ઈન્ટરવલ

સાચી-ખોટી કહાની બનાવો ને એ કહેવાની મજા માણો!

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

અત્યંત જાણીતી ઇશપ કથા છે. ઉંદરોએ ભેગા મળીને એક મીટિંગ કરી. એનો વિષય હતો બિલાડીના ત્રાસમાંથી મુક્તિ મેળવવાનો. દરેક ઉંમરના ઉંદરોએ પોતપોતાના અનુભવ અનુસાર બિલાડીના ત્રાસમાંથી મુક્તિ મેળવવાના ઇલાજો કહ્યા. બધા ઉંદરો એક વાત પર સહમત થયા કે બિલાડીને મારવી અશક્ય છે. બિલાડી નજીક આવે તો ઉંદરોને ખબર પડે એવો ઇલાજ થાય તો ભાગવાનો મોકો મળી શકે. એક યુવા ઉંદરે ઉપાય સૂચવ્યો કે બિલાડીના ગળામાં ઘંટડી બાંધવામાં આવે તો બિલાડી આવી રહી છે એવું બધાને ખબર પડે. આખી સભાને બિલાડીના ગળામાં ઘંટડી બાંધવાનો ઇલાજ ગમ્યો અને તાળીઓનો ગડગડાટ થઈ ગયો. હવે પ્રશ્ર્ન એ થયો કે બિલાડીના ગળામાં ઘંટડી બાંધે કોણ?

ઇશપ કથા આ સાથે પૂરી થઈ , પણ આપણી કથા અહીંથી શરૂ થાય છે. તમે ધારો એ રીતે આ કથાને આગળ વધારી શકો છો. બિલાડીને કેવી રીતે મૂર્ખ બનાવીને ઘંટડી બાંધવામાં આવી એ કથાના માલિક તમે છો. આ કથાને આજના સાંપ્રત સમયની સાથે પણ વણી શકો છો. જો તમે આ કથાને આગળ વધારી શકો અથવા કથાનું નવું સ્વરૂપ આપી શકો તો તમારી કલ્પના શક્તિમાં વધારો થશે અને સર્જનાત્મકતા વધવા સાથે આત્મવિશ્ર્વાસ વધશે. આત્મવિશ્ર્વાસ વધારવા માટે મોટિવેશન લેક્ચરથી માંડીને અસંખ્ય ખર્ચાળ પ્રયાસો કરવામાં આવે છે. આ કામ એક નાનકડી વાર્તા મફતમાં કરીને આપતી હોય તો વાર્તા બનાવીને કહેવાની પ્રવૃત્તિ કરતાં રહેવી જોઇએ.

આમ તો માનવજાતને નિતનવી વાર્તા કહેવાની આવડત જન્મજાત મળેલી છે. કોઈ વ્યક્તિના જીવનમાં કશું અઘટિત થયું હોય તો એમાં મરીમસાલા નાખીને મજેદાર બનાવવામાં કોઇ કસર છોડતાં નથી. યુવાનીમાં કોઈ છોકરીએ ભાવ પણ પૂછ્યો ના હોય છતાં મનઘડંત વાર્તા બનાવવામાં આપણે કાબેલ છીએ. છોકરા કે છોકરીને એમનાં લફરાં વિશે ખબર પણ હોતી નથીને ગામ આખું ‘એ ક્યારે ભાગી જવાના છે’ એની ચર્ચા કરતું હોય છે.

આમેય મહિલાઓ સમક્ષ ગમે તે ઉંમરના પુરુષ બણગાં ફૂંકવામાં જલસો અનુભવે છે. આ બણગામાં કેવળ કલ્પના જ હોય છે.

પુરુષ હોય કે સ્ત્રી, પોતાના પડોશ હોય કે ઓળખીતાઓ પણ જાતજાતની કથાઓ કહેતી વેળાએ જે આનંદ મેળવે છે એનાથી સ્ટ્રેસ દૂર થઈ શકે છે. આત્મવિશ્ર્વાસ અને તણાવથી મુક્તિ જેવી બે મોટી સમસ્યામાંથી વાર્તાઓ કહેવાથી રાહત મળતી હોય તો આ પ્રવૃત્તિને સકારાત્મક રીતે કેળવવાની જરૂર છે. સરળ શબ્દોમાં કહીએ તો વાર્તાઓ કહેવાથી ઘણી માનસિક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. વાર્તાઓનો એક ફાયદો એ છે કે જો કોઇના દિલમાં તમારી કહેલી કથા વસી ગઇ તો એ વ્યક્તિ તમને આજીવન ભૂલી શક્તી નથી.

આમ તો જ્યારે માણસ વાર્તાઓ બનાવીને કહેતો હોય છે ત્યારે એના મગજમાંથી પ્રેમનું ઝરણું ‘ઓક્સીટોસિન’ વહે છે. સ્ત્રી ફેમિલી પંચાત કરીને જે વાર્તાલાપ કરે છે ત્યારે આ ઓક્સીટોસિન જેવા અંત:સ્રાવો ફેમિલી બોન્ડિંગ વધારે છે. કોઇની ખરી-ખોટી વાર્તાઓ કરે છે ત્યારે સાંભળનારને પોતીકું હોવાની લાગણી થતી હોય છે. વાર્તાઓ બનાવવામાં આપણને કોઈ પહોંચે નહીં એ ભાવ થકી સામી વ્યક્તિની પાચન કેપેસીટી પ્રમાણે મરીમસાલા નાખીને એને મૂલવવાની સુષુપ્ત પ્રવૃત્તિઓ કરીએ છીએ. જો સાંભળનાર તમારી બનાવેલી વાર્તાઓને સાચી માનવા લાગે તો તમે બીજી મિનિટે એની બુદ્ધિમત્તાના અંક વિચારવામાં કસર છોડતા નથી. એક વાત સાયકોલોજીવાળા કહેતાં હોય છે કે સામાને આનંદ આપવામાં હાસ્ય તત્વ ઉમેરો. લો, આ તો પંચાત કથાઓ કરીને એને કહેવામાં પુણ્ય પણ ઉમેરવાની જેવી વાત થઇ.

ફણગાવેલી વાર્તા કહેવાનો ત્રીજો ફાયદો એ છે કે તમે સામેવાળી વ્યક્તિઓની વિચારવાની ક્ષમતા પારખી શકો છો. જાહેરાતોની દુનિયા જાતજાતની વાર્તાઓ થકી તો કસ્ટમર ઊભા કરે છે. તમે ‘શોલે’ ફિલ્મ અનેક વાર જોઇ હશે,. એ ફિલ્મ જોતાં ક્યારેક એવો વિચાર આવે છે કે શાંબા જેવો સીધોસાદો માણસ ડાકુ શા માટે બન્યો હશે.?

-તો લો, હવે બનાવો શાંબાની એક વાર્તા
એક ગામમાં શાંબા શિક્ષક હતો. ગામના કેટલાક માથાભારે તત્ત્વો શિક્ષણના વિરોધી હતા. શાંબા અને એના પરિવાર સાથે કોઈ બાબતે અણબનાવ થતાં ઘર સળગાવવાનો પ્રયાસ થયો. છેક અગાસીમાં પહોંચીને શાંબા બચી ગયો, પણ પરિવાર ખતમ થઇ જતાં એણે હથિયાર ઉપાડીને ગામલોકો સામે બદલો લીધો. ગબ્બરની ગેંગમાં સામેલ થયા પછી શાંબા હંમેશાં ઊંચાઇ પર બેસી રહેતો. એને નીચે ઊતરતા ડર લાગતો હોવાનો માનસિક રોગ થયો હોવાથી આખી ફિલ્મમાં ટેકરી પર જ બેઠેલો જોવા મળતો હતો.

આવી કલ્પનાશક્તિ તમે કાલિયા કે ગબ્બર જેવાં પાત્રો માટે બનાવી શકો છો. આ વાર્તાઓથી બીજાને શો ફાયદો થાય છે એ કરતાં પહેલાં એટલું વિચારો કે આપણે નવું વિચારતાં થયા છીએ. આખા આર્ટિકલનો સાર એટલો જ છે કે આવનારા સમયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ જ બધું કરવાનું છે તો આપણી પાસે થોડી ઘણી બચેલી સર્જનાત્મકતાને જીવંત રાખવાની છે. આમ પણ આપણી વાતોમાં લગભગ પાંસઠ ટકા આવી કથાઓ જ હોય છે. આજથી થોડો ચેન્જ કરીને આસપાસના તથા સગાંવહાલાંઓની સકારાત્મક વાર્તાઓ બનાવો અને એને વહેંચવાનો ફાયદો માણવા જેવો ખરો.
ફરી એક ઇશપ કથા,એકવાર એક સિંહ અને એક માણસ જંગલમાં સાથે મુસાફરી કરતા હતા. બંને વચ્ચે તાકાત અને અક્કલને લઈને વિવાદ થયો. બંને એકબીજાથી ચડિયાતા સાબિત કરવા લાગ્યા. માર્ગના મેદાનમાં એક મૂર્તિ નજરે ચડી. કોઈ શિલ્પકારે બનાવેલી મૂર્તિમાં વિકરાળ સિંહ મોં ફાડીને ડરાવી રહ્યો હતો. માણસે સિંહને મૂર્તિ બતાવીને કહ્યું કે જો, આ સિંહની મૂર્તિ માણસે બનાવીને અમારી કળાનું પ્રદર્શન કર્યું છે. આવું કોઈ સિંહ બનાવી શકે નહીં. સિંહે જવાબ આપ્યો કે આ તો માણસે અમને આ રીતે જોયા છે એટલે આવી મૂર્તિ બનાવી, પણ તું કલ્પના કરી જો કે અમે બનાવીએ તો કેવી મૂર્તિ હોય… બસ, આગળની કલ્પનાશક્તિ તમારા પર છોડીને આપણું અસ્તુ કરીએ.

ધ એન્ડ:
વાર્તા કહેવાની કળા માણસજાત ક્યારેય ખતમ કરી શક્શે નહીં. આ કળા એને જન્મજાત મળેલી ભેટ છે. – માર્ગારેટ એટવૂડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button