ઈન્ટરવલ

પ્રાસંગિક : ટ્રમ્પનું ટેરિફ 2.0- ગ્લોબલ ઇકોનોમી પર થશે કુઠારાઘાત, અમેરિકા માટે પણ…

  • અમૂલ દવે

વિશ્વમાં એક અલગ પ્રકારના યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ યુદ્ધ કોઈ પ્રદેશ કે સંપત્તિ કે કોઈ શત્રુતા માટેનું નથી. આ યુદ્ધ વેપાર માટેનું નથી. ઊલટું આ યુદ્ધ ગમે તે હિસાબે અને જાગતિક વેપારના ભોગે પોતાના દેશની પ્રગતિ કરવા માટેનું છે.

Also read : સાયબર ઠગ બૅંક ખાતું ભાડે રાખીને કરે કમાણી

આ યુદ્ધનું મુખ્ય હથિયાર ટેરિફ છે. કોરોનાની મહામારી, રશિયા અને યુક્રેન તથા ઈઝરાયલનું હમાસ અને હિજબુલ્લાહ સાથેનું યુદ્ધ તથા કુદરતી આપદાઓને લીધે ગ્લોબલ ઈકોનોમી લકવાગ્રસ્ત થઈ છે ત્યારે આ નવા ટેરિફ અને ટે્રડ વોરથી ગ્લોબલ ઈકોનોમી પર જબરો વજ્રઘાત થવાનો છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ એક અકલ્પનીય તરંગી અને્‌‍ જીદ્દી માણસ છે.આ અકળ આદમીએ ચૂંટણી પ્રચારમાં જે ધમકીઓ આપી હતી એનો અમલ શરૂ કરી દીધો છે.

ટ્ર્મ્પ જાણે આખા વિશ્વનો સમ્રાટ હોય એમ દરેક દેશ અને તેમના વડાને ધમકાવે-ડરાવે છે. ટ્રમ્પનું આ ટેરિફાઈંગ ટેરિફ કૃત્ય અતિશય ખતરનાક છે. આને લીધે ચીન, મેક્સિકો અને કેનેડા જેવા દેશ તો લોહીલુહાણ થશે, પરંતુ અમેરિકા પોતે પણ ઘાયલ થશે. ટ્રમ્પની ધમકી અને અવિચારી ટેરિફને લીધે આખા વિશ્વમાં મોંઘવારી વધશે અને મંદી આવશે.

ટ્રમ્પે મેક્સિકો, ચીન અને કેનેડા પર દબાણ લાવવા એ દેશોના માલસામાન પર જે ટેરિફ ફટકાર્યો છે. અમેરિકા પોતાના સાથીદારો યુરોપના દેશો ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે પર ટેરિફ નાખશે તો એ બધા દેશ પણ વળતાં પગલાં લેશે. આ દેશો ટ્રમ્પના જમણા હાથ સમા એલન મસ્કની ધમકીઓને લીધે અગાઉથી નારાજ છે. ટ્રમ્પનું અવિચારી પગલું એના સાથીદારોને પણ ચીન અને રશિયાની ધરી તરફ વળવા ફરજ પાડશે.

આવાં પગલાં પછી ટ્રમ્પનું માનવું છે કે આનાથી અમેરિકા વધુ સમૃદ્ધ બનશે અને તેની ગુમાવેલી તાકાત પાછી મેળવશે. હકીકત એ છે કે ટ્રમ્પ મૂર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. મેક્સિકો અને કેનેડા એ તો વળતા ટેરિફ નાખી જ દીધો છે. દુનિયાને કોઈ દેશ સંપૂર્ણપણે સ્વાવલંબી ન હોઈ શકે. ટ્રમ્પે મોંઘવારી હટાવવાના નામે મત મેળવ્યા છે, પરંતુ એમણે છેડેલાં ટેરિફવોરને લીધે અમેરિકનોનું બજેટ ખોરવાઈ જશે.

Also read : પલાયન પ્રમોટરોનું!!!

અમેરિકન કુટુંબને ઓછામાં ઓછું 1,000 ડોલરનું નુકસાન થશે. રમકડા. અમેરિકામાં ફુડ પ્રોડક્ટસ, પેટ્રોલ-ડિઝલ, કાર, બિયર, ઈલેકટ્રોનિક્સ અને બીજી વસ્તુઓ મોંઘી થશે. ટ્રમ્પે તો `બ્રિકસ’ના દેશો જેમાં ભારત આવે છે એના પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પની જાહેરાતથી આખા જગતના શેર બજારોનો આંક ઊંધે માથે પટકાયો છે. ભારતમાં તો પાંચ મિનિટમાં જ રોકાણકારોના પાંચ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. દુનિયામાં 60 કલાકમાં 760 અબજ ડૉલરનું નુકસાન થયું છે. એક વ્યક્તિના અવિચારી નિર્ણયથી આખા જગતનું અર્થ તંત્ર ડામાડોળ થઈ ગયું છે.

સત્તા સંભાળતા જ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયામાં ફરી એક વખત ટે્રડવોરના મંડાણ કર્યા છે. ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં ચીન સાથે ટે્રડવોર શરૂ કરી હતી જ્યારે હવે પડોશી દેશોને પણ આડે હાથ લીધા છે. ટ્રમ્પે અમેરિકાના પડોશી દેશો કેનેડા અને મેક્સિકો ઉપર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે.

જવાબમાં કેનેડા અને મેક્સિકો અમેરિકા સામે આકં વલણ અપનાવતા અમેરિકાના સામાન પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જ્યારે ચીને વર્લ્ડ ટે્રડ ઓર્ગેનાઈઝેશન’ (ડબલ્યુટી’) ઓમાં જવાની ધમકી આપી છે. ત્રણેય દેશે ટ્રમ્પ સામે ઘૂંટણિયે ટેકવાનો ઈનકાર કરી દેતાં ટે્રડ વોર વધુ વકરવાની આશંકા છે.

મેક્સિકન -કેનેડા- ચીન એમ આ ત્રણેય દેશ અમેરિકાની650 બિલિયન ડૉલરની ખાધ માટે જવાબદાર છે.

ટેરિફની જાહેરાત પછી ટ્રમ્પ સોશિયલ મીડિયા પર કહે છે કે, અમેરિકાનાં હિતોના રક્ષણ માટે મેકસિકો -કેનેડા પર ર ટેરિફ લાદવા જરૂરી હતા. કેનેડા અને મેક્સિકો તેમની સરહદેથી ગેરકાયદે વસાહતીઓની અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હોવાથી તેમના પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે , જ્યારે અમેરિકામાં જીવલેણ ડ્રગ્સ `ફેન્ટાનીલ’ ઘુસાડવા માટે ચીન જવાબદાર હોવાથી તેના પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે આ સાથે ચેતવણી આપી હતી કે ત્રણેય દેશ વળતો જવાબ આપશે તો તેમની સામે વધુ જંગી ટેરિફ લાદવામાં આવશે.

Also read : પાકિસ્તાનમાં એકાએક ઇંટોના વેપારમાં તેજી કેમ?

અલબત્ત, ટ્રમ્પને પણ ખ્યાલ છે કે એના આ પગલાંથી અમેરિકનોને પણ નુકસાન થશે. આથી એ ખુદ કહે છે કે અમેરિકાને મહાન બનાવવા અમેરિકનોને પણ સહન કરવું પડશે.

ડોનલ્ડ ટ્રમ્પના પગલાં સામે નમતું જોખવાનો ઈન્કાર કરતાં કેનેડા અને મેક્સિકોએ વળતા જવાબરૂપે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની રવિવારે જાહેરાત કરી છે. કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસ દ્વારા લેવામાં આવેલાં પગલાંએ અમેરિકા-કેનેડાને સાથે રાખવાના બદલે વિભાજિત કરી દીધા છે. અમે અમેરિકામાં 155 અબજ ડૉલર સુધીની વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદીશું.

કેનેડા અને મેક્સિકો સામે ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પ કૂણા પડ્યા છે. ટ્રમ્પે બન્ને દેશોના વડા સાથે વાતચીત કર્યા બાદ સૂચિત ટેરિફ 30 દિવસ માટે મોકૂફ રાખવા સંમત થયા છે. બન્ને દેશોએ ફેન્ટેલાઈનની દાણચોરી રોકવા પગલાં લેવાની અને સરહદની સલામતી મજબૂત બનાવવાની તૈયારી દાખવી છે.

બીજી બાજુ ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફવોર ચાલુ થઈ ગયું છે. ચીને અમેરિકાની વસ્તુઓ પર કાઉન્ટર-ટેરિફ લગાડ્યા છે. ચીને અમેરિકના કોલસા, એલપીજી પર 15 ટકા તથા+ ખનીજ તેલ, કૃષિ મશીનરી અને કાર પર 10 ટકા ટેરિફ લગાડ્યા છે. આ સાથે ચીને અમેરિકાને ટન્ગસ્ટેન, ટેલુરિયમ, મોલીબડીયમ અને રુથેનિયમની આઈટમની નિકાસ કરવા પર અંકુશો મૂક્યા છે.

ટેરિફ વધારાના ટ્રમ્પના પગલાંની વિદેશમાં જ નહીં, અમેરિકામાં પણ આકરી ટીકા થઈ રહી છે. ડેમોક્રેટ્સ આ મુદ્દે ટ્રમ્પની ઝાટકણી કરવાની તક ઝડપી લેતા કહ્યું કે, અમેરિકનો વધતી મોંઘવારીથી ચિંતિત હતા. ફુગાવા પર નિયંત્રણ માટે એમણે ટ્રમ્પને વોટ આપ્યા હતા, પરંતુ હવે મોંઘવારીમાં જે વધારો થશે તેના માટે ટ્રમ્પનાં પગલાં જવાબદાર હશે.. અમેરિકન અર્થતંત્ર પર તેની ગંભીર અસર થઈ શકે છે. અમેરિકામાં આયાત થતાં ઉત્પાદનોમાં કેનેડા, મેક્સિકો અને ચીનનો હિસ્સો ત્રીજા ભાગ કરતાં વધુ છે, જે લાખો અમેરિકનોને રોજગારી પૂરી પાડે છે. અમેરિકા મેક્સિકોમાંથી ઓટો અને ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ સેક્ટર્સમાં આયાત કરે છે જ્યારે કેનેડામાં મિનરલ પ્રોસેસિંગની આયાત કરવામાં આવે છે.

Also read : ₹૨૦૦ કરોડની ઠગાઈ થઈ હતીડિપફેકની નકલી ઝૂમ મીટિંગથી

જોકે, આ ટે્રડ વોરના કારણે અમેરિકામાં કૃષિ, માછીમારી, ધાતુ અને ઓટો ઉત્પાદન પર સૌથી મોટું જોખમ ઊભું થવાની આશંકા છે. આ દેશોમાંથી આયાત થતાં ઉત્પાદનો પર ટેરિફ લાગુ થવાથી કેટલીક કંપનીઓ તેમના પરનો બોજો ઉત્પાદનોના ભાવ વધારીને ગ્રાહકો પર નાખે તેવી શક્યતા છે. બીજીબાજુ કેટલીક કંપનીઓ આ બોજો પોતે ઉપાડી શકે છે જ્યારે અન્ય કંપનીઓ વિદેશી સપ્લાયરને આ બોજો ઉપાડવા દબાણ કરી શકે છે.

ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં ચીન પર ટેરિફ નાખ્યા હતા ત્યારે મોટાભાગની કંપનીઓએ આ ખર્ચ અમેરિકન ગ્રાહકો પર નાખ્યો હતો. આવી જ સ્થિતિ ફરી એક વખત ઊભી થઈ રહી છે. અમેરિકામાં ગ્રોસરીની વસ્તુઓ, કાર અને પેટ્રોલના ભાવમાં જંગી વધારો થઈ શકે છે. અમેરિકા તેનું અંદાજે 60 ટકા ક્રૂડ ઓઈલ કેનેડામાંથી આયાત કરે છે. ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લગાડતા તેના ભાવ વધી શકે છે

ભારતના રૂપિયાની હાલત કફોડી થઈ છે…..

આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. આ અઠવાડિયે બજાર ખુલ્યું ત્યારે કરન્સી માર્કેટમાં રૂપિયા 60 પૈસાથી વધુ ઘટીને 87ના સ્તરને પાર કરી ગયો. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રૂપિયામાં આટલો મોટો ઘટાડો એ કોઈ નવી વાત નથી. જો આપણે આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયામાં 4%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો 90ના સ્તરને પાર કરી શકે છે.

લાખો રૂપિયાનો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. ? નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમાંથી રૂપિયો પણ બાકાત નથી રહ્યો. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે.

ભારત પર પણ ટેરિફ લાદવામાં આવી શકે છે. એના કારણે રૂપિયો અને શેરમાર્કેટમાં ભય જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વાસ્તવિકતા બન્યા બાદ એશિયન કરન્સી અને ઈક્વિટીમાં થયેલા ઘટાડાના પગલે ભારતીય રૂપિયો પ્રથમ વખત યુએસ ડૉલર સામે રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો.. ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ સ્વીકાર્યું છે કે ટ્રમ્પના પગલાંની આડકતરી અસર ભારત પર પડશે.

Also read : ઝૂમ મીટિંગની સૂચના મુજબ ₹ ૨૦૦ કરોડ ટ્રાન્સફર થયા પણ…

નિષ્ણાતોનું માનીએ તો વિદેશી મૂડીનો સતત પ્રવાહ તથા તેલ આયાતકારો તરફથી ડૉલરની સતત માગના કારણે વિદેશી બજારોમાં યુએસ ચલણના વ્યાપક મજબૂતીકરણને કારણે રૂપિયા પર સતત દબાણ આવી રહ્યું છે.

ભારતની અગમચેતી….

ભારત સરકાર આવા કોઈપણ પગલાનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત છે. બજેટમાં ટ્રમ્પ ખુશ થાય એવી અનેક જાહેરાતો કરવામાં આવી છે.વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલય અને કેટલીક અન્ય સરકારી એજન્સીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર અમેરિકા હોવાથી સરકાર આગળ વધવાની કાળજીપૂર્વક નીતિ અપનાવી રહી છે. કેન્દ્રીય બજેટ 2025-26માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી કેટલીક જાહેરાતોને અમેરિકાની નવી સરકારને સકારાત્મક સંકેતો મોકલવા તરીકે પણ જોવામાં આવી રહી છે. ખાસ કરીને, ભારતમાં પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને નાગરિક જવાબદારી કાયદામાંથી રાહત આપવી અને વિદેશી ટુ-વ્હીલર્સની આયાત પરની ડ્યૂટી ઘટાડી છે.

અમેરિકાની નવી સરકાર ભારત અંગે શું પગલાં લેશે તે હજુ અનિશ્ચિચત છે, પરંતુ ભારત તૈયાર છે અને ભારતનો પ્રતિભાવ શું હોવો જોઈએ તે અંગે વિવિધ મંત્રાલયો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સામાન્ય બજેટમાં પરમાણુ ઊર્જા પ્લાન્ટ્સને નાગરિક જવાબદારી કાયદામાંથી રાહત આપવાના સરકારના નિર્ણયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકાની મુલાકાત સાથે જોડવામાં આવી રહ્યો છે.

Also read : પૃથ્વીના છેડા એવા ઉત્તર ધ્રુવ-દક્ષિણ ધ્રુવ પર જવું છે?

આ નવી આપદામાં અવસર પણ છે. જો ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડે તો ભારત માટે અમેરિકન બજારમાં જબરદસ્ત હાજરી નોંધવાનો મોકો મળશે. જોકે ટ્રમ્પના ગાંડા અને તરંગી નિર્ણયો અમેરિકા જેવા વિશાળ દેશને વિભાજન તરફ ન દોરે તો સાંરું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button