પ્રાસંગિક: ટ્રમ્પની મેડનેસમાં મેથડ છે?

-અમૂલ દવે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અકલ્પનીય, અકળ અને અહંકારી વ્યક્તિ છે. ઘણા લોકો એમને રોલ બેંક કે યુ-ટર્ન પ્રેસિડન્ટ ગણાવે છે. ઘણા લોકો એમને રીતસરના ગાંડા ગણે છે. જૂજ લોકો જ સમજી શકે છે કે એમની મેડનેસમાં મેથડ છે. બીજા શબ્દોમાં કહો તો એમના ગાંડપણમાં એક વ્યવસ્થિત પદ્ધતિ છે. ટ્રમ્પની એક રણનીતિ એવી છે કે પહેલાં તે ધમકી આપીને સામેવાળાને ડરાવે પછી સામેવાળાની પ્રતિક્રિયા જુએ છે. જો સામેવાળો કંઈ પ્રતિકાર ન કરે તો એ સ્ક્રૂ વધુ ટાઈટ કરે છે. સામેવાળો વળતાં પગલાં લે તો એ સિફતથી પીછેહઠ કરે છે…
ચીન અને અમેરિકા વચ્ચેના ટૅરિફવોરમાં અને અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલીમાં આ જ જોવા મળ્યું હતું. ટ્રમ્પના મીરજાપુરી લોટા જેવા અભિગમને લીધે ગ્લોબલ ઈકોનોમીમાં ગજબની અરાજકતા ફેલાઈ છે. એમના ‘અભી બોલા અભી ફોક’ના વલણને લીધે માત્ર આખું વિશ્વ નહીં, પરંતુ અમેરિકાના લોકોમાં પણ ફફડાટ વધતો જાય છે.
‘ગુડ પૉલિસી ઈઝ લાઈક અ ગુડ શર્ટ ’ જેવી હોવી ઘટે. એમાં કોઈ ઓલ્ટરેશનની જરૂર ન પડવી જોઈએ. ટ્રમ્પની પૉલિસી એવી છે, જેમાં વારંવાર દરજી પાસે જઈને સુધારા કરવા પડે છે.
ટ્રમ્પે પહેલાં રેસિપ્રોકલ ટૅરિફ બીજી એપ્રિલે જાહેર કર્યા. ચીને વળતા ટૅરિફ નાખતાં ચીન અને અમેરિકા વચ્ચે ટૅરિફ વોર શરૂ થયું છે. ચીન અને અમેરિકાએ એકમેક પર એટલા ટૅરિફ લગાડી દીધા છે કે 100 રૂપિયાના માલ પર 100 રુપિયા કરતાં વધારે ટૅરિફ લાગે. આવા અવાસ્તવિક ટૅરિફ હોય તો બન્ને દેશ વચ્ચેનો વેપાર ખતમ થઈ જાય. બીજી એપ્રિલે બધા દેશો પર રેસિપ્રોકલ ટૅરિફ લગાડ્યા બાદ ટ્રમ્પે તેના પર 90 દિવસનો પોઝ મૂકી દીધો-સ્થગિત કરી દીધો. ફક્ત ચીનને આ રાહત આપવામાં આવી નથી.
જોકે ટ્રમ્પે ત્યારબાદ ‘એપલ’ અને ‘માઈક્રોસોફ્ટ’ જેવા ટેક જાયન્ટને રાહત આપવા 20 પ્રોડક્ટ જેવા કે સ્માર્ટફોન, લેપટોપ, ચિપ, સોલર સેલ વગેરે પરના રેસિપ્રોકલ ટૅરિફ દૂર કર્યા હતા. આ ઉત્પાદનો ચીનથી લાવવામાં આવશે તો આના પર 20 ટકા ફેન્ટાનીલ ટૅરિફ લાગશે… જોકે અમેરિકાના કોમર્સ મિનિસ્ટરનું કહેવું છે કે આ હંગામી રાહત છે અને એક મહિનામાં સેમિક્ધડક્ટર અને ઈલેકટ્રોનિક પર સેક્ટરલ ટૅરિફ લાગશે!
અમેરિકા ચીન પાસેથી 88 અબજ ડૉલરના સ્માર્ટફોન અને કોમ્પ્યુટર આયાત કરે છે. અમેરિકામાં વેચાતા ચારમાંથી એક સ્માર્ટફોન તથા અમેરિકામાં વેચાતા ત્રણ કોમ્પ્યુટરમાંથી એક ચીનનું હોય છે. અમેરિકા આની બદલીમાં કોઈ બીજો નિકાસકાર શોધી શકે એમ નથી અને અમેરિકામાં આનું ઉત્પાદન કરવામાં આવે તો એની કિંમત બે કે ત્રણ ગણી વધી જાય.. ‘એપલ’ના 80થી 90 ટકા આઈફોન ચીનમાં બને છે. ટ્રમ્પના હુંકાર અને ધમકીને લીધે અમેરિકાના ટૅરિફ હુમલા માટે ચીન પહેલેથી જ તૈયાર હતું.
ટ્રમ્પે રેસિપ્રોકલ ટૅરિફ પર 90 દિવસનો વિરામ રાખ્યો એમાં ચીનની મોટી ભૂમિકા
છે. અમેરિકા તેના પ્રોજેક્ટ અને કર્મચારીની સેલરી જેવા ખર્ચા કાઢવા સરકારી બોન્ડ કાઢે છે. આ બોન્ડ ટ્રેઝરી બોન્ડ કહેવાય છે. ચીન, જાપાન અને બીજા દેશોએ મોટી સંખ્યામાં આ બોન્ડ ખરીદ્યા છે. આ બોન્ડના રિટર્ન તરીકે અમેરિકા ગેરેન્ટેડ ઈન્ટ્રેસ્ટ આપે છે. એક અંદાજ પ્રમાણે ચીન પાસે જાન્યુઆરી 2025માં 760.8 અબજ ડોલરના બોન્ડ હતા. જાપાન પાસે ડિસેમ્બર 2024માં 1.06 ટ્રિલિયન ડોલરના બોન્ડ હતા. ચીન અને જાપાને અમેરિકા પરનું અવલંબન ઓછું કરવા આ બોન્ડ વેચવાનું ચાલુ કર્યું છે. જો ચીન અને જાપાન તેની પાસેના બધા બોન્ડ વેચી નાખે તો અમેરિકાની ઈકોનોમીમાં ભૂકંપ આવી જાય.! ચીને તો રેસિપ્રોકલ ટૅરિફ લગાડવામાં આવે તો બોન્ડ વેચવાની ધમકી આપી હતી. જો ચીન બોન્ડ વેચી નાખે તો બોન્ડની કિંમત સડસડાટ નીચે જતી રહે, અમેરિકાના પ્રોજેકટ બંધ થઈ જાય અને સરકારી કર્મચારીઓને પગાર આપવાનું પણ ભારે પડી જાય. લોન લેવા માટેનો વ્યાજ દર ઊંચો થઈ જાય.
આ બધા પરિબળોથી ડરીને ટ્રમ્પે રેસિપ્રોકલ બોન્ડ પર 90 દિવસનો પોઝ લીધો છે. ચીનની ધમકીથી ગભરાયેલા ટ્રમ્પે બીજા બધા દેશોને રાહત આપી, પરંતુ ચીનને રાહત આપી નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે ચીનના પ્રમુખ શેન પિન્ગ તેમની આગળ બીજા દેશોની જેમ નતમસ્તક થાય, પરંતુ શિન પિન્ગને આ મંજૂર નથી. પિન્ગે પોતાના ચીનના લોકોમાં રાષ્ટ્રવાદ ભડકાવાનો પ્રયાસ કર્યો છે. ચીન કહે છે કે અમે ટ્રમ્પના બ્લેકમેલિંગને શરણે નહીં થઈએ. ટ્રમ્પના 90 દિવસના પોઝને લીધે યુરોપિયન યુનિયને ચીનને સાથ આપ્યો નથી. અમેરિકા સાથેના ટૅરિફ વોરને લીધે થતું નુકસાન સરભર કરવા ચીને ભારત, એશિયા અને આફ્રિકા જેવા દેશો સાથે વાતચીત શરૂ કરી છે.
બીજી તરફ, ચીન તેના ચલણનું મૂલ્ય ઘટાડીને ટૅરિફનો માર ઓછો કરી શકે. ટ્રમ્પની સરખામણીમાં ચીનના પિન્ગને એડવાન્ટેજ એ છે કે એમને ચૂંટણીની હારનો ડર નથી. એ તો આજીવન પ્રમુખ છે. બીજી બાજુ ટ્રમ્પ સામે લાખો લોકો રસ્તામાં ઊતરી રહ્યા છે.
ટ્રમ્પે વિરામ લીધો એનું બીજું કારણ ત્યાંનું શેર બજાર હતું. બીજી એપ્રિલથી અમેરિકાનું શેરબજાર ગગડતું જતું હતું. ગોલ્ડમેનસાકે તો ઈશારો કર્યો કે અમેરિકામાં મંદી આવવાની 65 ટકા સંભાવના છે. સાકે પછી આ સંભાવના 45 ટકા કરી હતી. અમેરિકન ડૉલર નબળો થતો જાય છે. આ બધા કારણોસર ટ્રમ્પે પીછેહઠ કરી છે. ટ્રમ્પે તેની ટૅરિફ ધમકીથી ચીન સિવાયના બીજા 149 દેશોને અમેરિકા સાથેવાતચીત કરીને અમેરિકાને છૂટછાટ આપવા લાચાર બનાવ્યા છે.
ઈરાન સાથે પણ ટ્ર્મ્પે આ જ રણનીતિ અપનાવી છે. ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને એક ધમકીભર્યો પત્ર લખીને અણુસમજૂતી કરવાનું દબાણ લાવ્યું. ઈરાને ઝુકવાની ના પાડી તો ટ્રમ્પે ઈરાનને ધમકી આપતાં કહ્યું કે જો ઈરાન અણુસમજૂતી નહીં કરે તો અમેરિકા ઈરાન પર બૉમ્બમારો કરશે અનેવિશ્વના નકશામાંથી ઈરાનને ગાયબ કરી નાખશે.
બીજી તરફ, અમેરિકાના આક્રમક રવૈયાને લીધે ઈરાને પણ યુદ્ધની તમામ તૈયારી કરી રાખી છે. ઈરાન પોતે ઈલેકટ્રોનિક વોરફેર માટે પણ તૈયાર છે એવો ઈશારો કર્યો. ઈરાનના મિત્ર રશિયાએ તો ઈરાન પર અમેરિકા હુમલો કરશે તો જોવા જેવી થશે એવી ધમકી આપી. પુતિને ટ્રમ્પને સમજણ આપી કે ઈરાન સાથેના યુદ્ધથી ત્રીજુંવિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. રશિયાની ચીમકી બાદ ટ્રમ્પે યુ-ટર્ન લઈને ઓમાનમાં ઈરાન સાથે અણુ ડીલ માટે વાતચીત શરૂ કરી છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાંથી પણ એમની મેડનેસમાં રહેલી મેથડનો ખ્યાલ આવે છે. મેક્સિકો બોર્ડર વોલના ફન્ડિંગ, ઉત્તર કોરિયા સાથેના ગજગ્રાહ અને ઓબામાકેર આ બધામાં ટ્રમ્પે વ્યૂહાત્મક પીછેહઠ કરી હતી.
ટ્રમ્પનું વ્યક્તિત્વ કોમ્પલેક્સ- ગૂંચવણવાળું છે. કોઈ પણ પગલું લેતા પહેલાં એના દૂરગામી પરિણામો એ વિચારતા નથી. જો એ પગલું ફ્લોપ જાય તો ટ્રમ્પ તરત જ યુ-ટર્ન લે છે. આમાં ઈકોનોમી અને આખા વિશ્વને હાનિ કે નુકસાન થાય છે તેની એ દરકાર લેતા નથી. ટ્રમ્પની બીજી મુદત તો હજી શરૂ થઈ છે માટે આખી દુનિયાએ એમના આવા અળવીતરાં પગલાંથી સર્જાનારા ભૂકંપ માટે તૈયાર રહેવું પડશે.
આપણ વાંચો : પ્રાસંગિક : અમેરિકા-ઈરાન વચ્ચે સીધા યુદ્ધનાં એંધાણ હાથે કરેલા હૈયે વાગ્યા ટ્રમ્પને…