મરદ માણસ

ટૂંકી વાર્તા – અરુણ ડાભી
‘એભલ છૂટીને આવ્યો છે’
વાત હવાની જેમ આખા ગામમાં ફરી વળી. ચોરે, ચૌટે, બજારે, દુકાને બધે એક જ વાત ચર્ચાતી હતી. એભલની. ગામ લોકો પાસે ફક્ત આ એક જ વિષય હતો એભલનો?. એભલ જેલમાંથી છૂટીને આવ્યો તેવી ખબર સૌ પહેલા ગૌરીશંકર ગામમાં લાવ્યો. મણિયા કંદોઇની દુકાને આવતાં જ તેણે વાત કાઢી ‘એભલ છૂટીને આવ્યો છે.’ અને વાત સાંભળતાં જ માણસો હેબત ખાઇ ગયા. કશું બોલી શક્યા નહીં. ગૌરીશંકરની સામે સૂનમૂન થઇ જોતા રહ્યાં ત્યારે ગૌરીશંકરે ગળા પર હાથ રાખી કહ્યું, ‘ભાઇના સમ બસ. મને ચતુરે ખબર આવ્યા.’ ચતુરનું નામ આવ્યું એટલે માણસો વાત માની ગયા. ચતુર ગામનો ખબરી. તે આજુબાજુનાં દસ ગામોની ખબર રાખતો.
ધુમાડાની જેમ આ વાત આખા ગામમાં ઘડીભરમાં જ ફેલાઇ ગઇ.
‘એભલ છૂટીને આવ્યો છે.’
‘હે… શું વાત કરો છો?’
‘ભાઇના સમ, વાત સાચી છે.’
‘તો તો હવે રૂપસિંહનું…’
રૂપસિંહનું નામ આવતાં માણસો વાત અટકાવી દેતા. રૂપસિંહ અને એભલ આમ તો વર્ષો પહેલા ભાઇ બંધ હતા. તોડી તૂટે નહીં એવી એમની દોસ્તી હતી, પણ પછી જુવાનીએ એમની દોસ્તીમાં ઝેર ઘોળ્યું. એભલની બહેન સાથે રૂપસિંહને સ્નેહ બંધાણો અને પ્રેમમાં જે ન બનવું જોઇએ તે જ બને છે તેવો કોઇ નિયમ હશે તેથી જ એભલને જાણ થતાં એણે ભયંકર કામ કરી નાખ્યું. એવું ભયંકર કામ કે ગામ આખું થથરી ગયું. કહોને કે ગામનું ખોરડેખોરડું ધ્રૂજી ગયું. ગામ હેબત ખાઇ ગયું. એભલે પોતાની જ બહેન લાખીનું ખૂન કરી નાખ્યું અને પછી રૂપસિંહને ખતમ કરવા તૈયાર થયો. પણ રૂપસિંહ ભાગી ગયો. એભલે બહેનના ખૂનનો પોલીસમાં એકરાર કર્યો, સજા પડી. સાથે સાથે સોગંદ પણ ખાધા કે ‘જે દિ’ જેલમાંથી છૂટીશ તે દિ’ રૂપસિંહને જીવતો નહીં મેલું…’ એભલ જેલમાં ગયો પછી રૂપસિંહ પાછો ગામમાં આવ્યો હતો, અને આજે… આજે એભલ જેલમાંથી છૂટીને આવ્યો હતો. ગામમાં નહોતો આવ્યો, પણ ગૌરીશંકર કહેતો હતો કે આપાની વાડીએ રહ્યો છે.
એભલના આવ્યાની વાત હજુ ગામ લોકોને મોઢે ઊભરાતી હતી ત્યાં જ ચતુર એવા જોરદાર ખબર લાવ્યો કે ગામલોકો તો હબકી ગયા. ચતુરે મણિયા કંદોઇની દુકાને આવી જ્યારે કહ્યું કે ‘એભલ આજે રાતે રૂપસિંહને મળવા એને ઘરે જાવાનો છે’ ત્યારે સૌના શ્ર્વાસ તાળવે ચોંટી ગયા.
‘ખલાસ. પરોઢે રૂપસિંહની લાશ જ જડવાની.’
‘પણ રૂપસિંહ ઘરમાં હોય તોને.’
‘અરે ભૈ, મેં જોયો છે નજરો નજર… એ ઘરમાં જ છે, અને ભાગીને હવે જાય પણ ક્યાં?’
‘પણ એભલ ફરી છડેચોક રૂપસિંહનું ખૂન કરીને પાછો જેલમાં.’
‘અરે ભૈ, એ તો એવું બોલેલું પાળે એવો મરદ છે. દસ વરસ જૂનું વેર છે. એ વેર ભૂલે એવો નથી.’
વાતોનો કોઇ અંત નહોતો અને આ વાત જ એવી હતી કે તેનો અંત આવી શકે તેમ નહોતું. ‘એભલ રૂપસિંહના ઘરે જવાનો છે.’ એ વાત જ એવી દારૂના ગોળા જેવી હતી કે જ્યાં ફૂટતી ત્યાં માણસો હબકી જતા, પણ સવારે… સવારે વાતનો અંત આવી જવાનો હતો. મણિયો કંદોઇ કહેતો, ‘સવારે જોજોને દિ’ ઊગતાં જ ખેલ ખલાસ રૂપસિંહના ઘરમાંથી એની લાશ જ કાઢવી પડશે, અને એભલ એ તો ભાગી જવાનો જોજોને આઘેરો નીકળી જાશે. આ વખતે પોલીસના હાથમાં નઇ આવે… મરદ માણસ છે… વેર વાળીને રાતે જ નીકળી જાશે…’
ગામલોકો વાતો કરતાં. સાંભળતાં અને સાંજ પડી ત્યાં જ સવાર પડવાની રાહમાં જાગતા રહ્યાં.
રૂપસિંહ ઓસરીમાં ખાટલો ઢાળીને સૂતો હતો. તેને ખબર હતી એભલ આવવાનો હતો. પણ હવે શું? એભલ આવે તોયે શું ફેર પડશે.. રૂપસિંહને મનમાં હસવું આવ્યું. દસ વરસ… દસ વરસમાં તો કેવું કેવું બની ગયું. તેને લાખી યાદ આવી. હા, લાખી હોત તો જીવતરમાં ઘણો ફેર પડી જાત, પણ લાખી તો ચાલી ગઇ. એભલ… એભલ સમજી ન શક્યો. સમજ્યો હોત તો લાખીને પોતે સુખી કરતે, પણ હવે એ બધું યાદ કરવું નક્કામું હતું. લાખીના ગયા પછી રૂપસિંહ જીવવા જ નહોતો માગતો, પણ એભલના હાથે જ તેને મરવું હતું. તે જાણતો હતો એક દિ‘ તો જેલમાંથી છૂટીને એભલ પાછો આવશે જ. રૂપસિંહને પાતાળમાંથી પણ શોધી કાઢશે અને રૂપસિંહ પણ એ દિવસની જ રાહ જોતો હતો. તે આંખો મીંચીને પડ્યો રહ્યો. જે હાથે લાખી મરી હતી તે જ હાથે પોતે મરવા માગતો હતો. દસ વરસ એભલની રાહ જોઇ છે. નહીંતર મોત તો ઘડીકમાં મળી જાય તેમ હતું.
થોડી વારે ડેલી ખખડી. રૂપસિંહે આંખો ખોલ્યા વગર જ કહ્યું. ‘આવ એભલ, હું તારી જ વાટ જોતો હતો.’ પગલાં નજીક આવ્યાં એટલે રૂપસિંહે આંખો ઉઘાડી અને ખાટલામાં બેઠો થયો. સામે એભલ જ ઊભો હતો, પણ એભલ રૂપસિંહને જોઇને જાણે હેબતાઇ ગયો. આ રૂપસિંહ, ક્યાં ગઇ એની જુવાની… એનું અલમસ્ત શરીર… આ રૂપસિંહ છે કે કોઇ ડોસો. ફાનસના આછા અજવાળામાં પણ રૂપસિંહને જોતાં જ એભલ ચકરી ખાઇ ગયો. ‘બેસ એભલ, તારી માટે પાણી લાવું.’ કહીને રૂપસિંહ ઊભો થયો પણ એભલ ઓસરીની કોરે બેસતાં ‘ના… મારે પાણી નથી પીવું…’ બોલીને ફરી ટગર-ટગર રૂપસિંહની સામે તાક્તો રહ્યો. કમ્મરમાંથી બેવડ વળી ગયેલો રૂપસિંહ, શરીરનું એકેએક પાંસળું દેખાતું હતું. દૂબળો અને માંદો જાણે મરવા પડેલી લાશ… રૂપસિંહને ઊભા થતાં પણ હાંફ ચડી… ઉધરસના જોરદાર બે ઠૂસકા આવી ગયા. ગળફો ગળામાં સલવાઇ ગયો. રૂપસિંહે જોર કરીને ગળફાને થૂંકી નાખ્યો.
એભલ, તો હજુ આંખો ફાડીને રૂપસિંહ સામે તાકી રહ્યો હતો. એની નજર સામે મેળવતાં રૂપસિંહ બોલ્યો, ‘એભલ, મને ખબર છે તું મને મારવા આવ્યો છો, તો લે હું આ રહ્યો તારી સામે… મારી નાખ મને એટલે મારો છુટકારો થાય.’ બોલતાં બોલતાં રૂપસિંહ હાંફી ગયો. જાણે એને કોઇ દર્દ હતું… જીવલેણ દર્દ.
એભલને હજુ કળ વળી નહોતી. તે ઊઠીને રૂપસિંહની નજીક આવ્યો અને એની જ પડખે બેસી ગયો. રૂપસિંહના રોગથી ખખડી ગયેલા શરીરને જોતાં તે ધીમા સાદે બોલ્યો, ‘રૂપસિંહ… હું તને મારવા નથી આવ્યો, પણ એક વાત કહેવા આવ્યો છું. જેલમાં એકેય રાત મને ઊંઘ નથી આવી.’ બોલતાં બોલતાં એભલ અટકી ગયો. તેની આંખોની કોરે પાણી બાઝી ગયા’. પછી અંધારામાં જાણે કશું જોવાનો પ્રયત્ન કરતો હોય તેમ ફરી બોલ્યો, ‘લાખી મારી બેન. લાખીનો આત્મા ભટકે છે… મને સપનામાં આવી’તી અને કીધું કે રૂપસિંહને કશું કરીશ તો પછી હું ભટકતી રહીશ. રૂપસિંહ મારાથી પાપ થઇ ગયું. સગી બેનને મારી નાખી. તારી સાથે હા રૂપસિંહ આજે થાય છે કે તારી સાથે એની વળાવી હોત તો…’
એભલ આગળ બોલી ન શક્યો. એનું ગળું ભરાઇ આવ્યું. રડી પડ્યો. ધ્રુકસે ધ્રુસકે રડી પડ્યો.
રૂપસિંહની આંખો ફાટી ગઇ. એભલ રડતો હતો. હીબકાં ભરીને રડતો હતો, માફી માગતો હતો. આવું તો કેમ બને? પોતે તો મોતની રાહ જોતો જીવતો હતો. એભલ આવીને પોતાની મારી નાખે તો આ જીવલેણ રોગમાંથી છુટકારો થાય, પણ એભલ તો દસ વરસ પછી આવીને નાના બાળકની જેમ રડતો હતો.
રૂપસિંહે એભલના હાથને હાથમાં લેવા પોતાનો હાથ લંબાવવાનો પ્રયત્ન કર્યો પણ હાથ જાણે ખોટો પડી ગયો હતો. શરીર જાણે ધીરે ધીરે ખોટું’ પડતું જતું હતું. રડતા એભલ સામે નજર નોધતાં તે બોલ્યો ‘એભલ…’ અને જાણે જીભ પણ તાળવા સાથે અંદર ખેંચાવા લાગી. નસોમાં જાણે બરફ ભરાયો હોય તેવું રૂપસિંહને લાગ્યું અને તે ફરી ખાટલામાં સૂઇ ગયો. તેની છાતી હાંફતી હતી. રૂપસિંહ કશું બોલી શક્યો નહીં પણ તે એભલ સામે જોતો રહ્યો.
થોડી વારે એભલ ઊઠયો અને રૂપસિંહના પગને સ્પર્શ કરી ભીના અવાજે બોલ્યો ‘રૂપસિંહ, હું તારો અને લાખીનો ગુનેગાર છું, પાપી છું, મને માફ કરજે.’
અને એભલ સડસડાટ ડેલી બહાર અંધકારમાં મળી ગયો. રૂપસિંહ ડેલી તરફ ફાટી આંખે તાકી રહ્યો. બસ તાકી જ રહ્યો.
‘એભલે રૂપસિંહને ખતમ કરી દીધો.’
સવારમાંજ ગૌરીશંકરે દોડતાં આવી મણિયા કંદોઇને વાત કરી કે તરત જ દુકાને ટોળું ભેગું થઇ ગયું.
‘શું કહો છો ભૈ… વાત સાચી?’
ગૌરીશંકર હાંફતો હતો. થોડીવાર શ્ર્વાસ ખાઇને બોલ્યો, ‘ભાઇના સમ… પોલીસ આવી ગઇ છે… રાતે એભલ રૂપસિંહને ઘરે ગયો’તો… ચતુરે નજરોનજર ભાળેલો અને અડધી રાતે પાછો દોડતો ડેલી બહાર આવેલો.’
‘પણ રૂપસિંહ’ પૂછવાવાળાને અટકાવતાં જ ગૌરીશંકરે ખુલાસો કર્યો, ‘રૂપસિંહની લાશ ખાટલામા’ જ પડી હતી. ગળું દાબીને જ મારી નાખ્યો લાગે છે. ડોળા ફાટી ગ્યા’તા. પોલીસે એભલને આપાની વાડીએથી પકડ્યો અને એભલે પણ ગુનો કબૂલી લીધો.’
વાત સાંભળી ગામ ફરી હેબત ખાઇ ગયું…
મણિયો કંદોઇ કહેતો હતો. ‘હું નો‘તો કહેતો સવારે રૂપસિંહની લાશ જ મળશે. ભૈ, અમે એભલને ઓળખીએને, એ મરદ માણસ છે, વેર લીધે પાર કરે. મરદ વેર નોં ભૂલે.’
ગામમાં જાતજાતની વાતો થતી હતી ત્યારે એભલ હાથમાં હાથકડીઓ પહેરી ભીની આંખે નીચું જોઇ પોલીસ જમાદારને કહેતો હતો, ‘હા સાહેબ, રૂપસિંહને મેં જ રાતે ગળું દાબી મારી નાખ્યો છે.’