ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : તુમ્હારી અમૃતા: મરતાં સુધી શીખતાં જ રહેવાનું?

-દેવલ શાસ્ત્રી

અમૃતા શેરગીલનું જાણીતું પેન્ટિંગ ‘યંગ ગર્લ્સ’

હંગેરિયન માતા એન્ટોની ગોટ્સમન અને ભારતીય ધનિક શીખ પિતા ઉમરાવ સિંહની પુત્રી અમૃતા શેરગીલ 30 જાન્યુઆરી, 1913માં હંગેરીના બૂડાપેસ્ટમાં જન્મી હતી. અમૃતાએ પાંચ વર્ષની ઉંમરથી કલા પર સફળતાપૂર્વક સિક્કો જમાવી દીધો હતો. એનું જીવન અને આયુષ્ય જોતાં કહી શકાય કે સ્વામી વિવેકાનંદની જેમ વાવાઝોડાની ઝડપથી જીવવાનું શરૂ કરી દીધું હતું. અમૃતા આઠ વર્ષની હતી ત્યારે પરિવાર હંગેરીથી સિમલા આવીને વસ્યો. અમૃતાએ નાની બહેન ઇન્દિરા સાથે સંગીત કાર્યક્રમો અને નાટકોમાં ભાગ લેવા માંડ્યો.

માતા ઓપેરા ગાયિકા હોવાથી કળા એના લોહીમાં હતી, માતાને લાગ્યું કે અમૃતા બધા કરતાં કંઈક અલગ છે. માતાએ અમૃતાને લઈને પાછું યુરોપ જવાનું નક્કી કર્યું. અગિયારમા વર્ષે 1924માં ઇટાલીના ફ્લોરેન્સમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અમૃતા ભારત પાછી આવી, ભારતમાં ચિત્રકલા શીખવા માટે અભ્યાસની ખાસ તક નથી એવું લાગતાં સોળમા વર્ષે પેરિસમાં ઇકોલ દ બો માં એડમિશન લીધું અને તે સમયના પેરિસના જાણીતા કલાકારો પાસે શીખવાનું શરૂ કર્યું. કલાકાર બોરિસ તેજલિસ્કિના પ્રેમમાં કરેલાં આર્ટ વર્કમાં યુરોપિયન સ્ટાઇલનો પ્રભાવ હતો. અમૃતાએ ‘યંગ ગર્લ્સ’ નામનું પોપ્યુલર પેન્ટિંગ બનાવ્યું.

અમૃતા શેરગીલ એકવીસમા વર્ષે 1934માં તો પ્રતિષ્ઠિત રીતે પેરિસના ગ્રાન્ડ સેલોમાં સૌથી નાની વયની તથા પહેલી એશિયન એસોસિએટ બની. યુરોપની યાત્રા સમાપ્ત કરીને ભારતીય કળાના આત્માને જીવંત કરવા 1934માં માદરે વતન પરત આવી.

ભારતમાં જમશેદ ખંડાલાવાલાએ પ્રોત્સાહન આપ્યું અને કલકત્તાના જાણીતા દૈનિક ‘સ્ટેટસમેન’ માં લખવાનું શરૂ કર્યું. આપણી સંસ્કૃતિને કેનવાસ પર દોરવા ભારતને સમજવું પડે. અમૃતા પણ મહાત્મા ગાંધીની જેમ ભારત રખડવા નીકળી પડ્યાં. અજન્ટાની ગુફાઓનાં ચિત્રો જોયાં- માણ્યાં અને સમજ્યાં. મુઘલથી માંડી બાકી ભારતીય શૈલી સાથે પહાડી ચિત્રોનો અભ્યાસ કર્યો. અમૃતાએ ‘વિલેજ સીન’ નામનું પેન્ટિંગ દોર્યું હતું, જે પંદરેક વર્ષ અગાઉ કરોડોમાં વેચાયું હતું.

અમૃતાએ ભારતીય સમાજરચના, સમસ્યાઓ અને સંસ્કૃતિ અનુરૂપ ચિત્રકલા શરૂ કરી દીધી. સિમલા નિવાસ દરમિયાન બ્રિટિશ લેખક મેલ્કમ માર્ગરિઝના પ્રેમમાં પડી. અજન્ટાનાં ભીંત ચિત્રોને પેરિસમાં શીખેલી શૈલી સાથે દોરીને અમૃતાએ એક નવતર શૈલી સર્જી. ભારત ભ્રમણમાં 1937થી દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો. યુરોપ, ઉત્તર ભારતનો નિવાસ, મધ્ય ભારતની ચિત્રશૈલીનો અભ્યાસ સાથે દક્ષિણમાં ભારતની સંસ્કૃતિનો અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણ ભારતમાં ચિત્રોની ત્રણ નવી સિરીઝ બનાવી, જે ભારતીય કળા માટે નવી શૈલી હતી. દક્ષિણ ભારતમાં બ્રહ્મચારી, સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઇંગ ટુ માર્કેટ અને બ્રાઇડસ ટોઇલેટ ચિત્રો સજર્યાર્ં. આ ચિત્રોમાં ભારતની સંસ્કૃતિ ઝળકતી હતી.

પચીસ વર્ષની વયે 1938માં દૂરના સંબંધી યહૂદી એવા વિક્ટર ઇગ્નાન સાથે લગ્ન કર્યું. લગ્ન પછી ગોરખપુર પાસે આવેલા સરાયામાં બાપ-દાદાના ઘરમાં વસવાટ કર્યો. મુઘલ લઘુ ચિત્રશૈલી, યુરોપ અને અજન્ટાની શૈલીનો સમન્વય કરીને નવા ચિત્રો સજર્યાં. સરાયામાં ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ અને ‘સિએસ્ટા’ દોર્યા અને ભારતની સૌથી મોંઘી કલાકાર બની અમૃતા ગાંધીજીના જીવનથી પ્રભાવિત હતી, 1940માં જવાહરલાલ નેહરુ સાથે ગોરખપુરમાં મુલાકાત થઈ અને નેહરુની સુંદરતાની ચાહક બની…

બ્રિટિશ ઇન્ડિયાના લાહોરમાં સોલો એક્ઝિબિશન કરવા માટે વસવાટ બદલ્યો. આ દરમિયાન કોઈ અજ્ઞાત બીમારી અથવા કેટલાકના મતે પ્રેગનન્સીના કારણે 1941માં અઠ્ઠાવીસ વર્ષે અમૃતાએ પોતાનો શ્વાસનો ખેલ આટોપી લીધો… એમના નિધન માટે મીડિયામાં આત્મહત્યાથી માંડીને ઝેર આપવા સુધીની કથાઓ ચર્ચામાં રહી હતી. ભારતની ચિત્રકળાને નવો માર્ગ ચીંધનારી અમૃતાએ નાનકડા જીવનમાં અંદાજે સો કરતાં વધુ ક્લાસિક પેન્ટિંગ કર્યાં. એવું માનવામાં આવે છે કે અમૃતા શેરગીલને અનેક પુરુષ અને સ્ત્રીઓ સાથે સંબંધ હતાં. એ સમયની વાતો મુજબ અમૃતાનું ‘ટુ વીમેન પેન્ટિંગ’ એ અને એની પ્રેમિકાના સંબંધ પર આધારિત હતું.

અમૃતા કહેતાં હતાં કે યુરોપની પિકાસો જેવી મહાન કળા ભારતમાં પ્રસ્થાપિત કરવી છે. પોતાના પેન્ટિંગમાં યુરોપિયન અને ભારતીય સૌંદર્યનું શ્રેષ્ઠ ફયુઝન કર્યું હતું. એમણે ભારતીય લોકકથાઓ, લોકજીવન અને વારસા સાથે સ્ત્રીઓની સંવેદનાને મહત્ત્વ આપ્યું હતું. અમૃતાના ધ બ્રાઇડ્સ ટોયલેટ, ધ સ્મોલ ફિગર ઈન ધ ડિસ્ટન્સ અને ધ મોર્નિંગ કોલ જેવા અધૂરાં ચિત્રો માટે માનવામાં આવે છે કે તેમાં વપરાયેલો ડાર્ક રંગ અમૃતાની વેદના અને બંડને દર્શાવે છે.

અમૃતાની વાત લખવાનું એટલા માટે યાદ આવ્યું કે અતિ વ્યસ્ત બનેલી આપણી જિંદગીમાં રંગો સ્વપ્ન પૂરા કરવામાં મોડું ના થઇ જાય.

અમૃતા શેરગીલ પર જાવેદ સિદ્દીકીએ સુંદર નાટક લખ્યું : ‘તુમ્હારી અમૃતા’… ફારુખ શેખ અને શબાના આઝમી દ્વારા ટેબલ- ખુરશી પર બેસીને ભજવેલા નાટકના કેટલાક અંશો યુ ટ્યુબ પર છે. મૂળ અમેરિકન ડ્રામા ‘લવ લેટર્સ’નું ભારતીયકરણ કરવામાં આવ્યું હતું, પહેલીવાર આ નાટક જેનીફર કપૂરની જન્મતિથિ નિમિત્તે પૃથ્વી થિયેટરમાં વર્ષ 1992માં ભજવવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ નાટકનો દુનિયાભરના નાટ્યપ્રેમીઓ સમક્ષ પ્રયોગ થયો હતો, પાકિસ્તાનમાં શો થયા ત્યારે સ્થાનિક મીડિયામાં ખૂબ પ્રશંસા પામ્યું હતું. ‘તુમ્હારી અમૃતા’નો આગ્રાના તાજમહાલમાં એક ફેસ્ટિવલ દરમિયાન વર્ષ 2013માં અંતિમ પ્રયોગ થયો.

આ આખી વાતનો સાર શું છે? અમર થવા જિંદગી લાંબી હોવી જરૂરી નથી, લાઇફની ડિઝાઇન ખબર હોવી જોઈએ. સાઠ સિત્તેર વર્ષે પણ લોકો બોલતા હોય છે કે જિંદગી રોજ નવા લેશન શીખવતી હોય છે, સહમત… પણ જિંદગી કેટલું શીખવશે? ક્યારેક તો અમૃતા શેરગીલ બનવાનું કે નહીં? મરતાં સુધી શીખતાં જ રહેવાનું? દુનિયાને શીખવાડવા માટે આપણું સર્જન થયું છે એ આત્મવિશ્વાસ ક્યારે કેળવવાનો?

બાય ધ વે, કામ કરવાનો કંટાળો આવે તો અમૃતા શેરગીલને યાદ કરવી!

ધ એન્ડ :
હું તને પસંદ કરું છું, મને આનાથી વધારે કડક શબ્દોમાં લખતાં આવડતું નથી. (લવ લેટર્સ)

આ પણ વાંચો : ઔર યે મૌસમ હંસીં… : વિશ્વને મહાન સૂત્રો આપવા છતાં સુખની ગણતરીમાં ભારત પાછળ કેમ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button