ઈન્ટરવલ

ઓન લાઇન સસ્તી ટૅક્સી પાછળ લાખોનું નુકસાન

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

તમારા હાથમાં મોબાઇલ ફોન હોય અને જરાક ભૂલ થાય તો અને બહુ ભારે પડે એ નક્કી. મોબાઇલ ફોનના શોધકને લાગ્યું હશે કે આ ટચૂકડું સાધન સામાન્યજનોને એકમેકના સંપર્કમાં રહેવા અને સ્નેહ સંબંધ જાળવી રાખવામાં આશીર્વાદરૂપ બનશે, પરંતુ આનાથી કેટલું મોટું જોખમ ઊભું થઇ શકે એવો વિચાર કદાચ નહીં આવ્યો હોય.

એકવાર અંધારી રાતે ઘોર જંગલમાંથી એકલા પસાર થઇએ તો સિંહ, વાઘ, ચિત્તા કે અન્ય માનવભક્ષી પ્રાણીઓથી કદાચ બચી શકાય. પણ સાયબર ફ્રોડસ્ટર્સથી બચવું એટલે મિશન ઇમ્પોસિબલ. તાજેતરમાં એક વડીલને આવો અનુભવ જ ન થયો પણ માટે આંચકોય લાગ્યો અને ભારે આર્થિક ફટકોય પડયો.

દક્ષિણ મુંબઇના ધનાઢય વિસ્તાર કેમ્પસ કોર્નરમાં રહેતા વયોવૃદ્ધ સજજનને મુબંઇમાં બેઠા રહીને કોઇમ્બતુરથી ઊટી જવાની
ટૅક્સી બુક કરાવવી હતી. તેમણે
ઑનલાઇન કેબ સર્ચ કર્યું. થોડીવારમાં કાર રેન્ટલની વેબસાઇટ દેખાઇ. એના પર કોઇમ્બુતરથી ઊટીનું ભાડું રૂ. ૧૫૦ જોયું. તેમણે તરત વેબસાઇટ પર આપેલો મોબાઇલ ફોન નંબર ડાયલ કર્યો. સામેથી
મળેલી સૂચના મુજબ તેમણે ક્રેડિટ કાર્ડથી રૂ.૧૫૦ ચુકવવાનો પ્રયાસ કર્યો પણ એ થઇ ન શકયું.

આથી વડીલે ફરી એ નંબર ડાયલ કર્યો તો સમજાવાયું કે આપ એપ ડાઉન લોડ કરીને આસાનીથી પેમેન્ટ કરી શકશો. તેમણે તરત એપ ડાઉનલોડ કર્યું. એમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરીને રૂપિયા દોઢસો ચૂકવી દીધા. એ ચુકવણી થઇ જતાં તેમણે હાશકારો અનુભવ્યો.

થોડી જ વારમાં તેમને ધડાધડ એલર્ટ મળવા માંડયા.

ક્રેડિટ કાર્ડની વિગતોનો દુરુપયોગ કરીને સાયબર ઠગે પૂરા રૂપિયા સાડા ચાર લાખ ઉસેડી લીધા હતા. તેમણે તરત કાર રેન્ટલ વેબસાઇટ પરનો એ જ મોબાઇલ નંબર ડાયલ કર્યો તો એ બંધ બતાવવા માંડ્યો. કેટલાંય પ્રયાસ છતાં એનું એ પરિણામ.

કંઇક ખોટું થયાની શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી સાયબર ક્રાઇમ વિભાગે તપાસ શરૂ કરી દીધી.

અહીં મુદ્દો એ છે કે તમે ઑનલાઇન ઓછી રકમ જોઇને ખુશ થઇ ગયા. પણ થોડી વધુ તપાસ કરી હોત તો ઑનલાઇન જ જાણવા મળ્યું હોત કે કોઇમ્બતુરથી ઊટી વચ્ચે ૮૫ કિલોમિટરનું અંતર છે, જે કાપવામાં કારને ત્રણેક કલાક લાગી શકે. ઑનલાઇન જ જાણવા મળ્યું હોત કે આ રૂટ પર અલગ-અલગ ગાડીના કિલોમીટર દીઠ રૂ.૧૩થી ૧૮ના ભાવ છે. આ હિસાબે રૂ.૧૧૦૦થી લઇને રૂ. ૧૫૦૦ થાય તો પછી કોઇ માત્ર દોઢસો રૂપરડીની કેમ ઓફર કરે છે. જરૂર કુછ તો ગરબડ હૈ.

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)

દુનિયામાં કોઇ મફત કે સાવ સસ્તું નથી. એ માત્ર ફસાવવા-છેતરવા માટેની જાળ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button