ઈન્ટરવલ

મર્યાદામાં મજા છે, તોડવામાં નહીં!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

કચ્છીમાં એક રૂઢિપ્રયોગ, કચ્છ દેશની દેવી જગદંબા આશાપુરા માતાજીની શક્તિવંદના કરવા માટે રચાયો છે:
“અસીં જાણો ન કીં, બુઝો બુઝેતી તૂ બાઈ,
ઢચ્ચર મથા ઢારીએં, આશાપુરા તૂ આઈ
ભાવાર્થ એવો થાય છે કે, “હે, માતાજી, અમે તો અબુધ છીએં. કંઈ જ જાણતા નથી… માત્ર તું જ એક સર્વજ્ઞાતા છો. હે, મા, તુંજ રણસંગ્રામમાં દુશ્મનોનાં ધડ-માથાં ઢાળીને મોતને ઘાટ ઉતારે છે. અહીં ‘બુઝો બુઝેતી’ એટલે જાણનાર અને ‘ઢચ્ચર’નો અર્થ થાય છે, માથા વગરનું ધડ. ‘અસીં’ એટલે અમે.

માતાજીની શક્તિનો મહિમા છે, આ રૂઢિપ્રયોગમાં! જેનું એક કાવ્ય પંક્તિનું સ્વરૂપ છે, પણ ‘મથા ઢારીએં’ ‘મથો ઢારણું’ એ રૂઢિપ્રયોગનો સુપેરે ઉપયોગ થયો છે. રણભૂમિનું ચિત્રાંકન તેના કારણે જ થયું છે.

દુનિયામાં, એટલે કે સમાજમાં દરેક વ્યક્તિ સમજદાર હોય છે. બધા જ બુદ્ધુ નથી હોતા, એવું કહેવા માટે એમ કહેવાય છે કે, :
“ધુનીયાં મેં મ઼િડે અન્ન ખેંતા, ઘા કો ન તો ખાય
દુનિયામાં દરેક વ્યક્તિ અનાજ ખાય છે, કોઈ ઘાસ નથી ખાતું. મતલબ કે, બધામાં સમજદારી હોય છે, અલબત્ત સમજદારીનું પ્રમાણ વિષયવાર વધતું-ઓછું હોઈ શકે. સમજની પણ મર્યાદા હોઈ શકે. મર્યાદા શબ્દ પરથી એક ચોવક યાદ આવી ગઈ…

“થોડેં જો મોં સકર સેં ભરાજે,
જિજેં જો મીઠે સે ય ન ભરાજે.
મર્યાદામા મજા છે. મર્યાદા છોડવામાં નહીં. થોડા જણ હોય તો બધાનું મોઢું સાકરથી ભરી શકાય, પણ સાકરના જથ્થાની મર્યાદા બહારની સંખ્યા હોય તો ‘મીઠાથી પણ મોઢું ન ભરી શકાય!
એવી જ મર્યાદાની વાતના અર્થની નજીક મૂકી શકાય તેવી ચોવક છે: ‘જિતરો ગુડ વિજોં તિતરો મિઠો થીયે’ કોઈ બાબતનો વ્યાપ ધારીએં એટલો વધારી શકાય. જેટલો ગોળ નાખવામાં આવે તેટલી મીઠાસ વધે!

‘આમ કરું તો ય માર, તેમ કરું તો પણ માર! તેનો ઉપાય શું? આવી સ્થિતિ વર્ણવવા કચ્છીમાં એક માણવા જેવી મસ્ત ચોવક છે: “ચિભ઼ડે વારી ભરી, બધો ત ફિસી પે, છો઼ડયો ત રૂ઼ડી પે.’
‘ચિભ઼ડે વારી’ એટલે ‘ચિભડાંની’ ‘ભરી’ એટલે ભારો, ફિસીપેનો અર્થ થાય ફસડાઈ પડે અને રૂ઼ડીપે એટલે વેરાઈ જાય.’ ઘણીવાર આ ચોવક આખી બોલવાની પણ જરૂર નથી રહેતી… માત્ર એટલું જ કહેવાય છે કે… ‘ચિભ઼ડ વારી ભરી આય…’

ઘણા લોકો ચોકસાઈ કર્યા વગર કામ કરતા હોય છે. એક તોફાની ચોવકમાં બેથી ત્રણ બાબતોને વણી લઈને ચોકસાઈ રાખવી કેટલી જરૂરી હોય છે તે બતાવ્યું છે:
“પાણી પી ને પુછે ઘર, બખવિજીને પુછે બર,
ધી ડઈને પુછે વર, ઈ માડૂ ન પ ગોં જા ફર
અહીં ‘ગોં જા ફર’ શબ્દનો પ્રયોગ થયો છે, જેનો અર્થ થાય ‘ઢગા’. પાણી પીધા પછી ઘર કોનું છે, તે પૂછનાર, કોઈની તાકાતનો અંદાજ લગાવ્યા વગર ‘બાથ ભીડનાર’, દીકરી આપીને પછી ‘વર’ વિશે માહિતી લેનાર એ બધા માણસ નહીં પણ ‘ઢગા’ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button