ઈન્ટરવલ

અમારા ઈલેકશનમાંથી કંઈક શીખો!

પ્રિય, ફૂએર્ઝા વાય કોરોઝોન,યુનાઇટેડ મેક્સિકન સ્ટેટસ, મેક્સિકો સિટી, નમસ્કાર. ઇન્ડિયા- ગુજરાતના ગાંધીનગરથી ગિરધરલાલના જય મેક્સિકો વાંચશો.

અમે તમને પ્રિય લખ્યું છે એમાં પણ વેલેન્ટાઇન દિવસની ઉજવણીનો વિરોધ કરનાર મોરલ પોલીસ અમારી વિરુદ્ધ બખેડા ખડા કરી શકે છે.સૌથી વધારે વાંધો અમારી રાધારાણી લેશે. વાઇફ પિનલ કોડ હેઠળ સદોષ લફરાંનો કેસ ઠોકી વગર સુનાવણીએ ફાંસીએ ચડાવશે. આજકાલ આવું જ થઇ રહ્યું છે. કોરોઝોનજી, તમને એમ થશે કે તમારે અને અમારે નાહવા નિચોવવાનો સંબંધ નથી. પછી અમે તમને શું કામ કાગળ લખી રહ્યા છીએ?

તમે મેક્સિકોના રાષ્ટપ્રમુખની ચૂંટણી લડી રહ્યા છો. તમે મેક્સિકોના કોયાઆકાન શહેરમાં તમારો પ્રચાર કરી રહ્યા છો તેનો ન્યૂઝપેપરમાં ફોટો આવ્યો છે,તે અમે જોયો. રાજકારણમાં મહિલા આવે તે જેન્ડર ઇકવાલિટી માટે સ્પૃહણીય છે. ચૂંટણી લડવા માટેનું અપ્રતિમ અને અદમ્ય દુસાહસ કરવા બદલ તમને કોટિ કોટિ અભિનંદન ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાં’ થી એવી અમારે ત્યાં કહેવત છે. એમાં ઉમેદવારનાં લક્ષણ પ્રચારમાંથી એમ ઉમેરવું પડે તેમ છે. તમે તમારો પ્રચાર કરો છો, પણ તમારો પ્રચાર જોતાં તમે આ ભવે તો ઠીક, આગામી સિતોતેરમાં ભવમાં પણ વિજયી ભવો થાવ એવું લાગતું નથી.અલબત્ત,મને આવું લખતાં અફસોસ થાય છે. પણ તમે ચૂંટણી લડવા સિરિયસ કે સિન્સિયર છો ખરા? કેમ કે,ચૂંટણી લડવા ઉત્સાહ કે જજબાત અલગ છે. કેમ કે, ચૂંટણી જીતવી એ ખાવાના ખેલ નથી. ખાંડા ખખડાવાનો ખેલ છે. તમે તમારા પ્રચારમાં હું, તું અને રતનિયો એમ ત્રણ જણા પણ ભેગા કર્યા નથી. તમે હેલિકૉપ્ટર, ચાર્ટડ પ્લેન,મર્સિડીઝ બેન્ઝ કે રોલ્સરોય કારમાં પ્રચાર કરતા હોત તો અમારી આંખો એ દ્રશ્ય જોઇને ધન્ય થઇ હોત. અમારા નેત્રોને જીવદયા જેવી શીતળ શાતા પ્રાપ્ત થઇ હોત. તમે બજેટેડ કાર, રિક્ષા કે ઘોડાગાડીમાં ‘વોટ ફોર ફૂએર્ઝા ’કહેતા હોત તો પણ અમને તેનો કોઇ એતરાઝ ન હોત! તમે મોપેડ કે સ્કૂટર પર પ્રચાર કરતા હોત તો અમે માત્ર નાકનું ટીચકું ચડાવ્યું હોત, પરંતુ સાઇકલ પર પ્રચાર? વોટ એ રબ્બીશ?વોટ એ સ્ટુપિડીટી! તમારે ત્યાં પણ અંબાણી- અદાણી જેવા બિઝનેસ ટાયફૂન હશે. તેના ડૉલર કોને કામ આવશે? ઓફ કોર્સ તમને.તમારા ચૂંટણી પ્રચારમાં કામ આવશે. તમે પ્રમુખ થાવ એટલે એક ડઝન એરપોર્ટ, શસ્ત્રો ખરીદ કરવાના, વિમાન બનાવવાના કોન્ટ્રેકટ વાજબી કમિશન કમ ચૂંટણી ફંડ લઇને હોહો કર્યા વિના આપી દેજો. પ્રચાર માટે તાત્કાલિક બે-ત્રણ પ્લેન માંગી લો. પેટ્રોલનો ખર્ચ એ જ ઉઠાવશે! તમે સાઇકલથી પ્રચાર કરો તેના કરતાં પ્લેનથી પ્રચાર કરશો તો તમે વધારે વિસ્તાર કવર કરી શકશો. બાય રોડ પ્લેન પ્રવાસ કરતા હશો તો તમારા સ્વાગત માટે ઉમટેલી જનતાને પણ જોઇ શકશો એ નફામાં ! તમે એકલા એકલા પ્રચાર કરો એ કેવું લાગે? અંતિમ સંસ્કારમાં પણ દોણી ઉપાડનાર સહિત પાંચ વ્યક્તિની પ્રચંડ જનમેદની જોઇએ.ચૂંટણી મોતના સામાનથી કમ નથી, પરંતુ, મોત કા સામાન લઇને એકલા એકલા ફરવાનું? તમે ,અમારા દેશમાંથી કાંઈક શીખો. અમારે ત્યાં ચૂંટણી લડવા માટેનું ફોર્મ પાછું ખેંચવા જતો ઉમેદવાર પણ ટેકેદારની ફોજ, ગાડીઓનો કાફલો,બેન્ડબાજા બારાત લઇ ફટાકડા ફોડતો જાય છે. આમ, મરદની મૈયતમાં જવાય! અમારે ત્યાં ચૂંટણીની રેલી, રોડ શો , ચૂંટણીસભામાં રોકડ રૂપિયા અને ફૂડપેકેટ વહેંચીને કોઇ નાના દેશની વસતિ કરતાંય વધારે ભીડ કરવામાં આવે છે અમારે ત્યાં જાદુની માફક રોડ- શો થાય. ઓપન કાર કે કારના સનરૂફમાંથી સાપ જેમ કરંડિયામાંથી ભોડું કાઢે તેમ ડોકું કાઢી ઉમેદવાર, ફોલ્ડરિયા ઊભા રહે. નહિતર કારને દરવાજો એક હાથે પકડી ઊભા રહી બીજો હાથ લોકો તરફ હલાવતા પ્રચાર કરે. કેટલાક નેતા તો ટનલમાં લોકોની ભીડ શૂન્ય હોય તો પણ આદત સે મજબૂર બની હાથ હલાવી દીવાલોનું અભિવાદન કરતા હોય છે, બોલો કાંઇ કહેવું છે? આવું કંઈ થાય છે તમારે ત્યાં ચૂંટણી પ્રચાર માટે ?!

અમારે ત્યાં તો સારા ઉપવનના ફૂલ રાજકારણી પર કુરબાન થાય. કાર પણ ફૂલોથી સજાવેલી હોય. ઉમેદવાર જનતા પર ફૂલની પાંખડી ફેંકતા હોય. આ દ્રશ્ય દેવોને તો દુર્લભ હોય છે, પણ દાનવોને પણ દુર્લભ હોય છે. આ રીતે પ્રચાર કરો તો માળી, બસવાળા, પેટ્રોલપંપ માલિક, સિકયોરિટીવાળા, હોટલ, રેસ્ટોરેન્ટવાળા બે પૈસા કમાય!

અમારે ત્યાં રિયલ વોરના વોરરૂમ હોતા નથી, પરંતું ઇલેકશન ટાઇમે બધા પક્ષ વોરરૂમ ખોલીને યુધ્ધના ધોરણે હારવા મથતા હોય છે. અમારે ત્યાં પીકેની બોલબોલા છે. પીકે એટલે શરીરના આગળના ભાગે રેડિયો ઢાંકીને ફરતો
આમીરખાન નહીં. પણ ઇલેકશન સ્ટ્રેટિજીસ્ટ પ્રશાંત કિશોરની બોલબોલા હોય છે. અહીંયા પણ લોકસભાની ચૂંટણી ચકરાવા ચાલું છે. હાકલાપડકારા, હિન્દુ-મુસ્લિમ, માછલી, મંગળસૂત્ર ભારત-પાકિસ્તાન જેવા મુદે વિષવમન કરી કે કોઠી ધોઈને જીતરૂપી માખણ કાઢવાના વાંઝિયા ધખારા ચાલું છે.આ જસ્ટ જાણ માટે લખું છું. અમારી ચેનલોની પ્રાઇમ ટાઇમ ડિબેટો ન જોવા વિનંતી છે. નહીંતર મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવાની તૈયારી રાખજો! તમે ખરેખર જીતવા માગતા હોવ તો પીકે જેવા ચૂંટણી નિષ્ણાતની ફર્મ હાયર કરો. સામ, દામ, દંડ ભેદથી ચૂંટણી ફંડ ઊભું કરો. ચિકકાર પૈસા વેડફો. ટેકેદારને ખવડાવો. ચિકકાર પિવડાવો. ફ્રી બીઝ એટલે રેવડી વહેંચો. બેલેટ પેપર નહીં તો ઇવીએમ મેનેજ કરો. આટલું કરો. તમારી જીત ચૂંટણી પંચ તો શું સાક્ષાત્ બ્રહ્મા- વિષ્ણુ કે મહાદેવ પણ રોકી શકશે નહીં!

  • ભરત વૈષ્ણવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button