કચ્છી ચોવક : શણગારો તો બાવળ પણ શોભે!
કિશોર વ્યાસ
‘સોન જિત ઘડાજે, ઉતે અગે’ આ ચોવકમાં ઉપયોગમાં લેવામાં આવેલા
શબ્દોના અર્થ મુજબ સંકલિત અર્થ એવો થાય છે કે, ‘સોનું જ્યાં ઘડાય ત્યાં
તેનું મહત્ત્વ રહે! પ્રથમ શબ્દ ‘સોન’ એટલે સોનું, ‘જિત’નોઅર્થ થાય છે.
જ્યાં અને ‘ઘડાજે’ એટલે ઘડાય. ‘ઉતે’નો અર્થ થાય છે ત્યાં અને ‘અગે’નો
મૂળ અર્થ તો ‘આગળ’ એવો થાય છે, પરંતુ અહીં ‘અગે’નો પ્રયોગ છે, જે
મહત્ત્વ કે માન-સન્માનના અર્થમાં લઈ શકાય! ચોવકનો ભાવાર્થ તો વળી જુદો
જ છે! “સોન જિત ઘડાજે” એટલે આપણા શરીરનું પિંડ જ્યાં બંધાય,
જ્યાં આપણો જન્મ થાય એ ધરતી પર આપણા જીવનને પોષણ મળે,
માન મળે, સન્માન મળે! અગ્રેસર તરીકે ગણના થાય! છેને? શબ્દાર્થની
અજાયબી?
સોનાની જ વાત શરૂ કરી છે તો, તેના પ્રયોગ વાળો બીજી એક ચોવક
પણ માણીએ! ચોવક છે: “સોનજી થારી મેં લો જી લી” પહેલો શબ્દ
સમૂહ ‘સોનજી થારી મેં’નો અર્થ થાય છે. સોનાની થાળીમાં. ‘લો’ એટલે
લોખડ અને ‘લી’નો અર્થ થાય છે ‘રેખા’ કે લીટી કે મેખ’ હવે યાદ કરો
એક ગુજરાતી કહેવત! ‘સોનાની થાળીમાં લોઢાંની મેખ’! એક વસ્તુ આખી
ખૂબ જ સુંદર હોય પણ તેમાં કંઈક એવું હોય છે જે તેની સુંદરતામાં ડાઘ
સમાન હોય! ભલે આપણે ‘સોનાની થાળી’નું ઉદાહરણ જોઈએ છીએં’,
પદા ભાવાર્થનું ઊંડાણ સમજવાની જરૂર છે. ચોવક, માણસનાં વ્યક્તિત્વના
ઓપની, તેની પ્રતિષ્ઠાની કે સમાજમાંના સન્માનનીય સ્થાનની વાત કરીને કહે છે કે, આ બધા ગુણોને લુણો લગાડે તેના અવગુણોની! જેના કારણે વ્યક્તિત્વ ઝંખવાનું હોય છે.
એક સુંદર મજાની ચોવક છે: ‘સુડબ સૂંણાં નેં પાલર ભિનાં” અહીં પણ બે શબ્દના સમૂહનો એક અર્થ ‘સુડબ સૂંણાં’ એટલે ચઢેલાં ડાચાં વાળો – વાળી! એજ રીતે “પાલર ભિનાં” એટલે વરસાદનાં તાજાં પાણીમાંપલળેલો કે લી! આટલી કવાયત પછી પણ અર્થ તો એટલો જ નીકળે છે કે, કોઈનો દેખાવ બરાબર ન હોવો!
ઘણાને સામે ચાલીને આફત વહોરી લેવાની આદત હોય છે. એવા લોકો માટે કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે: “સુતલ કે છીર ડીંણું” ‘સુતલ’ શબ્દનો અર્થ છે, સુતેલા અને ‘છીર’ એટલે છીર. ‘ડીંણું’ એટલે આપવું કે દેવું. વળી એક ગુજરાતીમાં પ્રયોજાતી કહેવત આ ચોવકનો મૂળ અર્થ સમજવા જોઈએ: ‘સૂતા સૂર જગાવવાં’ કે ‘સિંહની બોડમાં હાથ’ નાખવો!
“સિભાજે ઈતરો વીતરીજે” ‘સિભાજે’ એટલે સહન થાય તેટલું પણ અહીં ‘પહોંચી વળવા’ના અર્થમાં તેનો ઉપયોગ થયો છે. ‘ઈતરો’ એટલે ‘એટલું જ’ ‘વીતરીજે’નો અર્થ થાય છે વેતરવું! કોઈપણ આયોજન આપણે પહોંચી વળીએં કે પછી આપણી ક્ષમતા પ્રમાણે જ કરવું જોઈએ.
ઘણા લોકો, એટલે કે પુરુષો કે સ્ત્રીઓ જરા પણ શોભતાં ન હોય. પણ પાર્લર કે બ્યુટી પાર્લરમાંથી નીકળે અને પછી જરા ચિવટથી શણગાર કરે તો કાંઈક
અંશે શોભે! આવા અર્થમાં એક ચોવક છે, જેમાં હકીકત પણ છે અને કોઈની મજાક-મશ્કરી કરવાની કળા પણ છે. ચોવક છે: “સણગાયો બાવર પ શોભે” અર્થ થાય છે બાળવને શણગારીએં તો એ પણ શોભી ઊઠે! ‘સિણગાર્યો’ અટલે શણગારેલો. ‘બાવર’ એટલે બાવળ. ‘પ’નો અર્થ પણ અને શોભે એટલે… શોભે જ તો વળી!