ઈન્ટરવલ

જાણી લો એવી ટ્રીક કે પાડા ભલે લડે, પણ ખુરશીનો તો ખો ન નીકળે…!

આ કરામત સાવ સરળ છે : તમામ રાજકીય પક્ષોની ઑફિસમાંથી ખુરશી- ટેબલ- ટિપોઇ હટાવી દો પછી જૂવો મજા!

ફોકસ -ભરત વૈષ્ણવ

કહે છે કે ગાંધીનગરનું બિન- સત્તાવાર નામ ખુરશીનગર’ કે
ખુર્શીદાબાદ’ છે. અહીંના હર ઇમારતની હરેક ઇંચમાં ખુરશીની અનટોલ્ડ અનસંગ હીરો જેવી હીટ કહાની ધરબાયેલી છે.

મ્યુઝિકલ ચેરની રમત અહીંથી શરૂ થઇને વિશ્ર્વના ખૂણે ખૂણે કોરોનાની માફક પ્રસરી છે. ‘ખુરશી ખુરશી’ની ઋચાનું પઠન કરતા ખુરશીદાસ બહુમતીમાં વસે છે. ખુરશી નાની -મોટી હોઇ શકે. ખુરશી ઊંચી-નીચી હોઇ શકે. ખુરશી ચાર પાયે ઊભી હોઇ શકે. ખુરશી એક કે બે ટાંગે પણ ટકી જાય. ખુરશી જમીન પર હોઇ શકે. ખુરસી આસમાનમાં લટકતી પણ જોવાં મળે . ખુરશી પ્લાસ્ટિક કે વૂડન હોઇ શકે. કેટલીક તો ચુલબુલી હીરોઇન જેવી ઝીરો ફિગરની પણ  હશે.!કેટલીક કોમલાંગના તો કેટલીક ડબલાંગના હોવાની પૂરતી શક્યતા છે... 

આ જ એક એવી જણસ છે કે અહીં કોઇ ખુરશીને ઉદેશીને એમ ગાતું નથી કે મેરે આંગનેં મેં તુમ્હારા કયાં કામ હૈ?!’ ખુરશીની અવેજીમાં પણ ખુરશીની માંગ-ડિમાન્ડ રહે છે. ખુરશીના વિકલ્પરૂપે કોઇ બાજઠ કે સ્ટુલથી કામ ચલાવતા નથી. ખુરશી પર બિરાજનારો માજી (અહી માજી એટલે વૃધ્ધા નહીં. માજી એટલે ભૂતપૂર્વ કે બચુભઈ !)…

ખુરશી ચિર યોવના છે. સેઇમ ટુ સેઇમ યયાતિ! ખુરશી વયોવૃદ્ધ કે જૈફ થતી નથી. ખુરશીને મંદી બંદી કદી લાગતી નથી. ખુરશીની કિંમત દિન દુગુના રાત ચૌગુના જેવી અકલ્પનીય રીતે વધે છે. એનો ક્યારેય ભાગાકાર નહીં-હંમેશ ગુણાકાર જ થય છે ! ખુરશી ચાઇનીઝ પ્રોડ્કટ જેવી સસ્તી અને જલદી બટકી જાય એટલી જ ટકાઉ હોય છે. ચલે તો સાલો સાલ તક નહીં તો શામ તક!
તહેવારોમાં સાડીના સેલની જેમ એકની ખરીદી પર એક એકથી વધુ, ફલેટ પ૦%, પ૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ સેલ, મહાસેલ, મેગાસેલ, સ્ટોક ક્લિયરન્સ સેલ યોજાતા નથી. જોકે, ક્યારેક ક્યારેક રિસોર્ટમાં
પ્રી-યુઝડ ખુરશીઓ અકલ્પનીય કિંમત અને કાઇન્ડ શરતોએ ખરીદ કરવામાં આવે છે, જેનો બીજી ખુરશીના પાયા ઢીલા કરી તેને ધરાશાયી કરવા માટે થાય છે…

આપણા દેશમાં લોકશાહી નહીં, પણ ખુરશીશાહી છે. ખુરશી વડે, ખુરશી માટે અને ખુરશી થકી ચાલતી પ્રણાલિકા. ખુરશી આફત લાવે છે. ખુરશી અવસર લાવે છે. ખુરશી થુલીને કંસાર તો ક્યારેક કંસારની થુલી કરી નાંખે છે. જેમ ગોળ વિના ફિક્કો કંસાર હોય છે તેવું કહેવાય છે તેમ ખુરશી વિના? સમજી જાવને, બચુબાઈ… હવે! બધું અમારી પાસે કયાં બોલાવો છો?!

ખુરશી ફિલ્મોનો પણ હિસ્સો બની ગઇ છે. જેમ કે, કિસ્સા કુર્શી કા! વિમાનમાં સવારી કરો ત્યારે ખુરશી કી પેટી બાંધી રાખવાનું કહેવામાં આવે છે એવી જ સલાહ પહેલી વાર ખુરશી પર નેતાશ્રીને આપવામાં આવે છે,કારણ કે ખુરશી માટે ખુનામરકી આગુ સે ચલી આતી હૈ…છેક મોગલોના રાજથી. અહીં તાજ માટે -રાજ માટે લોહીથી પોતાના હાથ રંગવા કોઈ અચકાતા નથી.ખુરશી માટે રમખાણ થાય, કમઠાણ થાય, અથડામણ થાય, સંકડામણ થાય, અકળામણ થાય, પતાવટ થાય, બનાવટ થાય, રખાવટ થાય છે…!

કોઇ ગાયક ક્ધયાને ઉદેશીને નહીં, પણ ખુરશીને ઉદેશીને ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોના કા કા હાથા, એક તું હૈ ધનવાન ખુરશી બાકી સબ કંગાલ !’ જેવી ગઝલ ફટકારી શકે છે! જૂના જમાનામાં રાજાઓ પોતાની રાજકુંવરીને લગ્ન માટે મલ્ટિપલ ચોઇસ મળે તે માટે સ્વયંવર યોજતા હતા. (જો કે રાજકુમારો માટે સ્વયંવધૂ સમારોહ યોજવામા આવતા ન હતા..!) તમને ખબર છે એ જમાનાના નેતાઓ
કમાન્ડોના લાવલશ્કર- કોન્વોય સાથે દ્રૌપદીના સ્વયંવરમાં કેમ હાજર નહોતા રહેતા? કેમ કે, ત્રાજવાના પલડામાં ઊભા રહી પાણીમાં નીચે ફરતી માછલીના પ્રતિબિંબને જોઇ મત્સ્યવેધ કરવાનો હતો. ત્રાજવાના પલડાને બદલે રિવોલ્વિંગ ચેરમાં બેસી મત્સ્યવેધ કરવાનો હોત તો નેતાઓએ જરૂર પડાપડી કરતા હોત! આપણે ત્યાં નાની-મોટી માંગણી કે વિરોધ કરવા માટે બંધ- હડતાલનું એલાન આપવામાં આવે તેમાં માગણીના મુદા સાઇડમાં રહી જાય છે.જાહેર મિલકતનો ખુડદો નીકળી જાય છે. ઘણી વાર પક્ષમાં કાર્યકરો વચ્ચે છમકલું થાય તો એક -બે ઢીમ ઢળતાં નથી. નથી કોઈને ગંભીર ઈજા થતી. અલબત્ત, થોડીક ખુરશી પર ગૅંગરેપ થયો હોય એમ તેમ થોડી ખુરશી-ટેબલનો ખુરદો અચૂક નીકળી જાય…

તામિલનાડુના જલ્લીકટુ અને સ્પેનની બુલ ફાઇટમાં તમે કોઈ ખુરશી જોઇ છે? માટે તમામ પક્ષને તમારા આ રાજુ રદીની અપીલ છે તમામ પક્ષોની ઑફિસોમાંથી ખુરશી-ટેબલ- ટિપોઇ હટાવી દો… પાડા ભલે લડે, પણ ખુરશીનો તો ખો ન નીકળે….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?