ઈન્ટરવલકચ્છસ્પેશિયલ ફિચર્સ

અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!

કચ્છી ચોવક – કિશોર વ્યાસ

આપણા સૌનો અનુભવ હશે જ કે, આપણી આસપાસની ઘણી વ્યક્તિઓ મોટી મોટી (ખોટી) વાતો કરતી રહેતી હોય છે. તેમનાં વસ્ત્રોમાં નહીં પણ વાતોમાં જાણે શ્રીમંતાઈ છલકતી હોય છે! એવી વ્યક્તિઓનો પરિચય આપતી એક ચોવક છે: “લીલા લૅર નેં ખાધે જો ખૅર. કોઈને માત્ર એટલું પૂછો કે, કેમ છો? તો જવાબ આપશે: લીલા લહેર છે! પણ ખરેખર સ્થિતિ કંઈક જુદી જ હોય! ચોવકમાં પહેલો શબ્દ લીલા લહેર છે. ‘ખાધે જો ખેર’ ભગવાન ભરોસે! આમ તો લીલા લહેર પણ ખાવા માટે અન્નના વાંધા! ભાવાર્થ એવો થાય છે કે: વાતો ખૂબ સારી પણ હાલત નબળી.

એવા અર્થવાળી બીજી ચોવક છે: “લીર જો લાડો પહેલો શબ્દ છે, ‘લીર’ જેનો મૂળ અર્થ થાય છે: ચિંથરું. ‘જો’ એટલે નો અને લાડો એટલે લાડો, દેખાવે સારા લાગવું. પણ એ ચોવકનો ભાવાર્થ પણ એવો જ થાય છે કે, માત્ર દેખાવ હોવો! અંદર તો અભાવા ચરુની માફક ભરેલો હોય!

એક હિન્દીમાં કહેવત છે: ‘નાચ ન જાને, આંગન ટેઢા’ જેને નૃત્ય કરતાં કે નાચતાં જ ન આવડતું હોય અને જો તેને નાચવા માટે આગ્રહ કરવામાં આવે તો એ કહેશે: આવી ઊબડખાબડ જમીન પર હું ન નાચું! હવે બીજો અર્થ આ કહેવતનો એવો પણ નીકળે કે, એવા કોઈ બહાને કામને ટાળવું! એવું કહેવા માટે એક ચોવક રચાઈ છે: “લિખણૂં ન વે ત લેખણ વિંગી ‘લિખણૂં’ એટલે લખવું. ‘ન વે’ એ બે એકાક્ષરી શબ્દસમૂહનો અર્થ થાય છે: ન હોય. ‘ત’ એટલે ત્યારે.
‘લેખણ’નો અર્થ થાય છે: લેખની કે કલમ અને ‘વિંગી’ એટલે ત્રાંસી! ભાવાર્થ થાય છે: કામ ન કરવાનું બહાનું કાઢવું.

‘કચ્છી ચોવક’ના વોટ્સએપ ગ્રુપમાં વાચકમિત્ર હરેશ ગડાએ એક સુંદર ચોવક પોસ્ટ કરી છે, જે પણ ઉપરોક્ત ચોવકોના ભાવાર્થને સ્પર્શતી હોય તેવી લાગે છે. ચોવક છે: “ખાંઢી મેં જો ખખરે સેં વેર અહીં પહેલા બે શબ્દોનો શબ્દાર્થ સાથે રાખીને સમજવો પડશે. “ખાંઢી મેંનો અર્થ થાય છે જેના શિંગડાં તૂટી ગયાં હોય તેવી ભેંસ. ‘મેં’ એટલે ભેંસ. ‘ખખરો’ એવાં વૃક્ષનું નામ છે જેમાં કેસૂડાં ઊગે છે. ‘સેં’ એટલે થી અને વેરનો અર્થ દુશ્મનાવટ. જેનાં માથા પર શીંગડાં જ નથી એવી ભેંસ (લડવા માટે). કેસૂડાંનાં સુંદર વૃક્ષને તો શું પણ ફૂલના છોડને પણ દુશ્મન ન ગણે! કોઈ અશક્તિમાન હોય તે સંબંધો રાખવા – બાંધવા કે લડવા માટે પોતાની અશક્તિ કબૂલ ન કરે પણ ‘હું તો એને હડકાવું પણ નહીં’ જેવું બહાનું આગળ ધરે!

તો, વળી એવા પણ ઘણા હોય છે. જે મતલબ વગર કામ ન કરે. પોતાનો સ્વાર્થ જોતાં રહેતા હોય છે. એટલે જ ગુજરાતીમાં કહેવત છે: લાલો લાભ વગર ન લોટે અને કચ્છીમાં પણ ચોવક છે કે, “લાલો લાભ વિગર ન લેટે ચોવકમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો ગુજરાતી કહેવત જેવા જ હોવાથી શબ્દાર્થમાં નથી જતા.

ઘણાંની વાતો સાંભળતાં જ સમજાઈ જાય કે, એ બધી અર્થ વગરની વાતો છે. તે અર્થ વગરની વાતો માટે પણ એક ચોવક છે, અને તે પણ માત્ર ત્રણ શબ્દોની જ બનેલી. તેમાં પણ બે શબ્દો તો એકાક્ષરી છે! ચોવક છે: “લા નિકાંસા ‘લા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો મૂળ અર્થ થાય છે: લાય. પરંતુ અહીં ચોવકને સમજવા માટે ‘લા’ અને ત્રીજા શબ્દ ‘સા’ને સાથે રાખવા જરૂરી રહેશે. જેનો અર્થ થાય છે: વાતમાં સાર ન હોવી! ‘નિકાં’ નો અર્થ થાય છે: ન હોવું! ચોવકનો ભાવાર્થ થાય છે: વાતમાં હિંગનો પણ હડાણો ન હોવો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker