ઈન્ટરવલ

કવર સ્ટોરી : અમેરિકન ટૅરિફથી ભારતીય ઓટો સેકટરને કેટલું જોખમ?

-નિલેશ વાઘેલા

ટૅરિફના ખોફથી કાલે મંગળવારે જ સેન્સેક્સમાં 1500 પોઇન્ટ સુધીનો કડાકો બોલાઇ ગયો હતો. વાસ્તવમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ બીજી એપ્રિલે કેવી રેસિપ્રોકલ ડ્યૂટી લાદશે એની ફિકર વિશ્વના તમામ અર્થતંત્રને થઇ રહી છે, કારણ કે તઘલખી ટ્રમ્પના અતાર્કિક અને અણધાર્યા નિર્ણયોની અસર વૈશ્વિક અર્થતંત્ર પર થઇ રહી છે. અલબત્ત તાજેતરમાં જ ટ્રમ્પે કંઇક એવો ઇશારો કર્યો હતો કે તે તમામ પાર્ટનર દેશો પર પસ્તાળ પડે એવું કદાચ ના પણ કરે!

ખેર આ વાતનો ફેંસલો બુધવારે આવશે, પરંતુ ટ્રમ્પે ઓટોમોબાઇલ ઇમ્પોર્ટ પર 25 ટકાની ટેરિફની જાહેરાત અગાઉ જ કરી દીધી છે અને તે જ સાથે શેરબજારમાં ટાટા મોટર્સ સહિતના ઓટો શેરોમાં કડાકા બોલી ગયા હતા. જોકે, બીજા દિવસે ટેરિફની અસર વધુ ઘાતક રહેવાની સંભાવના ઓછી હોવાના અહેવાલો સાથે આ કંપનીઓના શેરમાં સહેજ સુધારો પણ જોવા મળ્યો હતો.

હવે આ ક્ષેત્રના નિષ્ણાતો એવો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યાં છે કે, ટ્રમ્પના ઓટો ટેરિફનો પ્રભાવ ભારતના ઓટો સેક્ટર પર ખૂબ ઓછો રહેવાની શક્યતા છે. અમુક નિષ્ણાતો માને છે કે આ ટેરિફની ભારતીય ઓટો કંપનીઓ પર ઝાઝી અસર થવાની શક્યતા નથી. અમુક રિપોર્ટ તો એવું પણ સૂચવે છે કે ટેરિફની આડઅસરને કારણે ઓટો પાર્ટસ બનાવતી કંપનીઓને ભારે લાભ થઇ શકે છે.

આ સંદર્ભે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઇ) કહે છે કે યુએસ ઓટો ટેરિફ ભારતના ઓટો સેક્ટર પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા નથી. અલબત્ત, કેટલીક શ્રેણીઓને પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ભારત તેના સ્પર્ધાત્મક ઉત્પાદનને કારણે ઓટો પાર્ટસમાં લાભ મેળવી શકે છે. સંપૂર્ણપણે તૈયાર વાહનો (કમ્પ્લીટલી બિલ્ટ વ્હીકલ્સ) અને ઓટો પાર્ટસ પર ત્રીજી એપ્રિલથી 25 ટકા આયાત ડ્યૂટી લાદવાની અમેરિકાની જાહેરાતનાં પરિણામો ભારતના ઓટો ઉદ્યોગ માટે મર્યાદિત રહેશે અને સ્થાનિક નિકાસકારો માટે પણ તક રજૂ કરી શકે છે, એમ આ થિંક ટેન્કનું માનવું છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે 26 માર્ચે, સંપૂર્ણ રીતે તૈયાર વાહનો (સીબીયુ) અને ઓટો પાર્ટ્સ પર પચીસ ટકાની જંગી ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે ત્રીજી એપ્રિલથી અમલમાં આવશે. સ્વાભાવિક છે કે આની અસર કેટલી થશે, તેનો આધાર ભારતથી આ બે શ્રેણીમાં અમેરિકામાં કેટલી નિકાસ થાય છે તેના પર રહેલો છે. કેલેન્ડર વર્ષ 2024માં ભારતની ઓટો અને ઓટો કમ્પોનન્ટ નિકાસના વિશ્લેષણ સૂચવે છે કે ભારતીય નિકાસકારો પર આ ટેરિફની અસર ખૂબ જ ઓછી રહેશે. પેસેન્જર કારની વાત કરીએ તો, ભારતે 2024માં અમેરિકામાં 8.9 મિલિયન ડોલરના વાહનોની સાધારણ નિકાસ કરી હતી, જે દેશની કુલ 6.98 અબજ ડોલરની નિકાસના માત્ર 0.13 ટકા છે.

આ નજીવા પ્રમાણનું એક્સપોઝર સૂચવે છે કે ટેરિફનો ભારતના સમૃદ્ધ કાર નિકાસ વ્યવસાય પર કોઈ વાસ્તવિક અસર પડશે નહીં અને અન્ય શ્રેણીઓમાં પણ, યુએસ એક્સપોઝર કાં તો ઓછું છે અથવા મેનેજેબલ છે. ટ્રમ્પે જકાત યુરોપના દેશો પર પણ નાખી છે, તેમ છતાં ભારતીય ઉત્પાદકો બીજા દેશની શોધ કરી શકે છે. ઉપરોક્ત સમયગાળામાં અમેરિકામાં ટ્રકની નિકાસ માત્ર 12.5 મિલિયન ડોલર રહી હતી, જે ભારતની ગ્લોબલ ટ્રક નિકાસના 0.89 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ ટ્રમ્પની જકાતની ભારતીય નિકાસ પર કેવી નગણ્ય અસર થશે એ અહીં સ્પષ્ટ થાય છે.

જોકે, એ વાત પણ ખરી કે, એન્જિનથી સજ્જ કાર ચેસિસ પર થોડી અસર થવાની શક્યતા છે, જ્યાં અમેરિકાનો હિસ્સો ભારતની 246.9 મિલિયન ડોલર વૈશ્વિક નિકાસમાંથી 28.2 મિલિયન ડોલર, એટલે કે 11.4 ટકા રહ્યો હતો. વાત જ્યારે નિકાસની થઇ રહી છે ત્યારે મિલિયનને લાખ કે કરોડમાં રૂપાંતરિત કરવાની આવશ્યકતા નથી જણાતી! જે સેગમેન્ટ પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે તે ઓટો પાર્ટસ છે. ભારતે 2024માં અમેરિકાને 2.2 બિલિયન ડોલરના ઓટો પાર્ટસની નિકાસ કરી હતી, જે તેની વૈશ્વિક ઓટો પાર્ટ નિકાસના 29.1 ટકા જેટલી હતી. એક નજરે આ બાબત ચિંતાજનક લાગે છે, પરંતુ ઝીણવટપૂર્વક જોવામાં આવે તો એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ દેખાય છે.

અમેરિકાએે ગયા વર્ષે વૈશ્વિક સ્તરે 89 બિલિયન ડોલરના ઓટો પાર્ટસની આયાત કરી હતી, જેમાં મેક્સિકોનો હિસ્સો 36 બિલિયન ડોલર, ચીનનો 10.1 બિલિયન ડોલર અને ભારતનો હિસ્સો ફક્ત 2.2 બિલિયન ડોલર હતો.પચ્ચીસ ટકા ટેરિફ સમગ્ર બોર્ડ પર લાગુ હોવાથી, બધા નિકાસ કરતા દેશો સમાન અવરોધનો સામનો કરી રહ્યા છે. આ સંદર્ભમાં નિષ્ણાતો એવું માને છે કે, આ બદલાયેલા હવામાનમાં ભારતના ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગને પણ ખુલવાનો સમય મળી શકે છે.

વાસ્તવમાં શ્રમલક્ષી ઉત્પાદનમાં તેના સ્પર્ધાત્મક ફાયદા અને ભારતના સ્પર્ધાત્મક આયાત ટેરિફ માળખા (શૂન્યથી 7.5 ટકા સુધી) સાથે, ભારત સમય જતાં અમેરિકામાં તેનો બજાર હિસ્સો વધારી શકે છે. જીટીઆરઆઇએ તો એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે ભારત સરકારે ટેરિફના પગલાને લાંબા ગાળે તટસ્થ અથવા તો હળવી ફાયદાકારક ઘટના તરીકે જોવું જોઈએ.

મોટાભાગની શ્રેણીઓમાં ઓછામાં ઓછા સીધું ઘર્ષણ હોવા સાથે અને ઓટો પાર્ટસમાં નિકાસ વધારાની સંભાવના ધ્યાનમાં લેતાં ભારત માટે પ્રતિકાર કરવાનું બહુ ઓછું તાર્કિક કારણ છે. પેસેન્જર કાર પર ટેરિફ ટાળવા માટે ભારત દ્વારા ટેરિફ ઘટાડવાનું કોઈપણ પગલું પ્રતિકૂળ પરિણામ આપશે.

ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ જોઇએ તો, ઓસ્ટ્રેલિયાએ જ્યારે 1980ના દાયકાના અંતમાં તેની આયાત ટેરિફ 45 ટકાથી ઘટાડીને 5 ટકા કરી નાખી, ત્યારે તેણે તેના સ્થાનિક ઓટોમોબાઇલ ઉત્પાદન ઉદ્યોગના પતનનો માર્ગ મોકળો કર્યો હતો. ભારતીય ઓટો ક્ષેત્ર દેશના ઉત્પાદન જીડીપીમાં લગભગ એક તૃતીયાંશ યોગદાન આપી રહ્યું છે, તેથી આવી કોઈપણ ભૂલ ટાળવી જોઈએ. ભારતીય ઓટો ક્ષેત્રની સ્થિરતા જાળવવી મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : કવર સ્ટોરી : અમેરિકાની મંદીનો ભરડો ભારતીય બજારને ભીંસમાં લેશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button