ઈન્ટરવલ

ઈઝરાયલના અડપલાં ને ઈરાનની પ્રતિશોધ માટે પેરવી….

આ જોખમી ખેલ કયાંક ત્રીજા વિશ્ર્વયુદ્ધ તરફ તો નહીં ધકેલેને?

પ્રાસંગિક – અમૂલ દવે

બેકાબૂ બનેલા ઈઝરાયલે અમેરિકા માટે ઘણી મુશ્કેલીઓ- ધર્મસંકટ ઊભાં કર્યાં છે. પોતાની ગાદી ટકાવી રાખવા અમેરિકાના પ્રમુખ જો બાઈડેનને સામાન્ય ચૂંટણીમાં ગાદી છોડવી પડે એવી લાચાર સ્થિતિમાં મૂકી દીધા છે. પેલેસ્ટાઈન અને સીરિયા પર ઈઝરાયલના નિરંકુશ હુમલાને લીધે સુપરપાવર અમેરિકાની માનહાનિ થઈ છે અને આખા વિશ્વમાંથી ફટકારનો સામનો કરવો પડી રહ્યો છે. હમાસ સાથે યુદ્ધ ચાલુ છે ત્યારે ઈઝરાયલે આ રીતે ઈરાનને છંછેડીને એક નવો મોરચો ખોલ્યો છે. ઈઝરાયલની બે અવળચંડાઈ એ અમેરિકા માટે મોટું શિરદર્દ ઊભું કર્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને છ મહિના થઈ ગયા છે.
ઈઝરાયલના અવિચારી હુમલાને લીધે અત્યાર સુધી પેલેસ્ટાઈનના ૩૩,૦૦૦ લોકો મરણ પામ્યા છે. એમાં ૨૦,૦૦૦થી વધારે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલના તાજેતરના કાતિલ હુમલા દરમિયાન ગાઝામાં સેવાભાવી સંસ્થા- એનજીઓ ‘વર્લ્ડ સેન્ટ્રલ કિચન’ના સાત સમાજસેવકો માર્યા ગયા. આ હુમલો આકસ્મિક નહીં, પરંતુ જાણીબુઝીને કરવામાં આવ્યો હોય એવું લાગે છે. મળતા હેવાલ મુજબ – રાહત ટુકડી મધ્ય ગાઝાના દૈર-અલ- બલાહના ગોદામમાં ૧૦૦ ટન અનાજ આપીને શાંત જાહેર કરાયેલા ઝોનમાં પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો. બે બખતરીયા અને એક સાદી ગાડીની હિલચાલની માહિતી ઈઝરાયલ લશ્કરને અગાઉથી જ આપવામાં આવી હતી તેમ છતાં ઈઝરાયલે ડ્રોનમાંથી મિસાઈલ છોડીને ત્રણેય વાહનોના ફુરચા બોલાવી દીધા. માર્યા ગયેલા સાત મદદનીશમાં પોલેન્ડ, ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલાથી આખા વિશ્વમાં ઈઝરાયલ પ્રત્યે રોષ ફેલાઈ ગયો છે.. સંયુક્ત રાષ્ટ્રસંઘની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલે’ ઠરાવ મંજૂર કરીને ઈઝરાયલેને યુદ્ધ અને માનવતા વિહોણા ગુના માટે દોષિત ઠરાવવાની માગણી કરી હતી. ૨૮ સભ્યોએ તરફેણમાં અને છ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. આ હુમલા બાદ પ્રમુખ બાઈડેને ઈઝરાયલના વડા પ્રધાન ‘બીબી’ ઊર્ફે નેતાન્યાહૂને સાફ શબ્દોમાં કહી દીધું કે જો ઈઝરાયલ ગાઝા પટ્ટીની માનવ કટોકટીને દૂર કરવા નક્કર પગલાં નહીં લે તો અમેરિકા તેને અપાતી સહાય બંધ કરી દેશે….હમાસ સાથેના યુદ્ધમાં પણ ૨૦૦થી વધારે એડ વકર્સ (મદદ કરનારા સમાજસેવકો) માર્યા ગયા છે. આખા વિશ્ર્વના દબાણ પછી ઈઝરાયલે સ્વીકાર્યું છે કે ‘આ અમારી ભૂલ છે…’ ઈઝરાયલે આ ‘ભૂલ’ બદલ બે લશ્કરી અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ સંતપ્ત વિશ્ર્વે આ બનાવની સ્વતંત્ર તપાસની માગણી કરી છે.

અમેરિકાની ધમકી પછી ઈઝરાયલે ઉત્તર ગાઝાની ઇરેઝ ક્રોસિંગ ખોલવાની અને દક્ષિણ ઈઝરાયલના એશદોદ બંદરનો માનવ સહાય માટે ઉપયોગ કરવાનું ગાજર દેખાડ્યું છે. અમેરિકાનાં ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પોલોસી સહિત ડેમોક્રેટિક પાર્ટીના ૩૦ સાંસદોએ ઈઝરાયલને હથિયારો આપવાનું બંધ કરવાનો પ્રમુખ બાઈડેનને અનુરોધ કર્યો છે. કેનેડા, નેધરલેન્ડ, જપાન, સ્પેન અને બેલ્જિયમે ઈઝરાયલને હથિયારો આપવાનું બંધ કર્યું છે. ઇંગ્લેન્ડમાં પણ વિરોધ પક્ષો અને અમુક સાંસદોએ ઈઝરાયલને હથિયારો આપવાનું બંધ કરવાનો વડા પ્રધાન ઋષિ સુનકને અનુરોધ કર્યો છે.

આમ છતાં, અમેરિકા અને યુરોપના અમુક દેશો હજી ઈઝરાયલને કાતિલ હથિયાર આપવાનું ચાલુ રાખ્યું છે. ઈઝરાયલને મોટા ભાગના હથિયારો અમેરિકા આપે છે. અમેરિકાએ ઈઝરાયલને ૨૦૦૦ પાઉન્ડ બન્કર-બસ્ટર બોમ્બ આપ્યા છે. આ વર્ષે અમેરિકન કોંગ્રેસે ઈઝરાયલને ૧૪ અબજ ડોલરની સહાયનું પેકેજ મંજૂર કર્યું છે.

આ બધા વચ્ચે , ઈઝરાયલે કરેલી બીજી હરકત તો પહેલી કરતાં પણ અનેકગણી ખતરનાક છે. ઈઝરાયલે સીરિયાના દમાસ્કસમાં આવેલી ઈરાનના દૂતાવાસ પર હુમલો કરીને ઈરાનના મિડલ ઈસ્ટના ગુપ્ત ઓપરેશનના સાત અધિકારીઓને મારી નાખ્યા હતા. એ હુમલો એક વષર્થી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા શેડો વોરની પરાકાષ્ઠા છે. આ હુમલો ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલાથી ક્રોધે ભરાયેલા ઈરાને ધમકી આપી છે કે ઈઝરાયલનું કોઈ દૂતાલય હવે સલામત નથી. આને અર્થ એ થયો કે અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલ સાથે સીધી અથડામણ ટાળનાર ઈરાન હવે પ્રતિશોધની આગમાં કોઈ પણ લક્ષ્મણરેખા ઓળંગવા તૈયાર છે.

અમેરિકાને પણ ખાતરી છે કે ઈઝરાયલ પર પ્રતિ હુમલો કરવા ઈરાન તૈયાર છે. ઈરાન ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન પ્લેન વડે હુમલો કરી શકે. આ હુમલો નજીકના ભવિષ્યમાં જ કરાશે. ઈરાન અમેરિકાના મિડલ ઈસ્ટના લશ્કરી મથકો પર હુમલો ન કરે એ માટે અમેરિકાએ એવો ખુલાસો કર્યો છે કે અમને ઈઝરાયલના હુમલાનીૂ આગોતરી જાણ નહોતી. ઈરાને અમેરિકાને પણ કહી દીધું છે કે એ ઈઝરાયલના વડા પ્રધાન ‘બીબી’ના છટકામાં ફસાય ન જાય. ઈરાને અમેરિકાને ચોખ્ખું કહ્યું છે કે અમારી ઈઝરાયલ સાથેની લડાઈમાં અમેરિકા વચ્ચે ન પડે. સીરિયામાં ૯૦૦ જવાનો અને ઈરાકમાં ૨,૫૦૦ જવાનો અમેરિકા ધરાવે છે.
ઈરાનની ધમકીથી ઈઝરાયલ હચમચી ગયું તો લાગે છે. ઈઝરાયલે દક્ષિણ ગાઝામાંથી લશ્કરી દળો પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. ઈઝરાયલે તેના રાજદૂતાલય બંધ કરવા માંડ્યા છે. ‘બીબી’એ કુણા પડીને ઈજિપ્તમાં હમાસ સાથેની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેવાની તૈયારી દાખવી છે. હમાસ કહે છે કે ઈઝરાયલે સંપૂર્ણ યુદ્ધવિરામ માટે હા પાડવી જોઈએ અને સાત ઓક્ટોબર પછી કબજે કરેલા વિસ્તારો ખાલી કરવા જોઈએ. સામે ‘બીબી’ એ તો એવી જાહેરાત કરી છે કે હમાસ સાથેના યુદ્ધમાં એ વિજયથી એક પગથિયું જ દૂર છે.

ઈઝરાયલમાં વડા પ્રધાન નેતન્યાહૂ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. દેખાવકારો કહે છે કે ઈઝરાયલ છ મહિના ચાલેલા જંગ પછી પણ હમાસે બંદી બનાવીને રાખેલા ૧૩૦ બાનોને છોડાવામાં વિફળ રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાએ તેના લશ્કરને ઈરાનની ધમકીને પગલે સાબદા કર્યા છે.

સો વાતની એક વાત એ છે કે અમેરિકા માટે ઈઝરાયલ વ્યૂહાત્મક લાયેબિલિટી બનતું જાય છે. ઈઝરાયલ ભુખમરો વેઠી રહેલા પેલેસ્ટાઈનવાસીઓને સહાય મોકલવાની છૂટ પણ આપતું નથી. આને લીધે દુનિયાની નજરે અમેરિકાએ પણ પીછેહટ કરવી પડી છે. એડ વકર્સ પરના હુમલાએ તો અમેરિકાને બેઆબરૂ કરી નાખ્યું છે. અમેરિકા વીટો પાવરનો ઉપયોગ કરીને સંયુકત રાષ્ટ્રસંઘમાં ઈઝરાયલને બચાવતું આવ્યું છે. જો કે આની ભારે કિંમત બાઈડેનને એમના હરીફ ટ્રમ્પ સામેના જંગમાં ભોગવવી પડશે. બાઈડેનનું નવું રેટિંગ નીચે જઈ રહ્યું છે. રશિયા સામે યુક્રેન ગમે ત્યારે ઘૂંટણીયા ટેકવી દે એવી પરિસ્થિતિ છે. બાઈડેન યુક્રેનને સહાય પેકેજ આપવા માગતા હતા, પરંતુ સંસદે એ અટકાવી દીધું છે. ટ્રમ્પ તો યુક્રેનને કોઈ પણ પ્રકારની સહાય કરવાનો વિરોધ કરી રહ્યા છે.

બીજી તરફ, ઈરાનને રશિયા અને ચીનનો ટેકો છે. ઈરાનના કહેવાથી હૂતી અને હિઝબુલ્લાએ અમેરિકા અને ઈઝરાયલ વગેરેના હિતો પર હુમલો વધારી દીધા છે. ઇઝરાયલ પર લગામ ન તાણવાની અમેરિકાની હિમાલય જેવડી મોટી બ્લન્ડર તેના સુપરપાવર મોભાને જોખમમાં મૂકશે અને પૃથ્વીને ત્રીજા વિશ્વયુદ્ધની સમીપ ધકેલશે….

યુદ્ધ બની રહ્યું છે વિકરાળ….

‘મુંબઈ સમાચાર’ના ૧૦ જાન્યુઆરીની ‘પ્રાસંગિક’ કોલમમાં અમે પ્રગટ કર્યું હતું કે ઈઝરાયલ પર લગામ નહીં તાણે તો હમાસ સામેનું યુદ્ધ વિકરાળ બનશે : ‘નેતન્યાહૂ સત્તા બચાવવાના મરણિયા પ્રયાસમાં અમેરિકાને ડુબાડશે’ … આવા મથાળાવાળા લેખમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું હતું કે ઈઝરાયલ અમેરિકાના કહ્યામાં રહ્યું નથી. યુદ્ધની તીવ્રતા, પરિમાણ અને વિસ્તાર વધતા જાય છે. અમુક નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધમાં ભડકો થશેે તો આ ત્રીજા વિશ્ર્વયુદ્ધમાં પરિવર્તિત થશે. હમાસના ઈન્ટેલજિન્સ ફેલ્યોરના આરોપનો સામનો કરી રહેલા નેતન્યાહૂ માને છે કે યુદ્ધ જેટલું લંબાશે એટલી વધારે વાર તેમને સત્તામાં રહેવા મળશે. એમની આ આશા ઠગારી નિવડશે અને આમાં એ ડૂબશે અને સાથે અમેરિકા અને પ્રમુખ બાઈડેનને પણ ડુબાડશે. અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે અને બાઈડેનની લોકપ્રિયતા તળિયે જતી રહી છે….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…