ઈઝરાયલ- હમાસ વચ્ચે યુદ્ધવિરામ: ટકશે ખરો?
પ્રાસંગિક -અમૂલ દવે
યુદ્ધવિરામ પછી… પંદર મહિનાની લડાઈ બાદ ઈઝરાયલ અને હમાસે ગાઝામાં યુદ્ધ વિરામ કર્યો છે. આ યુદ્ધ વિરામ બહુ સમય પહેલાં જ થવો જોઈતો હતો. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સત્તાલાલસા અને જો બાઈડેનના આંખ મિચામણાને લીધે આ સીઝફાયર મોડ થયો. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નેતન્યાહુ પર લાવેલાપ્રચંડ દબાણને લીધે નેતન્યાહુ યુદ્ધ વિરામ કરવા હવે સંમત થયા છે. આ યુદ્ધમાં ન ઈઝરાયલ જીત્યું છે ન હમાસ જીત્યું છે, પરંતુ માનવતાની ભારે શિકસ્ત થઈ રહી છે. ઈઝરાયલ લાખો ટન બોમ્બ ઝીંકીને ગાઝાને ખંડેર બનાવી દીધું છે. ઈઝરાયલે નિર્દોષ નાગરિકોપર બોમ્બમારો કરીને એક જાતનો નરસંહાર જ કર્યો હતો. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સેજે 46,000 લોકોને મારી નાખ્યા હતા એમાંથી અડધા જેટલા મહિલા અને બાળકો હતા. મકાન, શાળાઓ હોસ્પિટલો અને મસ્જિદો પર હુમલો કરીને તેમને જમીનદોસ્ત કરી નાખ્યા હતા ગાઝામાં હવે કાટમાળ સિવાય કશું રહ્યું નથી. ગાઝના મોટાભાગના લોકોને વિસ્થાપિત થયા છે. 466 દિવસના લોહિયાળ યુદ્ધ બાદ યુદ્ધ વિરામ કેટલા દિવસ ટકે છે એ અંગે અત્યારથી શંકા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રમ્પે તો ચેતવણી આપી હતી કે હું સત્તા સંભાળુંએ પહેલાં યુદ્ધ વિરામનો અમલ થવો જોઈએ…જો નહીં થાય તો આકરા પરિણામ ભોગવવા પડશે ટ્રમ્પે મોકલેલા પ્રતિનિધિને પહેલાં તો. નેતન્યાહુએ મળવાની ના પાડી હતી.
પરંતુ ટ્રમ્પે આદેશ આપ્યો કે મારા પશ્ર્ચિમ એશિયાના એલચી સ્તિટિવ વિટકોફને મળવું જ પડશે અને એ જે કહે છે એ માનવું જ પડશે. નેતન્યાહુએ આ હુકમ સામે નતમસ્તક થયા હતા. નેતન્યા હુબાઈડેનને ગાંઠતા નહોતા, પરંતુ ટ્રમ્પ આગળ તેમનું કશું ચાલ્યું નથી. બાઈડેને ઈઝરાયલના નરસંહાર છતાં તેને સહાય કરવાનું ચાલુ રાખ્યું હતું અને યુદ્ધ અટકાવવા માટે ઈઝરાયલ પર કોઈ દબાણ લાવ્યા નહોતા. વિરામને લીધે નેતન્યાહુના જમણેરી સાથીદારોએ એમનો સાથ છોડી દીધો છે. નેતન્યાહુ હજી પણ યુદ્ધની વાત કરે છે. એમની યોજના છે કે યુદ્ધ વિરામની સંધિના પહેલા તબક્કાના અમલ પછી સમજૂતી તોડી નાખવી. નેતન્યાહુ હજી પણ દાવો કરે છે કે અમેરિકાના ટેકા સાથે એ. હમાસને ખતમ કરશે. વડા પ્રધાન નેતન્યાહુના કાર્યાલયે પોતાના ‘એક્સ’ અકાઉન્ટ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર લાગુ થઈ ગયો છે. જોકે, યુદ્ધ વિરામ ત્રણ કલાક મોડો શરૂ થયો. કારણ કે, હમાસે બંધકોની યાદી આપવામાં મોડું કર્યું હતું,જે હવે મળી ગઈ છે. હવે એમની સિક્યોરિટી તપાસ કરવામાં આવી રહી છે. હમાસે નામ સોંપવામાં મોડું કરવા માટે 39; ટેક્નિકલ ખામી39; ને જવાબદાર ગણાવી હતી. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ.
આ યુદ્ધની શરૂઆત સાત ઓક્ટોબર, 2023ના દિવસે હમાસ દ્વારા ઈઝરાયલમાં કરાયેલો પ્રચંડ આતંકવાદી હુમલો હતો, જેમાં આશરે 1200 મોત થયાં હતાં. આ દરમિયાન 250થી વધુને બંધક બનાવાયા હતા. ત્યારબાદ ઈઝરાયલ તરફથી ગાઝામાં ચલાવાયેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી 46,000 લોકોનાં મોત થઈ ગયાં છે. મધ્યસ્થી બાદ હમાસે કહ્યું કે, ગાઝામાં યુદ્ધ વિરામના રસ્તા પરથી તમામ અડચણો દૂર થઈ ગઈ છે. આ યુદ્ધ વિરામનો આ કરાર ત્રણ તબક્કામાં થશે. પહેલાં તબક્કામાં હમાસ 98 બંધકોમાંથી 33 બંધકોને મુક્ત કરશે. તેમાં તમામ મહિલા, બાળકો અને 50થી વધારે ઉંમરના લોકો હશે. જોકે, ઈઝરાયલ તેના બદલે પોતાની જેલમાંથી આશરે એક હજાર પેલેસ્ટાઇનના કેદીને મુક્ત કરશે. ઈઝરાયલ તેના લશ્કરી દળોને આંશિક રીતે પાછા ખેંચશે.
જોકે ઈઝરાયલના દળો ફિલાડેલ્ફી કોરિડોરમાં રહેશે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલની ગાઝા સરહદ પર નજર રહેશે. પહેલા તબક્કા બાદ પણ હમાસ પાસે 65 બાન હશે અને ઈઝરાયલના જવાનો ગાઝાની સરહદે અને બફર ઝોનમાં જ રહેશે. બીજા તબક્કામાં હમાસ બાકીના બાનને મુક્ત કરશે અને બન્ને પક્ષો દુશ્મનાવટને કાયમી રીતે સમાપ્ત કરશે. ત્રીજો તબક્કો ઈઝરાયલ કદી નહી માને. હમાસે ત્રીજા તબક્કામાં ઈઝરાયલ ગાઝામાંથી સંપૂર્ણપણે હટી જાય એવી માગણી કરી છે. ઈઝરાયલ આ વાત કદી નહીં માને. ઈઝરાયલ તો આખી ગાઝા પટ્ટીને પચાવી પાડવા માગેછે. આ ડીલ આઠ મહિનાપહેલાં ચર્ચા કરાયેલી ડીલ જેવી જ છે, પરંતુ નેતન્યાહુએ બહાનાબાજી કરીને એને સ્વીકારી નહોતી. બાઈડેનની પાર્ટીનું હારનું કારણ પણ એ છે કે બાઈડેને ડીલ સ્વીકારવા ઈઝરાયલ પર કોઈ દબાણ નાખ્યું નહોતું. મેમાં નેતન્યાહુએ આ ડીલ નકારી કાઢીને એવો હુંકાર કર્યો હતો કે હમાસને નેસ્તનાબુદ કર્યા બાદ જ યુદ્ધ ખતમ થશે.
લાખો ડોલરનો સવાલ તો એ છે કે ઈઝરાયલે અને નેતન્યાહુએ હિજબુલ્લા અને હમાસ સામેના યુદ્ધમાં શું મેળવ્યું. ઈઝરાયલે નરસંહાર કરીને આખા વિશ્વમાં તેની શાખ ગુમાવી છે. આરબ દેશોમાં અને તેના દુશ્મનોમાં રહેલો તેનો ખોફ ઓછો થઈ ગયો છે. ઈરાન, હિજબુલ્લા અને હમાસે સાબિત કર્યું છે કે જો તમારામાં હિંમત, સાહસ અને ધૈર્ય હોય તો ઈઝરાયલને નમાવી શકાય છે. ઈરાનના એક્સીસ ઓફ રેસિસ્ટન્સના રોકેટ અને મિસાઈલ હુમલા સામે ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ લાચાર બની ગઈ હતી. લેબેનોનમાં ઈઝરાયલ એક ઈંચ પણ આગળ વધી શક્યું નહોતું. અંતે તેને પહેલાં હિજબુલ્લા અને પછી હમાસ સાથે સમાધાન કરવું પડ્યું છે. જે હમાસને ઈઝરાયલ આતંકવાદી સંગઠન કહે છે એની સાથે વાતચીત કરીને તેની સાથે સંધિ કરવીપડી. પેજર હુમલા વડે અમે હમાસને ખતમ કરી દીધું છે એવો ઈઝરાયલનો દાવો ખોટો સાબિત થયો છે. અમેરિકના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિનકેને કહ્યું છે કે હમાસે જેટલા લડવૈયા ગુમાવ્યા હતા એટલાની હમાસે નવી ભરતી કરી છે. ઈઝરાયલને હમાસ અને હિજબુલ્લા સાથે સંધિ કરવી પડી એનું કારણ ઈરાનનું દબાણ હતું. ઈરાને મિસાઈલ ટેક્નોલોજીમાં હરણફાળ ભરી છે. હમાસ, હુતી અને હિજબુલ્લાએ છોડેલી ઈરાનની મિસાઈલોને લીધે ઈઝરાયલના પગ જમીન પર આવ્યા છે. આ મિસાઈલે ઈઝરાયલની એરડિફેન્સ સિસ્ટમને બેઆબરૂ કરી નાખી છે.
ઘણાને સવાલ થાય છે કે આમાં ખલનાયક નેતન્યાહુનું શું થશે. નેતન્યાહુ યુદ્ધ કરી અને એને લંબાવીને સત્તા પર ચીટકી રહેવામાં તો સફળ થયા છે, પરંતુ હવે એમનું પતન નક્કી છે. યુદ્ધ પતી ગયું હોવાથી નેતન્યાહુ સામેના કેસો પરની સુનાવણી હવે ઝડપી બનશે એમનું ભાવિ ટ્રમ્પના હાથમાં છે. જો ટ્રમ્પ બાઈડેનની જેમ ઈઝરાયલને સહાય નહીં કરે તો નેતન્યાહુની હકાલ પટ્ટી થશે. યુદ્ધને લીધે ઈઝરાયલને અબજો ડોલરનો ખર્ચ થયો છે. તે દેવામાં આવી ગયું છે. તેનો પયર્ટન વ્યવસાય બંધ થઈ ગયો છે.
આ ડીલ કરાવામાં અમેરિકા, કુવૈત અને ઈજિપ્તે મુખ્ય ભૂમિકા ભજવી છે. આતંરરાષ્ટ્રીય આલમે પણ ડીલ ટકી રહે એ માટેએમનીભૂમિકા ભજવવી પડશે. ખાસ કરીનેઆરબ દેશોએ પેલેસ્ટાઈન માટે મગરના આંસુ સારવાને બદલે પેલેસ્ટાઈનને ફરી બેઠું કરવામાં મદદ કરવી જોઈએ. યુદ્ધ પછી ઈઝરાયલની આબરૂ તળિયે ગઈ છે તો પેલેસ્ટાઈન પ્રત્યની સહાનુભૂતિ વધતી જાય છે. યુદ્ધ પછી વધુદેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપી છે. વેસ્ટ એશિયામાં કાયમી શાંતિ સ્થાપવી હોય તો ટુ નેશનની થિયરીને અમલમાં મૂકવી પડશે. પેલેસ્ટાઈન સાથે ન્યાય કરીને તેને દેશનો દરજજો આપવો જોઈએ.