આજની ટૂંકી વાર્તા : લપડાક

-બકુલ દવે
શોભનાબહેન બારણામાં ઊભી રહીને ખુશાલીને જતી જોતાં રહ્યાં. મનોમન ગર્વ અનુભવ્યો, કારકિર્દીને લઈને ખુશાલી કેટલી જાગૃત છે! એક દિવસ જરૂર એ ઝળકી ઊઠશે ને એનાં માતાપિતાનું નામ રોશન કરશે
ખુશાલી ગુમ થઈ ગઈ.
હંમેશની જેમ સવારે એ સ્પોકન ઈંગ્લિશ અને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસમાં જવા માટે નીકળી ત્યારે એણે શોભનાબહેનને કહ્યું: ‘મમ્મી, તું જમી લેજે. મારી રાહ ન જોઈશ.’
‘કેમ?’પાછા ફરતાં મારે કદાચ થોડું મોડું થઈ જશે.’
‘કેટલું મોડું થશે?’
‘એક-દોઢ વાગ્યે આવી જઈશ.’
સારું’ શોભનાબહેને કહ્યું, ‘પણ દોઢ વાગ્યાથી વધુ મોડું ન કરીશ.’
ખુશાલીએ માથું હલાવી હા પાડી ને ઝટકો મારી ટૂંકા કપાવેલા વાળ પાછળ ફેંક્યાં.
શોભનાબહેન બારણામાં ઊભીને ખુશાલીને જતી જોતાં રહ્યાં. મનોમન ગર્વ અનુભવ્યો, કારકીર્દિને લઈને ખુશાલી કેટલી જાગૃત છે! એક દિવસ જરૂર એ ઝળકી ઊઠશે ને એનાં માતાપિતાનું નામ રોશન કરશે.
દોઢ-બે-અઢી. ઘડિયાળનો કાંટો સરકતો રહ્યો પણ ખુશાલી ઘેર પરત ન આવી. શોભનાબહેનને ચિંતા પેઠી. ક્યાં જતી રહી છોકરી?
ત્રણ વાગ્યા.
શોભનાબહેનનો જીવ હવે પડીકે બંધાઈ ગયો. ખુશાલીની ભાળ મળી શકે એવી બધી જ જગ્યાએ ફોન કરી તપાસ કરી લીધી હતી. પૂછવા જેવું હતું એને પૂછી લીધું હતું, પણ વ્યર્થ.
શોભનાબહેને એમના પતિ મનસુખભાઈને ફોન કર્યો, ‘ખુશાલી હજી ઘેર પાછી ફરી નથી.’
‘હજી નથી આવી?’
‘ના.’
‘એના ક્લાસીસમાં ફોન કર્યો?’
‘ત્યાંથી એ ક્યારની નીકળી ગઈ છે…’
‘હું આવું છું…’
મનસુખભાઈ પળનોય વિલંબ કર્યા વગર દુકાનની બહાર આવ્યા ને મોટરસાઈકલને કિક મારી દોડાવ્યું ઘર તરફ. ઝડપથી ફરતાં મોટરસાઈકલનાં પૈડાં જેમ એમના વિચારોનું ચક્ર પણ ફરવા લાગ્યું. ક્યાં હશે ખુશાલી? કોઈ… કોઈ એને ઉપાડી ગયું હશે? કિડનેપ કરી લીધી હશે? થોડા દિવસ પહેલાં એમણે એક ન્યુઝ ચેનલમાં જોયું હતું કે એક વેપારીની યુવાન દીકરીને ગુંડાઓ ઉપાડી ગયા ને ફિરૌતીની મોટી રકમ છ આંકડાની રકમ માગી.
પણ બીજી ક્ષણે મનસુખભાઈને એ પણ વિચાર આવ્યો કે અઢી ત્રણ લાખની વસતિ ધરાવતા આ ચંદ્રપુરમાં અપહરણનો કિસ્સો લગભગ ન બને. એવી હિંમત કોણ કરે? પણ ફફડાટ ઓછો ન થયો. ઊલટું, વધ્યો. ચિંતા ઊપજાવે એવા-નકારાત્મક વિચારો ચોમેરથી એમને ઘેરી વળ્યા. આ ટેલિવિઝનના યુગમાં ખૂણામાં આવેલા ચંદ્રપુરમાં પણ બધું શક્ય છે, અપહરણ પણ. ટેલિવિઝનમાં વધારે તો ન શીખવા જેવું દેખાડાય છે. નવી (અને જૂની) પેઢી હોંશે હોંશે એ જુએ છે ને જાણે અજાણે અનુકરણ પણ કરે છે. હવે ચંદ્રપુરમાં પણ બે જણ મળે ત્યારે ‘કેમ છો?’ નહીં, પણ ‘હાઉ આર યુ?’થી ખબર પૂછે છે અને ‘મજામા’ નહીં, પણ ‘આઈ એમ ફાઈન’ કહી જવાબ આપે છે! યુવાનો ભેગા થાય છે ત્યારે ‘હાય’ કહે છે અને છૂટા પડે છે ત્યારે ‘બાય’ કહે છે બે હાથ જોડી ‘નમસ્તે’ કહેનારા હવે ‘આઉટ ઓફ ડેઈટ’ થઈ ગયા છે. તેના સ્થાને ‘હેન્ડ શેક’નું ચલણ વધી રહ્યુ છે. ચંદ્રપુરમાં પણ માણસ માણસ વચ્ચેની દૂરી વધતી જાય છે, નિકટ રહેવા છતાંય. કદાચ, આ કારણે જ સંવેદના ઘટતી જાય છે. સંવેદનાની ઊણપને લઈને અહીં પણ સહનશીલતાનો અભાવ વર્તાય છે અને સાવ નજીવી બાબતોને લઈને ‘લાગણીઓ’ ઘવાય તેવા કિસ્સાથી અવારનવાર કાગારોળ થતી રહે છે. સાચો પ્રેમ રહ્યો નથી પણ પ્રેમમાં પડવાની ઘટનાઓ ઝડપથી વધતી જાય છે. ટેલિવિઝન અને ફિલ્મો જોઈ ઊછરતી કમસીન અને નાદાન છોકરીઓને પ્રેમની રમતમાં ઢસડી જવાનું આવારા તત્ત્વો માટે સાવ સહેલું બની ગયું છે.
મહાપૂર આવ્યું છે એ ક્યાં લઈ જશે? ખુશાલી એમાં ગરક નહીં થઈ જાયને? ઘેર પહોંચવા અધીર બનેલા મનસુખભાઈ ભીતર ઊભરાતા પ્રશ્નો અને રસ્તા પરની ભીડ વચ્ચેથી આગળ વધતા રહ્યા.
મોટરસાઈકલ ઘર પાસે આવી અટકી. શ્ર્વાસભર્યા-ઉદ્વિગ્ન મનસુખભાઈ ઘરમાં ધસી ગયા. પાડોશીઓથી ડ્રોઇંગરૂમ ભરચક હતો. એમાં કેટલાકને તો મનસુખભાઈ ઓળખતા પણ ન હતા. કોઈ શોભનાબહેનને સલાહ આપી રહ્યા હતું તો કોઈ સાંત્વન. સૌ મનમાં જે ઊગે એ બોલતાં હતાં. એમના શબ્દોમાં નહોતી ચિંતા કે નહોતો આતંક. ખાલી ટીનમાં ખખડતા કાંકરા જેમ શબ્દો ઠાલું ખખડી રહ્યા હતા. એ શોભનાબહેનનો ફફડાટ ઓછો કરી શકે તેમ ન હતા.
એકાદ-બે જણના ચહેરા પર મનસુખભાઈએ સ્મિત જોયું, પ્રગટ થઈ તરત જ અદૃશ્ય થઈ જતું. એ સ્મિતમાં શું છે? કટાક્ષ છે કે રુગ્ણ આનંદ?
મનસુખભાઈને જોતાં જ શોભનાબહેનથી રડી પડાયું: ‘તમે-તમે ગમે ત્યાંથી મારી દીકરીને લઈ આવો…’
શું ઉત્તર આપવો? મનસુખભાઈ નિમાણા થઈ ઊભા રહ્યા. વીખરાતી જતી હિંમત એકઠી કરી-સ્વગત બોલતાં હોય તેમ કહ્યું: ‘તું ચિંતા ન કર. ખુશાલી ક્યાં જવાની છે? એ જરૂર પાછી આવી જશે…’
‘ક્યારે?’
‘ઝટ આવી જશે. ભગવાન પર ભરોસો રાખ.’
બીજા બે કલાક વીતી ગયા. પાંચ વાગી ગયા પણ ખુશાલીનો પત્તો નથી.
નિરુપાય થઈ મનસુખભાઈ પોલીસ સ્ટેશને ગયા. ફરજ પર સ્થૂળ શરીરવાળો કોન્સ્ટેબલ હતો. પગ લંબાવી નિરાંતે સિગારેટ પીતો હતો. એની બરાબર પાછળ, દીવાલ પર ગાંધીજીનો ફોટો હતો.
મનસુખભાઈની સામે થોડી ક્ષણો જોયા પછી કોન્સ્ટેબલે પૂછ્યું, ‘બોલો, શું ફરિયાદ છે?’
‘મારી દીકરી ગુમ થઈ ગઈ છે.’
ઊંડો કશ લઈ, સિગારેટ બુઝાવતાં કોન્સ્ટેબલે પેન ઉપાડી, ‘છોકરીનું નામ શું?’
‘ખુશાલી… ખુશાલી મનસુખભાઈ શાહ.’
‘ક્યાં ગઈ હતી?’
‘ભણવા ગઈ હતી-ક્લાસિસમાં.’
‘ઉંમર કેટલી?’
ઉંમર?! મનસુખભાઈને સમજાયું નહીં. ખુશાલીની ઉંમરને એના ગુમ થઈ જવા સાથે શું લેવાદેવા? છતાંય એમણે યાદ કર્યું, ‘એની જન્મતારીખ ચોથી જાન્યુઆરી ઓગણીસસો નેવું એટલે…’
‘એટલે અઢાર વર્ષ થઈ ગયાં.’
ખુશાલીને અઢાર વર્ષ થઈ ગયાં?! મનસુખભાઈને નવાઈ લાગી અને આઘાત પણ. આ સમય પણ કેવો દગાબાજ છે! સાવ નજર સામેથી પસાર થતો રહ્યો ને એના સરકવાની જરા સરખી જાણ ન થવા દીધી. તો શું પોતે સમયને ઓળખીને ચાલે છે એ માન્યતા સાવ પોકળ છે! ખુશાલીને હજીયે ટેડીબેરથી રમવું ગમે છે અને પોતે વાળ રંગે છે તેથી શું? પોતે સમયની સાથે વહી શક્યા નથી એટલે જ ખુશાલીની ઉંમર જાણીને, એક વાર પોતાને માટે ‘અંકલ’ સંબોધન સાંભળી આઘાત લાગ્યો હતો તેનો ફરી અનુભવ થયો.
‘હવે વાત સીધી થઈ ગઈ…’ કોન્સ્ટેબલે કહ્યું.
‘મને સમજાયું નહીં.’
‘છોકરીને કોઈ સાથે લફરું હોવું જોઈએ.’
‘લફરું?!’
‘હા, આ ઉંમરની છોકરી ગુમ થાય એટલે નેવું ટકા પ્રેમમાં ભાગી જવાનો કિસ્સો હોય.’
કોઈએ જબરજસ્ત પ્રહાર કર્યો હોય તેમ મનસુખભાઈએ માથું બે હાથમાં પકડી રાખ્યું. કોન્સ્ટેબલ પર ગુસ્સો આવ્યો. અઢાર વર્ષની આસપાસની છોકરી ગુમ થાય-મિસિંગ હોય તેથી એને કોઈ સાથે અફેર હશે, એ ભાગી ગઈ હશે એવું માનીને ચાલવાનું?
‘મારી દીકરી ભાગી જાય એવી નથી…’ મનસુખભાઈથી બોલાઈ ગયું.
કોન્સ્ટેબલના ચહેરા પર સ્મિત ચીતરાયું, ‘ઠીક છે. તમે અહીં સહી કરો. પત્તો મળશે તો તમને જાણ કરશું’
કોન્સ્ટેબલનું સ્મિત મનસુખભાઈને હલબલાવી ગયું. પોતાના ઘરમાં એકઠા થયેલા પાડોશીઓમાંથી એક-બે જણના ચહેરા પર આવું-કટાક્ષભર્યું સ્મિત ન હતું?
પોલીસ સ્ટેશનથી ઘરે પાછા ફરતાં મનસુખભાઈના મન-ચક્ષુ સામે એ સસ્મિત ચહેરાઓ દેખાતા રહ્યાં. તુલસીક્યારામાં પૂજાનું પાણી રેડાય તે રીતે એમણે ખુશાલીમાં ઉત્તમ સંસ્કારો સીંચ્યા છે તો પણ નવી પેઢીને અવળા માર્ગે ઢસડી જાય એવું મહાપૂર આવ્યું છે એમાં પોતાની દીકરી તણાઈ ગઈ હોય, એવું થશે તો-
છેક ઘર પાસે આવતા તળિયેથી પરપોટાઈને ક્ષણ વાર માટે એક આશા સપાટી પર આવી. પણ ઘરમાં પ્રવેશતાં જ એ પરપોટો ફૂટી ગયો.
શોભાબહેનના ચહેરા પર ઉદાસીનો રંગ વધુ ઘેરો બન્યો હતો. એમણે મનસુખભાઈને કશું પૂછ્યું નહીં. ઊતરેલો ચહેરો શિથિલ ચાલ જોઈને એ બધું સમજી ગયા.
સગાંવહાલાં, મિત્રો અને ખુશાલીના હોવાની શક્યતા હતી ત્યાં મનસુખભાઈ ફોન દ્વારા પૃચ્છા કરતા રહ્યાં. કદાચ, ખુશાલી એમાંથી કોઈના ઘરે હોય અથવા કોઈએ એને ક્યાંય જોઈ હોય. પણ ક્યાંયથી આશા જગાડે એવા ખબર ન મળ્યા.
સાંજ ઢળી ગઈ.
અંધારું ઘેરાવા લાગ્યું. શોભનાબહેનની આંખો રડી રડીને સૂઝી ગયા જેવી થઈ ગઈ. સતત અધ્ધર જીવ રહ્યો તેથી મનસુખભાઈને પણ ચૂંથારો થવા લાગ્યો. કદાચ, એમનું બ્લડપ્રેશર વધી ગયું હતું. પોલીસ સ્ટેશનેથી પણ કોઈ સમાચાર ન હતા.
રાત્રે દસ વાગ્યે નીરવતાને ચીરતી ડોરબેલ રણકી ઊઠી. મૃત શરીર જેમ પડેલાં શોભનાબહેન સળવળ્યાં. સ્થૂળ શરીર ઊંચકી એ દોડ્યાં. બારણું ઉઘાડ્યું તો સામે ખુશાલી ઊભી છે-કરમાયેલો ચહેરો અને વિખરાયેલા વાળ લઈને.
શોભાબહેન એને વળગી જ પડ્યાં-કદીયે અલગ થવા ન ઈચ્છતાં હોય તેમ.
ક્ષણ વારમાં જ વાતાવરણ બદલાઈ ગયું. મનસુખભાઈ અને શોભનાબહેનનો જીવમાં જીવ આવ્યો.
મનસુખભાઈએ પૂછ્યું, ‘ક્યાં ગઈ હતી, બેટા? અમે તો ચિંતામાં અધમૂઆ થઈ ગયાં.’
‘આયમ વેરી સોરી, પપ્પા. મેં તમને ખૂબ ચિંતા કરાવી પણ શું કરું?’
‘કેમ, શું કરું એટલે?’ શોભનાબહેને અકળાઈને પૂછ્યું.
‘મમ્મી, ફર્સ્ટ ઓફ ઓલ યુ લિસન ટુ મી, પ્લીઝ. પછી તારે મને લપડાક મારવી હોય તો હું ગાલ ધરીને ઊભી રહીશ.’
‘શોભના, તું એની વાત સાંભળ.’ કહી મનસુખભાઈએ ખુશાલી સામે જોયું, ‘કહે, શું વાત છે?’
‘સવારે હું ક્લાસીસમાં જવા નીકળી ત્યારે રસ્તામાં મને મારી એક ફ્રેન્ડ સ્વાતિ મળી ગઈ.’
‘એ કોણ?’
‘તું એને ન ઓળખે, મમ્મી. અમે વાતો કરી રહ્યાં હતાં ત્યારે સ્વાતિના સેલફોન પરથી એને ખબર મળ્યા કે એનાં મમ્મીને અકસ્માત થયો છે. આખા શરીરે દાઝી ગયાં છે.’
‘હે ભગવાન! પછી?’
‘પછી અમે સ્વાતિના ઘેર ગયાં ને ત્યાંથી હોસ્પિટલમાં.’
‘તારે અમને ફોન કરવો જોઈએ ને.’ શોભનાબહેનના અવાજમાં ફરિયાદ ભળી.
ખુશાલી હસી: ‘તારી વાત સાચી છે, મમ્મી. પણ દોડાદોડીમાં સ્વાતિએ એનો સેલફોન ક્યાંક ખોઈ નાખ્યો હતો. સ્વાતિના મમ્મી આઈ.સી.યુ.માં હતાં. સ્વાતિ મને વળગીને બેઠી હતી. એની મન:સ્થિતિ એવી હતી કે એનાથી થોડીવાર માટે દૂર જવાનું પણ મારા માટે મુશ્કેલ હતું. ને યુ નો, મારી પાસે મોબાઈલ તો છે નહીં, નહિંતર હું તમારી સાથે વાત કરી શકી હોત.’
મનસુખભાઈને થયું, દોષ પોતાનો જ છે. ખુશાલીએ અનેકવાર માગણી કરી તો પણ પોતે એને મોબાઈલ ન લાવી આપ્યો. પોતાના ભાગીદારની દીકરી કોઈ છોકરા સાથે મોબાઈલ પર વાત કરતાં એના પ્રેમમાં પડી ગઈ હતી તે જાણ્યું પછી એ સતર્ક બની ગયા હતા.
પણ હવે મનસુખભાઈને પશ્ર્ચાતાપ થઈ રહ્યો હતો. ક્યાં પોતાના ભાગીદારની વંઠેલ છોકરી અને ક્યાં ખુશાલી. મનસુખભાઈને શરમ પણ આવી કે પોતે ખુશાલીને લઈને-એ છોકરીએ કદીયે ન વિચાર્યું હોય એવું કશું એણે કર્યું હશે એવી આશંકામાં ડૂબેલા હતા ત્યારે એ મુશ્કેલીમાં સપડાયેલી પોતાની મિત્રની સાથે હતી. એને આશ્ર્વસ્થ કરી રહી હતી.
સૌથી વધુ આનંદ મનસુખભાઈને એ વાતનો હતો કે કટાક્ષયુક્ત સ્મિતથી વિદ્રુપ ચહેરાઓ પર, એ લોકો હંમેશ માટે પાઠ ભણી જાય એવી લપડાક ખુશાલીએ સાવ અજાણપણે ઝીંકી દીધી છે. તેમ કરી એણે એનાં માતાપિતાનાં મસ્તક ઊંચાં કરી દીધાં છે.
બીજા દિવસે મનસુખભાઈએ ખુશાલીની હથેળીમાં નવો નકોર મોબાઈલ મૂક્યો, ‘લે, આ તારી પાસે રાખ.’
ખુશાલીનો રૂપાળો ચહેરો હસુહસુ થઈ ગયો. એ મનસુખભાઈને ભેટી પડી: ‘ઈસ્ટ એન્ડ વેસ્ટ, માય પાપા ઈઝ ધ બેસ્ટ.’
રાત્રે ખુશાલી ભરનિદ્રામાં હતી. શોભનાબહેન પણ સૂઈ ગયાં હતાં. મનસુખભાઈને ઊંઘ આવતી ન હતી. ટીવી મ્યુટ કરી, બદલાતાં જતાં દૃશ્યો એ અમસ્થું જ જોઈ રહ્યાં હતાં.
વાઈબ્રેટ મોડ પર રહેલો ખુશાલીનો મોબાઈલ ફ્લેશ થયો. મનસુખભાઈનું ધ્યાન એ તરફ ગયું. એમણે ફોન ઉપાડ્યો. એસ.એમ.એસ. હતો. ‘ગઈ કાલે મારા ફાર્મહાઉસમાં તારી સાથે મજા પડી. આ રવિવારે ફરી ત્યાં જઈશું. જરૂર પડે તો તારી કાલ્પનિક સખી સ્વાતિનાં મમ્મીની ખબર કાઢવાનું બહાનું બનાવીને આવજે… ઉમંગ.’
મનસુખભાઈના હાથમાંથી મોબાઈલ સરકી ગયો. એ સ્તબ્ધ થઈ ઊભા રહ્યાં. અચાનક જ અદૃશ્ય થઈ ગયેલા ચહેરાઓ કટાક્ષયુક્ત સ્મિત સાથે મનસુખભાઈ સામે ફરી પ્રગટ થયા. સ્મિત ધીમે ધીમે હાસ્યમાં ફેરવાયું ને પછી અટ્ટહાસ્યમાં.
અનાયાસે જ મનસુખભાઈનો હાથ એમના ગાલ પર ફરવા લાગ્યો. જાણે એમને સણસણતી લપડાક ન પડી હોય?
આપણ વાંચો : આજની ટૂંકી વાર્તા : ગુના વગરની સજા