ઈન્ટરવલ

પ્રાસંગિક: ઈરાન-ઈઝરાયલનો જંગ, વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર?

-અમૂલ દવે

એક ઉક્તિ છે કે ‘દુશ્મની એ આગ છે, જે સીમા અને સમજણને અવગણીને સ્પર્ધાથી સળગે છે..’

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અનોખું અને અજોડ છે. આ એવા બે દેશ વચ્ચે જંગ છે, જેમની સરહદ પણ મળતી નથી અને તેમના વચ્ચેનું અંતર 1,500 કિલોમીટરથી પણ વધારે છે. તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો નથી. ઈરાનની જીદ છે કે તે તેનો અણુ સંવર્ધનનો કાર્યક્રમ ચાલુ રાખશે અને ઇઝરાયલની હઠ છે કે તે ઈરાનને અણુસત્તા નહીં બનવા દે. બસ, આ જીદ આ અહમ સાથે આ બે દેશ અત્યારે એકમેકને ખતમ કરવા શક્તિશાળી અને કાતિલ બોમ્બ, મિસાઈલ, રોકેટ અને ડ્રોન છોડી રહ્યા છે. બન્ને દેશ એકમેકના પડોશી ન હોવા છતાં એર પાવર દ્વારા એકમેકની તબાહી કરી રહ્યા છે. બન્ને દેશ એકમેકની રાજધાની તેલ અવિવ અને તહેરાનને ગાઝા બનાવી રહ્યા છે.. ઈઝરાયલે તેર જૂને પહેલા દિવસે 200 ફાઈટર જેટ વડે ઈરાનનાં અણુમથકો, લશ્કરી મથકો પર હુમલો કરીને ઈરાન સહિત આખા વિશ્વને ચોંકાવી દીધું હતું. ઈરાન અને તેની જાસૂસી સંસ્થા ‘મોસાદે’ તો ઈરાનના ટોચના લશ્કરી જનરલ અને અણુ વિજ્ઞાનીઓને પણ પતાવી દીધા. આ હુમલો પહેલો ઘા રાણાનો જેવો હતો. અમેરિકા, ઈઝરાયલ અને યુરોપના સાથીદારો માનતા હતા કે ઈરાન આમાંથી બહાર ન આવીને સરેન્ડર થઈ જશે. ઈરાનને કળ વળતા વાર લાગી, પરંતુ 18 કલાક પછી ઈરાને તેલ અવિવ અને ઈઝરાયલના બીજા ભાગ પર મિસાઈલનો અંધાંધૂધ વરસાદ કરીને ઈઝરાયલની શાન ઠેકાણે લાવી દીધી. ચાર દિવસમાં તો મનસ્વી ઈઝરાયલે અમેરિકાને એવો તાકીદનો સંદેશ જઘજ મોકલાવ્યો કે ઈરાનને હરાવવું અને હંફાવવું એ અમારા વશની વાત નથી…! ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહુ યેનકેન પ્રકારે અમેરિકાને યુદ્ધમાં સામેલ કરવા માગે છે અને અમેરિકા યુદ્ધમાં સામેલ થવાના સંકેતો મળી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…

ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી વખતે યુદ્ધ અટકાવી દેવાની મોટી વાતો કરી હતી. ટ્રમ્પના પ્રયાસો છતાં યુક્રેનના ઝેલેન્સ્કીને લીધે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બનતું જાય છે. ટ્રમ્પે 15 વાર એવો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જંગ મારી મધ્યસ્થીને લીધે અટકી ગયો. ટ્રમ્પની વાતોમાં આવવાથી ઈરાનના અસ્તિત્વ અને વજૂદ સામે સવાલ ઊભો થયો છે. ટ્રમ્પે એક બાજુ અણુ કાયર્ક્રમ પર ઈરાન સાથે વાતચીતનું નાટક કર્યું અને બીજી બાજુ ઈઝરાયલને ઈરાન પર હુમલો કરવાનું ઈજન દીધું હતું. આને લીધે ઈરાન ઊંઘતું ઝડપાયું હતું. ઈરાને ધાર્યું જ નહોતું કે ઈઝરાયલ તેના પર આટલો મોટો હુમલો કરશે. તેના લશ્કરી જનરલ બન્કરને બદલે બેડરૂમમાં હોવાથી ‘મોસાદ’ યુક્રેન જેવું ઓપરેશન કરીને એને મારવામાં સફળ થયું હતું.
અમેરિકાએ લીબિયાના ગદાફી સાથે પણ મંત્રણાનું નાટક કરીને એમને પતાવી દીધા હતા.. અમેરિકાના આ વિશ્વાસઘાતથી ઈરાનના સુપ્રીમ નેતા ખામેની એવા રોષે ભરાયા છે કે એમણે અમેરિકા સાથે મંત્રણા કરવાનું જ બંધ કરી દીધું છે.

ઈરાનને પડોશી દેશોનો આવો ટેકો ન હોવાથી તે ફાઈટર જેટ વડે ઈઝરાયલ પર હુમલો કરી શકતું નથી. ઈરાન જે મિસાઈલ આક્રમણ કરે છે એનો નિષ્ક્રિય બનાવવાનું કામ અમેરિકા જોર્ડન અને ઈરાકમાં કરે છે. અમેરિકાએ ઈઝરાયલને તેની થાર એર ડિફેન્સ સિસ્ટમ આપી છે. તદુપરાંત ઇઝરાયલ પાસે પોતાની ત્રિસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમ છે. આમ છતાં ઈરાનના ક્રૂઝ અને સુપરસોનિક મિસાઈલો ઈઝરાયલમાં જબરી તારાજી મચાવી રહ્યા છે.. ઈરાન 100 મિસાઈલ છોડે છે તો એર ડિફેન્સ સિસ્ટમ 90 મિસાઈલને તો રોકી દે છે, પરંતુ જે દસ ટકા સફળ થાય છે એ પણ ઈઝરાયલમાં ભારે તબાહી અને તારાજી મચાવે છે. આનું કારણ એ છે કે ઈઝરાયલ અમેરિકાના ન્યૂ જર્સી જેવો ટચુકડો દેશ છે, જ્યારે ઈરાન તેના કરતાં 74 ગણો મોટો દેશ છે..

આ પણ વાંચો: પ્રાસંગિક: ઈલોન મસ્કનો થયો મોહભંગ…

અહીં યક્ષ પ્રશ્ન એ છે કે આખા વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધની સમીપ ધકેલી દેનારા આ જંગમાં હવે શું થશે? ઈરાને અમેરિકાના લશ્કરી મથક પર હુમલો ન કરીને ડહાપણનું કામ કર્યું છે. જો અમેરિકા ઈરાન સાથે સીધું યુદ્ધ કરે તો ઈરાનનો પરાજય નિશ્ર્ચિત થઈ જાય, ઈઝરાયલે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ જ ખતમ કરી દીધી હોવાથી ઈઝરાયલના ફાઈટર વિમાન મનમાં આવે ત્યારે ઈરાનમાં ઘૂસીને લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. ઈરાનના જવાબને લીધે ઈઝરાયલના હુમલા પણ ભયંકર થતા જાય છે.

બીજી બાજુ ઈરાન તેના મિસાઈલની તાકાત વડે લડી રહ્યું છે. રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યસ્ત હોવાથી તે ખાસ મદદ કરી શકે એમ નથી. ઈરાનની મુખ્ય આશા ચીન પર છે. જો ચીન ઈરાનને દગો દેશે તે ઈરાનને સરેન્ડર થવું જ પડશે. ચીન યુદ્ધમાં પણ ઈરાનને હથિયારો અને બીજા સાધન સામગ્રી મોકલી રહ્યું છે. જો ઈઝરાયલ ઈરાન પર ભીષણ હુમલો કરશે તો ઈરાન હોર્મુઝ સમુદ્રાધુની બંધ કરી નાખશે. તેલનું 15 ટકા અને એલપીજીનું 50 ટકાથી વધારે પરિવહન અહીંથી થાય છે. જો સામુદ્રધુની બંધ થશે તો અમેરિકાના સાથીદારો કુવૈત, સઉદી, જોર્ડન બધાનો તેલનો વેપાર બંધ થઈ જશે. જો આમ થશે તો તેલના ભાવ બેરલદીઠ 100 કે 150 ડૉલર થશે ને વિશ્વમાં મંદી ફેલાશે અને મોંઘવારી આસમાને પહોંચી જશે.

આ પણ વાંચો: પ્રાસંગિક: ભારતે શા માટે એફ-35 નહીં, પણ એસયુ-57 ફાઈટર જેટ ખરીદવા જોઈએ?

ઈરાન ધારત તો ક્યારનો અણુબોમ્બ બનાવી શકત, જો ઈરાને અણુપરીક્ષણ કરી નાખ્યું હોત તો અમેરિકા અને ઈઝરાયલ તેના પર હુમલો કરતાં પણ ગભરાત. ટ્રમ્પ ઉત્તર કોરિયાને છંછેડવાનું સાહસ કદી કરતા નથી. ખામેનીએ ઈરાનને અણુ બોમ્બ બનાવાની છૂટ અગાઉ ન આપીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ઈરાન પાસે અણુબોમ્બ બનાવવાનું જે નોલેજ છે એનો કોઈ બોમ્બ નાશ કરી શકવાનો નથી. ઇઝરાયલ પાસે ઈરાનની ભૂગર્ભમાં રહેલી સુવિધા પર હુમલો કરવાનું તંત્રજ્ઞાન કે બોમ્બ નથી. આવું કામ અમેરિકા જ તેના બન્કરને પણ ઉડાવી દે એવા બોમ્બ વડે કરી શકે. આથી જ અમેરિકા આ માટે જંગમાં સામેલ થઈ રહ્યું છે. જો ઈરાને અણુબોમ્બ બનાવી દીધો જ હશે તો ઈઝરાયલનું આક્રમણ અર્થહીન થઈ જશે. જો ઈરાને 400 કિલો જેટલું 60 ટકા સમૃદ્ધ યુરેનિયમ સલામત રાખ્યુ ંહોય તો એ આસાનીથી આની મદદથી 10થી વધારે બોમ્બ બનાવી લેશે અને ઈઝરાયલના વિનાશક હુમલાથી તોબા પોકારીને અણુ હુમલો પણ કરી શકે. તેની પાસે અણબોમ્બનું વહન કરી શકે એવી મિસાઈલો છે. હજી સુધી ઈરાને ઈઝરાયલના અણુમથક પર હુમલો કર્યો નથી. જો ઈરાન ઈઝરાયલ પર વધુ ઘાતક હુમલો કરવાની સ્થિતિમાં નહીં રહે તો તે અમેરિકાના સાથી દેશ સાઉદી, જોર્ડન, કુવૈત, ઓમાન, ઈજિપ્ત વગેરે પર હુમલો કરીને બદલો લેશે.

ઈઝરાયલે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિયમનું ઉલ્લંઘન કરીને ઈરાનના અણુમથક પર હુમલો કર્યો છે. ટ્રમ્પે સમાધાન માટે પુતિનની મદદ લીધી તેનાથી યુરોપના દેશો નારાજ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે વર્લ્ડ ઓડર બદલ્યો છે. હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા પ્રત્યક્ષ રીતે જોડાવાનું હોવાથી વિશ્વયુદ્ધનો તખ્તો ઝડપથી ઊભો થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Amul Dave

પત્રકારત્વમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રમતગમત, રાજકારણ, ધર્મ, જ્યોતિષ ઈત્યાદિ વિષય પર લોકપ્રિય કટાર લખી છે. રાજકારણ તેમનો મનગમતો વિષય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની હથોટી છે.
Back to top button