બહુ ગવાયેલો-વગોવાયેલો પત્રકાર જુલિયન અસાન્જે
ગુપ્ત દસ્તાવેજો લીક કરીને અમેરિકાના નાકે દમ લાવનારા આ પત્રકારે જેલમાંથી મુક્તિ કેવી રીતે મેળવી?
પ્રાસંગિક -અમૂલ દવે
‘વિકિલીક્સ’ પ્લેટફોર્મના સંસ્થાપક જુલિયન અસાન્જેએ ૧૪ વર્ષની કાનૂની લડાઈ બાદ તાજેતરમાં બ્રિટનની બેલમાર્શ જેલમાંથી આઝાદી મેળવી છે.. એમના પર અમેરિકાનો આરોપ હતો કે એમણે અતિ ગોપનીય દસ્તાવેજો લીક કરીને અમેરિકાના અનેક કાયદાનો ભંગ કર્યો છે. અસાન્જેએ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડીલના ભાગરૂપે એવી કબૂલાત કરી છે કે એમણે અમેરિકાની જાસૂસીના ધારાનો ભંગ કર્યો છે અને આના બદલામાં એમને ઓસ્ટ્રેલિયામાં રહેવાની સ્વતંત્રતા મળી હતી.
એમની મુકિત વાણી- અભિવ્યક્તિના ચળવળકાર અને વ્હિસલબ્લોવરની વર્ષો લાંબી ઝુંબેશ પછી શક્ય બની હતી. આ લોકોએ એવી દલીલ કરી હતી કે અમેરિકા સરકાર અને તેના સાથીદારો અને ખાસ કરીને બ્રિટન તેમના અતિરેકો ઉઘાડા પાડવા બદલ અસાન્જેને સજા કરી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને અસાન્જે તરફ કૂણું વલણ અખત્યાર કરતા એમનો છુટકારો સંભવ બન્યો હતો. અસાન્જેના ઘટસ્ફોટને લીધે સિદ્ધ થયું હતું કે શક્તિશાળી દેશો આમ તો વાણી સ્વાતંત્ર્ય અને માનવ અધિકારની વાત કરતા હોય છે, પરંતુ આ દેશો સામાન્ય નાગરિકો અને વિશ્ર્વ નેતાઓની જાસૂસી કરે છે. અસાન્જેએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે યુરોપિયન કંપનીઓ કઈ રીતે સીરિયાના વહીવટીતંત્રની મદદથી તેના ટીકાકારો પર તૂટી પડી હતી. અસાન્જે અને વિકિલીક્સના એક મહત્ત્વના ઘટસ્ફોટમાં એમણે સાબિત કર્યું હતું કે અમેરિકાના સંરક્ષણ દળોએ ગાન્ટાનામો બેમાં કેવા જુલમ કર્યા હતા. અસાન્જેએ એ પણ બતાવ્યું હતું કે અમેરિકાની ગનશિપે કઈ રીતે નિ:શસ્ત્ર પત્રકારો અને ઈરાકના નાગરિકો પર હુમલો કર્યો હતો.
અસાન્જેએ લીક કરેલા દસ્તાવેજોએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે સૌથી શક્તિશાળી દેશો બીજાને માનવ અધિકાર અને વાણી સ્વાતંત્ર્યની સુફિયાળી સલાહ આપે છે, પરંતુ પોતે કઈ રીતે નિયમનું ઉલ્લંઘન કરે છે અને સિનિયર ડિપ્લોમેટ એકમેક સાથે વિવાદાસ્પદ વિષયો પર કઈ રીતે સંવાદ કરે છે જાણે કે કોઈ એમને સાંભળતું નથી.
અસાન્જેની મુક્તિ એ પારદર્શિતાનો વિજય છે. આ સરકાર અને કોર્પોરેટ તરફથી ધમકી, લાંચ, કાનૂની દાવા અને હિંસાનો સામનો કરીને સત્યને ઉજાગર કરનાર પત્રકારોનો વિજય છે. આ કરપ્શન ઉજાગર કરનારા વ્હિસલ બ્લોવરનો વિજય છે. જોકે અસાન્જેએ દોષી હોવાની કબૂલાત કરીને મુક્તિ મેળવી એ પત્રકારોને એવી શીખ આપે છે કે જાહેર હિતના ઘટસ્ફોટ અને દેશની સુરક્ષાને ભયમાં મૂકતા ઘટસ્ફોટ વચ્ચે પત્રકારોએ ભેદરેખા દોરવી જોઈએ.
જેલમાંથી મુકત થયેલા વિકિલીકસના ફાઉન્ડર અને વિવાદાસ્પદ ભાંડાફોડ ઓસ્ટ્રેલિયન જર્નાલિસ્ટ જુલિયન અસાન્જેને અમેરિકાના સાઇપાન ટાપુ પરની કોર્ટે પાંચ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે સજા માટેનો સમયગાળો પહેલાથી જ જેલમાં કાપી લીધો હોવાથી ફરી જેલમાં જવું પડ્યું નહીં.
જુલિયનને પૂર્વ મંજૂરી વિના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જુલિયન પોતાના પરના કોર્ટ કેસની સુનાવણી માટે અમેરિકા જવા ઇચ્છતા ન હતા. અમેરિકાની સરકાર સાથે સમજૂતી છતાં ધરપકડ થવાનો ડર લાગતો હતો. આથી ઓસ્ટ્રેલિયાની નજીક આવેલા સાઇપન ટાપુની કોર્ટમાં સુનાવણી ગોઠવવામાં આવી હતી.પશ્ર્ચિમી મહાસાગરમાં સ્થિત સાઇપન દ્વીપ અમેરિકાના નોર્ધન મરિયાના આઇલેન્ડ કોમનવેલ્થનો હિસ્સો છે. આસપાસના દ્વીપોમાં સૌથી મોટો અને
વિકસિત છે.
જુલિયન પર ૨૦૧૦-૧૧માં અફઘાનિસ્તાન અને ઈરાક વચ્ચે થયેલા યુદ્ધના હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અસાન્જેએ બગદાદ પર અમેરિકાની એરસ્ટ્રાઈકના ફુટેજ પણ જાહેર કર્યા હતા, જેનાથી અમેરિકાની ગોપનીય સુરક્ષાનું ઉલ્લંઘન થયુ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં અમેરિકાએ જુલિયન અસાન્જે પર અમેરિકી સેનાના પૂર્વ જાસૂસ વિશ્ર્લેષક ચેલ્સિયા મેનિંગ સાથે મળી ગુપ્ત દસ્તાવેજો હાંસલ કર્યા હોવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મુકાયો હતો. ચેલ્સિયા મેનિંગને ૨૦૨૩માં ગુપ્ત દસ્તાવેજો લીક કરવા માટે દોષિત ઠેરવ્યો હતો, પરંતુ પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૭માં એની ૩૫ વર્ષની કારાવાસની સજા ઘટાડી હતી.
અસાન્જેએ ગોપનીય દસ્તાવેજોના આધારે અમેરિકા, બ્રિટન અને નાટોની સેનાઓ પર યુદ્ધ અપરાધના ગંભીર આરોપો મૂક્યા હતા. અમેરિકાએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે અમેરિકાની જાસૂસી કરી ગોપનીય ફાઈલોને જાહેર કરી અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. જો કે, જુલિયન અસાન્જે હંમેશાથી આ આરોપો નકારતાં આવ્યા હતા.
૨૦૦૬માં સ્થાપિત વિકિલીક્સ એ દેશો, સરકારો, અને તેમની નીતિઓ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર કરતી વેબસાઈટ છે. જે અમુક નિશ્ર્ચિત લોકોને જ આ માહિતી આપે છે. ‘અફઘાન વોર ડાયરી’ નામથી વિકિલીક્સે અમેરિકી સૈન્ય દસ્તાવેજો જાહેર કર્યા હતા. જેથી જૂલિયનની ધરપકડ કરવામાં આવી હતી. અસાન્જે પર સ્વિડનની બે મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. જે હેઠળ ૨૦૧૦માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્વિડને પ્રત્યાર્પણની માગ કરી હતી પરંતુ અસાન્જે એ ૨૦૧૨માં એક્વાડોર એમ્બેસીમાં શરણુ લઈ ધરપકડથી બચ્યો હતો. એક્વાડોરમાં સાત વર્ષ સુધી રહ્યા બાદ એમ્બેસીના અધિકારીઓ સાથે વિવાદ થતાં હકાલપટ્ટી થઈ હતી. બાદમાં લંડન પોલીસે ધરપકડ કરી હતી. બ્રિટનની જેલમાં પાંચ વર્ષ સજા ભોગવ્યા બાદ અસાન્જે અમેરિકન સરકાર
સાથે સમાધાન કરી ૧૫ વર્ષ લાંબી કાયદાકીય લડાઈ પર હવે પૂર્ણવિરામ મૂક્યું છે.
ઓસ્ટ્રેલિયન નાગરિક અસાન્જે ૨૦૧૦-૧૧માં હજારો વર્ગીકૃત દસ્તાવેજો જાહેર કર્યા હતા. તેમાં અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ હતા. આ દ્વારા એણે અમેરિકા, ઈંગ્લેન્ડ અને નાટોની સેના પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો.
વર્ષ ૨૦૧૦-૧૧માં વિકિલીક્સના ખુલાસા બાદ અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે જુલિયન અસાન્જે એમના દેશની જાસૂસી કરીને અનેક સિક્રેટ ફાઇલ લીક કરી, જેના કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા.
જોકે, જુલિયન અસાન્જે હંમેશાં જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા હતા. બાદમાં અસાન્જે પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓએ હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈન સાથે જોડાયેલા ઈ-મેલ હેક કરીને વિકિલીક્સને આપ્યા હતા.
૨૦૧૧માં વિકિલીક્સે માયાવતીને સરમુખત્યાર અને ભ્રષ્ટ ગણાવ્યા હતા. એક ઘટસ્ફોટમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમએ પોતાની પસંદગીના સેન્ડલ લેવા માટે પોતાનું ખાનગી વિમાન મુંબઈ મોકલ્યું હતું! માયાવતી સતત અસુરક્ષાની લાગણીથી પીડાઈ છે. એ જમતા પહેલા એક કર્મચારી એના ભોજન ચાખે છે!
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે માયાવતી ઓફિસ માટે ઘરેથી નીકળતા પહેલા રસ્તા ધોવરાવી નાખે છે.!
સ્વિડનની અપીલ પર અસાન્જેની લંડનમાં ૨૦૧૦માં ધરપકડ કરવામાં આવી હતી. એના પર બે સ્વિડિશ મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. અસાન્જેએ સ્વિડનમાં દેશનિકાલથી બચવા માટે ૨૦૧૨માં લંડનમાં એક્વાડોરની દૂતાવાસમાં શરણ લીધી હતી. આ રીતે તે ધરપકડથી બચી ગયો હતો.
એ ૨૦૧૨ અને ૨૦૧૯ વચ્ચે એક્વાડોરમાં રહ્યો હતો. ૧૧ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ, તે કોર્ટમાં હાજર થવાનું ચૂકી ગયો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. બાદમાં એક્વાડોર સરકારે એને આશ્રય આપવાનો ઇનકાર કર્યો હતો.. ૨૦૧૯માં, એક્વાડોર એમ્બેસીમાંથી બહાર આવ્યા પછી બ્રિટિશ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી તે લંડનની બેલમાર્શ જેલમાં બંધ હતો. ૨૩ મે, ૨૦૧૯ ના રોજ, યુએસ ગ્રાન્ડ જ્યુરીએ અસાન્જે સામે જાસૂસીના ૧૮ કેસ દાખલ કર્યા.
વિકિલીક્સની સ્થાપના પહેલા જુલિયન અસાન્જે કમ્પ્યુટર પ્રોગ્રામર અને હેકર હતા. પત્રકાર તરીકેની એની કામગીરીને કારણે, અસાન્જેને ૨૦૦૮માં અર્થશાસ્ત્રી ફ્રીડમ ઑફ એક્સપ્રેશન એવૉર્ડ અને ૨૦૧૦માં સેમ એડમ્સ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
હવે એ જોવાનું રહે છે કે અસાન્જેએ મુક્તિ વખતે એવી કોઈ બાંયધરી તો નથી આપીને કે એ હવે કયારેય કોઈ સ્ફોટક માહિતી લીક નહીં કરે અને પોતાની વેબસાઈટ વિકિલીક્સને પણ પુન:જીવિત નહીં કરે!
બોક્સ
હેડિંગ : જુલિયન અસાન્જેના જીવનનો ઘટનાક્રમ
- ૨૦૦૬: એ ઓસ્ટ્રેલિયામાં વિકિલીક્સની સ્થાપના કરી હતી. એમના જૂથ સંવેદનશીલ અથવા વર્ગીકૃત દસ્તાવેજો પ્રકાશિત કરવાનું શરૂ કરે છે.
- ૨૦૧૦: પોસ્ટ્સની શ્રેણીમાં, વિકિલીક્સે યુએસ સંબંધિત ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધો સંબંધિત લગભગ અડધા મિલિયન દસ્તાવેજો બહાર પાડ્યા.
- ઓગસ્ટ ૨૦૧૦: સ્વીડિશ પ્રોસિક્યુટર્સે એક મહિલા દ્વારા બળાત્કાર અને અન્ય મહિલાની છેડતીના આરોપોને આધારે અસાન્જે માટે ધરપકડ વોરંટ બહાર પાડ્યું. ફરિયાદીઓએ બળાત્કારના આરોપ માટે અપૂરતા પુરાવાને ટાંકીને થોડા સમય પછી વોરંટ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. અસાન્જે આરોપોને નકારી કાઢ્યા એ પછી અસાન્જે સ્વિડન છોડીને બ્રિટન ચાલ્યા ગયા.
- નવેમ્બર ૨૦૧૦: સ્વિડિશ પોલીસે અસાન્જે માટે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જારી કર્યું.
- ડિસેમ્બર ૨૦૧૦: અસાન્જેએ લંડનમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને પ્રત્યાર્પણની સુનાવણી બાકી હોય એમની અટકાયત કરવામાં આવી. હાઈ કોર્ટે અસાન્જેને જામીન આપ્યા હતા.
- ઓગસ્ટ ૨૦૧૨: અસાન્જેને એક્વાડોર દ્વારા રાજકીય આશ્રય આપવામાં આવ્યો હતો.
- એપ્રિલ ૨૦૧૯: એક્વાડોરના પ્રમુખ લેનિન મોરેનોએ તાજેતરના ભ્રષ્ટાચારના આરોપો માટે વિકિલીક્સને દોષી ઠેરવ્યા. એક્વાડોર સરકારે અસાન્જે નો આશ્રય દરજજો રદ કર્યો. લંડન પોલીસે અસાન્જેને એક્વાડોર દૂતાવાસમાંથી બહાર કાઢ્યો હતો અને જામીનની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ૨૦૧૨માં યુનાઇટેડ સ્ટેટ્સ વતી ધરપકડ કરી હતી.
- મે ૨૦૧૯: અસાન્જેને ૨૦૧૨ માં જામીન પર મુક્ત થવા બદલ ૫૦ અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
- મે ૨૦૧૯: યુએસ સરકારે વિકિલીક્સ દ્વારા વર્ગીકૃત દસ્તાવેજોના પ્રકાશન માટે અસાન્જે પર ૧૮ કાઉન્ટનો આરોપ લગાવ્યો. પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે એણે પેન્ટાગોન કોમ્પ્યુટર હેક કરવા અને ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધો પર ગુપ્ત રાજદ્વારી કેબલ અને લશ્કરી ફાઈલો બહાર પાડવા માટે યુએસ આર્મી ઈન્ટેલિજન્સ વિશ્લેષક ચેલ્સી મેનિંગ સાથે કાવતરું ઘડ્યું હતું.
- જાન્યુઆરી ૨૦૨૧: એક બ્રિટિશ ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે અસાન્જેને યુએસમાં પ્રત્યાર્પણ કરી શકાશે નહીં, કારણ કે જો તે યુએસ જેલમાં કઠોર સ્થિતિમાં રાખવામાં આવે તો તે આત્મહત્યા કરી શકે તેવી શક્યતા હતી.
- માર્ચ ૨૦૨૨: બ્રિટનની સુપ્રીમ કોર્ટે અસાંજેને તેના પ્રત્યાર્પણની અપીલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો.
- ૨૬ માર્ચ, ૨૦૨૪: લંડનમાં હાઈકોર્ટના બે ન્યાયાધીશોએ યુએસ સત્તાવાળાઓને વધુ ખાતરી આપવા માટે વધુ ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો, જેમાં અસાંજેને મૃત્યુદંડ નહીં મળે તેવી બાંયધરીનો સમાવેશ થાય છે,
- ૨૪ જૂન ૨૦૨૪: યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં જણાવ્યું હતું કે એજન્સી સાથેના કરારના ભાગરૂપે, અસાંજે જાસૂસી કાયદાના આરોપોને ગેરકાયદે રીતે મેળવવા અને વર્ગીકૃત રાષ્ટ્રીય સંરક્ષણ માહિતી પ્રસારિત કરવાના આરોપ માટે દોષિત ઠેરવ્યા છે..