સિલિકોન ચિપ ચર્ચાના ચગડોળ પર સવાર સેમિકંડક્ટર છે શું?
સિલિકોન ચિપના ઉપયોગ અને ઉપયોગીતા જાણી આંખો પહોળી થઇ જશે! જાણીને આશ્ર્ચર્ય થશે કે સેમિક્ધડકટર્સ માત્ર ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે જ ઉપયોગી નથી, પરંતુ દેશને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. રોજગારીમાં વધારો કરવા સાથે આયાત અવલંબન અને આયાત ખર્ચ ઘટાડીને વ્યાપાર ખાધ નીચી લાવવામાં પણ તેનું યોગદાન રહેશે.
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
સેમિકંડક્ટર હબ બનવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ત્રણ સેમિકંડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો અને આશરે રૂ. ૧.૨૫ લાખ કરોડના સેમિકંડક્ટર પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. કેન્દ્રીય કેબિનેટે તેની છેલ્લી બેઠકમાં ત્રણ સેમિકંડક્ટર પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપી હતી.
આ ત્રણ પ્લાન્ટમાંથી બે પ્લાન્ટ ગુજરાતમાં ધોલેરા અને સાણંદમાં અને એક સેમિકંડક્ટર પ્લાન્ટ આસામના મોરીગાંવમાં સ્થાપવામાં આવશે. ટૂંકમાં તાજેતરમાં સેમિકંડક્ટર શબ્દ ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે સેમિક્ધડક્ટર શું છે અને તેનો ક્યાં ઉપયોગ થાય છે?
તો જાણી લો કે, સેમિકંડક્ટર એ સિલિકોન ચિપ છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. સેમિક્ધડક્ટર વાહનો, સ્માર્ટફોન, કમ્પ્યુટર, એટીએમ, કાર, ડિજિટલ કેમેરા, એસી અને રેફ્રિજરેટરમાં જોવા મળે છે. આ ઉપરાંત ઘણી મિસાઇલોમાં પણ સેમિકંડક્ટર ચિપ્સની જરૂર પડે છે.
સેમિકંડક્ટર ચિપ કોઈપણ ઉત્પાદનના નિયંત્રણ અને મેમરી કાર્યોનું સંચાલન કરે છે. એટલું જ નહીં, હાઇટેક કારના સેન્સર, ડ્રાઇવર સપોર્ટ સિસ્ટમ, પાર્કિંગ રિયર કેમેરા, એરબેગ અને ઇમરજન્સી બ્રેકિંગમાં પણ સેમિકંડક્ટરની જરૂર પડે છે.
હવે એ જાણીએ કે નવા પ્લાન્ટ સ્થાપવાથી ભારતને શું ફાયદો થશે? તાજેતરના સમયમાં, ભારતે સેમિકંડક્ટર્સના ઉત્પાદન તરફ ઝડપી પગલાં લીધાં છે. વિશ્ર્વભરમાં આ ચિપ્સની માગ છે અને સામે પુરવઠો મર્યાદિત રહે છે. આ જણસની ઉપયોગીતા ધ્યાનમાં લઇને ભારત પણ તેના ઉત્પાદનની દિશામાં ઘણાં સમયથી મથામણ કરી રહ્યું છે.
ગુજરાત અને આસામમાં ત્રણ સેમિકંડક્ટર પ્લાન્ટના નિર્માણથી એક તરફ ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઓછી થશે. આયાતમાં ઘટાડો થતાં વિદેશી હૂંડિયામણની પણ બચત થશે. બીજી તરફ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન જેવાં ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો ઊભી થશે. આ સાથે સેમિકંડક્ટર પ્લાન્ટ પાંચ ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને આસામમાં જે ત્રણ સેમિકંડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે, તેનું નિર્માણ કાર્ય ૧૦૦ દિવસમાં શરૂ થશે અને એ રીતે ભારતમાં સેમિકંડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થશે. આ ત્રણેય પ્લાન્ટ્સમાં સેમિકંડક્ટરના ઉત્પાદન પછી ડિજિટલ અર્થતંત્ર ઝડપથી વધવાની અપેક્ષા છે.
આ ઉપરાંત, સંરક્ષણ, અવકાશ અને ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રોને પણ મજબૂત બનાવવામાં આવશે. આ સેમિકંડક્ટરનો ઉપયોગ ભારતમાં તેમ જ વિદેશમાં નિકાસ કરવામાં આવશે, જે અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
આ ત્રણેય પ્લાન્ટ ૨૬ હજાર લોકોને સીધી રોજગારી આપશે. ભારત અને અમેરિકાએે ભારત-યુએસ ૫ાંચમી કમર્શિયલ ડાયલોગ ૨૦૨૩ દરમિયાન સેમિકંડક્ટર સપ્લાય ચેઇન સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતને ઇલેક્ટ્રોનિક્સ માલનું હબ બનવાના તેના સપનાને સાકાર કરવામાં ઘણી મદદ કરી શકે છે. સેમિકંડક્ટર્સ માટે ચીન અને તાઈવાન પર આપણી નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને અમેરિકા વચ્ચેનો આ પ્રયાસ મહત્ત્વપૂર્ણ છે.