ઈન્ટરવલ

સંતોષનો અભાવ સંતાપ નોતરે છે

અસંતોષથી મોટું કોઈ દુ:ખ નથી અને સંતોષથી મોટું કોઈ સુખ નથી માટે મળ્યું એટલું મોજથી માણવું!

મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

સાઉથ કોરિયાની વિશ્ર્વવિખ્યાત ઓટો બ્રાન્ડ ‘દેવૂ મોટર્સ’નું વર્ષે અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ છે.આટલી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટનો ઈન્ટરવ્યૂ વાંચવામાં આવ્યો. ઈન્ટરવ્યૂમાં એમને સવાલ કરવામાં આવ્યો કે તમે દિવસના કેટલા કલાક કામ કરો છો ?

વાઈસ પ્રેસિડેન્ટે જવાબ આપ્યો કે, ‘હું સવારે અગિયાર કલાકથી બપોરના ત્રણ કલાક સુધી કામ કરું છું.’ ઈન્ટરવ્યૂ લેનારને નવાઈ લાગી. ‘પણ તમે ઓફિસમાં વધુ સમય બેસો તો નિર્ણયો ઝડપથી લેવાઈ જાય અને કામ પણ આગળ વધે.બિઝનેસ વધે.’

વાઈસ પ્રેસિડન્ટ સાહેબે કહે : ‘વાત સાચી,પણ મિસ્ટર ! આ કંપની ચલાવવા સિવાય મને વાચન, સંગીત અને મિત્રોને મળવું જેવા શોખ પણ છે.’ એ પછી વાઈસ પ્રેસિડન્ટ એક બહુ સરસ વાક્ય બોલ્યા, જેનો ગુજરાતી ભાવાર્થ કંઈક આવો થાય.એ કહે:

‘મારે કંઈ સાંજ પડ્યે ડિનરમાં સોનાની કઢી પીવી નથી.’

વાત આ જ છે. અતિ ધનાઢ્ય હોય કે મધ્યમવર્ગી દરરોજ સાંજે ખીચડી સાથે કઢી તો દહીં છાશ જ પીએ છે. ધનપતિ હોય તેથી શું લિક્વિડ ગોલ્ડની કઢી પીતા હશે ? કહેવાનો તાત્પર્ય એ છે કે પૈસા-સુખ અને સંપત્તિ પામવાની આંધળી દોટ જીવનમાંથી સુખ – શાંતિ – સંતોષની બાદબાકી કરી નાખે છે.

અમેરિકામાં ધનાઢ્ય લોકોનું એક મંડળ છે. એમાં સભ્ય પદ મેળવવાનો પહેલો નિયમ છે કે સભ્ય બનવા ઈચ્છુક વ્યક્તિએ પોતાની સંપત્તિમાંથી ઓછામાં ઓછી અડધી સંપતિ સમાજસેવા માટે વાપરવાનું લખી આપવાનું હોય છે. એ પોતાને ગમતી સેવા પ્રવૃત્તિ પસંદ કરી શકે છે.પછી તે આરોગ્ય-શિક્ષણ -અનાથ બાળકોનો ઉદ્ધાર વગેરે હોઈ શકે. મેમ્બરશીપ ફોર્મ ભરતી વખતે મારી મિલકતમાંથી આટલી રકમ હું અમુક – તમુક પ્રવૃત્તિમાં આપીશ એના પુરાવા, દસ્તાવેજ વગેરે જોડવા પડે છે.આ મંડળના પાંચસોથી વધુ મેમ્બર જીવનને સુંદર કેમ બનાવવું એની રીત સમજી ગયા છે.

હરિ ઈચ્છા કે ભાગ્યમાં લખ્યું હશે તે જ મળશે, જેવાં વાક્યો માણસને પ્રારબ્ધવાદી બની નિષ્ક્રિય બનવાનો ઉપદેશ નથી આપતા, પણ ધૈર્ય ધારણ કરી વલખાં નહીં મારવાનું આશ્ર્વાસન આપે છે. અધિક ધન પ્રાપ્ત થયું હોવા છતાં જે મનુષ્ય સંતુષ્ટ છે તે ખરો ધનવાન છે. સંતોષની વાત માણસને કડવી લાગે છે, કારણ કે એના મનમાં ઢગલાબંધ વાસનાઓનો કાયમી વસવાટ હોય છે.સંતોષ માણસને હકીકતમાં કર્મ કરતા રોકતો નથી , પણ સાથે સાથે વિવેક અને સંયમ જાળવવા માટેનો પરોક્ષ બોધ આપે છે.સુખ માટે ઉતાવળ અને બહાવરા બનીને વિવેક તથા સંયમને ઠેબે ચડાવશો તો તમે પ્રગતિ નહીં કરી શકો.

સંતોષનો માપદંડ એ છે કે કશું મેળવવાની ક્ષણે નહીં પરંતુ ગુમાવવાની ક્ષણે પણ તમે કેટલી સ્વસ્થતા અને શાંતિ જાળવી શકો છો,તે છે.પછી એ ધન,દોલત,સત્તા,સંપત્તિ કે હક્ક હિસ્સો કેમ ન હોય ! મળ્યું એટલું મોજથી માણવું અને જે જતું રહે તે આપણા હક્કનું નહીં હોય,તેમ માનીને ભૂલી જવાની વૃત્તિ રાખનાર જ ખરા અર્થમાં સંતોષ સાથેનું સુખ મેળવી શકે છે.સંતો અને શાસ્ત્રો એટલે જ તો સંતોષ ધારણ કરવાનો ઉપદેશ આપે છે.દરેકને પોતાના જીવનનો અનુભવ હશે જ કે હંમેશાં દરેક બાબતમાં આપણું ધાર્યું થતું નથી,એટલે ‘મળ્યું એને માણો’નો મંત્ર અપનાવી પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું એ જ આપણા હાથની વાત છે.

માણસનો મહા શત્રુ લોભ છે.આ લોભ માત્ર ધનનો જ હોય એવું નથી સત્તાનો,માનનો,અધિકારનો પ્રશંસાનો,પોતાનું ધાર્યું કરાવવાનો,હક અને અધિકારનો વગેરે.તમામ પ્રકારનો અતિ લોભ માણસને અસંતોષની ગર્તામાં ધકેલીને દુ:ખી કરે છે.

બીજી તરફ, સંતોષનું મૂળ સંયમ છે. મન પરનો કાબૂ સંતોષ માટેનો રાજપથ તૈયાર કરે છે. સંતોષનો અભાવ સંતાપ નોતરે છે અને આ સંતાપ માણસને ચિંતાગ્રસ્ત બનાવે છે.એટલા માટે જે મળ્યું તેનો આનંદ માનીને આંતરિક સ્વસ્થતાપૂર્વક જીવવામાં જ મજા છે.

લોભ- મોહ વગેરે માણસને પોતાના તરફ સદાય ખેંચતાં રહે છે.લોભીને જે હોય તેનાથી સંતોષ નથી થતો લોભી માણસ ભિખારી છે.ભાગ્ય અને ઈશ્ર્વર પાસે એ વધુ ધન,વધુ સુખ, પદોન્નતિ, વધુ ઊંચો હોદ્દો, વધુ સત્તાની ઝંખના રાખે છે.સિકંદર અને રસ્તામાં બેઠેલા એક મસ્ત સાધુનો પ્રસંગ જાણીતો છે.

વિશ્ર્વવિજેતા બનવા માટે નીકળેલા સિકંદરે પેલા ઓલિયા જેવા સાધુને કહ્યું કે, ’હું વિશ્ર્વવિજેતા તરીકે પંકાતો સિકંદર છું. બોલ! તું માગે તે આપું.’ પેલા ફકીર જેવા સાધુએ કહ્યું, ‘મારે કશું નથી જોઈતું. તું આઘો ખસ. મારી પર તડકો આવવા દે.’ આવા કશાયની ખેવના ન રાખનારને કોણ દુ:ખી કરી શકે ?

માણસ મનોમન એવી દલીલ કરે છે કે સંતોષી મન એ તૃપ્તિનું પૂર્ણવિરામ છે.મનુષ્યનો અવતાર વારંવાર મળવાનો નથી.તેથી ભોગવી શકાય એટલું આ જન્મમાં ભોગવી લેવું જોઈએ.કાલ કોણે દીઠી છે.ઘણીવાર લોકો એવી દલીલ કરતા હોય છે કે,જો સંતોષી બનીને માણસ બેસી રહે તો પ્રગતિ કેવી રીતે થાય ? અહીં સંતોષ પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવવાની જરૂર નથી.સંતોષને સકારાત્મક દ્રષ્ટિથી મૂલવવો જોઈએ.પ્રગતિ કરવી પણ અત્યાધિક ફળની આશાથી મુક્ત રહીને પ્રગતિ કરતા રહેવું. આમ કરવાથી ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય તો નિરાશ કે હતાશ ના બનવું.જે મળ્યું છે એને સ્વીકારીને આસક્તિ વગર કર્મયોગી બનવું.એમાં શાણપણ રહેલું છે.સંતોષને માણસ બાહ્ય દ્રષ્ટિએ કડવું વૃક્ષ માને છે, પણ ઊંડાણપૂર્વક વિચારતા એને લાગે છે સંતોષનાં ફળ મીઠાં અને સુખદાયક હોય છે.

જીવનમાં સ્થિરતા આવી ગયા પછી દોડાદોડી શું કામ કરવી જોઈએ ? એના કરતાં સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી, પરિવાર – મિત્રો સાથે વધુ સમય ગાળીએ, આરોગ્ય સાચવીએ અને મનગમતા શોખ પૂરા કરીએ.

સંતોષને સમજવા માટે એક કામ કરવા જેવું છે આપણે પૈસાથી ખરીદી શકાય એવી ચીજો જેવી કે ગાડી, બંગલા, જમીન, ફેક્ટરી, ફોરેન ટ્રિપ વગેરેનું એક લિસ્ટ બનાવવું જોઈએ.બીજું એક લિસ્ટ પૈસાથી ખરીદી ન શકાય એવી ચીજો જેવીકે ફ્રેન્ડશીપ, રિલેશનશિપ, પ્રેમ, વિશ્ર્વાસ, સહકાર, પ્રતિષ્ઠા વગેરેનું બનાવવું જોઈએ.

કયું લિસ્ટ વધુ ચઢિયાતું છે,એ પસંદગી આપની…! એક સ્પેનિશ લોકોક્તિ છે :

‘આપણને જે પસંદ હોય તે ન મળી શકતું હોય તો આપણી પાસે જે છે તે પસંદ કરી લેવું તે ડહાપણ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button