દરેકને ક્યારેક ને ક્યારેક રંજાડતી એલર્જી- આમ્લપિત્ત વિશે જાણો
આહારથી આરોગ્ય સુધી- ડૉ. હર્ષા છાડવા
કુદરતે વ્યક્તિની શારીરિક રચના એક જ સરખી કરી છે, જેમ કે હૃદય, આંતરડાં, ફેફસાં, મગજ વગેરે, પરંતુ વ્યક્તિ અને વ્યક્તિની પ્રત્યેકની પ્રકૃતિ-તાસિર જુદી જુદી હોય છે. એક જ ઘરના દરેક સભ્યોની તાસિર અને રોગપ્રતિકારક શક્તિ જુદી જુદી હોય છે. કોઇ વધુ કોઇની ઓછી પ્રતિકારક શક્તિ હોય છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ એલર્જીનું કારણ બને છે.
શરીરમાં કોઇ પણ જીવાણું શરીરમાં દાખલ થાય ત્યારે તેનાથી બચવા માટે શરીરમાં રક્ષણાત્મક હરોળ રચાય છે જે લોહીની અંદર રોગના જંતુને મારી હટાવે છે કે પ્રતિકારક કરે છે. જો તે સક્ષમ ન હોય ત્યારે રોગ સંભવે છે. દરેક વ્યક્તિને એલર્જી જુદી જુદી હોય છે. હિસ્ટેમાઇન નામનું ઝેરી દ્રવ્ય વછૂટે છે જે પોતાની અસરો શરીર ઉપર બતાવે છે. દવાઓ, ખરાબ ખાનપાન, પ્રદૂષિત વાતાવરણ, કેમિકલોથી સંપર્ક વગેરેથી એલર્જી સંભવે છે. પણ મૂળ કારણ તો પ્રતિકારક શક્તિ નબળી હોવી તે છે.
જો પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો કોઇપણ પદાર્થો કે દ્રવ્યોની ખરાબ અસર શરીર પર જણાતી નથી. શરીરની બફર સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કુદરતી ખાન-પાન જે રસાયણથી મુક્ત હોવો જોઇએ જે ખોરાક શરીરમાં સફળ રીતે પચતો નથી કે મેટાબોલીઝમ થતો નથી ત્યારે એલર્જી થઇ તેમ કહેવાય છે. એલર્જીના કારણ શોધી તે પ્રમાણેનો ખોરાક કે કુદરતી ઔષધિનો ઉપયોગ કરવો જોઇએ જેથી કાયમી ધોરણે એલર્જી નીકળી જાય. એલર્જીનું કારણ એલર્જી થનાર વ્યક્તિએ જ શોધવું જોઇએ. એલર્જીનો ટેસ્ટ પણ ઘણીવાર સાચી માહિતી આપતો નથી.
દરેક વ્યક્તિ સરળતાથી જાણી શકે છે કે એને પોતાને કયો પદાર્થ માફક નથી આવતો. કોઇપણ રોગની સરળ સાદી અને ઉપયોગી સારવાર એ જ છે કે રોગ થવાનાં કારણો વિશે જાણી તે વસ્તુ કે પદાર્થનો ત્યાગ કરવો. એન્ટિ બાયોટિક્સ કે એન્ટિ એલર્જીની દવાઓની સાઇડ ઇફેકટ ઘણીય હોય છે. ફૂડ એલર્જી મોસમી એલર્જી, ત્વચાની એલર્જી, પશુ-પક્ષીઓની એલર્જી લક્ષણો કે અનુભવથી જાણી શકાય છે. આ એલર્જી દૂર કરવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારતા આહારનું સેવન કરવું તે પણ કુદરતી રીતે બનેલા હોવા જોઇએ.
ચંદન બથુવા ભાજી બધા જ પ્રકારની એલર્જી અને ઝેરી તત્ત્વો શરીરમાંથી બહાર કાઢે છે. આના મલ્ટીપલ હેલ્થ બેનિફિટ છે. કબજિયાતને કારણે એલર્જી થતી હોય ત્યારે આ ભાજીનો ઉપયોગ કરવો લોહીને શુદ્ધ કરે છે. ખરતા વાળને રોકે છે. નવા વાળ ઉગાડે છે. મોઢામાંથી વાસ આવતી હોય કે દાંતમાંથી લોહી પડતું તે સાજો કરે છે. સેલનું નવસર્જન કરે છે. બવાસીર, લ્યૂકોરિયાને દૂર કરે છે.
મૂળાપાન ચામડીની એલર્જીને દૂર કરે છે. ખંજવાળ આવતા તેમાંથી ઘણીવાર પાણી નીકળે છે. તેને સાજો કરે છે. ખાટા ઓડકાર, સંડાસમાં લોહી પડવું, પિતાશયની પથરીને પણ દૂર કરે છે. “જે ખાય મૂળા તે થાય શૂરા. આપણા દેશમાં સફેદ મૂળા, કાળા મૂળા, પીળા મૂળા, લાલમૂળા મળી રહે છે. મૂળા પાનનો રસ એક કપ જેટલો સવારના લેવો જોઇએ. પાનનું શાક લઇ શકાય. મૂળા સલાડમાં અવશ્ય લેવા જોઇએ.
આમળા જીવન શક્તિ વધારે છે. બધા પ્રકારની એલર્જી દૂર કરે છે. વાળમાં થતી એલર્જીને જલદી દૂર કરે છે. વિટામિન-સી ભરપૂર છે. શરીરનું નવસર્જન કરે છે. રોજ એક કપ આમળાનો રસ લેવો જોઇએ. આપણા દેશમાં આમળાનો પર્વ મનાવાય છે, શ્રેષ્ઠતમ ગુણો ધરાવે છે.
બ્રાહ્મી પાન એલર્જી માટે દિવ્ય ઔષધિ છે. આ પાનનો રસ લેવો જોઇએ. બ્રાહ્મી પ્રાશ પણ બનાવી શકાય. આંખો, કાનની એલર્જી પર કામ કરે છે. આને ઘરમાં કૂંડામાં ઉગાડી શકાય છે. બહુ જલદી ઊગી જાય છે. બાળકોની યાદશક્તિ વધારવા કે રોગપ્રતિકારક શક્તિ વધારવા આનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. બ્રાહ્મીનું તેલ પણ બનાવી શકાય છે. શરદી એલર્જીને કારણે થતી હોય તો આના પાન વાટી કપાળ પર લગાવી શકાય.
કેસર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ બહુ જ કારગર છે. આનો ઉકાળો બનાવી લેવો જોઇએ. પિત્તને કારણે શરીર દુ:ખતું હોય કે નબળાઇ લાગતી હોય, શરીર થાકી ગયું હોય આનો ઉકાળો એલચી, ગોળ નાખી પીવો જોઇએ.
કમલફૂલનો ઉકાળો શાક કે હલવો બનાવી લઇ શકાય. શરીરને જલદી સુદ્રઢ બનાવાની ક્ષમતા ધરાવે છે. કમલફૂલના મૂળ (સફેદરંગના પાંચ કાણાવાળા) સૂપ શાક કે વડાં બનાવી લઇ શકાય છે. પ્રતિકારકશકિતને જોરદાર બનાવે છે. શરીરને સુંદરતા આપે છે.
ખારેક રસ દરેક પ્રકારની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ત્રણથી ચાર ખારેક ચારથી પાંચ કલાક પલાળી રાખવી તેનો રસ બનાવી પીવો જોઇએ. આમ્લપિત્તને કારણ થતી એલર્જી દૂર કરે છે. શરીર મજબૂત બનાવે છે. હાઇટ વધારવા માટે જોરદાર કામ કરે છે. માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. થાકને ત્વરિત દૂર કરે છે. હાડકાને મજબૂત બનાવે છે. નસોની ખેંચાણ કે નસોનો દુ:ખાવો દૂર કરે છે.
પુનર્નવા, સારીવા, લીંડી પીપર, હળદર, અડૂરસી,અશ્ર્વગંધા, ગુગળ, રીંગણા, પાઇનેપલ કેળાદાંડા જેવી ખાદ્ય વસ્તુઓ કે ઔષધિ એલર્જી માટે કામ કરે છે. કયા પ્રકારની એલર્જી છે તે જાણી ઉપચાર કરવો.
Also Read –