ઈન્ટરવલ

કંચન ઝળહળશે કે ઝાંખું પડશે!

અર્થતંત્રના અત્યંત તરલ થઇ ગયેલા આંતરિક પ્રવાહો વચ્ચે સોનાના ભાવ અંગે નિષ્ણાતોના વિરોધાભાસી આગાહી આવી રહી છે, ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે સોનું વર્ષને અંતે તેજીનો ટોન બતાવશે કે પછી નીચી સપાટીએ ગબડશે!

કવર સ્ટોરી – નિલેશ વાઘેલા

શેરબજારના નિષ્ણાતો એવી આશા સેવી રહ્યાં છે કે વર્ષનો અંત તેજીમય રહેશે, પણ બુલિયન બજારના વિશ્ર્લેષકો હજુ સોનાની દિશા અંગે નિશ્ર્ચિત નિષ્કર્ષ પર પહોંચ્યાં નથી.

સોનું હંમેશાંથી એક અત્યંત આકર્ષક અને ભરોસાદાયક એસેટ ક્લાસ રહ્યું છે, પરંતુ આ વર્ષે વૈશ્ર્વિક સ્તરે એવાં પરિબળો ઊભાં થયાં છે કે, જેને કારણે નિષ્ણાતો સોનાના ભાવની દિશા અંગે એકમત સાધી શક્યા નથી. આમ છતાં સોનું કઇ દિશામાં આગળ વધી શકે છે તે જાણવા આપણે કેટલીક બાબતોને ચકાસવાનો અને નિષ્ણાતોનાં મંતવ્યોનો તાગ મેળવીએ.
સોનાના ભાવ સતત પાંચમા સપ્તાહમાં ૨,૦૦૦ ડૉલર પ્રતિ ઔંશથી ઉપર સ્થિર થયાં છે. કોમેક્સ ફેબ્રુઆરી ફ્યુચર્સનો ભાવ સપ્તાહના અંતે ૨.૪ ટકાના વધારા સાથે ૨૦૬૬.૯૦ ડૉલર બોલાયો હતો. મંગળવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચર્સમાં સોનાનો ભાવ ૨૦૬૨ ડૉલર પ્રતિ ઔંશ રહ્યો હતો.

પાછલા સપ્તાહને અંતે શુક્રવારે પીસીઇ ડેટા જાહેર થયા પછી ડૉલર ૧૦૧.૪ ના સ્તરના પાંચ મહિનાના નીચા સ્તરે ઝડપથી ગબડ્યો હતો. વર્ષના અંતિમ ટ્રેડિંગ સપ્તાહમાં સોનાના ભાવ પાછલા વર્ષના સમાન દિવસ સામે ૧૩ ટકા જેટલા ઊંચા રહ્યાં છે.

અમેરિકામાં નવા ઘરોના વેચાણના ડેટા જાહેર થયા પછી ૩.૮૧ ટકાની નીચી સપાટીથી સહેજ વધીને, અમેરિકાના દસ વર્ષના બોન્ડની ઊપજ શુક્રવારે ૩.૯૦ સુધી પહોંચી હતી. દસ વર્ષની ઊપજ લગભગ ૦.૭૫ ટકાના સાપ્તાહિક નુકસાન સાથે સ્થિર થઈ હતી. એ જ સાથે, સપ્તાહના અંતે યુએસ ડોલર ઇન્ડેક્સ ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૧૦૧.૭૧ સુધી ગબડ્યો હતો.
અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની ધારણા, મધ્ય પૂર્વ અને રાતા સમુદ્રમાં ભૌગોલિક રાજકીય જોખમ અને ચીનમાં આર્થિક પ્રવૃત્તિઓમાં દેખીતી રિકવરી જેવાં પરિબળો જોતાં કારણે સોનું સપ્તાહ માટે હકારાત્મક રહેવાની ધારણા છે.

એક ટેક્નિકલ એનાલિસ્ટે સ્પોટ ગોલ્ડ માટે સપોર્ટ ૨૦૨૦/૧૯૮૫ ડૉલરના સ્તરે ટેકાની સપાટી અને ૨૧૦૦થી ૨૧૨૫ ડૉલરના સ્તરે પ્રતિકાર સપાટી ભાખી છે.

જોકે, એક વર્ગ એવું પણ માને છે કે, સોનામાં હવે સાઇડ-વે માર્કેટ જોવા મળી શકે, કારણ કે ઐતિહાસિક રીતે ક્રિસમસ પછી અને નવા વર્ષ પહેલા સોનાના વેપારમાં ઓછું વોલ્યુમ રહે છે. પીળી ધાતુ પાછલા સપ્તાહમાં જોવા મળેલી ઔંસ દીઠ ૨,૦૦૦ ડૉલરથી ૨,૦૫૦ની રેન્જમાં અટવાઇ ગઈ હતી. જ્યારે ફેડરલ તરફથી ડોવિશ સંકેતોએ મેટલને ૨,૦૦૦ ડૉલર પ્રતિ ઔંસના સ્તરથી ઉપર પહોંચવામાં મદદ કરી હતી, ત્યારે રોકાણકારોની જોખમની ભૂખમાં સુધારો થતાં સોનાને વધુ આગળ વધવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

તાજેતરની એફઓએમસી મીટ પછી ફેડરલ રિઝર્વના ઘણા સભ્યોએ પણ કઈંક એવા મિશ્ર સંકેત આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો થાય એવું માનતા નથી. ફેડરલના કેટલાક અધિકારીઓએ ચેતવણી આપી હતી કે કેન્દ્રીય બૅન્ક તરફથી વહેલા દરમાં કાપ મૂકવાની અટકળોમાં વધુ પડતો આશાવાદી જણાઇ રહ્યો છે, કારણ કે ફુગાવો હજુ પણ ફેડરલના બે ટકાના વાર્ષિક લક્ષ્યાંક કરતાં વધુ સારી રીતે આગળ વધી રહ્યો છે.

બજાર પહેલાથી જ માર્ચની શરૂઆતમાં ૦.૭૫ ટકાના રેટ કટની અપેક્ષા રાખે છે. જોકે ફેડરલના સભ્યો બીજા અર્ધવાર્ષિક ગાળામાં રેટ કટ તરફ આગળ વધવાની શક્યતા જોઈ રહ્યા છે અને તે પણ લગભગ બે અથવા ત્રણ રેટ કટના માધ્યમે,
જ્યારે બજાર ચાર રેટ કટની અપેક્ષા રાખે છે. આ સંઘર્ષ સોનાને ઊલટું વધુ આધાર મેળવવા માટે અટકાવી રહ્યું છે.

કેટલાક અન્ય આંકડાકીય ઇન્ડિકેટર્સ પર નજર ફેરવીએ તો, ફેડરલ રિઝર્વનો ફુગાવાના માપદંડ માટેનો પસંદગીનો મુખ્ય પીસીઇ ડિફ્લેટર, નવેમ્બરમાં મહિનાના ધોરણે ૦.૧ ટકા અને વાર્ષિક તુલનાત્મક ધોરણે ૩.૨ ટકા વધ્યો છે. પાછલા છ મહિનામાં કોર પીસીઇ ઇન્ડેક્સ માત્ર ૧.૯ ટકા વધ્યો છે.

એકંદરે મહિના દરમિયાન પીસીઈના પ્રાઇસમાં ૦.૧ ટકા ઘટાડો થયો છે, જે એપ્રિલ ૨૦૨૦ પછીનો પ્રથમ ઘટાડો છે અને વર્ષ દર વર્ષ ધોરણે તે ૨.૬ ટકા વધ્યો છે, જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછીનો સૌથી અલ્પ વધારો છે.

ક્ધઝયુમર સ્પેન્ડિંગ માસિક તુલનાત્મક ધોરણે ૦.૨ ટકા વધ્યો, જે વ્યક્તિગત આવકના ૦.૪ ટકાના વધારાથી સહેજ પાછળ છે અને બચત દરમાં થોડો વધારો થયો છે.

સરવાળે એકંદર ભાવસપાટીમાં થઇ રહેલા ઘટાડા અને ક્રૂડ ઓેઇલના ભાવમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાને કારણે વર્ષના અંતે ગ્રાહકોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં એવું જણાય છે કે ફુગાવો અંકુશમાં આવી રહ્યો છે અને બૃહદ અર્થતાંત્રિક ડેટા ૨૦૨૪માં વ્યાજ દરો ઘટાડવાના નિર્ણયને સહેજ સરળ બનાવી શકશે.

૨૦૨૩ના અંતિમ સપ્તાહની ભીતર જઈને અને ૨૦૨૪ના પ્રારંભને જોતા, મોટાભાગનાં બજારોમાં રજાના વાતાવરણમાં એકંદર વોલ્યુમ નીચું રહેવાની શક્યતા છે. હવે આગળ અમેરિકાના બેરોજગારીના દાવાઓ, જથ્થાબંધ ઇન્વેન્ટરીઝ (નવેમ્બર), પેન્ડિંગ હોમ સેલ (નવેમ્બર), જેના યુએસ ટાયર ટુ ડેટાની જાહેરાતો બાકી છે, જેની સોનાની કિંમતો પર વધુ અસર થવાની સંભાવના નથી.

એક અગ્રણી કોમોડિટી એનાલિસ્ટે કહ્યું હતું કે, ચીનની સરકારી માલિકીની બૅન્કો દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાનાં પ્રસાર માધ્યમોના અહેવાલોને કારણે કોમોડિટીને થોડો ટેકો મળ્યોે છે અને આ સૌથી મોટા કોમોડિટી ગ્રાહક તરફથી દરમાં કાપની ગતિ બજારો માટે એકંદર સેન્ટિમેન્ટ્સ હકારાત્મક રાખશે એવી અપેક્ષા સેવાઇ રહી છે.

ઊંચા ભાવ સોનાની ભૌતિક માગમાં ઘટાડાનું કારણ
મુંબઇ: સ્થાનિક બજારની વાત કરીએ તો વર્તમાન ઊંચા ભાવનું વાતાવરણ ભારતમાં ભૌતિક સોનાની માગમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. ટોચના બુલિયન એનાલિસ્ટે જણાવ્યું હતું કે, સ્થાનિક સોનાનો વપરાશ મુખ્યત્વે બ્રાઇડલ જ્વેલરીની માગ દ્વારા પ્રેરિત થવાની ધારણા છે, જેમાં રોજિંદા ઉપયોગ માટે જ્વેલરીની આવેગપૂર્વકની ખરીદી મર્યાદિત હોવાની સંભાવના છે. ઉત્તર અમેરિકા અને યુરોપના ગોલ્ડ ઇટીએફની તુલનામાં, ભારતીય ગોલ્ડ ઇટીએફમાં એપ્રિલથી સતત આંતરપ્રવાહ જોવા મળ્યો છે. નવેમ્બરમાં ૪૭ મિલિયમ ડૉલરનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય કિંમતોની સરખામણીમાં ભારતમાં નબળી માગ કેવી છે, એ પ્રાઈસ ડિસ્કાઉન્ટ ટ્રેન્ડ દ્વારા જોઈ શકાય છે. ડિસેમ્બરના મધ્ય સુધીમાં, સ્થાનિક ભાવમાં ઔંશદીઠ ૧૭ ડૉલરનું આઠ મહિનાનું સૌથી તીવ્ર ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હતું. ડિસેમ્બરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્થાનિક ડીલરો આ વર્ષના ઑક્ટોબરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના ઔંશદીઠ પાંચ ડોલરના પ્રીમિયમની સરખામણીમાં સત્તાવાર કિંમતથી ઔંશદીઠ ૧૨.૭ (સરેરાશ) ડૉલરનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા. ઇન્વેસ્ટમેન્ટના ધોરણે જોઇએ તો, સોના માટે ઘટાડે લેવાલીની વ્યૂહરચના ચાલુ રહેવાની શક્યતા છે કારણ કે કરેક્શન માટે કોઈ મજબૂત ટ્રિગર્સ નથી. પાતળું વોલ્યુમ અને તહેવારોની મોસમને કારણે આ અઠવાડિયે આપણે સોનું કોન્સોલિડેટ થતું અને સાંકડી રેન્જમાં અથડાતું જોવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button