ટૂંકી વાર્તાઃ આ મીઠી નામ સાવ ગામઠી લાગે છે.. આજથી તેનું નામ માલા.’

વર્ષા તન્ના
‘આજે દસબાર જણાં જમવાના છે.’ રાઘવ બોલતો બોલતો નીકળી ગયો. તેણે મીઠી સામે જોયું પણ નહીં. મીઠી રાહ જોતી હતી રાઘવની મીઠી નજરની… આજે તેના લગ્નની 25 મી વરસગાંઠ હતી. દીકરી વેણુએ મોકલાવેલી બહુ સરસ સાડી પહેરી હતી. પેલી ગોરી મેડમ પહેરે એવી. કદાચ એ મેડમને સાડી પહેરાવવા માટે કોઈની જરૂર પડે પણ મીઠી તો મીઠી જ દરેક કામ ખૂબ જ ચીવટથી કરે. આજુબાજુ વાળા મીઠી પાસે આવે. માત્ર કામ શીખવા જ નહીં. પણ ઘરના દુખદર્દનું ઓસડ પણ મીઠી બહુ મીઠાશથી આપે. તેનું ઓરિજિનલ નામ મીઠી પણ લગ્ન પછી રાઘવે તેનું નામ માલા કરી દીધું હતું. લગ્નના બે દિવસ પછી રાઘવે ઘરમાં કહી દીધું કે ‘આ મીઠી નામ સાવ ગામઠી લાગે છે.. આજથી તેનું નામ માલા.’ ત્યારે સસરાજીએ કહ્યું હતું કે ‘આ મીઠી નામ તો બહુ મીઠું છે… અને આમ નામ ન બદલાવાય. તેના જન્મના દાખલાથી લઈ બધી જગ્યાએ તેનું નામ બદલાવવું પડે.’
‘બાપુ આપણે ક્યાં એનું ક્યાંય નામ નાખવાનું છે? આ તો મને કોઈ પૂછે કે તારી વાઈફનું નામ શું છે તો મીઠી ન સારું લાગે. એટલે માલા સમજ્યા.’ આમ ઘરમાં રાઘવે હુકમ બહાર પાડ્યો. અને મીઠી ઘરમાં સાસુ માટે અને રાઘવ અને નોકર વર્ગ માટે માલા થઈ ગઈ. સસરાજી કોઈ વખત તેને વહાલથી મીઠી બોલાવી લેતા. તો મીઠીના ચહેરા પર ગળચટું સ્મિત છવાઈ જતું.રાઘવ તો વહેલો નીકળી ગયો. આજે ગામમાં બહુ મોટા પ્રધાન આવ્યા છે. હવે ચૂંટણી આવે છે તેની મીટિંગ છે એટલે રાઘવને તો જરાપણ સમય નથી. રાઘવનું ગામમાં નામ બહુ મોટું અને કામ પણ બહુ મોટું. સરપંચ તરીકે બોલે અને સંધાય તેનું માને પણ ખરા.
તેની જમીન બહુ મોટી.. અને પાક પણ સારો આવે. કેટલાયને કામ આપે અને કેટલાયનું કામ લઈ પણ લે કોઈને કશી જાણ વગર. પછી ભલે બધા એકબીજાના કાનમાં ગણગણે. પણ આ તો રાઘવ… કોઈનું સાંભળે નહીં તેને તો આ વખતે પ્રધાન બનવાનું હતું. ગામમાં તો તેનું રાજ હતું હવે દેશના રાજકારણમાં પણ તેનું નામ ગુંજતું થશે. પછી ધીમે ધીમે રાજ્ય સરકાર અને પછી દિલ્હી… આમ વિચારતા જ રાઘવની છાતી પહોળી થવા માંડતી હતી.
તે જેવો ગયો તરત થોડીવારમાં પાછો આવ્યો. મીઠી ખુશ થઈ તેને થયું કે આજે રાઘવને તેની લગ્નતિથિ યાદ આવી હશે એટલે આવ્યો. પણ તે તો પોતાના ઓરડામાં ગયો. જલદી જલદી કપડાં બદલાવ્યા અને બબડતો બબડતો ભાગ્યો. ‘સાવ અભણ ગમાર.. હવે આનાથી છુટકારો થાય તેમ નથી. જો અટાણે કશું અજુગતું થાય તો તેનું નામ ચૂંટણીના ઉમેદવારમાંથી કાઢી નાખવામાં આવે. તેનું નામ તો સાવ પહેલું જ છે એટલે ધીરજ ધરવી પડશે.’ આમ વિચારતા તે હમણાં લીધેલી નવી મોટરમાં રોફથી બેઠો. ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરી.
‘પક્ષની મોટી ઓફિસે લઈ લ્યો.. દેસાઈ સાહેબનું કહેણ આવ્યું છે.’
દેસાઈ સાહેબને ત્યાં જવાનું કહેણ આવ્યું એટલે તો તેણે કપડાં બદલાવ્યા. ‘સાવ અક્કલ વગરની છે…આવા કપડાં કઢાય… અત્યારે તો કફની અને પાયજામો… તે પણ ખાદીના. જરા રોલો પડે.. પ્રધાન જેવા લાગવું પડે. રાઘવ તો દેસાઈ સાહેબના બોલાવવાની રાહ જોતો ત્યાં વેઇટિંગ રૂમમાં સોફા પર બેઠો હતો.
ત્યાં દેસાઈ સાહેબની સેક્રેટરી મિસ સીમા આમથી તેમ ચક્કર મારતી હતી. ‘કેટલી સ્માર્ટ છે! આ વિચારની સાથે મીઠીનો ચહેરો દેખાયો. અને તેનો ચહેરો કટાણો થયો. નામ મીઠી પણ સાવ ગમાર…ક્યાંય મીઠાસ નહીં. આખો દિવસ એ ભલી એનું રસોડું…ખાવા પીવા સિવાય કોઈ વાત આવડતી નથી. સાવ ભોંથું છે. તેણે આવી મારી જિંદગી ઝેર જેવી કરી નાખી છે. સારું કર્યું વેણુને શહેરમાં ભણવા મોકલી દીધી. ભણીગણી મારી દીકરી ખૂબ મોટું માણસ બનશે. હવે તો પોતે પણ પ્રધાન બનશે એટલે તે પણ શહેરમાં જશે. ત્યાં તો પ્રધાનને ક્વાટર મળે છે. નહીં મળે તો પૈસા તો છે ને. પૈસાથી શું નથી મળતું. મત… ઘર અને પછી ત્યાં તેની સામેથી મિસ સીમા પસાર થઈ. પછી તો શહેરમાં ઘણા જલસા થાય. કોઈને કોઈની પડી નથી. પૈસા તો છે જ. આમ વિચાર કરી રાઘવે હોઠ પર જીભ ફેરવી પાન ક્યાં થૂંકવું તે માટે આમતેમ જોવા લાગ્યો. ‘સામે બેઝીન છે તેમાં થૂંક જો. દેસાઈ સાહેબને ગંદકી જરાપણ ગમતી નથી.’ મિસ સીમા બોલાવવા આવી ત્યારે બોલી.
મીઠી અને રાઘવના લગનની 25મી વરસગાંઠ હતી. સવારે વેણુનો ફોન મીઠી પર આવ્યો હતો ‘મમ્મી આજે પપ્પાનું ખીસું ખાલી કરજે. હું તારા માટે લઈ આવી હતી તે સાડી પહેરજે… અને તારા લાંબા વાળનો સરસ અંબોડો વાળી ગુલાબનું ફૂલ નાખજે.’ મીઠી સ્મિત કરતાં બોલી હતી..
‘તારા પપ્પાને અંબોડો નથી ગમતો.’ મીઠી ધીમા સ્વરે બોલી.
‘તને ગમે છે ને? આજે તમારા બંનેની મેરેજ એનિવર્સરી છે. તને પોતાને ગમતું પણ કરવાનું.’ વેણુએ કહ્યું.
‘તું મારી મા છો કે દીકરી?’ તરત જ વેણુ બોલી ‘સખી.. ફ્રેન્ડ.’ પછી બંનેના માત્ર શ્વાસનો અવાજ આવતો હતો. કારણકે વેણુને ખબર હતી મમ્મી આવું કશું નથી કરવાની અને તેની આંખમાં પાણી હશે.
‘મમ્મી, તને ખબર છે આપણી બાજુમાં રહેતા મંજુમાસીને તેના દીકરાને ભણાવવા પૈસા આપ્યા હતા. મોંઘી આપણી કામવાળી તો તને એની મા માને છે. તેના દીકરાને આપણી ગાડીમાં લઈ તું બાજુના ગામના ડોક્ટર પાસે ગઈ હતી. એનો છોકરો બચી ગયો. તે દિવસે તું ફોન ભૂલી ગઈ હતી પછી પપ્પા તને ચીડાયા હતા. તને ખબર છે ગામમાં પપ્પા બહુ મોટું માણસ છે. તેમને નાના લોકો ગમતા નથી. તે કહેતા હતા કે ચૂંટણીમાં ઊભા રહેવાના છે. તો મત ક્યાંથી લાવશે તને શું લાગે છે તેઓ ચૂંટણી જીતી જશે?’
‘હા, હા, ચોક્કસ જીતી જશે.’ થોડીવાર રહીને મીઠીનો બોદો અવાજ સંભળાયો. ‘જો નહીં જીતે તો?’ આ
વિચાર સાથે મીઠીના રૂવાડા ઊભા થઈ ગયા.
‘તું આજ આવી જાને દીકરા..’ મીઠી બોલી
‘મા પરીક્ષા પૂરી થાય એટલે તરત જ તારી દીકરી હાજર.’ આમ બોલી વેણુએ ફોન મૂકી દીધો હતો. મીઠીએ આજે એ જ સાડી પહેરી હતી. અંબોડામાં ગુલાબ નાખવા ગઈ ત્યાં કાંટો વાગ્યો. ફૂલ ત્યાંજ ડ્રેસિંગ ટેબલ પર મૂકી દીધું આંગળીમાંથી લોહીનો ટશિયો ફૂટ્યો. તેણે આંગળી પોતાના મોંમાં મૂકી દીધી.
‘બેટા આપણે જ આપણી પીઠ થાબડવાની.’ પોતાની માએ કહેલાં શબ્દો મીઠીએ ગાંઠે બાંધી લીધા હતા. રાઘવ સાથે લગ્ન કરવા તેની માએ મીઠીની મા પાસે માગું નાખ્યું હતું. હવે પાંચસો વીઘા જમીન અને ઘરમાં સાયબી. વળી શહેરની કોલેજમાં ભણેલો છોકરો. કોણ મા ના પાડે? પણ રાઘવના મનમાં શહેરની છોકરી લાવવાની વાત મનમાં રહી ગઈ. બાપુનું નામ એવડું મોટું હતું કે હવે હા-ના કરી શકાય નહીં. વળી રાઘવની હોશિયાર માએ સમજાવી દીધું હતું કે ‘બહુ ભણેલું બૈરું નહીં સારું. આપણાં પર જ છાણાં થાપે.’ તે દિવસે તેણે મીઠી સાથે લગ્ન તો કરી લીધા પણ … ગાડી એક તરફી જ રહી. મીઠી ખૂબ ડાહી અને ઘરરખ્ખુ છોકરી હતી. ઘરની નાની મોટી દરેક વ્યક્તિનું ધ્યાન રાખતી. તે થોડું ભણેલી પણ જાજું ગણેલી હતી. કોઈ પણ કામ કરે તો પણ રાઘવ તેના વખાણ કરતો નહીં. શરૂઆતમાં તેને બહુ ખૂંચતું. પણ રાઘવને આપબડાઈ તેની માએ ગળથૂથીમાં પીવરાવી હતી. તેની દુનિયામાં તે પોતે એકલો જ હતો અને બીજી હતી વેણુ. તેની સાથે અઠવાડિયે એક વખત ફોન કરી વાત કરી લેતો અને બોલતો ‘તેને ખોટી ખોટી વાતો કરી બહુ ડિસ્ટર્બ ન કરવી. સારું કર્યું તે અહીંથી ગઈ… કશુંક સારું શીખશે.’
આમ બોલી તે ઘણી વખત ત્રાંસી આંખે મીઠીને જોતો કે તેની ધારથી લોહી ન નીકળતું પણ તે છોલાઈ જતી.
‘મા આજે પપ્પાએ શું ગિફ્ટ આપી?’ વેણુએ ફોનમાં પૂછ્યું હતું. મીઠી પણ વિચારવા લાગી કે પતિ તરફથી આજે તેને શું મળ્યું ? તે ઉતાવળે નીકળ્યા ત્યારે પોતે તેની સામે જોઈ રહી હતી પણ તેમણે અડછાડતી નજર સુધ્ધાં નાખી નહીં.
‘ઓકે, મા તારા માટે હું શું લઈ આવું?’ વેણુએ સવાલ બદલ્યો.
‘બાજુવાળા કમલાકાકી માટે એક શાલ લઈ આવજે… બિચારા શિયાળામાં બહુ હેરાન થાય છે. મોંઘીના દીકરાને ચોકલેટ બહુ ભાવે છે…’ મીઠી બોલતી હતી ત્યાં તેને વચ્ચેથી અટકાવીને વેણુ બોલી ‘મા લિસ્ટ તો તે મને કેટલીયે વખત લખાવ્યું છે અને બધી વસ્તુ આવી ગઈ છે. હું તારા માટે શું લઈ આવું તે પૂછું છું?’ વેણુએ હસતાં હસતાં પૂછયું.
‘તું આવે છે.. બસ, મારે બીજું કઈ નથી જોઈતું.’ મીઠી બોલી ‘સારું હવે ફોન મૂક. હું મંદિરે જઈ આવું.’ આમ બોલી મીઠી મંદિરે ગઈ.
રાઘવ ખૂબ ધીમા પગલે ઘરમાં દાખલ થયો. પછી પોતાના ઓરડામાં જઈ પોતાની પ્રિય આરામ ખુરસી પર બેઠો. ક્યાંય આરામ મળતો ન હતો. આંખો બંધ કરી છતાં વિચારોનું વાવાઝોડું તેને જંપવા દેતું ન હતું. તેને પ્રધાન થવાનું સાવ નક્કી જ હતું. કયું ખાતું સોંપાશે તે ચૂંટણી પછી નક્કી કરવાનું હતું. પણ ભારેખમ કામ અને ભારેખમ નામ.. અત્યારે તો બધું હવામાં અધ્ધર…તેણે રાજકારણની આંટીઘૂંટી શીખી લીધી હતી. ભલભલાને ખુરસી પરથી ઉઠાડયા અને બેસાડ્યા હતા. આજે પોતાનું નામ જ્યારે આવ્યું ત્યારે આખું ચિત્ર ફરી ગયું.
‘મોવડીમંડળે એવો નિર્ણય કર્યો છે કે તમારે બદલે સ્ત્રી ઉમેદવાર તરીકે ઊભા રાખવા. જેની જીતની સો ટકા ખાતરી છે. તમારા કરતાં તમારા પત્ની યોગ્ય રહેશે’ આ શબ્દો હજુ કાનમાં ગુંજાતા હતા ત્યાં માલા ઓરડામાં પ્રવેશી.
‘એ ગમારને એક વખત ખુરસી પર તો બેસવા દે. આમ પણ મેં ભલભલાને ઊથલાવ્યા છે. આમ પણ આ ડોબીને શું આવડે રાજ કરતાં? સાચું રાજ તો મારે જ કરવાનું છે ને?’ રાઘવ વિચાર કરતો હતો.
‘તું આવી ગઈ?’ રાઘવ ખુરસી પરથી ઊભો થયો અને બોલ્યો.
મીઠીએ હકારમાં માથું ધૂણાવતા કહ્યું ‘હું મંદિરે ગઈ હતી .. આજે આપણાં ..’
તરત જ વચ્ચેથી અટકાવતાં રાઘવ બોલ્યો ‘આજે તું ખૂબ સુંદર લાગે છે.’ માલા જાણે રાઘવની આંખોમાં પોતાનો પરિચય શોધતી હોય તેમ જોઈ રહી. પણ શિયાળની આંખમાં લુચ્ચાઈ સિવાય કશું ન મળ્યું.
‘અહીં આવ, આ દર્પણમાં જો તું કેટલી સુંદર દેખાય છે.’ આમ બોલી રાઘવે ત્યાં પડેલું ગુલાબનું ફૂલ
માલાના અંબોડામાં નાખ્યું. માલાએ પોતાની કાંટો વાગેલી આંગળી દબાવી… જે હજુ પણ દુખતી હતી.
‘હમણાં દેસાઈ સાહેબને ત્યાં ગયો હતો. આ વખતે ચૂંટણીમાં આપણાં પક્ષમાંથી સ્ત્રી ઉમેદવારને ઊભા રાખવાના છે… કેટલીક સીટ સ્ત્રીઓ માટે અનામત રાખવાની હોય છે. આ વિસ્તારની સીટ પર સ્ત્રી ઉમેદવાર તરીકે તારે ઊભા રહેવાનું છે તેમ પક્ષના મોવડી મંડળે નક્કી કર્યું છે. હું છું તારે જરાપણ ચિંતા કરવાની જરૂર નહીં. એક વખત જીતી જઈએ પછીનું બધુ તો હું સંભાળી લાઈશ.’
હવે માલાને પોતાનો ચહેરો અરીસામાં બરાબર દેખાયો. મીઠીએ હવે રાઘવ સામે જોયું. રાઘવ નજર ચોરી બહાર નીકળી ગયો અને બોલતો ગયો ‘કાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો… તું બે ત્રણ વખત સહી કરવાની પ્રેક્ટિસ કરી લે. તેમાં છેકછાક નહીં ચાલે.’
બીજા દિવસે દેસાઈ સાહેબ, ગામનું મહાજન અને પક્ષના મોટા માથા બધા રાઘવને ઘરે ભેગા થયા. આજે માલા ચૂંટણીનું ફોર્મ ભરવાની હતી. તેણે ફરી વખત પેલી દીકરીએ આપેલી સાડી પહેરી અને અંબોડો વાળ્યો. સાથે ગુલાબનું ફૂલ પણ સરસ રીતે ખોસ્યું. આજે તેને કાંટો ન વાગ્યો. તેણે અરીસામાં જોયું. પોતાનો ચહેરો સ્મિત કરતો હતો સાથે પાછળ ઊભેલાં રાઘવનો ચહેરો માંડ માંડ સ્મિત પકડી ઊભો હતો.
‘ચાલો બહેન તમે આ ફોર્મ ભરો.’ મિસ્ટર દેસાઈ બોલ્યા.
‘આ ફોર્મ ભરી તૈયાર રાખ્યું છે. તેમનો માત્ર અંગૂઠો મરાવો.’ રાઘવ બોલ્યો અને થૂંકયો.
‘બહેન તમારી સહી કરો.’ દેસાઈ સાહેબ બોલ્યા
‘એક મીનીટ..’ એક કોમળ અવાજે તેને રોકી. વેણુ આવતી હતી. ‘મમ્મી તારે મીઠી તરીકે સહી કરવાની છે. આધાર કાર્ડમાં મારી માનું નામ મીઠી છે…’
વેણુ બોલી, મીઠી વેણુને જોઈને ખુશ થઈ ગઈ. વેણુએ સરસ મજાની પેન પોતાના પર્સમાંથી કાઢી. સહી કરી મીઠી રાઘવ રાઠોડ. પછી દેસાઈ સાહેબ સામે જોઈને બોલી ‘આપણે જીતીએ કે ન જીતીએ પણ ગામમાં ચોખ્ખાઈ અભિયાન તો ચલાવવાનું જ છે. આમ કોઈ થૂંકે તે ન ચાલે…’
આ પણ વાંચો : ટૂંકી વાર્તા: જખમ