ઈન્ટરવલ

વ્યંગ: કરવતથી કોના કટકા કરવાની કટોકટી?

-ભરત વૈષ્ણવ

‘મને માઆઆ.રોઓ ભાઆગ આપીપી દો.’ ચંદુ ચૌદસે લથડતા અવાજે માંગણી કરી.

‘આ કંઇ માગવા બાંગવાનો સમય છે?’ કોઇ વડીલે ચંદુની માગણીથી ભડકીને મોટા અવાજે કહ્યું.હજુ અર્ધો કલાક પણ કયાં થયો હતો? બધું પતી જાય પછી સગાસંબંધીની હાજરીમાં ભાગ પાડવામાં આવે તો સંબંધોના દૂધમાં ખટાશ ન આવે. પ્રેમ ભાવ જળવાઇ રહે. ચંદુ નાનો ભાઇ છે. સંપત્તિની વહેંચણીમાં થોડો વધુ ભાગ ચંદુને મળે તો મનુના મકાનના પાયા થોડા હચમચી જવાના હતા?

Also read : સળગતી આગને નહીં, પણ ઠંડી પડેલી રાખને લોકો રગદોળે છે

‘આ જ ખરોરો મોમોકોઓ છે. નાકક દબાવીએ તો તો જ ભઓડું ખુલ્લે.’ ચંદુએ લથડતી ચાલે અને લથડતા અવાજે માગણી દોહરાવી.

ચંદુના મોઢામાંથી રેલવેના એન્જિનની માફક હળવી ભારે સિસોટી વાગતી હતી. આંખના પોપચા લગભગ લુઢકી ગયા હતા. ચંદુએ પોટલી મોમાં મૂકી અને પોટલી પર ભીંસ આપી. પોટલીનું પ્રવાહી મોં વાટે શરીરમાં ગયું શરીરમાં ગરમાવો આવ્યો. તેના ચહેરા પર પ્રવાહીના દદેડા થયા. બુશકોટના ડાબી બાંયથી મોઢું લૂંછી નાખ્યું. પોટલીમાંના પ્રવાહીની તીવ્ર ગંધ ચારેકોર ફેલાઈ ગઇ. બહેનોએ સાડીનો છેડો નાક આગળ દબાવ્યો.

‘ભૈ કોઇ આને સમજાવો. આને અહીંથી લઇ જાવ.ટાઇમ ફાઇમ જોતો નથી. ફરજ બજાવવાના બદલે ભાગ … ભાગની માળા જપે છે. ચંદુડો વેળા-કવેળા બખાળો કરી માહૌલ બગાડે છે.’ મનુ મોટાએ ચંદુને આઘો લઇ જવા કહ્યું.
મનુ મોટો ચંદુનો સગો મોટો ભાઇ. મનુએ મા-બાપની જવાબદારી શ્રવણની જેમ ચુપચાપ બજાવેલી -કોઇ લાલચ વિના -કોઇ અપેક્ષા વિના. એક જ મા-બાપના બે રતન. એક ઉદાર અને બીજું ઉધાર.

‘શું બોઓલ્યોયો, મનુનુડા સાલા ? હુંહુંઅં ક્યાંયય જવાવાબવાનોનો નથી. દુ:ખના પ્રસંગે પારોઠના પગલાલા ભરૂરૂ તો માઆનું ધાવણ લાજે. લે આ ઊભોઓ. થાયય ઇ કરીરી લે.’ ચંદુ રાજાપાઠમાં આવી ગયો.

‘તારે શેમાં ભાગ જોઇએ ? નપાવટ ચંદુડા.’ મનુએ ગુસ્સે થઇને પૂછયું.

‘મારે સંધાયયમાં ફીફટી ફીફટી ભાગ જોઇએેએ છે.’ ચંદુએ ઇરાદો વ્યક્ત કર્યો.

‘તારે ઘરેણાંમાં અર્ધો ભાગ જોઇએ છે? તને તારો ભાગ મળી જશે. હવે શાંતિ થઇ?’ મોટા મનુએ ચંદુને પૂછ્યું.

‘ના, ઘરેણાઆ ?એ તો હું તનેએ આપી શકું એટલી મારી ઓકાત છે.’ હવે ચંદુને દેશી પોટલી બરાબર ચડી હતી.

‘આપણા બાપાની ચાલીસ વીઘા જમીન હતી. હું તને વીસ નહીં પચ્ચીસ વીઘા જમીન આપીશ.’ મોટા મનુએ ઉદારતા દાખવી.

‘મનેએ ક્યાંયય ખેતીતી આવડેડે છે? મોટા, જમીન તુંતુંતું જ રાખ.’

‘શહેરનો ફલેટ તારો, ગામડાનું મકાન મારું.’ મોટા મનુએ મકાનની વહેંચણી કરી.

‘ઓકેકેએ.’ ચંદુએ સંમતિ આપી. પોટલીમાંથી પાછો એક ઘૂંટડો પીધો.

‘બાપાએ ચાલીસ લાખ રૂપિયા શેરમાં રોક્યા હતા. શેરની માર્કેટ વેલ્યૂ નેવું લાખ છે. પિસ્તાળીસ લાખ રૂપિયા તારા અને પિસ્તાળીસ લાખ રૂપિયા મારા. બરાબરનો હિસાબ કર્યો છે. એની ડાઉટ ? એની પ્રોબ્લેમ? ‘ મોટો પ્રામાણિક હતો. એને અણહકનું કશું ખપે જ નહીં એમ મોટો હક્કનું કશું છોડે પણ નહીં.

‘યુ આરરર રાઇટ બ્રોઓઓ’ ચંદુએ મોટાનો નિર્ણય વધાવી લીધો. એના માનનાં ‘થ્રી ચિયર્સ’ કહી ત્રણ મોટા ઘૂંટડા પીધા.

‘ચંદુ, બાપાએ કરોડ રૂપિયાની લોન લીધી હતી. બાપા તો દેવ થઇ ગયા. દીકરા તરીકે આપણે પાઇ પાઇનું દેવું ચૂકવવું પડે. હું સિતેર લાખ રૂપિયા ચૂકવીશ બાકીના ત્રીસ લાખ રૂપિયા તું ચૂકવી દેજે’ મોટા મનુએ ઓર્ડર કર્યો.

ચંદુ અને મનુ વચ્ચે સ્થાવર અને જંગમ સંપતિની વહેંચણી ચાલતી રહી. પાંચ રજાઇની અઢી અઢી રજાઇની વહેંચણી કરવા રજાઇ ફાડીને રૂમાલ કર્યો ગાદલા, ચાદર,પલંગ, હિંચકા, પૂજામાં બેસવાના પાટલા-બોજોઠ વહેંચાયા. વાસણકુસણ વહેંચાયા.મંદિરના દેવી -દેવતા પણ વહેંચાયા. રામની મૂર્તિ મનુડાની. મહાદેવની મૂર્તિ ચંદુડાની. દીવાસળીની પેટીમાં ન સળગાવેલી ચાલીસ દીવાસળી સુધ્ધાંના ભાગ પડયા. પારિજાતના વૃક્ષમાં પિસ્તાળીસ ફૂલ આવેલ. તેના પણ ભાગ કાંસકાના ચોંટેલા વાળ અને ડ્સ્ટબિનનાં રહેલ કચરાના પણ સરખે હિસ્સે ભાગ પડયા. બાપાને ટીબી, ડાયાબિટીસ , બ્લડપ્રેશર, અસ્થમા હતા. તેના પણ સરખા ભાગ પાડ્યા. બાપાનાં સ્વપ્ન, દુસ્વપ્નના પણ ભાગ પાડયા. બાપાને નડતા ગ્રહ રાહુ, કેતુ, શનિ,મંગળ, વક્ર શુક્ર, માર્ગી ગુરૂ, છત્રભંગ, અઢી વર્ષની ઢૈયા, સાડાસાતીની પનોતી મહાદશા-અંતરદશાના ભાગ પાડેલા. આ અગાઉ, બા-બાપજીના ‘બાગબાન’ ફિલ્મની જેમ ભાગ પાડેલા. બા મનુ મોટાના ભાગે રહી ગઇ.

‘હજજજી, ભાગ પાડવાના બાકી છેએેએ.’ચંદુ બરાડ્યો. ચંદુના હાથમાં કરવત હતી.

‘અકરમી, બારી બારણાંના ભાગ પાડીશ તો અમે ઠંડી -ગરમીમાં કયાયના નહીં રહીંએ. ચોર લોકો ચોરી કરી જશે એ નફામાં.’ મનુ મોટો હવે ગરમ થયો.

‘અહીંહીહી. બાઆરી બાઆરણાના ભાઆગ કોને કરવા છે?’ચંદુ દાંત પીસીને બોલ્યો.

‘તો ચંદુડા તારો ઇરાદો શું છે?’ મનુએ સાફ સાફ પૂછયું.

‘મોટા, તને ખબર છે? કબીર સાહેબ નિધન પામ્યા ત્યારે હિન્દુ-મુસ્લિમ અનુયાયીઓમાં દફન દહન કરવા માટે ચડસાચડસી થઇ ગયેલી. કબીર સાહેબના મૃતદેહના કટકા કરવા પડે તો અગ્નિસંસ્કાર અને દફનવિધિ થઇ શકે. ત્યારે ચાદર નીચે ઢાંકેલ મૃતદેહને બદલે ફૂલો નીકળેલા. હિન્દુ-મુસ્લિમ અનુયાયીઓએ પોતપોતાની રીત માન્યતા મુજબ વિધિવિધાન કરેલ.’ ચંદુએ કહાની કહી.

‘ચંદુડા , આ બધું કહેવા- સાંભળવાનો કયાં સમય છે? બાપાને કાઢી જવાનો સમય પાકી ગયો છે.એમાં તું ’ મનુ મોટાને નાના ચંદુના ઇરાદા કળાતા ન હતા.

‘મનુભાઇ, હું બાપાના મડાં-મૃતદેહને કાપીને અડધો મૃતદેહને લઇ જવા માગું છું.’ ચંદુએ પાના ઓપન કર્યા.

‘ચંદુડા, કોઇ વ્યક્તિની સ્થાવર જંગમ મિલકતના ભાગ પડે પણ કોઇ વ્યક્તિના મર્યા પછી એના મૃતદેહના ભાગ ? તારે બાપાના મૃત શરીરના શા માટે ટુકડા કરવા છે?’ મનુએ માથે હાથ મૂકીને પૂછયું.

‘હું ચંદનનાં લાકડાંથી મારા બાપાનો અગ્નિસંસ્કાર કરવા અને બાપાને મુખાગ્નિ આપવા ઇચ્છું છું.’ ચંદુડાએ મનુ મોટાના કાનમાં હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો !

‘ચંદુડા, મેં સ્થાવર જંગમ મિલકતની વહેંચણી કરવાની તારી બધી વાજબી ગેરવાજબી વાત માથે ચડાવી, પરંતુ બાપુજીના મૃતદેહના કટકા કરવાની વાતનો હરગિજ સ્વીકાર નહીં કરું બાપુજી અખંડ હતા અને નિધન બાદ પણ અખંડ રહેશે. બાપુજી કોઇ રાષ્ટ્ર નથી કે એના તને બે ટુકડા કરવા દઉં. બાપજીના જીવતેજીવ સારવાર કરી નહીં અને હવે એના ટુકડા કરી તેમની અંત્યેષ્ટિ કરવી છે? જીવતા કોઇ જાણે નહીં અને મર્યા પછી લે ખીચડી ખા જેવું તરકટ ફરકટ હું ચલાવી નહીં લઉં .’ મનુ મોટાએ લાલ આંખ કરી ચંદુ ચૌદસને તલવાર ઝાટકીને કહી દીધું પછી.

Also read : આઝાદ ભારતનું પ્રથમ સ્કૅમ એટલે જીપ કૌભાંડ

ચંદુડો હાથ ઘસતો રહી ગયો. મનુ મોટાએ બાપુજીને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા. હવે લાગે છે કે મરનાર માણસે સ્થાવર જંગમ મિલકતોની વહેંચણી માટે વસિયાતનામું કરવા ઉપરાંત મૃત શરીરનો કયો હિસ્સો કોને મળશે એનું શરરીરિયત એટલે કે વસિયત કરવાની નોબત આવી ગઇ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button