો મુશ્કેલ લાગે…
હા, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બધાંને રાજી કરવાની કોશિશ કરી છે, પરંતુ નારાજગી વધુ પ્રસરે એવું લાગે છે.

એનું કારણ છે કે બજેટમાં વાસ્તવિકતા કરતાં વચનો પર વધુ ભાર મુકાયો છે. આશા વધુ આપી છે : ‘હવે આમ કરીશું તેમ કરીશું.. એવું વધુ કહ્યું છે.નાણાં પ્રધાને આમ થશે, તેમ થશે..’
એવી જાહેરાતો વધુ કરી છે. આમ ખરેખર થાય તો વાત બને.બાકી બહુ બૂરું માનવા જેવું પણ કંઇ નથી.

આ વખતે બજેટમાં રોજગાર સર્જન પર જોરદાર ફોકસ કરવામાં આવ્યું છે, ખાસ કરીને યુવા વર્ગ માટે. આ હેતુથી સરકારે બજેટમાં ‘પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્ઝ’ને સ્થાને ‘જોબ લિન્કડ ઈન્સેન્ટિવ્ઝ’ પર જોર અપાયું છે.

ખાસ કરીને બજેટમાં નાણાં પ્રધાને યુવા વર્ગ માટે ૫૦૦ કંપનીઓમાં એક વરસની ઈન્ટર્નશિપ ઉપલબ્ધ થાય એવી જોગવાઈ કરી છે. આને એક ઈનોવેટિવ પ્રયોગ- એક નવી જાતનો અખતરો પણ કહી શકાય. યુવા વર્ગ માટે સરકારે સ્કિલ ટ્રેનિંગ-ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મુકયો છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર પર જંગી ખર્ચ કરવાનું જાળવી રાખવા ઉપરાંત વધાર્યુ છે, જેમાં સરકારે આશરે રૂ. ૧૧ લાખ કરોડ મુડી ખર્ચ કરવાની તૈયારી રાખી છે. આમાં રાજયોને પણ સામેલ કરીને સરકારે સહયોગ આપવાની સકારાત્મક તૈયારી દર્શાવી છે. ખાનગી ક્ષેત્રને પણ મૂડી ખર્ચ માટે પ્રોત્સાહિત કરાયું છે. આ બંને વાત મહત્ત્વની ભૂમિકા ભજવશે.

મધ્યમ વર્ગને નજીવી રાહત

પગારદાર અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને પ્રથમ વાત કરીએ તો સરકાર હાલના બે જુદા-જુદા કર માળખાંને સ્થાને નવા માળખાંને (ન્યુ ટેકસ રિજીમ) ને પ્રોત્સાહન આપવાનો ઈરાદો સેવતી હોવાનું કહી શકાય. કરદાતાઓ નવા રિજીમને પસંદ કરે એ માટે નાણાં પ્રધાને નોંધપાત્ર રાહત આપી દઈને પરોક્ષ રીતે લોકોને નવા કર માળખાં તરફ વાળવાનો ઉદેશ રાખ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકાર વિવિધ કરરાહતો અને કરમુકિતમાંથી કરદાતાઓને બહાર કાઢવા માગે છે, જે લાંબે ગાળે ફરજિયાત કર બચાવવાના ઈરાદાથી ચોકકસ બચત યોજનાઓ તરફ વળતા વર્ગને નિરુત્સાહ કરશે.

આનો બીજો અર્થ એ થાય કે લોકો કર બચાવાની યોજનાઓને બદલે સીધા યા મ્યુચ્યુઅલ ફંડ મારફત ઈકિવટી માર્કેટ તરફ વધુ વળશે એમ કહી શકાય. નવું કરમાળખું આનો સ્પષ્ટ સંકેત આપે છે.

સરકારનો સટ્ટાના અતિરેકને ડામવાનો ઈરાદો બજેટ રજૂ થવાના આગલા દિવસે જાહેર થયેલા આર્થિક સર્વેક્ષણની પણ ગંભીર નોંધ લેવી જોઈએ, કારણ કે આ સર્વેક્ષણ ઘણાં મહત્ત્વના સંકેત આપવા સાથે નીતિવિષયક સુધારા તરફ પણ ધ્યાન દોરે છે.

તાજેતરમાં સતત જેની ચર્ચા થઈ રહી છે તે શેરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ (ડેરિવેટિવ્ઝ) માં રિટેલ રોકાણકારોની વધતી જતી સામેલગીરીની છે. સેબી ‘એ વારંવાર આ વિશે ધ્યાન દોર્યુ છે. હવે આર્થિક સર્વેમાં આ વિષયની ગંભીર ટીકા સાથે એવું કહેવામાં આવ્યું કે આવા સટ્ટાકીય કામકાજનું ભારત જેવા વિકાસશીલ દેશમાં કોઈ સ્થાન નથી’ . વધુ મહત્ત્વની વાત એ છે કે, સર્વેમાં ચેતવણીના સ્પષ્ટ સૂરમાં એમ પણ કહેવાયું છે કે આવા સટ્ટાકીય કારણસર શેરબજારમાં ભારે કડાકા આવે છે તો એ રોકાણકારોને છેતરપિંડીનો અનુભવ કરાવે છે અને એમને લાંબા સમય સુધી મૂડીબજારમાં પાછા ફરતા અટકાવે છે, જે સમગ્ર અર્થતંત્ર માટે હાનિકારક બની શકે છે. બજેટમાં સરકારે આવા સોદાઓ પરના એસટીટી (સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ)માં વધારો જાહેર કરીને તેને અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો છે ખરો. જોકે, તેનાથી બહુ મોટો ફરક પડે એવી શકયતા ઓછી છે.

વૈશ્ર્વિક સ્તરે ડેરિવેટિવ્ઝ

વૈશ્ર્વિક સ્તરે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં મોટા ભાગે રોકાણકારો નાણાં ગુમાવે જ છે. ઝડપી નફાનું આકર્ષણ ગેરમાર્ગે દોરનારું બનતું હોય છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં મોટા ભાગના સહભાગીઓ નુકસાનનો સામનો કરે છે. રોકાણકારોને સતત એ માહિતી આપવાની જરૂર છે કે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાંથી મોટેભાગે નફો અપેક્ષા કરતાં ઓછો જ થાય છે અથવા ખોટના ખાડામાં પડાય છે.
જો રિટેલ-નાના રોકાણકારો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં નાણાં ગુમાવતા રહેશે તો અંતે એ બધા મૂડીબજારથી હંમેશા માટે દૂર થઈ જશે. પરિણામે અર્થતંત્રને નુકસાન થશે. આર્થિક સર્વેમાં અર્થતંત્રના ઝડપી નાણાંકરણના ગેરલાભો ગણાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં અર્થતંત્રના નાણાંકરણનાં બહુ બુરાં પરિણામ જોવાં મળ્યાં હતાં . વિકસિત દેશોમાં પણ એમ જ બન્યું છે. વર્ષ
૨૦૦૮ની વૈશ્ર્વિક નાણાકીય કટોકટી આનું ગંભીર ઉદાહરણ છે. વિકાસશીલ દેશો માટે તો જોખમ વધુ છે. ૧૯૯૭-૯૮ની એશિયાની નાણાકીય કટોકટીમાં પણ વિકસિત દેશોનાં અર્થતંત્રોને ભારે અસર થઈ હતી.

છેલ્લા ૧૦ વર્ષમાં બજેટના દિવસે ભારતીય શેરબજારોના પ્રત્યાઘાત કેવા રહ્યા હતા?

દેશનું કેન્દ્રિય અંદાજપત્ર શેરબજારો માટે એક મહત્ત્વનું ટ્રેન્ડસેટર બનતું હોય છે. બજેટની જાહેરાતોનો સંબંધ શેરબજારની તરલતા સાથે સંકળાયેલો હોય છે. અહીં છેલ્લા દસ વર્ષની એવી માહિતી દર્શાવવામાં આવી છે, જેના પરથી જાણી શકાય છે કે છેલ્લા દસમાંથી આઠ વર્ષોમાં બજેટની જાહેરાતોની શેરબજારો પર નકારાત્મક અસર થઈ હતી. આ વરસે પણ બજેટની અસરે બજારે મોટેભાગે નેગેટિવ પ્રત્યાઘાતથી શરૂઆત કરી અને નેગેટિવ જ બંધ રહ્યું.

ગયા વર્ષે બજેટના દિવસે ભારતીય શેરોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ૧૫૮ પોઈન્ટ અથવા ૦.૨૭% વધીને ૫૯,૭૦૮.૦૮ આંકે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૬ પોઈન્ટ અથવા ૦.૨૬%ના ઘટાડે ૧૭,૬૧૬.૩૦ આંકે બંધ રહ્યો હતો. નવમાંથી બે વર્ષ દરમિયાન બજેટના દિવસે બજાર ૪%થી પણ વધુ ઉપર ગયું હતું. ૨૦૨૧માં તો બજેટના દિવસે બજારમાં ૪.૭% જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. તે પહેલાં, ૨૦૦૧માં બજેટના જ દિવસે શેરોમાં ૪% ઉછાળો જોવા મળ્યો હતો.

૨૦૨૩માં, બજેટ પૂર્વે અને બજેટ બાદના મહિનાઓમાં, એમ બંને વખતે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં, નિફ્ટી બજેટ બાદ ૩% ટકા તૂટ્યો હતો જ્યારે બજેટ પૂર્વે જાન્યુઆરીમાં ૦.૧%નો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૦નું વર્ષ કોરોના મહામારીથી ત્રસ્ત રહ્યું હતું અને ત્યારે બજારે બજેટ પૂર્વે અને બજેટ રજૂ થયા બાદ, બંને વખતે નકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. બજેટ વખતે શેરબજારો સકારાત્મક પ્રતિસાદમાં રહી હોય એવું છેલ્લે ૨૦૧૮માં બન્યું હતું જ્યારે બજેટ પૂર્વેના મહિનામાં બજારમાં ૫.૬% તેજી જોવા મળી હતી. તે પૂર્વે, ૨૦૦૨ અને ૨૦૦૦નાં વર્ષોમાં બજેટ પૂર્વેના મહિનામાં બંને શેરબજારે ૧૧-૧૧% જેટલો લાભ મેળવ્યો હતો.

વર્ષ બજેટના દિવસે નિફટીનો
દેખાવ (ટકાવરીમાં)
૨૦૨૪ -૦.૧૩
૨૦૨૩ -૦.૨
૨૦૨૨ ૧.૪
૨૦૨૧ ૪.૭
૨૦૨૦ -૨.૫
૨૦૧૯ -૧.૧
૨૦૧૮ -૦.૧
૨૦૧૭ ૧.૮
૨૦૧૬ -૦.૬
૨૦૧૫ ૦.૬
૨૦૧૪ -૦.૨

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…