ઈન્ટરવલ

કવર સ્ટોરી : શેરમાર્કેટમાં ગાજ્યા આઇપીઓ વરસ્યા નહીં!-

હ્યુન્ડાઈ, સ્વિગી, ઓલા અને એનટીપીસી ગ્રીન જેવા બહુ ગાજેલા આઈપીઓ વળતરનો વરસાદ કરવામાં કેમ નિષ્ફળ રહ્યા?!

નિલેશ વાઘેલા

વરસાદી મોસમમાં મેઘરાજને યાદ કર્યા વગર ના ચાલે! જોકે કહેવત છે કે ગાજ્યા મેહ વરસે નહીં, એ રીતે મૂડીબજારમાં પાછલા વર્ષે જે બહુ ગાજેલા આઇપીઓએ પણ રોકાણકારોની વળતરના વરસાદની આશા પર પાણી ફેરવી દીધાં છે, તેની વાત માંડવી છે.

વર્ષ 2024માં આઈપીઓનો એક સમૂહ, જે આકાશને આંબતો હતો તે હજુ પણ ઊંચા મૂલ્યાંકન, નબળા અમલીકરણ અને લોક-ઈન પછીના વેચાણના દબાણને કારણે ઊર્ધ્વગતિ પામવા સંઘર્ષ કરી રહ્યો છે. રોકાણકારો હવે મુંઝાયા છે કે કરે તો ક્યા કરે?

2024ના 10 સૌથી મોટા લિસ્ટિંગમાંથી ચાર મોટા નામમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, સ્વિગી, એનટીપીસી ગ્રીન એનર્જી અને ઓલા ઇલેક્ટ્રિકને સ્થાન આપી શકાય. આ કંપનીના શેર હવે તેમના સંબંધિત ઈશ્યૂ ભાવથી નીચે ટ્રેડ કરી રહ્યા છે. મૂડીબજારમાં આટલી ગાજવીજ સાથે આવેલા આઇપીઓમાં આખરે શું ખોટું થયું તે જાણવાનો પ્રયાસ કરીએ.

આ પણ વાંચો: કવર સ્ટોરી : પાકિસ્તાનની જાસૂસી જાળના ભેદ-ભરમ

ઉપરોક્ત યાદીમાંથી સૌથી મોટો આઇપીઓ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો હતો, જે રૂ. 1,960ના ભાવે લિસ્ટેડ થયો હતો, પરંતુ ત્યારથી તેનું વળતર લિસ્ટિંગ કિંમતથી લગભગ 3.87 ટકા ઘટ્યું છે. મજબૂત બ્રાન્ડ અને મધ્યમ કદના સેગમેન્ટમાં મજબૂત પકડ હોવા છતાં, ઓટોમેકરના શેર લાભ ટકાવી શક્યા નથી. આનુંં એક કારણ તેની કિંમત પણ છે. જ્યારે આ આઇપીઓ લોન્ચ કરવામાં આવ્યો, ત્યારે બજારમાં નોંધપાત્ર ઉત્સાહ હતો. પ્રીમિયમ પણ ઊંચા બોલાતા હતા, તો આખરે એવું શું થયું?
બજારના નિષ્ણાત જણાવે છે કે, એવું નથી કે કંપનીની નાણાકીય કામગીરી નબળી રહી હતી, પરંતુ તુલનાત્મક ધોરણે ઉદ્યોગની અન્ય કંપનીઓ દ્વારા જોરદાર માર્કેટિંગ હલચલ અને નવા લોન્ચિંગ જેવાં પરિબળોને કારણે પણ તેના બજાર હિસ્સા પર દબાણ આવી શકે છે.

અગ્રણી વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ચિંતામાં વધારો કરનારો એક મુદ્દો એ પણ છે કે, હ્યુન્ડાઇનો આઇપીઓ શુદ્ધ ઓફર ફોર સેલ (ઓએફએસ) હતો. બીજા શબ્દોમાં ભરણામાંથી પ્રાપ્ત નાણાંનો ઉપયોગ કોઈ નવા મૂડીરોકાણ માટે થવાનો જ નહોતો. જ્યારે એકત્ર કરાયેલા નાણાં આંતરિક વૃદ્ધિ તરફ ન જાય, ત્યારે તે પણ ચિંતાનો વિષય બની શકે છે.

આ ઉપરાંત કોઇપણ આઇપીઓ પછીના પ્રદર્શનને સમજવા માટેનું બીજું પાસું ગ્રે માર્કેટની અપેક્ષાઓ છે. લિસ્ટિંગ પહેલા હ્યુન્ડાઇએ ગ્રે માર્કેટમાં રૂ. 250-300ના પ્રીમિયમ પર ટ્રેડ કર્યો હતો, જે ઊંચી અપેક્ષાઓનો સંકેત છે, જે લિસ્ટિંગ પછીની નિરાશામાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો: કવર સ્ટોરી: ‘હેરાફેરી’માં આ તે કેવી હેરાફેરી…

બીજી ખૂબ જ અપેક્ષિત લિસ્ટિંગ સ્વિગીનું હતું. આ કંપનીના શેર તેના આઇપીઓના ભાવથી 20 ટકાથી વધુ નીચે ગબડ્યા છે. આ કિસ્સામાં મુખ્ય ટ્રિગર એપ્રિલમાં લોકઇન પિરિયડની થયેલી સમાપ્તિ હતી, જેની અંતર્ગત તેના શેરહોલ્ડિંગનો 83 ટકા હિસ્સો ટ્રેડિંગ માટે છૂટો થયોે હતો. માર્કેટ એનાલિસ્ટ અનુસાર જે દિવસે લોકઇન પિરિયડ પૂરો થયો તે જ દિવસે આ કંપનીનો શેર 6.40 ટકાના કડાકા સાથે બાવન અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો હતો.

સંભવત: એન્કર ઇન્વેસ્ટરોએ લોક-ઇન પિરિયડ પૂરો થતાં જ, તેનો ઉપયોગ બહાર નીકળવાની તક તરીકે કર્યો હોવો જોઇએ. લિસ્ટિંગ સમયે વૃદ્ધિ વિશેની ગાથાઓ, વૃદ્ધિ માટે આવશ્યક મૂળભૂત સિદ્ધાંતો કરતાં વધુ સારા દેખાતા હતા. આખરે, રોકાણકારો જોખમને હળવું કરવા માટે બહાર નીકળી ગયા હોવા જોઇએ.

સ્વિગીના કિસ્સામાં, નાણાકીય બાબતો પણ નિરાશાજનક રહી હતી. નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી ખોટ લગભગ બમણી થઈને રૂ. 1,081 કરોડ નોંધાઇ છે. જોકે આવક વાર્ષિક ધોરણે 45 ટકા વધી છે. કંપની બ્રેક-ઇવન માટે સંઘર્ષ કરી રહી છે અને સામે સ્પર્ધા પણ તીવ્ર છે, તે જોતા સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હોવી જોઇએ.
એ જ દશા ઓલા ઇલેક્ટ્રિકની થઇ હતી. આ કંપની શેર દીઠ રૂ. 76 પર લિસ્ટેડ થઈ હતી, તે લોકઇન પિરિયડની સમાપ્તિ પછી તેના ઇશ્યૂ ભાવથી નીચે આવી ગઈ છે. લોકઇન પિરિયડની સમાપ્તિના અઠવાડિયા દરમિયાન તેના 18 કરોડથી વધુ શેર અનલોક થયા હતા અને શેર સાત ટકાથી વધુ તૂટ્યા હતા.

આ પણ વાંચો: કવર સ્ટોરી : શું હૉસ્પિટાલિટી ઉદ્યોગ હૉસ્પિટલ ભેગો?

કંપનીની આસપાસના સમાચાર પ્રવાહ અને નબળા ટૂંકા ગાળાનાં વલણોએ પણ રોકાણકારોના વિશ્ર્વાસને ડગાવ્યો હતો. નિષ્ણાતે કહ્યું હતું કે, ઓલાને તેના સેગમેન્ટમાં અગ્રણી માનવામાં આવતું હતું, પરંતુ નકારાત્મક અહેવાલોને કારણે શેરને નુકસાન પહોંચાડ્યું છે. આ શેરો હજુ પણ તેના પૂર્ણ મૂલ્યાંકનથી દૂર હોઈ શકે છે.

પીએસયુ જાયન્ટ દ્વારા સમર્થિત, એનટીપીસી ગ્રીન એનર્જી પણ ઇશ્યૂ ભાવથી સહેજ નીચે ટ્રેડ કરે છે. અગાઉની કંપનીઓથી વિપરીત, તેને લોકઇન પિરિયડની સમાપ્તિને કારણે ઉદભવતી નોંધપાત્ર અસ્થિરતાનો સામનો કરવો પડ્યો નહોતો, પરંતુ તેણે પણ વધુ ચમકારો કે ગતિ બનાવી નથી. લિસ્ટિંગ સમયે, રિન્યુએબલ એનર્જી એક ખૂબ જ ગાજેલી થીમ હતી. આ ક્ષેત્ર હજુ પણ લાંબા ગાળાની સુસંગતતા ધરાવે છે.

હ્યુન્ડાઇના કિસ્સામાં તાજેતરના ચોથા ત્રિમાસિક સમયગાળાના પરિણામમાં ચોખ્ખા નફામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ કંપનીએ સ્થિર વૃદ્ધિ દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે. સ્વિગીનો મુખ્ય ફૂડ ડિલિવરી વ્યવસાય સતત વધતો રહે છે, પરંતુ તેનું ઇન્સ્ટામાર્ટ ક્વિક-કોમર્સ શાખા હજુ પણ રેડ ઝોનમાં છે, જે કંપનીના વધતા નુકસાનમાં ફાળો આપે છે. ઓલા ઇલેક્ટ્રિકે નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં તેનો બજાર હિસ્સો ઘટીને 32 ટકા થયો હતો, જે હવે હરીફો ટીવીએસ અને બજાજથી પાછળ છે.

આ પણ વાંચો: કવર સ્ટોરી : એક નહીં -14 સવાલ મૈં કરું…..!

કંપનીઓના ફંડામેન્ટલ્સ અને સંબંધિત ક્ષેત્રની સંભાવના સારી હોવા છતાં જો મૂલ્યાંકન વાજબી સ્તરથી વધુ પડતા હોય તો તે લાંબો સમય ટકી શકતા નથી. રિટેલ અને એચએનઆઇ રોકાણકારો હવે વધુ મૂલ્યાંકન પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યા છે, તેઓ ઘણીવાર નિર્ણય લેવા માટે ગ્રે માર્કેટનાં વલણો અને તાજેતરના લિસ્ટિંગ ઇતિહાસ પર આધાર રાખે છે. જોકે જ્યારે બજારમાં અસ્થિરતા સર્જાય છે, ત્યારે માગ ઝડપથી અદૃશ્ય થઈ શકે છે. નાણાકીય વર્ષ 2025ના ઉત્તરાર્ધમાં બજારમાં વધુ આઇપીઓ આવવાની તૈયારીમાં હોવાથી રોકાણકારો આગળના અનુભવને આધારે સાવચેત રહે અને એ જ સાથે કંપનીઓએ પણ પોતાની ભાવ ઓફરોને વધુ વાસ્તવિક સ્વરૂપ આપશે એવી આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button