ઈન્ટરવલ

સાંપ્રત શિક્ષણમાં સામાજિક સદ્ભાવનો અભાવ

મગજ મંથનન – વિઠ્ઠલ વઘાસિયા

જે શિક્ષણ પદ્ધતિના ફળ સ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, એ શિક્ષણ પદ્ધતિમાં ક્યાંકને ક્યાંક ખોટ છે
– ગાંધીજી
હિન્દી સાહિત્યના એક મોટા લેખક અજ્ઞેયજીએ પોતાના નિબંધમાં લખ્યું છે કે, ‘આપણે અલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ નિવડ્યા છીએ.’ આપણા દેશમાં આલોચનાત્મક ચેતનાનો વિકાસ નથી થઈ શક્યો. આજે આપણે અખબારો અને સમાચારોની ચેનલમાં જોઈ રહ્યા છીએ કે આજકાલ આપણા દેશમાં ‘આહત ભાવના’નું બહુ જોર છે. આ આહત ભાવના એટલે કે વાત વાતમાં લોકોની લાગણી દુભાઈ જવી. મારી કઈ વાતથી ક્યારે કોની લાગણી દુભાઈ જશે તે કહેવું મુશ્કેલ છે. કોઈએ કંઈક ચિત્ર દોર્યું હોય અને લોકોની લાગણી દુભાઈ જાય.કોઈએ કવિતા લખી હોય અને લોકોની લાગણી દુભાઈ જાય. કોઈએ નવલકથા લખી હોય અને લોકોની લાગણી દુભાઈ જાય.અરે ! સરકારી કર્મચારી હોય, તો એવું લખવાથી સસ્પેન્ડ પણ થવું પડે..! (ભલેને વાણી સ્વાતંત્રયનો અધિકાર હોય !) કોઈએ ઈતિહાસની ખોજ કરીને કંઈક નવું કહ્યું હોય તો પણ અનેક લોકોની લાગણી દુભાઈ જાય.આપણે તો જાણે એટલા બધા કોમળ થઈ ગયા છીએ કે…! અને હા,આમ તો પાછા હિંસક હો …!
આલોચના અને ગાલી – ગલોચમાં ફરક હોય છે. આલોચના અને નિંદામાં ફરક હોય છે. આ તકે ભગવાન શ્રીરામને યાદ કરવા પડે. યુવરાજ બનવાની તૈયારી હતી અને વનવાસ માટે જવું પડ્યું. વનવાસમાંથી પરત આવીને લોકોની નિંદાને કારણે પત્નીથી વિખૂટું પડવું પડ્યું. તેમ છતાં આવાં ભયાનક દુ:ખ અને સંકટ વચ્ચે પોતાના વિવેકનાં બળ પર મક્કમ રહ્યા. આ અર્થમાં મૂલ્ય અને વિવેક ચેતના માટે દુ:ખ ઊઠાવવાનું સામર્થ્ય રામને લોકનાયક બનાવે છે.
આપણી શિક્ષણ પદ્ધતિની મૂળ ખામી એ છે કે તે આપણને વિવેક અને આલોચનાની સાથે જોડવાની જગ્યાએ આંધળું અનુકરણ કરવાનું શીખવે છે. આજની શિક્ષણ પદ્ધતિ દ્વારા આપણે પ્રોફેસર પત્રકાર કે ભણેલા ગણેલા થઈએ છીએ. એની આપણાં વાસ્તવિક જીવન સાથે બહુ ઓછી લેણદેણ છે. મહાત્મા ગાંધી એ આ વાત બહુ પહેલાથી અનુભવેલી તેમણે એમ કહ્યું હતું કે, ‘જે શિક્ષણ પદ્ધતિના ફળસ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, જેના કારણે મારા ઘરે મારા પિતા મને મળવા આવે અને મને સંકોચ થાય કારણ કે એમણે ભારે કપડાં નથી પહેર્યાં.બહુ સારું અંગ્રેજી નથી બોલી શકતા.’- તો આવી સંકોચ પમાડતી શિક્ષણ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાં ખોટ છે. જે આપણને આપણી પરંપરા,આપણા મૂળ પ્રતિ આપણને શરમિંદા કરે છે. આ વાત કેવળ વ્યક્તિગત સંબંધોની નથી,વાત કેવળ માતા પિતાની નથી. તમે બાળપણથી લઈને અત્યાર સુધીની તમારે પૂરી શિક્ષણ પદ્ધતિને જુઓ. આપણી શિક્ષણ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક એવી ખામી તો છે જ કે જેના લીધે આપણે પોતાને ભારતીય તરીકે ઓળખાવા પર શરમ અનુભવીએ છીએ. આપણને હિન્દી કે ગુજરાતી ભાષી હોવા પર શરમ અનુભવાય છે. આપણને પોતાને હિન્દુ તરીકે ઓળખવામાં શરમ અનુભવાય છે. જ્યારે આપણે પોતાના હોવાથી આટલી શરમ અનુભવી રહ્યા છીએ, ત્યારે આપણે દુનિયાને તો શું બદલીશું ? કે પોતાને શું બદલીશું ?
આપણે આપણા ભૂતકાળના સોનેરી દિવસોની ભાત ભાતની કલ્પનાઓ કર્યા કરીએ છીએ અને વર્તમાનને ભૂલી જઈએ છીએ. એક એવો રમુજી પ્રસંગ છે કે એક ભારતીય વ્યક્તિ જ્યોર્જ બર્નાર્ડ શોને મળે છે અને કહે છે કે,‘અમે ભૂતકાળમાં આટલા મહાન હતા.જ્યારે તમે જંગલોમાં રહેતા હતા.ત્યારે અમારે ત્યાં સભ્યતા પૂર્ણ વિકસિત થઈ ચૂકી હતી. અમારા વેદો અને ઉપનિષદોમાં ઉત્કૃષ્ટ ચિંતન મળે છે. મધ્યયુગમાં પણ અમે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હતી.’ જ્યોર્જ બર્નાર્ડ શો તો હાજર જવાબી હતા.એમણે કહ્યું કે, ‘આપની વાત સાચી છે,પણ આ રીતે તમે ભૂતકાળમાં જ ચાલ્યા કરશો તો ચાલતાં ચાલતાં તમે ગુફા સુધી પહોંચી જશો. આજની વાસ્તવિકતા સ્વીકારો.ભૂતકાળના ગુણગાન ગાઓ પણ વર્તમાનની જે વાત છે, એનો સ્વીકાર કરતા પણ શીખો.’
આપણે સૌ ભણાવનારા લોકો છીએ. ભણાવનાર લોકોનું કામ બનાવેલ મૂલ્યોની ફક્ત પ્રતિષ્ઠા જ કરવાનું નથી હોતું,પણ સાથે નવાં મૂલ્યોની ખોજ પણ કરવાની હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે એમની એક નવલકથામાં અદ્ભુત વાક્ય લખ્યું છે કે સમાજ ખરી દિશામાં આગળ વધી રહ્યો છે કે નહીં એને ઓળખવાનો રસ્તો એ છે કે સમાજ એટલો વ્યાપક થઈ રહ્યો છે કે નહીં કે જેથી વ્યક્તિઓને પોતાના વિકાસની તક આપી શકે. વ્યક્તિને વિકાસની તક આપવા માટે સમાજે વિસ્તરીત થવું પડશે. અત્યારે આપણા દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં સમાજ અને મનુષ્યનું ચિત્ત વિસ્તરિત થવાને બદલે સંકુચિત થતું જાય છે. સંકીર્ણતાથી જ કુંઠિતપણું આવે છે, આત્મહીનપણું આવે છે અને એનાથી જ હિંસા પેદા થાય છે. સામાજિક સદ્ભાવને જો મેળવવો હોય તો સૌથી પહેલા વિસ્તરિત થવું જરૂરી છે. એ વિસ્તરિત થવાનું તો જ શક્ય છે, જો આપણે આપણા આલોચનાત્મક વિવેકને સક્રિય રાખીએ.આસ્થા અને ભાવનાઓને યોગ્ય સ્થાન આપતાં એને આલોચના અને વિવેક પર હાવી થવા ન દઈએ. આપણી શિક્ષણ વ્યવસ્થા ગમે તેવી હોય તે છતાં તેમાં થોડી ગુંજાશ છે. આ શિક્ષણ વ્યવસ્થામાં રહીને જ આપણને મહાન વિચારકો અને ચિંતકો મળ્યા છે.એટલે થોડી ગુંજાશ એમાંથી નીકળી શકે છે. કહેવાનો અર્થ એ છે કે આ વ્યવસ્થામાં રહીને પણ આપણે કંઈક કરી શકીએ છીએ.વ્યવસ્થા બદલાશે ત્યારે બદલાશે. જો આલોચનાત્મક અને વિવેકી સમાજ બનાવવામાં આપણે આપણું યોગદાન આપીશું તો સદ્ભાવ માટે અલગથી પ્રયત્ન કરવાની જરૂર નહીં રહે.સામાજિક સદ્ભાવ એ આલોચનાત્મક સમાજ માટે કુદરતી બાબત છે. એ જબરજસ્તીથી આરોપિત કરવાની વસ્તુ નથી.વિસ્તૃતપણું, આલોચનાત્મક વિવેક, આસ્થા- ભાવનાની રાજનીતિને રિજેક્ટ કરવાનું સાહસ – આ બધી વાતો આપણે આપણા વિદ્યાર્થીઓને, મિત્રોને,પડોશીઓને કરી શકીએ. શિક્ષણ પદ્ધતિમાં અને લેખનમાં લાવી શકીએ તો સદ્ભાવની વાત કરવાની જરૂર નહીં રહે. સદ્ભાવના આપ મેળે આવી જશે.
શિક્ષણ વિશે ગાંધીજીએ કહ્યું કે હૃદય કેળવો,હાથ કેળવો અને મસ્તિષ્ક કેળવો. (Hand,Heart and Head)આપણે ફક્ત ઇંયફમ માં પડ્યા એટલે દશાનન થઈ જશું. આપણે બધા દશાનન થવાની તૈયારીમાં છીએ ! મગજમાં આપણે કેટલું બધું ભરી દઈએ છીએ ! માણસના હૃદયને કેળવવાની પ્રક્રિયા શિક્ષણમાં થવી જોઈએ.ગુજરાતમાં આજે બુનિયાદી શિક્ષણની જે સંસ્થાઓ છે,તે મુશ્કેલીમાં મુકાઈ છે. આપણે સમાજના નાગરિકો તરીકે કોઈ એક વ્યક્તિ પણ ચિંતા કરતું નથી.ગાંધીજીએ શિક્ષણના જે પાયા અહિંસક સમાજરચના માટે ગોઠવેલા છે,એ શિક્ષણ સંસ્થાઓ આજે ખરાબ પરિસ્થિતિમાં છે.જેના માટે સંસ્થાઓ પણ જવાબદાર છે. રાજ્ય પણ જવાબદાર છે. આ વસ્તુ જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે સામાજિક સદ્ભાવના મેળવવા માટે કેળવણીનો રસ્તો તો આપણે આપમેળે બંધ કરીને બેસી જઈએ છીએ. ગાંધીજીએ કહેલી ‘નયી તાલીમ’ના પાયા જ આ છે.અત્યારે તો કોર્પોરેટ જગત જેમ ઈચ્છે એ જ પ્રોડ્યુસ કરવામાં આવે છે. આમ નહીં કરીએ તો આપણો સફાયો થઈ જાય, એમ લોકો માને છે. હકીકતે તો કોર્પોરેટ જગતને જે જરૂર છે એ તો ટ્રેનિંગ આપીને મેળવી જ લે છે.
આપણી સ્કૂલમાં આપણે લખીએ છીએ, ‘તમસો મા જ્યોતિર્ગમય,’ ‘સા વિદ્યા યા વિમુક્ત યે.’ મુક્તિ અપાવે એ વિદ્યા કે પછી કોર્પોરેટમાં નોકરી અપાવે એ જ વિદ્યા ? આપણે તો આજે એવું સમજી બેઠા છીએ કે આ વેદ સૂત્ર તો માત્ર લખવાના અને વાંચવાના જ છે, આત્મસાત કરવાના નથી. આ શિક્ષણ પાસે આપણે બહુ બધી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ ? દુકાન ચલાવવા માટે ઠીક છે. શિક્ષણનું વ્યાપારીકરણ થાય તો એને ખાનગીકરણ ન કહેવાય ? શિક્ષણને જો મૂલ્યો આધારિત ચલાવશું તો જ સદ્ભાવી નાગરિક પેદા થવાના છે. એને ગાંધીજીના રસ્તે નયી તાલીમમાં નાખવા પડશે. બાકી તો બધું શીખી શકાય, પણ મુખ્યત્વે તેનું હૃદય કેળવવાનું છે.હૃદયની અંદર સિંચન કરવાની જરૂર છે. હૃદય સિંચન કરવાથી જ આ થવાનું છે.
આજે સદ્ભાવનાનો દુષ્કાળ પડ્યો છે. સંવેદના, લાગણી,સહયોગની ભાવના,મદદરૂપ થવાની તત્પરતા આ બધું આજે આપણે ગુમાવી દીધું છે. આ બધું ગુમાવવા પાછળનું એક તારણ એવું નીકળે કે આજે આપણને હૃદયની કેળવણી નથી મળતી. મતલબ કે એવી કેળવણી આપવામાં જ આવતી નથી.
એક સમય એવો હતો કે લોકોનું જીવન સહયોગી થવા માટે કાયમ તત્પર રહેતું. અંતરિયાળ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર કોઈ મુસાફર ઉતરે ત્યારે નાના એવા ગામ કે પરગણામાં રહેવા જમવા માટે હોટલ કે ધર્મશાળાની સુવિધા ન હોવાને લીધે ત્યારે ગામના લોકો એ અજાણ્યા મુસાફરને પોતાના ઘરે લઈ જતા. મહેમાનગતી કરતા. તેમને જમાડતા અને રાતવાસો કરવાની વ્યવસ્થા કરતા. એક સમયે જ્યારે વાહન વ્યવહાર અને રસ્તાઓ એટલા બધા વિકસિત નહોતા થયા, ત્યારે એક ગામથી બીજા ગામ જવા પગપાળા ચાલીને જવું પડતું. રસ્તામાં અનેક નદીઓ પસાર કરવાની થતી. ખાસ કરીને ચોમાસાના સમયે આ નદીઓમાં ભયંકર વરસાદને લીધે પુર આવી જતું. દિવસો સુધી આ પાણી ઓસરતું નહીં. જે વટેમાર્ગુ નદીને કાંઠે પાણી ઓસરવાની રાહ જોઈને ઊભા હોય ત્યારે ગામના લોકો એમને પોતાના ઘેર લઈ જઈ જતા. જમવા અને રહેવાની વ્યવસ્થા કરતા. આ બધા સમયે લોકો ક્યારેય એવું નહોતા પૂછતાં કે,‘તમે કયા ગામના છો? કઈ જ્ઞાતિના છો ? શું કરો છો ?’ ત્યારે એ લોકો વચ્ચેનો વ્યવહાર કોઈ સગાં સંબંધીનો નહોતો. કોઈ સ્વાર્થનો વ્યવ્હાર નહોતો.કંઈ મેળવી લેવાની ભાવના નહોતી. માત્ર અને માત્ર લાગણી અને માનવતાનો વ્યવહાર હતો. સદ્ભાવનાનો વ્યવહાર હતો. આ લાગણી,માનવતા અને સદ્ભાવના ક્યાંથી આવ્યાં? એ સમયના શિક્ષણમાં આ આપવામાં આવતું હતું. ત્યારના લોકો ભલે કોર્પોરેટ જગતને આંબે એવું જ્ઞાન નહીં ધરાવતા હોય પણ એમના હૃદયમાં જે સંવેદના પડેલી હતી, એ જ્ઞાન અનન્ય છે. એ જ્ઞાન એમને એ સમયના શિક્ષણમાંથી મળ્યું છે. આજના શિક્ષણમાં આ સંવેદના,આ સદ્ભાવના,આ સહયોગની ભાવના કેળવાય એવાં મૂલ્યોને મૂળસોતાં ઉખેડી નાખ્યાં છે. આજનું શિક્ષણ માત્ર નોકરીલક્ષી (job oriented) શિક્ષણ બની ગયું છે.નોકરી મેળવવા માટે જેટલું જ્ઞાન જરૂરી હોય એટલું જ પીરસવામાં આવે છે.જે દુ:ખદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button