ઈન્ટરવલ

કચ્છી ચોવક : કર્મ કરીએ તો જ સપનાં સાકાર થાય !

-કિશોર વ્યાસ

ઘણા-ભણેલા-ગણેલા, ડાહ્યા, ચતુર અને વળી હોશિયાર ગણાતા લોકો સામાન્ય રીતે પોતાનાં કામ આયોજનપૂર્વક તેમ જ ગણતરીપૂર્વક કરતા હોય છે. એ સારી વાત છે કે, આયોજન અને તેમાં પણ ગણતરી જરૂરી હોય છે. પણ હું અહીં જે ચોવક મૂકવા માગું છું, તેમાંથી ભાવાર્થ એવો નીકળે છે કે, ગણતરબાજ ગણાતા લોકો હજુ ગણત્રી જ કરતા હોય છે, પરંતુ ત્યાં સુધીમાં તેમની પંક્તિમાં ન આવતા લોકો એ જ પ્રકારનું કામ પૂરું કરી નાખતા હોય છે! સરસ ચોવક છે, તેમના માટે વળી દ્વિઅર્થી પણ છે: ‘ડાઇયૂં ડીં લેખીયેં, ચરઇયૂં છોરા જણીંયેં’ આ ચોવકનો શબ્દાર્થ એવો થાય છે કે, ડાહી સ્ત્રીઓ (અહીં પ્લાનિંગ કરતી) હજુ દિવસો જ ગણતી હોય, ત્યાં સુધી ‘ચરઇયૂં’ એટલે કે, ખરેખર પાગલ નહીં પણ સામાન્ય કક્ષાનું જીવન જીવતી સ્ત્રીઓને ત્યાં પારણાં ઝૂલતાં થઇ જાય છે! ‘ડાઇયૂં’ એટલે ડાહી, ‘ડીં’ એટલે દિવસ, ‘છોરા’ એટલે સંતાન અને ‘જણીંયેં’નો અર્થ થાય જન્મ આપવો! છે, ને ગજબની ચોવક? કહેવું છે કંઇક અને માધ્યમ બનાવે છે સ્ત્રીના જણતરને!

કચ્છમાં વાવાઝોડાંના વરસાદ સહિત અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલુ છે, પરંતુ કચ્છના કયા વિસ્તારમાં મોસમનો પહેલો વરસાદ વરસે તો તે શુકન કે અપશુકન ગણાય તેવી અનુભવ અને અભ્યાસ પર આધારિત ચોવક છે: ‘કંઠી વસે કરવડો, વાગડ વસે .’

‘ડુકાર, જ વસે ગેડો ત કચ્છ તેં અલીલ સુગાર’.

કચ્છમાં કાંઠાળ વિસ્તારના અમુક ભાગને ‘કંઠીપર’ કહે છે. વાગડ વિસ્તારથી તો આપણે સૌ પરિચિત છીએ જ, એ જ રીતે અબડાસા તાલુકાનો ચોક્કસ વિસ્તાર ‘ગેડોપર’ તરીકે ઓળખાય છે. ચોવક એમ કહેવા માગે છે કે, જો ‘કંઠીપર’માંથી વરસાદ શરૂ થાય તો વરસ સામાન્ય રહે, અને જો વરસાદનો પ્રારંભ વાગડથી થાય તો દુષ્કાળ પડવાની દહેશત રહે! પણ જો ‘ગેડોપટ’થી ચોમાસું શરૂ થાય તો કચ્છ આખું લીલુંછમ બની જાય! પણ હવે વરસાદ ચોવકને ગાંઠતો હોય તેવું લાગતું નથી!


Also read: ભારતના દબાણ બાદ બાંગ્લાદેશે સ્વીકાર્યું, લઘુમતીઓ પર આટલા હુમલાની પુષ્ટિ કરી


આદ્રા નક્ષત્ર વરસાદની ઋતુ દરમિયાન જ આવે છે, પરંતુ કચ્છના લોકોને એ નક્ષત્રના વરસાદ પર બહુ ભરોસો નથી હોતો. એમ કહેવાય છે કે, ‘આધર કરે સાધર’ મતલબ કે આ નક્ષત્રમાં ધરતીને ધરવ થાય તેવો વરસાદ ન વરસે. તો વળી, ‘ઉતરા’ નક્ષત્ર માટે એમ કહેવાય છે કે, ‘ઉતરા ત બધો જોતરા’ ‘બધો’ એટલે બાંધો, અને ‘જોતરા’નો અર્થ થાય છે. ‘જોતરો.’

એ નક્ષત્રમાં પડતાં વરસાદથી પાક સારો થાય છે. એવું જ પાછું ચિત્રા નક્ષત્ર માટે પણ કહેવાય છે: ‘ઘેલી ચિત્રા કરે ખેલ, બરે બપોરે આંણે રેલ’ ચિત્રાના વરસાદને ઘેલો વરસાદ કહે છે. એ એવો ખેલ રચે કે, બળબળતા બપોરે પણ પાણી વહી નીકળે! આ નક્ષત્રમાં પણ જો વરસાદ પડે તો વરસ સારું જાય તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જોકે હવે ઋતુ પ્રમાણે વરસાદનું ચક્ર ચાલતું નથી. પણ વરસાદને નક્ષત્ર સાથે જોડીને પણ કચ્છના પૂર્વજોએ ચોવકો રચી છે!

ખેર! કર્મની ગત ન્યારી એવું આપણે ગુજરાતી અને હિંદીમાં પણ બોલતા હોઇએ છીએં. એજ વાત ચોવક આ રીતે કહે છે: ‘હજાર કર્યો હીલા, પ કરમ વગર કોડી ન મિલે’ લાખ ધમપછાડા કરો પણ કર્મની ગત મહાન છે, કપાળે લખ્યું ન હોય તો ‘કોડી’ પણ ન મળે! મર્યાદા બાંધી આપતી એક ચોવક છે: ‘હિકડે સોંણે રાત ન વિંજે’ શબ્દાર્થ છે કે, એક જ સપને રાત ન જાય, પરંતુ ભાવાર્થ એવો થાય છે કે, જીવન જીવવા માટે માત્ર સપનાં ન જોવાય. એ સાકાર કરવા કર્મ પણ કરતા રહેવું પડે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button