ઈન્ટરવલ

કવર સ્ટોરી : ભારત સામે છે કૂટ પ્રશ્ન ડ્રેગનને ડારવો કે આવકારવો?

-નિલેશ વાઘેલા

ડ્રેગન આપણો શત્રુ છે અને એવો શત્રુ છે કે જેના પર કોઇ પ્રકારનો ભરોસો ના કરી શકાય અને સાથે તેના પર દયા ખાવા જેવું પણ નથી! આ વાત સ્પષ્ટ છે. અહીં આપણે ટ્રેડ વોર એટલે કે વેપાર યુદ્ધની વાત કરી રહ્યાં છીએ પણ આપણી સરહદો પર પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, માલદીવ્સ બાદ હવે તાજેતરમાં બાંગ્લાદેશને સાધીને ચીન ભારત પર હુમલાઓ કરવાની વ્યૂહરચના તપાસી રહ્યું હોવાનું સંભળાઇ રહ્યું છે.

…તો પછી આવી પરિસ્થિતિમાં ડ્રેગનને ડારવા કે આવકારવાનો પ્રશ્ર્ન જ ક્યાં ઊઠે છે! આ સવાલ એટલે માટે છે કે આ વાત ટ્રેડ વોરની છે અને ભારત ચાણક્યનો દેશ છે. અમેરિકાએ હંમેશાં આપણાં શત્રુ રાષ્ટ્રોને શસ્ત્રોથી માંડીને ડોલરની નિરંતર સહાય કરી છે તે આપણે જાણીએ છીએ.

હાલના તબક્કે અમેરિકાએ વૈશ્ર્વિક સ્તરે ટેરિફ યુદ્ધ છેડ્યુ છે અને તેમાં એકમાત્ર ચીને જ નહીં, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોએ પણ વિરોધનો સૂર ઉચ્ચાર્યો છે. અમેરિકા ભારત પ્રત્યે સહેજે કૂણું નથી, હા, ચીન પ્રત્યે આકરું છે કારણ તેણે અમેરિકાને મૌખિક રીતે તો સણસણતો જવાબ આપ્યો છે અને સાથે છેક સુધી લડી લેવાનો તેમ જ જે પ્રકારનું યુદ્ધ ઇચ્છે તેમાં આગળ વધવાનો પડકાર આપ્યો છે. અમેરિકાએ ચીનને એકલું પાડી દેવા માટે તમામ દેશોને 90 દિવસનો સમય આપ્યો છે અને ટેરિફ નીચી રાખી છે, જ્યારે ચીન પર 145 ટકાની તોતિંગ ટેરિફ ફટકારી છે. અમેરિકા ઇચ્છે છે કે કોઇ દેશે ચીનને ટેકો ના આપવો જોઇએ અને આપે તો તેની સામે આકરાં પગલાં લેશે.

આ સ્થિતિમાં એક એવો ભય ઊભો થયો છે કે ચીન ક્યાંક પોતાનો માલ ભારતમાં તો નહીં ઠાલવે? કારણ કે ભારત એક મોટી બજાર તો છે જ પરંતુ ટેરિફનો દર પણ 145 ટકા સામે 26 ટકા છે. એક અહેવાલ પ્રમાણે એપલ કંપનીએ આ જ તફાવતનો લાભ લઇને ભારતની મદદથી અમેરિકામાં આઇફોનની નિકાસમાં અંદાજે રૂ. 5000 કરોડ બચાવી લીધા છે. ભારત માટે આ પરિસ્થિતિ લાભદાયી છે કે જોખમ એ અંગે ટોચના અર્થશાસ્ત્રીઓ પોતાના ઘોડા દોડાવી રહ્યા છે, પરંતુ સ્થાનિક ઉદ્યોગોનું હિત ધ્યાનમાં રાખીને ભારત સરકાર ચાઇનીઝ ડમ્પિંગને અવરોધવા માટેની વ્યૂહરચના ઘડી રહી છે. આ બાબત ગંભીર પણ છે અને જણાય છે એટલી સહેલી પણ નથી.

અમેરિકાએ બાકીના દેશોને ટેરિફમાંથી 90 દિવસની મુક્તિ આપી પણ ચીન પર લાદવામાં આવેલા 125 ટકા ડયૂટીનો અમલ શરૂ કર્યો હોવાથી હવે ચાઇનીઝ કંપનીઓ સસ્તો ચાઇનીઝ માલ ભારતમાં પધરાવવાની નીતિ અપનાવે એવી પૂરેપૂરી શક્યતા જોતાં, ભારત સરકાર ક્યા ક્યા ક્ષેત્રે ચીની કંપનીઓ આવી રીતે માલ પધારાવવા નજર દોડાવી શકે છે એ નક્કી કરીને આવાં ક્ષેત્રોમાં વચગાળાની એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી, મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ નક્કી કરી, અન્ય સેફગાર્ડ ડ્યૂટી લાદી અથવા તો અન્ય કોઇ પગલાં લઇ આ ક્ષેત્રના સ્થાનિક ઉત્પાદકોના હિતનું રક્ષણ કઇ રીતે કરવું તે અંગે વિચારણા કરી રહી છે.

જોકે આવા કોઇ પગલાં લેવામાં સરકાર થોડો ઘણો વિલંબ કરશે તો વેપારની ચાલબાજીમાં અત્યંત ચબરાક ચાઇનીઝ કંપનીઓ તેમનો હાલનો ઉત્પાદિત જથ્થો ભારતીય બજારમાં ડમ્પ કરી દેવામાં જરાય વાર નહીં કરે એવો ભય ઉદ્યોગજગતને સતાવી રહ્યો છે.અમેરિકાએ અગાઉ લાદેલી 54 ટકા ડયૂટીના વળતા પ્રહારરૂપે ચીને પણ 34 ટકા ડયૂટી લાદી હતી. તે પછી અમેરિકાએ આ ડયૂટી વધારીને 104 ટકા કરતાં ચીન પણ પાછું પડ્યું નહોતું અને અંત સુધી આ મુદ્દે લડી લેવાના નિર્ધાર સાથે ચીને ડયૂટી વધારીને 84 ટકા કરી હતી. આથી વધુ છંછેડાયેલા અમેરિકાએે ડયૂટી વધારીને 125 ટકા કરી હતી અને નવમી એપ્રિલથી જ તે અમલી બનાવી હતી, જ્યારે બાકીના દેશોને રેસિપ્રોકલ ડયૂટીમાંથી 90 દિવસો સુધી મુક્તિ આપવામાં આવી હતી.

આમ ચીન અને યુએસ વચ્ચે ચરમસીમાએ પહોંચેલા ટ્રેડ વોરને પગલે ચીની ડમ્પિંગ સામે ભારતીય ઉત્પાદકોના હિત રક્ષણને ભારત સરકારે અગ્રિમ સ્થાન આપ્યું હોવાથી આ દિશામાં વિચારણા કરવામાં આવી રહી હોવાનું સાધનો જણાવે છે. કેન્દ્ર સરકારને એવી ભીતિ છે કે અમેરિકાએ ફટકારેલી રેસિપ્રોકલ ટેરિફના પ્રહારથી બચવા ચીની કંપનીઓ હવે તેમની પાસે રહેલો ઉત્પાદિત જથ્થો ભારતમાં પાણીના ભાવે પધરાવી દેવાની પેરવી કરશે. આને કારણે ભારતીય બજારમાં ચાઇનીઝ કંપનીઓનો પગપેસારો વધશે અને ગ્રાહકોને લાભ થશે, પરંતુ ઉદ્યોગોને ફટકો પડશે.

સામાન્ય રીતે કોઇ પણ આયાત પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદવી હોય તો આવી સસ્તા ભાવે થતી આયાત અંગે ફરિયાદ મળે તે પછી તેમાં ડિરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા તપાસ કરવામાં આવે છે. આ તપાસ આશરે અઢાર મહિના જેટલી ચાલે છે અને તે પછી એન્ટિ ડમ્પિંગ જકાત લાદવામાં આવે છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી તપાસ ચાલુ હોય તે દરમિયાન પણ સરકાર વચગાળાની એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી શકે છે. આ ઉપરાંત કોઇ ફરિયાદ ન મળે તો પણ ડીજીએફટી સુઓમોટો તપાસ હાથ ધરી શકે છે. આથી હાલની સ્થિતિમાં સરકાર સુઓમોટો તપાસ હાથ ધરીને એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી શકે છે.

નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલથી જાન્યુઆરીના સમયગાળામાં ભારતે ચીનમાંથી 95 અબજ ડોલરની આયાત કરી છે. નોંધવા જેવી વાત એ છે કે, 2024માં ભારતમાં એન્ટિ ડમ્પિંગ ડયૂટી અંગેના જે કુલ કેસ હતા, તેમાંથી 79 ટકા કેસ ચીન સામેના હતા. સરકારે યુએસના ટેરિફ ટેરરથી સ્થાનિક ઉદ્યોગોને બચાવવા બાંયધરી આપી છે. જોકે સાથે સાથે સરકારે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને એમ પણ જણાવ્યું છે કે જે અન્ય દેશો પર ભારતથી વધારે ટેરિફ લાદવામાં આવી છે તે દેશોનો માલ ભારતમાં આયાત કરીને પછી તેને યુએસમાં નિકાસ કરી જંગી કમાણી કરવાની લાલચથી સ્થાનિક આયાતકાર અને નિકાસકારો દૂર રહે, કારણ કે આમ કરવાથી અમેરિકાનો ગુસ્સો ભારત પર ફંટાય અને ભારતને વધુ નુકસાન ભોગવવું પડે એ શક્ય છે.

જોકે હવે ભારત સહિત અન્ય દેશોને હાલ પૂરતી આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે ત્યારે ચીનમાંથી ભારતમાં માલસામાન આયાત કરી તેને યુએસમાં નિકાસ કરવામાં આવે એવી શક્યતા પણ વધી જાય છે. જો આમ થાય તો તેનાં માઠાં પરિણામો પણ ભારતને ભવિષ્યમાં ભોગવવા પડે એ શક્ય છે. દરમિયાન ભારતે ટેરિફ વોરના પડકારને ટ્રેડ ડીલમાં રૂપાંતરિત કરવાની કવાયત શરૂ કરી છે. તાજેતરમાં જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે એક ઔદ્યોગિક સંગઠનની સભાને સંબોધતા એવો દાવો કર્યો હતો કે નવી પરિસ્થિતિમાં ભારતને ફાયદો થાય એવાં સમીકરણો ગોઠવાશેે.

આપણ વાંચો : કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button