ઈન્ટરવલ

કચ્છી ચોવક : દાની બનો તો ઈશ્વર જેવા બનો…

  • કિશોર વ્યાસ

સામાન્ય રીતે દાતારો એટલે કે દાનવીરો જ સન્માનના અધિકારી ગણાતા હોય છે. વળી, બધા કિસ્સાઓમાં એવું જોવા નથી મળતું. દાતાર તો દાન આપી દે પણ જે કામ માટે દાન અપાયું છે, એ કામ કરીને, પોતાની જાત ઘસી દેનારા પણ દાતાર કરતાં વધારે સન્માનને પાત્ર ગણાય છે. તેના માટે પ્રચલિત ચોવક એવી છે કે “ડાન ભલા ક માન ભલા”. માન-સ્વમાનનું પણ ભારોભાર મહત્ત્વ જાળવે છે, ચોવક. એ વાત ખરી છે કે, દાનવીર હોય એ છાબડે ઢાંકયા ન રહે. અહીં ‘દાન’ના બદલે કચ્છીઓ બોલાતા ‘ડાન’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દાનવીર છાના ન રહી શકે તે દર્શાવતી પણ એક ચોવક છે: “ડાતાર નેં જૂંજાર ઢકયા ન રેં”. ‘ડાતાર’ એટલે દાતાર અને ‘જૂંજાર’નો અર્થ થાય છે: શૂરવીર.

આ ચોવક જેટલી દાનવીરોને લાગુ પડે છે, તેટલી જ શૂરવીરો અને ગુણિયલ લોકોને પણ લાગુ પડે છે. ગુણિયલ વ્યક્તિ પણ સમાજમાં અલગ તરી આવતી હોય છે. પણ જે દાતાર હોય એ ગુણિયલ હોય એવું જરૂરી નથી હોતું! બહુ ઓછી વ્યક્તિઓ બન્ને ગુણ ધરાવતી જોવા મળે છે. સંસ્ક્ૃતમાં કહેવાયું છે કે: સર્વે ગુણા: કાંચનમાંશ્રયન્તિ! જેની પાસે ધન છે, એ તો જાણે કે બધા જ ગુણોના અધિકારી ગણાય છે! પરંતુ ચોવક એમ કહે છે કે: “ડાતાર ડે તડેં ડઈ ન પૂછે” આ ચોવકમાં ‘ડઈ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના ઘણા અર્થ થાય છે, પણ ચોવકમાં તેના અર્થ નાત-જાત કે અપાતાં દાનનાં કારણોમાં ઊંડા ન ઉતરવા જેવા થાય છે.

આ પણ વાંચો: કચ્છી ચોવક : શક્તિનું માપ પણ એ બતાવે છે

દાતાર તો ‘માનવ કલ્યાણ’ માટે કે ‘પશુઓની સેવા’ માટે દાન આપતા હોવાનો સંતોષ માની લે છે. દાની બનો તો ઈશ્ર્વર જેવા બનો!

ચોવક એવી સલાહ આપે છે કે, દાન આપનારે ફળની અપેક્ષા ન રાખવી જોઈએ. એવી અપેક્ષાથી દાન આપનારાઓને ફળ પણ એવાં જ મળે. ચોવક બહુ સ્પષ્ટ કહે છે: “ડાનત તેડી ભરકત”. જેવી ભાવના કે અપેક્ષા સાથે દાન કર્યું હોય તેને તેજ પ્રમાણે ફળ મળે! ચોવકમાં ‘ડાનત’ શબ્દ છે જેનો અર્થ થાય છે: દાનત! ‘તેડી’ એટલે તેવી.

આપણે જોવા હોઈએ છીએ કે, ઘણા લોકો પહોંચ કે ગજાથી બહાર, દેખાદેખીથી ખર્ચ કરીને જીવતા હોય છે. તેમના જેવા લોકો માટે એક ચોવક પ્રચલિત છે: “ડિસે ડીં જો ન નેં રાત જો રાસૂડા રમે” મતલબ કે જે દિવસે જોઈ પણ નથી શકતા એ વળી રાતના રાસૂડા રમે છે! આપણે હમણાં દાન અને દાનવીરોની વાત માંડી હતી, તો ‘દાન’ શબ્દને વણી લઈને બીજી પણ ઘણી ચોવકો બની છે કહેવાય છે કે, “ડિનાં ડાન પાછા ન વરેં”. અર્થ થાય છે કે આપેલું દાન પાછું ન લેવાય. ‘ડિનો’ એટલે આપેલું.

આ પણ વાંચો: કચ્છી ચોવક : કહેવત મારે છે ચાબખા

વળી, દાનનું એક અલગથી મહત્ત્વ હોય છે. એવું કહેવા માટે પણ એક ચોવક છે: “ડિનૂં કડેં કિનૂ ન થીયે”. ‘ડિનૂં’ એટલે આપેલું અને ‘કિનૂ ન થીયે’નો અર્થ થાય છે એળે નથી જતું.

આપેલું દાન ક્યારેય એળે નથી જતું. કચ્છીમાં એમ પણ કહેવાય છે કે: “ડીજે ન ત ડુખાઈ જે પ ન”. અહીં ‘ડીજે ન’ એટલે આપી ન શકો તો… ‘ડુખાઈ જે પ ન’નો અર્થ થાય છે: ઈર્ષ્યા ન કરો અથવા કોઈનું દિલ ન દુભાવો! અર્થ સ્પષ્ટ છે કે, જો તમે કોઈને કાંઈ આપી ન શકો તો, કોઈનું દિલ પણ ન દુભાવો.

દાન તો દિવસમાં અજવાળાં જેવું હોય છે. તેથી જ એમ કહેવાય છે કે, “ડીં કરે સે કોય ન કરે” આમ તો આ ચોવક દિવસનાં અજવાળાંનું મહત્ત્વ બતાવે છે, પણ ગુઢાર્થ થોડો જૂદો જ છે. દિવસે જે કામ થાય તે રાત્રે ન થાય. દિવસે કરેલું કામ સફળતા અપાવે છે, પછી એ દાન પણ શા માટે ન હોય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button