ઈન્ટરવલ

ચાલો, પૃથ્વી પરના સૌથી સુમસામ સ્થળે

હર સન્નાટા કુછ કહેતા હૈ, હર ખામોશી કુછ ગાતી હૈ…

ફોકસ -મનીષા પી. શાહ

આવી કલ્પના ગીત કે કાવ્યમાં સારી લાગે પણ માનવીના મનનું પ્રોગ્રામિંગ એકલા રહેવા માટે કરાયું નથી. એ મેળાનો માણસ છે. મહેફિલનો જણ છે, ટોળાનો ભાગ છે. એવું નથી એમ માનનારાઓને પડકાર છે કે જાઓ પોઇન્ટ નીમો જઇને થોડા દિવસો તો વીતાવો.

પોઇન્ટ નીમો (ઙજ્ઞશક્ષિં ગયળજ્ઞ) છે શું? કયાં છે? ત્યાં કોઇ રહે છે? આવા સવાલોની ફૂલઝડી વચ્ચે જાણીએ નક્કર હકીકત. પોઇન્ટ નીમોને અચૂકપણે પૃથ્વી પરની સૌથી વિચિત્ર અને મૂંઝવતી જગ્યાઓમાં સ્થાન મળે. ન જાણે એની અંદર કેટકેટલાં રહસ્ય છુપાયેલાં છે. આમ આદમીઓએ તો ઠીક વિજ્ઞાનીઓને પણ પોઇન્ટ નીમો મૂંઝવે છે. જુલે વર્નેના પુસ્તક ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ના સબમરીન ચાલક પરથી આ સ્થળને નામ અપાયું છે.

આ પોઇન્ટ નીમો એટલે દરિયામાં સૌથી છેલ્લે આવેલી જમીન, જેનાથી આગળ તમને જમીન નહીં મળે. એ કયાં છે? ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ અમેરિકાની વચ્ચે પ્રશાંત મહાસાગર. આ સ્થળ કોઇ દેશની માલિકીનું નથી. બીજો અર્થ એ થાય કે આના પર બધાની માલિકી છે. કદાચ એટલે જ એનો અનિચ્છનીય ઉપયોગ થાય છે.

પોઇન્ટ નીમો પર દૂરદૂર નથી માનવી, નથી પશુ-પંખી કે નથી કોઇ જીવ-જંતુ. દિવસ હોય કે રાત ત્યાં માત્ર એકલતા અને નીરવ શાંતિનું ચક્રવર્તી સામ્રાજય રહે છે. હા, તમે પોઇન્ટ નીમોથી જમીન શોધશો, તો સૌથી પહેલા એક ટાપુ મળશે. આ ટાપુ ૨૭૦૦ કિ.મી. દૂર છે. પોઇન્ટ નીમો પરથી૪૦૦ કિ.મી. ઉપર તરફ આગળ જઇએ તો ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન આવે. એ રીતે પોઇન્ટ નીમો જમીન કરતાં આકાશની
નજીક છે.

માનવજાત ન જાણે લાખો-કરોડો વર્ષ પોઇન્ટ નીમોથી અજાણ રહી. છેક ૧૯૯૨માં કેનેડિયન સર્વે ઇજનેર હવોજે લુકાટેલ (ઇંદિજ્ઞષય કીસફફિંહફ) એ પોઇન્ટ નીમોની શોધ કરી. આનો કંઇ ઉપયોગ વિચારાય એ અગાઉ વિજ્ઞાનીઓ આ સ્થળને ફંફોળવા માંડયા, પરંતુ ૧૯૯૭માં કંઇક એવું બન્યું કે એમના હાંજા ગગડી ગયા.

૧૯૯૭માં વિજ્ઞાનીઓને ખૂબ ભયંકર અને ડરામણો અવાજ સંભળાયો. વ્હેલના અવાજને ય પાછો પાડી દે એવો આ અવાજ હતો. શરૂઆતમાં લાગ્યું કે અન્ય કોઇ ગ્રહના રહેવાસીઓનો અવાજ સંભળાઇ રહ્યો છે કે શું? કોઇકે વળી એને દરિયાઇ રાક્ષસનો અવાજ ગણાવ્યો. પછી એક થિયરી સામે આવી અને લગભગ સ્વીકાર્ય બની. આ માન્યતા મુજબ બરફના પહાડ તૂટવાથી સમુદ્રમાં અકલપ્ય ફ્રિકવન્સી ઉત્પન્ન થતી હતી. આનો અવાજ અંદાજે બે હજાર કિલોમીટર સુધી સંભળાતો હતો.

ધરતી પરની આ સૌથી સુમસામ જગ્યાને આજે માનવીએ કચરાપેટીમાં ફેરવી નાખી છે. હા, આ તૂટેલા ઉપગ્રહનું સ્મશાન બની ગયો છે. બે હજાર કિલોમીટરના વિસ્તારમાં જયાં નજર પડે ત્યાં સેટેલાઇટ્સનો કાટમાળ નજરે પડે.

ચારે બાજુથી સમુદ્રના પાણીથી ઘેરાયેલી આ સુમસામ જગ્યાનો માનવ-જાતને કોઇ સારો ઉપયોગ ન સૂઝયો એ કેવી કરુણતા? બગડેલા સેટેલાઇટ, રોકેટના બગડેલા ભાગ કે વણ વપરાયેલા ઇંધણ ઠાલવીને પોઇન્ટ નીમોને ‘સ્પેશ જેકયાર્ડ’ બનાવી દેવાથી ભવિષ્યમાં એની અસર સમુદ્રના પાણી અને દરિયાઇ જીવોને નહીં થાય? અત્યારે ભલે કોઇ માણસ પોઇન્ટ નીમો પર ભૂલમાં પહોંચી જાય તો લાંબું જીવી ન જ શકે પણ એનો વધુ બહેતર, રચનાત્મક અને ભાવિ પેઢી માટે આશીર્વાદ સમાન ઉપયોગ વિચારવાની જરૂર અવશ્ય હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button