સુભાષચંદ્ર બૉઝનો સેંકડો કરોડોનો ખજાનો ગયો કયાં?

પ્રફુલ શાહ
સુભાષચંદ્ર બૉઝ. પ્રભાવતી દત્ત અને જાનકીનાથ બૉઝના આ સુપુત્ર નેતાજી જેવા વિશેષણથી ઓળખાયા, માન-સન્માન પામ્યા. ઓરિસાના કટકમાં 1897ની 23મી જાન્યુઆરીએ પૃથ્વી પર અવતરણ થયું એ નિશ્ર્ચિત. સત્તાવાર રીતે 1945ની 18મી ઑગસ્ટે જાપાનના ફોર્મોસા (હાલના તાઈવાન)માં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું, પરંતુ ખરેખર એ દિવસે, એ સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા? વિમાન અકસ્માતે જીવ લીધો હતો? દાવા ખૂબ થયા કે તેઓ ભારતમાં અલગ અલગ સ્થળે વેશપલ્ટો કરીને 1945 બાદ જીવ્યા હતા.
ખૂદ ભારત સરકારે આ વિમાન અકસ્માત અને એમાં નેતાજીના આકસ્મિક નિધનને સમર્થન આપ્યું હતું. સાથોસાથ એ પણ ઉમેર્યું હતું કે અકસ્માતમાં ખૂબ દાઝી ગયા બાદ હાલના તાઈપેઈની હૉસ્પિટલમાં થોડા કલાકમાં તેમણે આખરી શ્ર્વાસ લીધા હતા. તેમની અંતિમવિધિ તાઈવાનમાં કરાઈ હતી. આના સમર્થનમાં અનેક પુરાવા-સાક્ષી ય હાજર કરાયા હતા.
પરંતુ આના વિરોધાભાસમાં દાવો કરાયો કે સુભાષબાબુ વિમાન-અકસ્માતમાં બચી ગયા હતા. આ કથિત મોત બાદ પણ તેઓ ભારતના કલકત્તા, અલાહાબાદ અને ઔરંગાબાદમાં દેખાયાના દાવા કરાયા હતા. અમુક લોકોએ તેમને રશિયામાં જોયેલા અને ત્યાં રાજ્યાશ્રય મેળવ્યાના દાવા કર્યા હતા. કોઈએ એમને ચીનમાં જોયા હતા, તો કેટલાંકે એમને સાઉથ ઈસ્ટ એશિયાના મલેશિયા, સિંગાપોર અને ઈન્ડોનેશિયામાં જોયાની રજૂઆત કરી હતી. થિયરી તો એવી ય ચર્ચાઈ કે બ્રિટિશ કે ભારત સરકારે જ સુભાષચંદ્ર બૉઝની હત્યા કરાવી હતી, પરંતુ એમના ફરી દેખાવા કે હત્યા અંગે કોઈ નક્કર પુરાવા-સાક્ષી નહોતા.
અંતે નેતાજીના મોત અંગે વિવાદ વધતા ભારત સરકારે 1956માં શાહ નવાઝ સમિતિની સ્થાપના કરી હતી. આ શાહનવાઝ ખાન અગ્રણી કૉંગ્રેસી હોવા અગાઉ બૉઝની ઈન્ડિયન નેશનલ આર્મીના સભ્ય પણ હતા. આ સમિતિએ બે વર્ષ તપાસ-પૂછપરછ બાદ અહેવાલ સુપરત કર્યો કે નેતાજી વિમાન દુર્ઘટનામાં જ માર્યા ગયા હતા અને તેમના અન્ય સ્થળે જીવતા દેખાવા અંગે એકેય નક્કર પુરાવા નથી. છતાં વિવાદે શાંત પડવાનું નામ ન લીધું. 1970માં ખોસલા પંચે તપાસ કરી. ચાર વર્ષ સુધી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના જાપાની પાઈલોટ અને તેમની સારવાર કરનારા જાપાની ડૉક્ટર સહિતના ઈન્ટરવ્યુ બાદ શાહનવાઝ પંચ જેવો જ ચુકાદો આપ્યો. અગાઉના પંચમાં બૉઝ પરિવારના કોઈને સામેલ ન કરવાનો વિરોધ થયો હતો. સાથોસાથ બન્ને પંચને નેતાજી અંગેની કલાસિફાઈડ અર્થાત ગુપ્ત સરકારી ફાઈલ ન જોવા દેવાનો વિરોધ થયો હતો.
આ વિવાદને શાંત પાડવા 1999માં મુખર્જી પંચને જવાબદારી સોંપાઈ. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હેઠળના પંચે ધડાકો કર્યો કે નેતાજી વિમાન દુર્ઘટનામાં માર્યા નહોતા ગયા અને ટોકિયોના રેનકોજી મંદિરમાં નેતાજીના ગણાવીને રખાયેલા અસ્થિ પણ એમના નથી. એટલું જ નહીં, વિમાન અકસ્માતમાં નેતાજીનુ મોત તો માત્ર ‘કવર અપ’ એટલે ઢાંકપિછોડો હતો. કેન્દ્ર સરકારે આ વિવાદાસ્પદ અહેવાલનો સ્વીકાર ન કર્યો. આ અહેવાલને અટકળ-ધારણા આધારિત બતાવાયો. એટલું જ નહીં, અત્યાર સુધીની ભારત સરકારોએ નેતાજી સુભાષચંદ્ર બૉઝ અંગેની કલાસિફાઈડ ફાઈલ્સ હજી જાહેર કરી નથી અને એ માટે ગળે ઊતરે એવાં કારણો પણ આપી શકી નથી. સરકારે આ બધી ફાઈલ નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયાને સોંપી છે, પરંતુ તેની પાછળનો ઈરાદો ફાઈલની જાળવણી અને ડિજિટાઈઝેશનનો જ છે. આ બન્ને કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી તેને જાહેર જનતા સમક્ષ કે પબ્લિક ડોમેઈનમાં નહીં મુકાય? પછી 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી પરની એકસો ફાઈલ જાહેર કરી હતી, જેમાં નેતાજી વિમાન અકસ્માતમાં બચી ગયાના કોઈ પુરાવા નહોતા. આનાથી સૌને સંતોષ થયો એમ માની ન શકાય.
નેતાજી સુભાષચંદ્ર બૉઝના અવસાન અંગેના જોરદાર વિવાદ વચ્ચે એક બાબત દબાઈ ગઈ કે ભૂલાવી દેવાઈ જેના પર અહીં ફોક્સ કરીશું. 2016માં નેતાજી પરની અમુક ડિકલાસિફાઈડ ફાઈલમાં અમુક ચોંકાવનારી બાબતો બહાર આવી હતી. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ રક્ષિત અને સાઉથ બ્લૉકમાં બંધ તાળામાં રહ્યાં, પીળા પડી ગયેલા અમુક પાનાંમાં નેતાજીએ ભારતની સ્વંતત્રતા માટે સશસ્ત્ર લડાઈ કાજે આમ જનતા પાસેથી દાનમાં મેળવેલા રોકડ, સોના અને અલંકારોને પગ આવી ગયા હતાં તેનો ઘટસ્ફોટ થયો હતો.
હા, નેતાજીના અવસાન બાદ ઈન્ડિયન નેશનલ આર્મી માટે એકઠા કરાયેલા મોટા ભંડોળનું થયું શું? એ કોણ ઓહિયા કરી ગયું? પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પી એમ ઓ)અને વિદેશ મંત્રાલયમાંની નેતાજી ફાઈલ્સમાં છુપાયેલા ઘણાં રહસ્યોમાંનું એક આ ખજાના બાબતનું છે. શક્યતા છે કે 1945માં નેતાજીના મોત કે મોતની જાહેરાત બાદ આ લૂંટ ચલાવાઈ હોવી જોઈએ.
ડિકલાસિફાઈડ ફાઈલના દસ્તાવેજો મુજબ ઈન્ડિયન નેશનલ આર્મીના મોટા ભંડોળ-જે આજે સેંકડો કરોડોનું થાય. એ અંગે ત્યારની સરકાર જાણતી હતી પણ તેણે કંઈ કરતા કંઈ ન કર્યું. નહેરુ સરકારને માહિતી અને ચેતવણી મળી હતી. ત્રણ-ત્રણ વાર ચેતવણી મળી હતી કે નેતાજી પોતાની પાછળ વિયેતનામના સાયગોન (હાલના હો મિંચ શહેર)માં મોટો ખજાનો-સોનું, કિંમતી રત્નો-મૂકી ગયા છે. સરકારે કંઈ ન કર્યું અને શંકાસ્પદ ષડયંત્રકારીઓએ એ ખજાનો પચાવી પાડ્યો. આનાથી ય બદતર બાબત એ બની કે આ ખજાનાની ઉચાપતના એક શકમંદ અને આઈ.એન.એ.ના ભૂતપૂર્વ સભ્યનું સરકારે સન્માન કર્યું હતું.
દેશની આઝાદી માટે અલગ, હિંમતભર્યો અને હિંસક માર્ગ પસંદ કરનારા નેતાજી સુભાષચંદ્ર બૉઝના અમૂલ્ય ખજાનાનું શું થયું એની ઘણી ચોંકાવનારી વાતો છે. એ ઘટસ્ફોટમાં જલ્દી ડોકિયું કરીશું.
મુખવટાની પાછળ
રાજકારણ હવે માત્ર સત્તાનો ખેલ બની ગયું છે અને સત્તાનો આધાર પૈસા પર છે.
-તાકેઓ ફુકાદા (જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન)
આપણ વાંચો : Kangana Ranaut: નેતાજીના વંશજોએ કંગનાને ઈતિહાસનો પાઠ ભણાવ્યો, નેતાજીના નામે રાજકારણ ન કરવા કહ્યું