કચ્છી ચોવક : સંસ્મરણ ભૂંસાતાં નથી… મીં વસે બ ઘડિયૂં, છનૂં ગિયે છ ઘડિયું

-કિશોર વ્યાસ
ચોવકોનું કાઠું જ એવું હોય છે કે, તેના ધારો તેવા અર્થ નીકળી શકે. વળી ચોવકના ગર્ભિત અર્થની અસર તો લાંબા સમય સુધી ચાલે છે. એટલે જ એક ચોવક પ્રચલિત બની છે. ‘મીં વસે બ ઘડિયૂં, છનૂં ગિયે છ ઘડિયું.’ સીધો અર્થ તો એવો થાય છે કે વરસાદ તો થોડીવાર ચાલુ રહે પણ નેવાં તો ત્યાર પછી પણ નીતર્યાં કરતાં હોય છે. ‘છનૂં’ એટલે નેવાં.
હવે તેને જરા વિસ્તૃત રીતે જોઈ લઈએ, તો કોઈ સાથે થયેલી એક જ અને પહેલી મુલાકાત પછી પણ તેનાં સંસ્મરણો ભૂંસાતાં નથી! કોઈએ વિના કારણ આપણા પર કરેલો ગુસ્સો અને તેનાં શબ્દો પણ ભાગ્યે જ ભૂલાતાં હોય છે. સંસ્મરણો તો નીતર્યાં કરતા ઑહોય છે.
ગુજરાતીમાં આપણે એક કહેવતનો ઘણીવાર પ્રયોગ કરતાં હોઈએ છીએં કે, ‘બોલે તેના બોર વેચાય.’ સમજાય છે ને કે ફેરિયાઓ પોતાની વસ્તુઓ વેચવા બૂમાબૂમ કેમ કરતા હોય છે.! આ કહેવતનો એક જ સકારાત્મક અર્થ થાય. ‘બોર વેચવા’ એટલે ફાયદો થવો.
કચ્છીમાં એવા જ અર્થની ચોવક છે, જેના સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને અર્થ થાય છે. ‘બોલે સે બ ખાય.’ પણ શું ખાય? જ્યાં જેટલું અને જેવું બોલવું જોઈએ તેટલો બોલનારને ફાયદો (બ ખાય) થાય પણ, જે ખોટેખોટા લવારા જ કરતાં હોય તે ખોટ ખાય. (બે ઠપકાના શબ્દો કે થપ્પડ પણ ખાય!)
તમે જોજો, આપણે ઘણાંને એવું કહેતાં સાંભળતા હોઈએ છીએં કે, ‘મારે તો બે હાથમાં લાડુ.’ કચ્છીમાં કહેવું હોય તો, ‘બીં હથ મેં લડૂં.’ અર્થ સ્વયં સ્પષ્ટ છે. આમ કે, તેમ મારે તો બન્ને બાજુ લાભ જ છે.
કોઈ વાત છાની રાખવાના સંદર્ભમાં આપણે ગુજરાતી ભાષામાં એક કહેવતનો ઉપયોગ કરતા હોઈએ છીએેં કે, ‘બાંધી મુઠી લાખની, ખૂલી તો વા ખાય.’ હવે એ જ વાત કચ્છીમાં: ‘બધી મુઠ લખજી, ઉઘાડી વા ખાય.’ એ રીતે બોલાય છે અને આવી કોઈ છાની રાખવાની વાત પાધરી પડી જાય પછી તેને ફેલાઈ જતાં વાર નથી લાગતી.
એવું બને, જોકે એવું બનતું જ હોય છે, ત્યારે ચોવક રચાય છે: ‘બ ચપેં ન સમાજે સે ચાર ચપેં પ ન સમાજે.’ ‘ચપ’ એટલે હોઠ. ‘બ’ એટલે બે. જે વાત બે હોઠ વચ્ચે પણ ન સમાઈ શકે, તે ચાર હોઠો ક્યાંથી છાની રાખી શકે? એ વાત ફેલાતી જ જાય છે.
સ્ત્રી અને પુરુષ માટે એક જ અર્થવાળી ચોવક છે. સ્ત્રીઓ માટે, ‘બાઈ રઈ બીં કનાં’ અને પુરુષો માટે ‘બાવો રેયો બીં કનાં.’ પણ તેનો અર્થ સમાન જ છે કે, બન્ને બાજુનો લાભ ગુમાવવો. આવા લાભ ઘણીવાર નાહકના ઝઘડાને કારણે પણ ગુમાવવા પડતાં હોય છે. આપણે બોલતા હોઈએ છીએં કે, ‘બે વઢે ને ત્રીજાને લાભ.’ આવા જ અર્થ સાથે કચ્છીમાં એમ કહેવાય કે, ‘બ વિડેં નેં ત્રે કે લાભ.’ ‘બે’ એટલે બે. ‘વિડેં’ એટલે વઢે કે ઝઘડે. ‘ત્રે’ એટલે ત્રીજી વ્યક્તિ!
આ પણ વાંચો : રમુજી સવાલના મનમોજી જવાબઃ તમે પણ પૂછો સવાલ ને મેળવો મસ્ત જવાબ
વળી, આવા લાભ મેળવવામાં ઘણીવાર શક્તિશાળી માણસ ફાવી જતો હોય છે. (અહીં શક્તિના અલગ-અલગ પ્રકાર યાદ કરવા!) ચોવક એમ કહે છે કે, ‘બરૂકે જા બ ભાગ.’ વ્યવહારમાં પારદર્શકતા રાખવાની શીખામણ ચોવક આપે છે: ‘બક્ષીસ લખજી ય હિસાબ પઈ જો.’ એટલે કે બક્ષીસ લાખ રૂપિયાની આપો પરંતુ વ્યવહાર હિસાબ તો પાઈપાઈનો જ કરવાનો. જો એમ ન કરવામાં આવે તો ખોટનો ધંધો થઈ જાય!
કોઈ પ્રસંગે વધારે ખર્ચ થઈ જાય ત્યારે પણ ચોવક કહે છે: ‘બારે મેણેંજી ખટ, રમજાન મેં ચટ.’ સામાન્ય રીતે મુસ્લિમ બિરાદરો રમજાનમાં અને હિન્દુ દિવાળી જેવા તહેવારો કે અન્ય પ્રસંગોમાં વધારે ખર્ચ કરતાં હોય છે. ‘ખટ’ એટલે કમાણી. બાર મહિનાની કમાણી એક પ્રસંગમાં જ ખર્ચાઈ જાય છે.