કાઠિયાવાડી કાઠી દરબારોએ મોતી ભરતકામને સાચવી રાખ્યું છે..!
તસવીરની આરપાર- ભાટી એન.
કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)માં અને કચ્છમાં મોતી ભરતકામ એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે..! તેમાંય ખાસ કાઠી દરબાર કાઠિયાવાડની પ્રાચીન સંસ્કૃતિને સાચવવામાં વધુ રૂચિ રાખે છે. આજે પણ કાઠી દરબારોના ઘરમાં પટારા, ઢોલિયા, તોરણ, દીવાલ પાટી, ચાકડા, કાંસાનાં વાસણોની વિવિધતા નિહાળવા મળે, આમ’તો અઢારે વરણની બહેનો મોતી ભરતકામ કરે છે. આજે આપણે મોતી ભરતકામ વિશે આલેખન સહતસવીર કરું છું…! ગુર્જર વસુંધરાનો કાઠિયાવાડ, કચ્છમાં હજુ મોતી ભરતકામ કરેલ ચાકડા, તોરણ, બળદ, ઘોડાને શણગાર માટે મોતીથી ભરેલ ભીન્ન ભીન્ન શણગાર વસ્તુ જોવા મળે છે.
હું કચ્છના રાજગોર બ્રાહ્મણની જાનમાં ગયેલ તેમાં વરરાજાની તલવારની સજાવટ સાચા મોતીથી સપ્તરંગી ભરતકામથી વરરાજા કરતાં તલવાર રૂડી લાગતી હતી મને તલવારની કલાત્મક ડિઝાઈનમાં રસ પડ્યો એટલે મેં વરરાજાને ખભે તલવાર રખાવીને મુખ્ય તલવાર દેખાયને ટબુડી મોતી ભરેલ દેખાય એવી તદ્દન ભીન્ન તસવીર પાડીને લગ્ન (વેડિંગ) વિષયક તસવીર સ્પર્ધામાં આ તસવીરને પ્રથમ પ્રાઈઝ મળેલ અત્યારે તો લગ્નની ઝાકમઝોળ જેવી તસવીરો લગ્નમાં ફોટોગ્રાફર લેતા હોય છે. પણ કંઈ નાવિન્યતાસભર તસવીર લેવી જોઈએ. એટલે મોતી ભરતકામ પણ કારગત થયું હતું.
મોતી ભરતકામની ખેવના મુખ્યત્વે કાઠી સમાજ કરે છે. તેમાં સાવરકુંડલાવાળા પ્રતાપભાઈ ખુમાણ, મયુરભાઈ ખાચર, રામકુભાઈ ખાચર, ઉદયભાઈ ભગત જેવા અસંખ્ય બંધુએ ખેવના કરી છે. કાઠીઓની કલાપ્રિયતા અને સર્જનાત્મક દૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ તેમની વૈવિધ્યતાસભર ગૃહ સજાવટનું શ્રેય કુળવંત કાઠી ક્ષત્રિયાણીઓને કાળે જાય છે. કાઠીઓના મકાનનું બાંધકામ જ વિશિષ્ટ રીતે હોય જેમાં સુવિધાની સજાવટનો સુગમ સમન્વય થાય. ગ્રહ સજાવટને લીધે પછીત, ભડુ અને કરાના ભાગોએ મોતીના ચાકળા, વિંઝણા, પછીત પાટી, બગસીયું, તોરણ, કાંધી પટ્ટી, સુંથિયા, મોતીની ટબુડી, સામૈયું જેમાં લોકોને માથે શ્રીફળ મોતીથી ભરેલ હોય ને તલવાર પણ મોતી ભરતકામથી ભરેલી જોવા મળે છે. ખાસ તો તરણેતરનો જગ વિખ્યાત મેળાનું પ્રતીક ભરત ભરેલ છત્રી છે. જેમાં પણ મોતીકામ કરે છે. ને આભલા ભરેલ રૂમાલ લટકતા હોયને છત્રી માથે મોરલો હોય આવી ભરત ભરેલ છત્રીઓ તરણેતરના મેળામાં નિહાળવા મળે છે. એટલે જ આ મેળાનું પ્રતીક કલરફુલ છત્રી છે.
આજે પણ કાઠી સમાજ પોતાના ભરતકામ માટે જગવિખ્યાત છે. મોતી ભરતકામ ઉપરાંત કાઠી ક્ષત્રિયાણીઓ દ્વારા અનેક પ્રકારનું ભરતકામ કરવામાં આવે છે. જેમાં કાપડ પર સિકલ બુટ્ટીનું ભરત, કરોળિયાનું ભરત, બાવળિયાનું ભરત, ટક-ટકયાનું ભરત, નેટીયું ભરત, કાશ્મીરી ભરત, તદ્દઉપરાંત સાદા ભરતકામ કરે છે. ભરતકામની શૈલી મુજબનું કાપડ અને સાથે હીર, સુતર, ઉન, રેશમી સુતરના દોરાનો ઉપયોગ થાય છે. મોતી ભરતકામમાં રંગબેરંગી મોતીના પોપટ, મોર, સૂરજ, ફુલવેલ, સાથિયો, ઊંટ, ફૂલ પાંદડી જેવી અસંખ્ય ડિઝાઈન પોતાની કોઠાસૂઝથી બનાવે જે નિહાળતા મન મોહક લાગે લગ્ન પ્રસંગે કે વાર-તહેવારે ગ્રામ્ય વિસ્તારનાં ઘરોમાં આ સુંદરતાનો ઓપ અદ્ભુત આપે છે. આજે તો મોતી ભરતકામ લુપ્ત થતું જાય છે. તેમ છતાં કાઠી દરબારને અમુક લોકો હજુ મોતી ભરતકામના ચાકળાને તોરણને બીજી આવી ભરત ભરેલ વસ્તુઓ નિહાળવા કોઈ કાઠી દરબારને મળજો.