ઈન્ટરવલ

સાયબર ફ્રોડના મામલામાં મહારાષ્ટ્ર-ગુજરાત સાથે-સાથે

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

સાયબર ફ્રોડની સરખામણી કરવી હોય તો. રોગચાળાના ચેપી જંતુ સાથે કરી શકાય. આંખ સામે દેખાય નહિ પણ ગમે ત્યારે ચૂપચાપ ત્રાટકીને કોરી ખાવા માંડે. આપણી સામે સાયબર ઠગાઈના છૂટાછવાયા કેસ જ આવે છે એટલે આપણે બહુ ગંભીર બનતા નથી.

પરંતુ ૨૦૨૩માં સાયબર ઠગીનો વ્યાપ ભયંકર હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે. લોકસભામાં અપાયેલી માહિતી મુજબ ૨૦૨૩માં દેશમાં સાયબર ફ્રોડના ૧૧.૩ લાખ કેસ નોંધાયા હતા. આંકડામાં ઊંડા ઉતરતા અગાઉ આ વ્યવસ્થા વિશે થોડું જાણીએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આર્થિક છેતરપિંડીની વિગતો-આંકડા એકત્ર કરવા માટે ‘ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર’ની સ્થાપના કરી છે. આ સેન્ટર હેઠળ ‘સિટિઝન ફાઈનાન્સિયલ સાયબર રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ની ગોઠવણ થઈ છે. આના થકી કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે બધા સ્ટેટેસસ્ટીકસ પહોંચે છે. ખરેખર, ઉમદા અને અનિવાર્ય ઉપક્રમ.

હવે આ રોગની ગંભીરતા સમસ્યાના ઊંડાણમાં જઈએ. ૧૧.૩ લાખ કેસમાં કેટલી રકમને પગ આવી ગયો એ જાણો છો? પૂરા રૂા. ૭,૪૮૮.૬ કરોડ! અને ૪૭ લાખથી વધુ ફરિયાદમાં વિવિધ સરકારી યંત્રણાના પ્રયાસોથી રૂા. ૧૨૦૦ કરોડની છેતરપિંડી અટકાવી શકાઈ હતી. ગયેલી રકમ અને બચાવી શકાયેલી રકમ વચ્ચેનું અંતર અને ટકાવારી ઘણું કહી જાય છે.

તો ક્યા પ્રદેશમાંથી સાયબર ફ્રોડની સૌથી વધુ ફરિયાદો આવી? નંબર વન રહ્યું ઉત્તર પ્રદેશ. બે લાખ કેસ સાથે. આ આંકડો ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી મોટો છે. બીજો ક્રમે મહારાષ્ટ્ર (૧,૩૦,૦૦૦ કેસ), ત્રીજા ક્રમે ગુજરાત (૧,૨૦,૦૦૦ કેસ), ચોથા અને પાંચમા ક્રમે રાજસ્થાન અને હરિયાણા (બન્નેમાં ૮૦-૮૦ હજાર કેસ) આવ્યા. માત્ર ૨૯ કેસ સાથે નસીબદાર લક્ષદ્વીપ સૌથી તળિયે હતું.

આ તો કેસની સંખ્યાની વાત થઈ પણ રકમ ગુમાવવામાં મહારાષ્ટ્ર મોખરે રહ્યું, રૂા. ૯૯૦.૭ કરોડ અને એમાંથી એક જ કેસમાં ગઈ સૌથી મોટી રકમ રૂા. ૯૯૦.૭ કરોડ જેટલી. કેસની સંખ્યામાં પહેલા પાંચમાં સ્થાન ન મેળવનારું તેલંગણા રકમ ગુમાવવાની બાબતમાં બીજા ક્રમે રહ્યું રૂા. ૭૫૯.૧ કરોડ સાથે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ (રૂા. ૭૨૧.૧ કરોડ), કર્ણાટક (રૂા. ૬૬૨.૧ કરોડ) અને તામિલનાડુ (રૂા. ૬૬૧.૨ કરોડ) હતા.

આની સામે વર્ષ ૨૦૨૨માં ૧૩,૯૧,૪૫૭ ફરિયાદ અને ૨૦૨૧માં ૧૪,૦૨,૮૦૯ કેસ નોંધાયા હતા.

આમાં એક બાબત ખાસ સમજવાની જરૂર છે કે આ સરકારી આંકડા છે. ના, ના ચૂંટણીની મોસમમાં સરકારી આંકડા ખોટા હોવાની વિપક્ષી કાગારોળ મચાવવી નથી. પણ વણનોંધાયેલી છેતરપિંડીના કેસ પણ અવશ્ય હોવાના જ.

ટૂંકમાં, સાયબર ઠગોથી બચી શકાય એટલા તમે નસીબદાર.

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ક્યારેય, રિપીટ નેવર, કેશબેક, પાર્ટ-ટાઈમ જોબ, ચપટી વગાડતામાં બૉનની મંજૂરી, ફૂલ ટાઈમ નોકરી કે પૈસાની ઓફર કરતી લિન્કને ટાઈમ બૉમ્બ કે ઝેરીલો સાપ સમજીને એનાથી જોજનો દૂર રહેવું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button