લો, બોલો… સમૂહ લગ્નમાં વરરાજા ગાયબ!
વ્યંગ – ભરત વૈષ્ણવ
તપાસ કરો, કયાં ગયો?’ એક પંચાતિયાએ પૃચ્છા કરી. દશેરાએ ઘોડું દોડશે કે નહીં?’ બીજી પંચાતિયણે શંકા વ્યક્ત કરી. ‘પેશાબ-પાણી માટે ગયો હશે?’ ત્રીજા પંચાતિયાએ કહ્યુ. અરે, મસાલો-માવો-ફાકી ખાવા ગયો હશે. બીડી- સિગારેટનો સટ લેવાની તલબ લાગી હશે. ધુમ્રપાનની સાથે પગ છૂટો કરવા ગયો હશે.’ ત્રીજા પંચાતિયાએ ઉચ્ચારણ કર્યું! છાંટો -પાણી કરવા નહીં ગયો હોય ને?’ કોઇ અવળચંડા પંચાતિયાએ બોમ્બ ફોડ્યો. અરે,ભાઇ, એના વિના કેવી રીતે વિધિ પૂરી થાય?’ અન્ય એક પંચાતિયાએ વહેતી ગંગામાં હાથ ધોઈ નાંખ્યા. અરે, ક્યાંક ભાઈબંધો સાથે તીનપત્તિ કે રમી રમવા બેસી ન ગયો હોય….એક વાર આવું જ થયેલું… સૌ સમારોહમાં મશગૂલ હતા. થોડા ઘણા નવરા હતા એટલે નવરાઓ નખ્ખોદ વાળવા પત્તા લઇને બેસી ગયેલા. કોઇએ ફરિયાદ કરી એમાં પોલીસ પ્રગટી…પિકચરમાં આમ તો પોલીસ ઘોડો નાસી જાય પછી આવે. અહીં સમયસર આવી બધાને પકડીને લઇ ગઇ…!’ એક પંચાતિયાએ પૂરક માહિતી રજૂ કરી. અરે, એક વાર બધું રંગેચંગે ધામધૂમથી પ્રસંગ પૂરો થવાની તૈયારીમાં હતો.
જમણવારમાં વધેલા ગુલાબજાંબુની વહેંચણીમાં વિવાદ થયો અને વાત ગાળાગાળી પછી મારામારી સુધી પહોંચેલી. જો કે, ડાહ્યા,સળંગડાહ્યા કે દોઢડાહ્યા વચ્ચે પડ્યા ને મામલો થાળે પડેલો!’ પંચાતિયા નંબર ત્રણે ટાપશી પૂરી. અરે મીંઢળ બંધાય પછી બહાર જવાય જ નહીં. ઇમર્જન્સીમાં બહાર જવું હોય તો અણવરને લઇને જવું જોઈએ ! આમ કીધા કારવ્યા વિના જતું થોડું રહેવાય?’ ચોથા પંચાતિયાએ ચોવટ કૂટી. બની શકે કદાચ લેતીદેતીમાં વાંધો પડ્યો હશે આજકાલ માત્ર કંકુ સાથે -ક્ધયા કયાં કોઇ સ્વીકારે છે? બધા દહેજના હડકાયા શ્ર્વાન છે. દહેજના હાડકા ચુસ્યા કરે છે!’ બે નંબરના પંચાતિયાએ સાંપ્રત સમસ્યા જણાવી. છોકરાને શ્યામળી છોકરી ન ગમતી હોય…. ક્યાંક બીજે મન મળી ગયું હોય.. માતા-પિતા પરાણે પરણાવવા માંગતા હોય…છેલ્લે, પ્રેમાત્મા જાગી ગયો હોય અને માંડવેથી નૌ-દૌ ગ્યારહ થઇ ગયો હો તો?’ પાંચમા પંચાતિયાએ શંકા જાહેર કરી . છોકરીને જાડો છોકરો ન ગમતો હોય અને સંબંધ ફોક કરવા માગતી હોય. આમ થવાનું હોય તો જાન લીલા કે કાળા તોરણે પાછી વાળવી પડે.. આવા સંજોગોમાં છોકરાને લાગી આવ્યું હોય ને એ વાવ કૂવો પૂરવા જતો રહ્યો હોય તો ?!’ ઘુવડ જેવા છઠ્ઠા પંચાતિયાએ અમંગળવાણી ઉચ્ચારી.
આમ લગ્ન ટાણે કથિત વરરાજા આ રીતે ‘ગૂમ’ થઈ જાય ત્યારે આવી શંકા-કુશંકા જાગે એ સ્વાભાવિક છે. લગ્ન માટે દુલ્હન મસ્ટ છે એમ લગ્નમાં ગોરમહારાજ અનિવાર્ય હોય છે. નિકાહમાં કાજી કે મેરેજમાં ફાધર એટલે પાદરી જરૂરી ગણાય. ગાંધર્વ કે યક્ષવિવાહમાં તો ગોરમહારાજની પણ બાદબાકી થઇ જાય. મંદિરે જઇ છોકરો-છોકરી ફૂલહાર કરી એકમેક સાથે જીવન જીવવાના કોલ આપે છે. જો કે કાયદાની દ્રષ્ટિએ તે અવૈદ્ય લગ્ન ગણાય છે. ઇતિ ઇતિ નેતિ જેવું ઇકવેશન છે!
આમ તો લગ્નના અનેક પ્રકાર છે. ગાંધર્વ વિવાહ, એરેન્જ મેરેજ, લવમેરેજ, અનુલોમ લગ્ન, પ્રતિલોમ લગ્ન, નિકાહ, મેરેજ અને સરકારી મેરેજ…!
તમને થશે કે સરકારી મેરેજ કેવા હોય ? સરકાર માઈ-બાપ આંતરજ્ઞાતિય સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા યોજના ચલાવે છે. દીકરીઓને લગ્ન પ્રસંગે મદદ આપવા કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આશરે ૫૧ હજારથી વધુ રોકડ અગર સાધન સહાય આપે છે. સમુહ લગ્નને ઉત્તેજન આપના સમૂહ લગ્ન કરનાર યુગલ તેમ જ સમૂહલગ્નોનું આયોજન કરનારી સંસ્થાને મદદ કરે છે.‘ બીપી’ એટલે કે બુલડોઝર પ્રદેશ નામે પણ ઓળખાતો યુપી એટલે ઉત્તર પ્રદેશમાં થોડા દિવસ પહેલાં વિશાળ પાયા પર એક નકલી સમૂહ લગ્નોત્સવ યોજાઇ ગયો. બધું જ નકલી હતું એવું પણ ન હતું. ગોર મહારાજ અસલી હતા. અસલી લગ્નમાં બોલાય એવા અહીં મંત્રો પણ અસલી હતા. અહીં તો યજ્ઞવેદીમાં અસલી અગ્નિ હતો… દુલ્હનો પણ અસલી હતી. (ભલે એ શીરા માટે શાદી કરતી હતી!)
ઉત્તર પ્રદેશના બલિયામાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ’નું આયોજન થયું એમાં કટકી કરવા માટે અધિકારીઓ અને લાભાર્થીઓ બધાએ મળીને જોરદાર તરકટ રચ્યું હતું . અહીં કાગળ પર ૫૬૮ યુગલે લગ્ન કર્યાં હતાં, પરંતુ આમાં મોટી સંખ્યામાં વરરાજાઓ વગર જ ક્ધયાના લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં…!
સોશિયલ મીડિયા પર આ સમૂહ લગ્નની જે વીડયો વાઇરલ થયો એમાં અનેક ક્ધયાઓ પોતે જ વરમાળા પહેરતી દેખાય છે…! સામૂહિક લગ્ન યોજનામાં ભાગ લેવા માટે આવી છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી સરકારી તિજોરીમાંથી સાધકને શીરો મળી જાય.
યુપીમાં તો ઘણા સમયથી આવાં સમૂહ લગ્નનું ઘૂપ્પલ સફળતાપૂર્વક ચાલે છે. દેશમાં દર વરસે સેંકડો સરકારી સમૂહલગ્નો થાય છે, જેમાં ૪૦ ટકા ફ્રોડ મેરેજ હોય છે. જો કે કાગળ પર એ જ ટકાઉ સાબિત થાય છે! આવાં ગબન સરકારી સમૂહ લગ્ન દ્વારા રાજ્યની તિજોરીને કેટલા ગોબા માર્યા હશે તેની ગણતરી કલ્પનાનો વિષય છે!