ઈન્ટરવલ

પ્રાસંગિક: કેનેડાના લોકોએ ટ્રમ્પને મારી જબરી લપડાક…

-અમૂલ દવે

કેનેડામાં થોડા મહિના પહેલાં કોઈએ માન્યું નહોતું કે ત્યાંની લિબરલ પાર્ટીનો વિજય થશે… અગાઉના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કેનેડાના વડા પ્રધાન હતા ત્યારે એમના આ પક્ષનો પરાજય લગભગ નિશ્ર્ચિત લાગતો હતો, પરંતુ બે પરિબળે આખો માહોલ અને મુકાબલો જ પલટાવી નાખ્યો.

પ્રથમ તો લોકોમાં અપ્રિય ટ્રુડોના સ્થાને ચૂંટણી પૂર્વે ભૂતપૂર્વ બેન્કર માર્ક કાર્ને નવા વડા પ્રધાન બન્યા હતા. આને લીધે ટ્રુડોના નબળા દેખાવ અને એની નકારાત્મક અસર ઓછી થઈ ગઈ.

બીજું મોટું કારણ ટ્રમ્પ ખુદ છે. કાર્નેના વિજયને અનપેક્ષિત ઉપલબ્ધિ ગણાવી શકાય. નવેમ્બરના ઓપિનિયન પોલમાં લિબરલ પાર્ટી25 પોઈન્ટ પાછળ હતી. ટ્રુડોની વિદાય અને ટ્રમ્પની ધમકીઓને લીધે રાજકારણી નહીં, પરંતુ અર્થશાસ્ત્રી તરીકે જાણીતા માર્ક કાર્ને પહેલી વાર ચૂંટણી લડ્યા અને એમાં વિજય મેળવ્યો. લિબરલ પાર્ટીએ 343 બેઠકના નીચલા ગૃહમાં 169 બેઠક જીતી છે. આ પક્ષ બહુમતીથી ફક્ત ત્રણ બેઠક દૂર છે. લિબરલ પાર્ટી કોઈ બીજા પક્ષ સાથે ગઠબંધન કરીને આસાનીથી સત્તા પર આવશે.. માર્કનો પક્ષ ‘ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)’ નો ટેકો લઈને સરકાર બનાવે એવી અટકળો છે. મુખ્ય વિરોધ પક્ષ કોન્સરવેટિવ પાર્ટીએ 144 બેઠક જીતી, પરંતુ તેને ઘણું નુકસાન થયું છે. તેના નેતા પિયર પોલિવર પોતે પણ હારી ગયા. આવા જ હાલ જગમીતસિંહના થયા છે. ખાલિસ્તાની તરફી જગમીતસિંહ પોતે ચૂંટણી હારી ગયા. આ પક્ષ ફક્ત સાત બેઠક જીતી શક્યો છે અને તેણે રાષ્ટ્રીય પક્ષનો મોભો ગુમાવી દીધો છે. લિબરલ પાર્ટી સતત ચોથી વાર સત્તામાં આવી છે. લિબરલ પાર્ટીએ 43.7 ટકા મત મેળવ્યા છે. 1980 પછી આ પક્ષે પહેલી વાર આટલો મોટો જનાદેશ મેળવ્યો છે.

આ પણ વાંચો: પ્રાસંગિક: ‘હમારે અમન મેં આગ લગા દી! ’

જોકે, આ ચૂંટણીને ટ્રમ્પે સૌથી વધારે પ્રભાવિત કરી છે. ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લગાવીને ત્યાંના લોકોને નારાજ કર્યા હતા. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની જાહેરાત કરી હતી. આને લીધે કેનેડિયનો અતિશય ધુંવાપુંવા થયા હતા. કેનેડામાં અમેરિકાના માલનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી હતી. લોકોએ અમેરિકાના પ્રવાસે જવાનું કેન્સલ કર્યું હતું. કેનેડાના લોકોનો આવા આક્રોશનો લિબરલ પાર્ટીએ બરાબર ફાયદો ઉઠાવ્યો. મતદારોએ રાષ્ટ્રવાદને મુખ્ય મુદ્દો બનાવ્યો. આની સરખામણીમાં રૂઢિચુસ્ત પક્ષે વસાહતી, ઓછા વેરા વગેરેને મુદ્દા બનાવ્યા. લોકોને તેનો અભિગમ ટ્રમ્પ જેવો લાગતા તેને જાકારો આપ્યો..

માર્ક કાર્ને ‘બેન્ક ઓફ ઈંગ્લેન્ડ’ અને ‘બેન્ક ઓફ કેનેડા’ના ભૂતપૂર્વ ગવર્નર હતા. આ વર્ષની શરૂઆતમાં ટ્રુડોના સ્થાને એ લિબરલ પાર્ટીના વડા બન્યા હતા. કાર્નેએ એમની ચૂંટણી ઝુંબેશમાં પ્રમુખ ટ્રમ્પ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માર્કે જીત મેળવ્યા બાદ કહ્યું કે હું મહિનાઓથી ચેતવણી આપું છું કે અમેરિકાને આપણી જમીન, સંસાધનો અને પાણી જોઈએ છે. પ્રમુખ ટ્રમ્પ કેનેડાના વિભાજનનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેના પર માલિકી ધરાવી શકે. આ કદી નહીં બને. એમણે કેનેડાના લોકોને પૂછયું કે : ‘તમે મારી સાથે કેનેડાના પડખે ઊભા રહેવા તૈયાર છો? ’ એમના આ સવાલે કેનેડાના લોકોને એમના પક્ષે કરી દીધા હતા. આ સવાલને લીધે ત્રણ મહિના પહેલાં હારી રહેલી લિબરલ પાર્ટી બાજી મારી ગઈ. ટ્રમ્પની વિદેશી નીતિને લીધે કેનેડાના લોકોએ એની વિરુદ્ધ મન બનાવી લિબરલ પાર્ટીને મત આપ્યો. કેનેડાની પ્રજાના- સરકારના આઘાત અને ગુસ્સા છતાં ટ્રમ્પે મતદાનના દિવસે પણ કેનેડાના લોકોને ચીડાવ્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું કે ‘કેનેડાના મહાન લોકોને શુભેચ્છા. તમે એવા માણસને ચૂંટો જે તમારા વેરાને અડધા કરવાની તાકાત અને ડહાપણ ધરાવે છે. તમારા કાર, સ્ટીલ, એલ્યુમિનિયમ, ઊર્જા અને બિઝનેસ ચાર ગણા થઈ જશે. ઝીરો ટેરિફ સાથે કેનેડા 51મું રાજ્ય બની શકે છે માટે અનેક વર્ષોથી કૃત્રિમ રીતે દોરાયેલી રેખા ભૂંસી નાખો’.

ટ્રમ્પના આવા અહંમી વર્તનને કારણે કેનેડાના મતદાર વધુ ગિન્નાયા.

બીજી તરફ કાર્ને કહે કે ‘હું જાણું છું કે હું વિશ્વની મોટી કંપની ચલાવનાર લોકોને જાણું છું. મને ખબર છે કે નાણાકીય સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે. મને ખબર છે કે બજારો કઈ રીતે કામ કરે છે. હું મારું એ જ્ઞાન કેનેડાના લાભમાં વાપરવા માગું છું’.

કાર્નેએ જીત મેળવ્યા બાદ પ્રતિજ્ઞા કરી છે કે હું કેનેડાનું નવઘડતર કરીશ. હું કેનેડાનું અમેરિકા પરનું અવલંબન ઓછું કરીશ.

કાર્ને ચૂંટણી પહેલાં વડા પ્રધાન બન્યા હતા ત્યારે એમણે સૌથી પહેલાં યુરોપની મુલાકાત લીધી હતી. કેનેડાના લોકોમાં એવી લાગણી પ્રબળ બની હતી કે કાર્ને એક જાણીતા અર્થશાસ્ત્રી છે અને ટ્રમ્પ ટેરિફ ધમકીને પહોંચી વળવા ફક્ત એ જ સમર્થ છે.

આ બધા વચ્ચે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી 2023થી ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સપ્ટેમ્બર 2023માં તત્કાલીન વડા પ્રધાન ટ્રુડોએ એવો આક્ષેપ કર્યો હતો કે કેનેડાના નાગરિક અને ખાલિસ્તાની ટેકેદાર હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સંડોવાયું છે. આ આક્ષેપથી વાવાઝોડું આવ્યું હતું. ત્યાર બાદ ભારત અને કેનેડાએ એકબીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી હતી. દ્વિપક્ષીય સંબંધો તળિયે બેસી ગયા. વેપારની વાતચીત સ્થગિત કરવામાં આવી હતી. રાજકીય સંબંધોમાં ઓટ આવી હતી, પરંતુ આર્થિક સંબંધો એટલા વકર્યા નહોતા. કેનેડાના પેન્શનફંડ અને બીજા સંસ્થાકીય રોકાણકારોએ ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. હવે આ હોલ્ડિંગ 100 અબજ ડૉલરનું થયું છે.

આ પણ વાંચો: પ્રાસંગિક : ધારી લો કે અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ થાય તો…

કાર્નેએ અર્થશાસ્ત્રી તરીકે ભારતમાં રોકાણ કરવાની હિમાયત કરી હતી. હવે કાર્ની પાસે ભારત સાથે સંબંધ સુધારવાનો જનાદેશ છે. ભારત માટે આનંદની વાત એ છે કે ભારત સામે ઝેર ઓકનાર જગમીત સિંહના પક્ષે રાષ્ટ્રીય પક્ષના ેમોભો ગુમાવ્યો છે. જગમીતે 2021 અને 2024માં ટ્રુડોને ટેકો આપ્યો હતો. જગમીતના બ્લેકમેલિંગને લીધે જ ટ્રુડોએ ભારત સામે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. જગમીતની પાર્ટી કેનેડાના નીચલા ગૃહમાં હંમેશાં ત્રીજા કે ચોથા મોટા પક્ષ તરીકે અગાઉ ઉભરતી હતી. હવે આ પક્ષે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો મોભો ગુમાવી દીધો છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને અભિનંદન આપ્યા પછી ભારત તેના સત્તાવાર નિવેદનમાં કહે છે કે કેનેડામાંના આતંકવાદી અને અલગતાવાદી તત્ત્વોને લીધે ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી હતી. નવી દિલ્હી હવે એવી આશા રાખે છે કે પારસ્પરિક વિશ્વાસ અને સંવેદનશીલતાના આધારે બન્ને દેશના સંબંધો સુધારે.

કાર્ને પણ અમેરિકાના વિકલ્પો શોધી રહ્યા છે. કેનેડાએ પેટ્રોલ અમેરિકાને બદલે ચીનને આપવાનું નક્કી કર્યું છે.. કેનેડા યુરોપના દેશો સાથે મજબૂત સંબંધો બનાવ્યા છે. કાર્નેએ પણ ભારત સાથે સંબંધો સુદૃઢ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button