ઈન્ટરવલ

શું પેટીએમનો ખેલ ખતમ?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

*૧૧ લાખ રિટેલ ઇન્વેસ્ટર, ૫૦૦ એફઆઇઆઇ, ૯૭ મ્યુચ્યુઅલ ફંડ સલવાયા
*બે દિવસમાં શેરધારકોના ૧૭૦૦૦ કરોડ સ્વાહા
*પેટીએમ શેર આઇપીઓ પ્રાઇસથી ૮૦ ટકા નીચે
*પેટીએમની યુપીઆઇ સર્વિસનું શું થશે!

પેટીએમ શેર રિઝર્વ બૅન્કના આદેશ બાદ સતત ત્રણ દિવસમાં લગભગ ૫૦ ટકા તૂટ્યો છે અને એ પણ નીચલી સર્કિટ ૨૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરી હોવાથી સોમવારે શેર ૧૦ ટકા જ તૂટ્યો હતો. પેટીએમના આઈપીઓમાં શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૨૧૫૦ હતી અને હાલ રૂ. ૪૩૮ સુધી નીચી સપાટીએ પટકાયો છે.

આપણે એ જ ભાવ લઇએ તો પણ પેટીએમનો શેર આઇપીઓની ઇશ્યૂ પ્રાઇસથી ૮૦ ટકા કરતાં નીચી સપાટીએ પહોંચ્યો છે અને માત્ર બે દિવસમાં શેરધારકોએ ૧૭૦૦૦ કરોડ ગુમાવ્યા હતા. નોંધવું રહ્યું કે, પેટીએમની પેરન્ટ કંપની વન-૯૭ કોમ્યુનિકેશન્સ છે, જે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે.

બીજા શબ્દોમાં શેર નીચી સપાટીએ પટકાવાનો નવો ઇતિહાસ રચી રહ્યો છે! નવેમ્બર ૨૦૨૨માં આ શેરમાં રૂ. ૪૩૮ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. નોંધનીય છે કે, પાછલા ગુરુવારે આ શેર રૂ. ૬૦૮.૮૦ની સપાટીએ બંધ થયો હતો. આમ રિઝર્વ બેંકની કડક કાર્યવાહી બાદના ત્રણ દિવસમાં પેટીએમનો શેર ૫૦ ટકા તૂટ્યો છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે પેટીએમ સાથે લાખો લોકોના હિત સંકળાયેલા છે. એક માહિતી અનુસાર પેટીએમનો જો ધબડકો બોલાઇ જાય તો ઉપલબ્ધ ડેટા અનુસાર ૧૧ લાખ રિટેલ ઇન્વેસ્ટર, ૫૦૦ એફઆઇઆઇ, ૯૭ મ્યુચ્યુઅલ ફંડના નાણાં સલવાઇ જવાની સંભાવના છે.

પેટીએમમાં પ્રારંભથી જ રોકાણકારોને જોરદાર ફટકો
પેટીએમનો આઈપીઓ શરૂઆતથી જ રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયો છે. પેટીએમના શેરમાં લિસ્ટિંગના દિવસે જ ધબડકો થયો હતો અને રોકાણકારોને છેતરાયાની લાગણી થઇ હતી. સ્ટોક એક્સચેન્જ એનએસઇ પર ૧૮ નવેમ્બર, ૨૦૨૧ના રોજ પેટીએમનો શેર રૂ. ૨૧૫૦ની ઇશ્યૂ પ્રાઇસ સામે નવ ટકાના ડિસ્કાઉન્ટે રૂ. ૧૯૫૦ના ભાવે ખૂલ્યો હતો. એ વખતેે કંપનીની માર્કેટકેપ એક લાખ કરોડ રૂપિયાથી વધુ હતી, લિસ્ટિંગના દિવસે જ પેટીએમના શેરમાં ધબડકો બોલાયો અને આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી ૨૭ ટકા ઘટાડે રૂ. ૧૫૬૪ના ભાવે બંધ થયો હતો. પેટીએમની આઈપીઓ ઇશ્યૂ સાઈઝ રૂ. ૧૮,૩૦૦ કરોડ હતી. પેટીએમના શેરમાં ઘટાડાથી કંપનીની માર્કેટકેપમાં સતત ધોવાણ થઇ રહ્યું છે. શુક્રવારે કંપનીની માર્કેટકેપ રૂ. ૩૦,૯૩૧.૫૯ કરોડ હતી. જ્યારે ગુરુવારે રૂ. ૩૮,૬૬૩.૬૯ કરોડ હતી.

સેવિંગ્સ એકાઉન્ટ, વોલેટ, ફાસ્ટેગનું શું થશે?

બચત ખાતું, ચાલુ ખાતું, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેમાં પૈસા ઉપાડવા અથવા તેના ઉપયોગ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. બેલેન્સ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આનો ઉપયોગ કરી શકાય છે.

પેટીએમ શેરમાં નાના રોકાણકારોના રૂ. ૫૩૦૦ કરોડથી વધુ ધોવાણ
શેર બજાર બીએસઇના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર પેટીએમના ૩,૧૬,૬૪,૩૧૫ શેર એટલે કે ૪.૯૯ ટકા ઇક્વિટી શેર મ્યુચ્યુઅલ ફંડ પાસે છે. પેટીએમના શેરમાં ધબડકાથી મ્યુચ્યુઅલ ફંડોને રૂ. ૮૬૯ કરોડનું નુકસાન થયું છે. પેટીએમમાં ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઇઆઇનું શેરહોલ્ડિંગ ૬૩.૭૩ ટકા અને નાના રોકાણકારો પાસે ૩૦.૨ ટકા હિસ્સો છે. આ ધોરણે ફિનટેક કંપનીના શેરમાં આરબીઆઇની ચાબુક વિંઝાયા પછીના બે દિવસમાં વિદેશી રોકાણકારોને લગભગ રૂ. ૧૧૦૦૦ કરોડ અને નાના રોકાણકારોને રૂ. ૫,૩૩૨ કરોડનું નુકસાન થયું છે.

પેટીએમ વિરુદ્ધ આરબીઆઇના કડક પગલાં
રિઝર્વ બેન્કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પેટીએમ પેમેન્ટ બેન્ક સામે કડક કાર્યવાહી જાહેર કરી હતી. આરબીઆઈ એ જણાવ્યું કે, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ બાદ કોઇ પણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેક, એનસીએમસી કાર્ડ વગેરેમાં વ્યાજ અને કેશ બેક કે રિફંડ ઉપરાંત કોઇ પણ ડિપોઝિટ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ અપની મજૂરી આપવામાં આવશે નહીં. અલબત્ત રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કસ્ટમર પોતાના ખાતામાં રકમ ઉપાડી શકે છે. પેટીએમ યુઝર્સ ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.

શું પેટીએમ એપ બંધ થઈ જશે, યુપીઆઇ પણ કામ નહીં કરે?

આરબીઆઇ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ પેટીએમ પેમેન્ટ બેન્ક પર લગાવવામાં આવ્યો છે. પેટીએમ તેની ઘણી સેવાઓ આ બેન્ક દ્વારા જ પૂરા પાડેે છે. આવી સ્થિતિમાં, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ઉપલબ્ધ સેવાઓ ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ પછી બંધ થઈ જશે, જ્યારે અન્ય સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.

પેટીએમ તેની યુપીઆઇ સેવા ફક્ત પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા જ પૂરી પાડે છે. તેથી, જો અન્ય બેન્કો સાથે કોઈ જોડાણ ન હોય તો યુપીઆઇ સેવા પણ ૨૯ ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે. પેટીએમએ કહ્યું છે કે તે આ અંગે એનપીસીઆઇ અને આરબીઆઇ બંને સાથે ચર્ચા કરી રહી છે.

પેટીએમ મ્યુચ્યુઅલ ફંડ અને પેટીએમ મની સ્ટોક એકાઉન્ટ્સનુું શું થશે?

પેટીએમ તેની સ્ટોક બ્રોકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ પેટીએમ મની દ્વારા ઓફર કરે છે. પેટીએમ મનીએ સેબી રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર અને ડિપોઝિટરી સહભાગી છે. તેથી સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત નહીં થશે. અલબત્ત જો તમે પૈસાના ક્રેડિટ અને ડેબિટ માટે પેટીએમ પેમેન્ટ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તો તમારી સેવાઓને અસર થશે.

પેટીએમથી સોનું ખરીદ્યું હોય તો તેનું શું થશે?

એમએમટીસી-પીએએમપી દ્વારા સોનાનું રોકાણ સંપૂર્ણપણે સલામત છે. તેથી આરબીઆઇ દ્વારા પેટીએમ પેમેન્ટ બેન્ક પર શરૂ કરવામાં આવેલી કાર્યવાહીથી આ સેવા સંપૂર્ણપણે પ્રભાવિત થવાની શક્યતા નથી. અહીં પણ જો તમે પૈસાના ક્રેડિટ અને ડેબિટ માટે પેટીએમ પેમેન્ટ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તો તમારી સેવાઓને અસર થશે.

પેટીએમથી લીધેલ ક્રેડિટ કાર્ડ, લોન
અને ઈન્સ્યોરન્સનું શું થશે?

પેટીએમ એસબીઆઇ અને એચડીએફસી સાથે ભાગીદારીમાં ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરે છે. તેવી જ રીતે, અન્ય બેન્કો અને એનબીએફસી દ્વારા પેટીએમ પર લોન અને વીમા સેવાઓ પણ ઉપલબ્ધ છે. આને પેટીએમ પેમેન્ટ બેન્ક સાથે કોઈ લેવાદેવા નથી.

પેટીએમના લાઇસન્સનો ફેંસલો માર્ચમાં સંભવ
પેટીએમ પર આરબીઆઇની કરડાકીથી કરોડો લોકોને અસર થવાની શક્યતા છે. બેંકની મોટાભાગની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે તેનું લાઇસન્સ રદ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. માર્ચની શરૂઆતમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સવાલ એ છે કે આરબીઆઇએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે. આખરે પેટીએમએ એવું શું કર્યું કે રિઝર્વ બેંકને આટલું મોટું પગલું ભરવાની ફરજ પડી?

આપણે આ પ્રકરણ પાછળનાં મૂળ કારણો જોઇએ તો, પેટીએમ વોલેટ અને તેની બેન્કિંગ શાખા વચ્ચે મની લોન્ડરિંગ અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અંગેની ચિંતાઓને કારણે આરબીઆઈએ વિજય શેખર શર્મા દ્વારા ચલાવવામાં આવતા વ્યવસાય પર કડક કાર્યવાહી હાથ ધરી હતી.

આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. એક નિવેદનમાં આ અંગે માહિતી આપતા આરબીઆઇએ જણાવ્યું હતું કે આ પગલું વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને એક્સટર્નલ ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેરિફિકેશન રીપોર્ટ બાદ લેવામાં આવ્યું છે.

આ રીપોર્ટે પેમેન્ટ બેંકમાં નિયમનોના સતત નોન કમ્પ્લાયન્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આરબીઆઈએ અગાઉ ૧૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પીપીબીએલને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure