ઉત્સવ

મિજાજ મસ્તી ઃ અરે, પ્રેમીઓનું આ કેવું જીવન? લાંબી જુદાઈ… ઓછું મિલન

સંજય છેલ

ટાઈટલ:
સુખદ ‘લવ-સ્ટોરી’માં ‘સ્ટોરી’ નથી હોતી (છેલવાણી)
‘પ્રેમ એ દરેક માણસનું અંગત કૌંભાંડ છે.’
*

‘પ્રેમમાં હોવું’ જ વ્યક્તિનું સાચું સ્વરૂપ દેખાડે છે, જેવું એણે જીવનમાં ખરેખર હોવું જોઈએ. ‘પ્રેમમય હોવા’માં આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ એ જ આપણી નોર્મલ કે આદર્શ સ્થિતિને દર્શાવે છે.
*

‘પ્રેમ’ વિશે આવું પ્રેમાળ લખનાર જગવિખ્યાત રશિયન કથાકાર ચેખોવની પોતાની એક અધૂરી પ્રેમકથા હતી. સામાન્ય રીતે પ્રેમકહાણીઓમાં રોમાન્સ હોય, સેક્સ હોય, થોડાં રિસામણાં-મનામણાં હોય, પણ એન્તોન ચેખોવ અને લીડિયાની લવસ્ટોરીમાં આવું કશું જ નહોતું. અગરબત્તીની અદૃશ્ય મહેક જેવો એકાકી ઈશ્ક હતો. ચેખોવથી 4 વર્ષ નાની લીડિયા પણ ‘ફ્લોરા’ના ઉપનામે લખતી. ચેખોવ એનો પ્રિય લેખક હતો, કારણ કે ચેખોવ તો વાર્તાકાર-નાટ્યલેખક તરીકે નાની ઉંમરથી જ મશહૂર હતા. ધીમે ધીમે લીડિયા લેખક ચેખોવ ઉપરાંત ‘માણસ ચેખોવ’ની દીવાની બની ગઈ. ચેખોવને મળવાની તીવ્ર ઝંખના લીડિયાને થતી, પણ મળાતું ન હતું, કારણ કે બેઉ પરણેલાં હતાં. બેઉ અલગ અલગ શહેરમાં રહેતાં અને લીડિયા તો 3 બાળકની મા પણ હતી!

જોકે, 1889માં 24મે વરસે લીડિયા, પહેલી વાર પોતાની બહેન નાદિયાની મદદથી ચેખોવના એક નાટકના શો દરમિયાન પીટર્સબર્ગ શહેરમાં મળી. પછી છેક 3 વરસે બેઉ બીજી વાર મળ્યાં. કૌટુંબિક જવાબદારીઓ, ઈર્ષાળુ પતિને લીધે લીડિયાનો ચેખોવ સાથે એકજાતનો સંબંધ હતો ને નહોતો પણ! બંને વચ્ચે પ્રણય છે, પણ એ પ્રણયકથામાં નરી વેદના છે. તૂટતા વાયોલિનના સૂર જેવો વિષાદ છે. બંને મળે છે- છૂટા પડે છે- એકમેકને યાદ કરે રાખે છે બસ!

આ લવસ્ટોરીમાં વહાલ કરતાં વેદના વિશેષ છે. ક્રીડા કરતાં પીડા વિશેષ છે. કહેવાય છે કે લીડિયા-ચેખોવના 10 વર્ષના સંબંધમાં એકબીજાને માત્ર 8 જ વાર મળેલાં. આ અધૂરા પ્રેમની પ્રણયઘટનાઓ જ ચેખોવના લેખનનું કેન્દ્રબિંદુ હતું. ચેખોવના નાટક
‘ધ સી-ગર્લ’માં હીરોઈન એક સંવાદ બોલે છે:

‘તને જ્યારે મારા જીવનની જરૂર પડે ત્યારે તું આવજે ને મને લઈ જજે.’ આ વાક્ય લીડિયાએ ઘડિયાળની સાંકળના પેન્ડન્ટ પર કોતરાવીને ચેખોવને ભેટ આપેલું.

ઇન્ટરવલ:

તમે પ્રેમની વાતો કરજો,
અમે કરીશું પ્રેમ… (સુરેશ દલાલ)

લીડિયાએ ‘ચેખોવ: ઈન માય લાઇફ’ નામના પુસ્તકમાં ચેખોવ સાથેનાં મિલન-વિરહ વિશે લખ્યું છે, જાણે એક દિલનો દસ્તાવેજ! એ પુસ્તકમાં બેઉ વચ્ચેનો રોમેંટિક પત્રવ્યવહાર પણ છે. લીડિયા વાર્તાકાર હતી એટલે ‘એક વાર્તામાં શું હોવું અનિવાર્ય છે’ અને ‘શું અનિવાર્ય નથી’- એવી ચર્ચાઓ પણ પત્રોમાં છે. ચેખોવ તો પત્રોમાં પોતાના લેખનજીવનની યાદો નીચોવી નાખતા.
એ પુસ્તકમાં એક દિલકશ કિસ્સો છે. ચેખોવ એકવાર લીડિયાને તાર કરીને મોસ્કો આવીને મળવા કહે છે. લીડિયા જાય છે, પણ ચેખોવે જે હોટલ અને રૂમ નંબર આપેલા ત્યાં કોઈ જ નથી હોતું! લીડિયા સુન્ન થઈને પાછી ફરે છે. એનું એક લીડિયાનું મન કહે છે કે ચેખોવ આવું તો ન જ કરે, પણ આવું થયું એય હકીકત છે! 3-4 દિવસ પછી એને ચેખોવનો સંદેશો મળે છે:
‘જે દિવસે તું મને મળવા આવી હતી એ રાતે મને અતિશય ખાંસી ઊપડેલી ને મને મોમાંથી લોહી નીકળ્યું એટલે મારે તરત હોટેલમાંથી જવું પડ્યું.’

આ પણ વાંચો : અજબ ગજબની દુનિયા: જાણો દુનિયાભરની અવનવી વાતો

એ પછી લીડિયા ટીબીથી પીડાતા ચેખોવને મળવા હૉસ્પિટલ પર જાય છે. ત્યાં મળવાની મનાઈ હોય છે, પણ લીડિયાએ બહુ આજીજી કરી ત્યારે માત્ર 3 જ મિનિટ મળવાની મંજૂરી મળી. લીડિયા, ત્યાં ચેખોવ માટે ફૂલો લાવે છે, પણ નર્સ કહે છે કે, ચેખોવની તબિયત જરાય સારી નથી. રાતથી સૂતા જ નથી. થૂંકમાં વધારેપડતું લોહી પડે છે. આવા પેશન્ટ પાસે ફૂલો ન લઈ જવાં જોઈએ.’ તોય છેવટે લીડિયાને ફૂલો લઈ જવાની પરવાનગી મળે છે. ચેખોવ કાંપતે હાથે ફૂલોને લઈને એમાં ખુદનો ચહેરો છુપાવી દે છે અને પછી કહે છે: ‘આ તો મારાં ગમતાં ગુલાબ છે, કેટલાં સુંદર!’

નર્સ બોલી: ‘ફૂલોને રૂમમાં ન રખાય. ડૉક્ટર વઢશે.’

ચેખોવ કહે છે: ‘હું પણ વ્યવસાયે ડૉક્ટર છું, એને અહીં જ રાખવાનાં છે, પાણીમાં સાચવવાનાં છે છેક સુધી!’

પછી લીડિયાનો હાથ થામીને ચેખોવ કહે છે:

‘તું બહુ મોડી આવી.’

‘મોડી ક્યાં? મને કહેલું કે 2 વાગ્યા પહેલાં નહીં આવવાનું!’

‘પણ અત્યારે તો 2વાગીને છેક 7 મિનિટ થઈ! હું ક્યારનો તારી રાહ જોઉં છું.’ ચેખોવે ડૂબતી આંખે કહ્યું. એક પ્રેમીને ફક્ત 7 મિનિટનો ઇંતેજાર પણ ભારી લાગ્યો!

એ પછી ચેખોવે હળવેકથી પૂછ્યું:

‘લીડિયા, તું આજે રાતે જ પાછી જઇશ?’

‘હા’ લીડિયાએ ભીના અવાજે કહ્યું.

આખરે, લીડિયા વિદાય લે છે. એ મુલાકાત પછી લીડિયા અને ચેખોવ ફક્ત પત્રો દ્વારા જ મળ્યાં. પત્રમાંય ટૂંકી વાર્તાઓ વિશેની વાતો વધુ. જોકે એ વાતો તો નિમિત્ત હતું. એ વાતોમાંથીય ક્યાંક ક્યાંક વીજળીની જેમ રોમાંસ ઝબકી જાય છે. ચેખોવ ઘણી વાર પ્રેમના રહસ્યને ઢાંકે પણ છે. કદાચ એટલે કે એમને એ રહસ્ય જ રાખવું હોય? અથવા તો ‘આ પ્રેમ એટલો પવિત્ર છે કે એને ન પ્રગટ કરીએ તો જ એની પવિત્રતા અકબંધ રહે’ એવુંય ચેખોવ માનતા હોય?

માત્ર 8 જ વાર મળેલાં પ્રેમીઓને કઈ તાકાત બાંધી રાખતી હશે? કેવી રીતે છાનાંમાનાં બે હૈયાં ઝૂરતાં હશે? કેટલી શાલીનતાથી માત્ર પત્રો ને પત્રો દ્વારા જ માઈલો દૂર બે મન મળતાં રહ્યાં? શું આને જ દુનિયા આત્મિક- આદર્શવાદી-પ્લેટોનિક પ્રેમ કહેતી હશે? 2 બંધ પરબીડિયાં અને 4 બંધ હોઠોમાં જ એક લવ-સ્ટોરી છુપાઈને- સચવાઈને-ખામોશીમાં ખતમ થઈ હશે?

એન્ડ-ટાઇટલ્સ:

આદમ: મને ભૂલી નહીં જાયને?
ઈવ: હોય કંઈ, ‘આઝમ’?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button