ઈન્ટરવલ

આ વખતે તો સ્વયં પ્રગટીએ, ચાલો દીવાની જેમ!

જ્ઞાનનો પ્રકાશ અને સંવેદનાની જ્યોત પ્રગટાવતું પર્વ દીપાવલી

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

‘ઉત્સવ પ્રિયા: જના:’ લોકો ઉત્સવ પ્રિય હોય છે. આપણા પ્રસિદ્ધ ગુજરાતી સર્જક કાકાસાહેબ કાલેલકરે ’જીવનના ઉત્સવો અને જીવતા તહેવારો’માં આપણા ઉત્સવોની ઉજવણીની અનોખી ભાત ઉપસાવી છે. ભારતના લોકો જેટલા ઉત્સવો ઉજવે છે, એટલા ઉત્સવો ભાગ્યે જ બીજા દેશમાં ઉજવાતા હશે. આપણી સંસ્કૃતિમાં તહેવારોનું અદકેરું સ્થાન રહેવા પામ્યું છે. પર્વની પાંખો ઉપર જીવનના આનંદનું સૌંદર્ય પ્રસરતું હોય છે. આપણા સાંસ્કૃતિક પર્વો ભારતીય જીવનનો અનોખો શણગાર છે. તહેવાર અને લોકોત્સવમાં આપણી સંસ્કૃતિ ધરોહરની સુવાસ પ્રસરે છે. એકધારા જીવનમાં તહેવારો તાજગી લાવે છે.આપણા તહેવારોની ઉજવણીમાં વ્યાવહારિક જ્ઞાન સામેલ હોય છે.

દીપાવલી ભારત વર્ષના તહેવારોમાં મહાપર્વ ગણાય છે. ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીના પાંચ દિવસોમાં આવતા પાંચ પર્વ આપણી ભારતીય સંસ્કૃતિનું પંચામૃત છે.દીપોત્સવ જીવનમાં જોમ,જુસ્સો,ઉત્સાહ,પ્રેરણા અને સંકલ્પોના પંચ તત્વો ભરવાનું કામ કરે છે. દિવાળીમાં ઘર આંગણાની સાથે સાથે દિલમાં પણ સદ્વિચારો અને સદ્ભાવનાનો દીવો કરવાનો મહિમા રહ્યો છે. આનંદના દીપ પ્રગટાવી મન અને જીવનમાં રહેલા અજ્ઞાન, ક્રોધ અને ઉદાસીનતાના અંધકારને દૂર કરી અને સંબંધોને પ્રગાઢ બનાવવા એ જ સાચી દિવાળી.રોજની બીબાંઢાળ દિનચર્યામાંથી રચનાત્મક પરિવર્તન.અંતરના અંધારાને અજવાળામાં પરિવર્તિત કરવાનો પ્રસંગ.નાત – જાત ધર્મની સંકુચિત વાડાબંધી છોડી સૌનો સ્વીકાર કરીએ.ક ોઈ પરાયું નથી.સંઘર્ષ નહીં,સમાધાનનો માર્ગ અપનાવીએ. વિવાદ નહીં,સંવાદના માર્ગે આગળ વધીએ.પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવીએ. ટમટમતા દીવડા ઘરનો અંધકાર દૂર કરશે, સાથે સાથે ભીતરનો દીપ પ્રગટાવી ભીતરના અંધકારને દૂર કરીએ.
વર્ષ તો બદલાઈ રહ્યું છે, પરંતુ આપણે જુના વિચારો સાથે નવા વર્ષમાં પ્રવેશીએ છીએ. વર્ષ બદલાશે પણ આપણા વિચાર નહીં બદલાય તો બધું નકામું છે. વર્ષ બદલાવવાની સાથે સાથે આપણા વિચારો પણ બદલાવવા જોઈએ. આપણી માનસિકતા પણ બદલાવવી જોઈએ. દરેક નવા વર્ષે વિચાર ક્રાંતિ થવી જોઈએ.હકીકતમાં નવા વર્ષે નવું કંઈ થતું નથી.એના એ જ વિચાર,એના એ જ વ્યવહાર અને એ જ જીવન.તારીખ બદલાવાથી શું થાય ? વર્ષ બદલાવાથી શું થાય ? માનસિકતા ન બદલાય તો બધું નકામું !

નૂતન આશાને થનગનતી ઉમ્મીદ લઈને દિવાળી પર્વ ઉજવશું.ઘરના આંગણે પ્રગટાવેલા દીપક સૌને અજ્ઞાનતાના અંધકારને ઓગાળવાનો સંદેશ આપે છે. વિક્રમ સંવત ૨૦૮૦ના સૂર્યનાં કિરણો આપણા સૌના અંતરના દ્વારને ખખડાવી રહ્યા છે.

અસત્યમાંથી સત્ય તરફ,અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની અંતરમનની પ્રાર્થના પ્રગટાવવાનો દિવસ એટલે દીપાવલી.

માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયના પ્રતિક રૂપે માટીના નાનકડાં કોડિયાંમાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવવામાં આવે છે. દીપાવલીનો અર્થ થાય છે,દ ીવડાઓની હાર માળા.દીપ એટલે દીવડો અને આવલી એટલે હાર.

     ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો આ ઉત્સવને વિવિધ રીતે અને વિવિધ સમયે ઉજવે છે. ભારત અને નેપાળમાં આ ઉજવણી મોટે ભાગે સરખા સમયે કરવામાં આવે છે. દીપાવલીનો ઉત્સવ વિવિધ ધર્મમાં વિવિધ પ્રસંગોને આધીન ઉજવવામાં આવે છે.આ ઉત્સવ પાછળ જુદા જુદા પ્રસંગો વણાયેલા છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં દીપાવલીના ઉત્સવ પાછળનો મહિમા કંઇક આવો છે. રામના વનવાસ દરમિયાન રાવણ દ્વારા સીતા માતાના અપહરણ બાદ રામ અને રાવણ સાથેના યુદ્ધમાં રામનો વિજય થાય છે. રામ ભગવાનના વનવાસના ૧૪ વર્ષ પૂર્ણ થયા પછી અને રાવણ સાથેના યુદ્ધમાં વિજય બાદ, અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યામાં પાછા ફર્યા, તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકાર ભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા. આથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.

શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર દિવાળીના આગળના દિવસ ચતુર્દશીના દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. આ શક્તિશાળી નરકાસુર પ્રાગજ્યોતિષપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. આ ક્રૂર રાક્ષસ મહિલાઓને પજવતો. તેણે યુદ્ધમાં જીતેલી લગ્ન યોગ્ય ઉંમરની સોળ હજાર જેટલી રાજકુમારીઓને જેલમાં રાખી હતી. તે તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આને કારણે ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. ભગવાન કૃષ્ણ અને સત્યભામાએ જ્યારે આ સાંભળ્યું, ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો અને નરકાસુરનો વધ કર્યો. આ તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માંગ્યું કે આજના દિવસે પવિત્ર સ્નાન કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી ન પડે, એવું વરદાન આપો. ભગવાન શ્રીકૃષ્ણએ તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે આ દિવસ નર્ક ચતુર્દશી દિવસ તરીકે જાણીતો બન્યો. આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા, ત્યારે નંદ રાજાએ તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારી અને આનંદ વ્યક્ત કર્યો.

આવી જ રીતે દિવાળીના એક દિવસ પછી ગોવર્ધન પૂજા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ થતી જોઈ, કૃષ્ણએ પિતા નંદને પ્રશ્નો પૂછ્યા,ગ્રામજનો સાથે તેમણે સાચા ધર્મની ચર્ચા કરી. કૃષિ અને પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ રીતે પોતાનું કર્મ કરવું જોઈએ. કૃષ્ણની આવી વાતોથી ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને ઈન્દ્રની વિશેષ પૂજા કરી નહીં. આથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ખૂબ જ વરસાદ વરસાવી ગામમાં પૂર લાવી દીધું. ત્યારબાદ કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઊંચકી લીધો. લોકો અને પશુઓને વરસાદથી બચાવ્યા. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જેની વિસ્તૃત ચર્ચા છે.

હિન્દુ ધર્મની જેમ જ જૈન ધર્મમાં પણ દિવાળીનો દિવસ મહત્વનો છે. ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન આ દિવસે મેળવ્યું હતું. આ કારણોથી દિવાળી જૈન લોકોનો સૌથી મહત્વના તહેવારોમાંનો એક છે. ભગવાન મહાવીરે અમાસની વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. આથી આ દિવસને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવે છે. દિવાળી બાદ પ્રતિપદાથી જૈન વર્ષની શરૂઆત થાય છે. જૈન વેપારીઓ પરંપરાગત રીતે તેમનું હિસાબોનું વર્ષ દિવાળીથી શરૂ કરે છે.
દીપાવલીનો સૌપ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં જોવા મળે છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ ’દિપાલીકાયા’ શબ્દ સાથે સંકળાયેલો છે. આ શબ્દ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ પુરાણમાં જોવા મળે છે.
આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓથી ઝગમગાવી હતી. કારણકે તે સમયે ભારતના લોકો ભગવાન મહાવીરના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર ‘દીપાલિકા’ની ઉજવણી કરી રહ્યા હતા.દીપાલિકાનો અર્થ ‘શરીરને છોડીને જતો પ્રકાશ’ એવો પણ કરી શકાય. દીપાલિકા શબ્દ કે જેનો અર્થ થાય છે,‘દીવાઓનો દિવ્ય પ્રકાશ.’ દિવાળી શબ્દના પર્યાય તરીકે તે શબ્દનો ઉપયોગ થાય છે. જૈનો દ્વારા દિવાળીની ઉજવણી ઘણી રીતે જુદી પડે છે. આ સમય દરમિયાન શ્વેતાંબર જૈન ઉપવાસ કરે છે અને ઉત્તર અધ્યયન સૂત્રનો પાઠ કરે છે. કેટલાક જૈનો બિહારમાં આવેલ ભગવાન મહાવીરના નિર્માણ સ્થળ પાવાપુરીની મુલાકાત લે છે. ઘણા મંદિરોમાં આ દિવસે વિશેષ રીતે લાડુ ધરાવવામાં આવે છે.

આવી જ રીતે શીખ લોકો માટે દિવાળીનું વિશેષ મહત્વ રહેવા પામ્યું છે, કારણ કે આ દિવસે છઠ્ઠા ગુરુ હરગોબિંદજીને તથા તેમની સાથેના અન્ય બાવન રાજકુમારોને ૧૬૧૯ માં ગ્વાલિયરના કિલ્લાની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આથી તેને ‘બંદી છોડ દિવસ’ અથવા ‘બંદીઓની મુક્તિનો દિવસ’કહેવામાં આવે છે. આ મુક્તિની ઉજવણી દિવાળીમાં કરાય છે. મોગલ બાદશાહ જહાંગીરે ગુરુ હરગોબિંદજી તથા અન્ય બાવન રાજકુમારોને બંદી બનાવ્યા હતા. ગુરુ અને અનુયાયીઓમાં શક્તિની વૃધ્ધિ થતી જોઈ,બાદશાહ જહાંગીર ગભરાઈ ગયો હતો. તેથી તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. ગુરુ હરગોબિંદને મુક્ત કરવા માટે બાદશાહને જણાવવામાં આવ્યું હતું. તે આના માટે સંમત થયો હતો. જોકે ગુરુ હરગોબિંદજીએ રાજકુમારોને પણ છોડવાની માગણી કરી.બાદશાહ સંમત થયો, પરંતુ સાથે શરત મૂકી કે તેમના ડગલાની દોરીને પકડી શકે એટલા લોકોને જ જેલ છોડવાની મંજૂરી અપાશે. બંદીગૃહમાંથી છોડવાના થતા કેદીઓની સંખ્યા મર્યાદિત રાખવા માટે આવી શરત રાખવામાં આવી હતી. જો કે દરેક કેદી એક દોરી પકડી શકે અને જેલમાંથી મુક્ત થઈ શકે તે માટે ગુરુ હરગોબિંદજીએ બાવન ફૂમતાઓ સાથેનો એક મોટો ડગલો બનાવ્યો. સુવર્ણ મંદિરમાં રોશની કરીને શીખો એ ગુરુ ગોબિંદજીના પુનરાગમનને આવકાર્યું હતું. આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

વિશ્ર્વના અન્ય દેશોમાં પણ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.નેપાળમાં દિવાળી દરમિયાન પરિવાર મિલન વધારે મહત્વ ધરાવે છે. સમુદાયના લોકો જૂથ બનાવીને અન્ય લોકોના ઘરે જાય છે. ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. તેમજ જે ઘરે ગયા હોય તેમને શુભકામના પાઠવે છે. જ્યારે મકાન ધારક તેમને ચોખા જેવા ધાન્ય,રોટલી,ફળ અને નાણાં આપે છે. તહેવાર બાદ લોકો એકત્ર થયેલ નાણાંમાંથી કેટલોક ભાગ સેવા કાર્યો માટે અથવા જૂથના કલ્યાણ માટે દાનમાં આપે છે અને બાકીના નાણાં તથા ખોરાક લઈને તેઓ પ્રવાસમાં જાય છે.

દિવાળી વિશ્ર્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે. યુનાઇટેડ કિંગડમ,નેધરલેન્ડ,ન્યુઝીલેન્ડ,કેનેડા, ગુયાના,કેન્યા,મોરેશિયસ,જાપાન,ઇન્ડોનેશિયા,ફીજી મલેશિયા,મ્યાનમારા,સિંગાપોર,શ્રીલંકા,દક્ષિણ આફ્રિકા,તાંઝાનિયા,જમૈકા,થાઈલેન્ડ,યુનાઈટેડ આરબ અમીરાત,ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. કેટલાક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ આ ઉત્સવ સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. નાની મોટી ભિન્નતાને બાદ કરીએ તો આમાંથી મોટાભાગના દેશોમાં દિવાળી ઉજવવામાં આવે છે.
લ્યો આવી ગઈ દિવાળી…
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ,
ઝટપટ ફોડી દઈએ,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એક મેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
– અનીલ ચાવડા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button